ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો સમય પૂરો થવા આવ્યો પણ હજારો ખેડૂતો હજુ વારાની રાહ કેમ જોઈ રહ્યા છે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં સરકારે 11 નવેમ્બર 2024ના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ કર્યું અને ત્યાર પછીના ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતો પાસેથી પ્રતિ મણ 1356.6 રૂપિયાના લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન કર્યું હતું.

આ ત્રણ મહિનાનો સમયગાળો આઠ ફેબ્રુઆરી 2025ના રોજ એટલે કે આ શનિવારે પૂરો થઈ રહ્યો છે.

સરકારે અગાઉના બધા રેકૉર્ડ તોડી નાખે તેટલી માત્રામાં મગફળીની ખરીદી કરી લીધી છે છતાં સરકારે ખોલેલાં ખરીદીકેન્દ્રો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને સરકારી આંકડા મુજબ હજુ હજારો ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે વારાની રાહ જોઈ રહ્યા છે.

પરંતુ સરકારી અધિકારીઓ કહે છે કે નોંધાયેલ બધા ખેડૂતોનો વારો આવી જશે અને જો જરૂર જણાય તો ખરીદીની સમયમર્યાદામાં પણ લંબાવી શકે છે.

કેટલા ખેડૂતો વારાની રાહમાં છે?

બીબીસી ગુજરાતીએ મેળવેલ સત્તાવાર આંકડા મુજબ ગુજરાતના 3,73,433 ખેડૂતોએ 2024ના વર્ષમાં ચોમાસામાં પકવેલ પોતાની મગફળી સરકારને ટેકાના ભાવે વેચવા માટે પોતાનાં નામ નોંધાવ્યાં હતાં.

તેમાંથી 3,40,761 ખેડૂતોને ત્રણ ફેબ્રુઆરી 2025 સુધી મોબાઇલ પર એસએમએસ મોકલી તેમની મગફળી ખરીદકેન્દ્રો પર લઈ જવા સૂચના આપી દીધી હતી. આમ, 32,672 ખેડૂતો હજુ પણ તેમના વારાની રાહ જોઈ રહ્યા છે.

સરકાર શું કહે છે?

કેન્દ્ર સરકારે દેશમાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે નૅશનલ કોઑપરેટિવે માર્કેટિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ(નાફેડ) અને નૅશનલ કન્ઝ્યુમર કોઑપરેટિવે ફૅડરેશન (એનસીસીએફ)ને રાષ્ટ્રકક્ષાની અજેન્સીઓ નીમી છે.

નાફેડે ગુજરાતમાં મગફળીનાં ખરીદ કેન્દ્રો ચલાવવા માટે ગુજરાત સ્ટેટ કોઑપરેટિવે માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ને અને એનસીસીએફએ ઇન્ડિઍગ્રો કન્સોર્શિયમ પ્રોડ્યૂસર કંપની લિમિટેડને રાજ્ય કક્ષાની અજેન્સીઓ નીમી છે.

ગુજકોમાસોલ ખેડૂતોની મંડળીઓનું સંગઠન છે જયારે ઇન્ડિઍગ્રો ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપનીઓ (એફપીઓ)નું સંગઠન છે. ગુજકોમાસોલને 2.74 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું કામ સોંપાયું હતું જયારે ઇન્ડિઍગ્રોને 98,862 ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું કામ સોંપાયું હતું.

ઇન્ડિઍગ્રોના ચીફ ઍક્ઝીક્યુટિવ ઑફિસર માનસિંહ સિસોદિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમને ફાળવાયેલ જથ્થાની ખરીદી 31 જાન્યુઆરી 2025ના રોજ જ પૂર્ણ કરી દેવાઈ છે.

સિસોદિયાએ જણાવ્યું, "અમે બધા ખેડૂતોને એસએમએસ મોકલી અમારા 104 ખરીદ કેન્દ્રો પર બોલાવ્યા હતા. તેમાંથી 93,736 ખેડૂતો પાસેથી ત્રણ લાખ ટન મગફળી ખરીદી છે. તેની કુલ કિંમત 2,030 કરોડ રૂપિયા થાય અને તેમાંથી ત્રણ ફેબ્રુઆરી સુધીમાં 1,635 કરોડની ચુકવણી પણ ખેડૂતોને કરી દેવાઈ છે."

પરંતુ ગુજકોમાસોલના ચૅરમૅન દિલીપ સંઘાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમને ફાળવાયેલ જથ્થાની ખરીદી પૂર્ણ કરવા કદાચ મુદત વધારવાની જરૂર પડે.

દિલીપ સંઘાણીએ કહ્યું કે, "અમારે હજુ થોડાક ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની બાકી છે અને શક્ય છે કે આઠ તારીખની મુદત પૂરી થયા પછી બે-પાંચ ટકા ખેડૂતો બાકી રહી જાય. પરંતુ સરકાર મુદતમાં વધારો કરશે એટલે અમે તે ખેડૂતો પાસેથી પણ મગફળી ખરીદી લઈશું."

ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના એક અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો વાતાવરણ બગડશે નહીં તો ખરીદી સમયસર પૂરી થઈ જશે.

અધિકારીએ પોતાની ઓળખ છાતી ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું, "અમે દરરોજ પાંચ હજાર ખેડૂતોને ખરીદકેન્દ્રો પર મગફળી લઈને આવવાના એસએમએસ મોકલીએ છીએ. તે ગણતરીએ, આગામી પાંચ દિવસમાં જે ત્રીસ-બત્રીસ હજાર ખેડૂતો બાકી છે તેમનો વારો આઠ તારીખ સુધીમાં આવી જાય."

"પરંતુ રાજ્યમાં હાલ વાદળછાયું વાતાવરણ છે અને કમોસમી વરસાદ થવાની ભીતિ છે. જો કમોસમી વરસાદ થાય તો મગફળીની ખરીદી રોકી દેવી પડે અને તેવી સ્થિતિમાં ખરીદી 90 દિવસની સમયમર્યાદામાં પૂરી ન થઈ શકે."

"આવા સંજોગોમાં રાજ્ય સરકાર ખરીદી કરવાની 90 દિવસની મુદતમાં વધારો કરવાની માંગણી કરશે અને સામાન્ય રીતે આવી માંગણી કેન્દ્ર સરકાર સ્વીકારી લેતી હોય છે."

તો મોડું કેમ થયું?

સરકારી અધિકારીએ કહ્યું કે રાજ્યમાં આટલા મોટા પાયે ખરીદી ક્યારેય નથી થઈ.

અધિકારીએ કહ્યું, "હાલ ગોડાઉનની તકલીફ છે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન ખાનગી માલિકીના ગોડાઉન ભાડે રાખી રહ્યાં છે અને તેમાં મગફળીનો સંગ્રહ કરાઈ રહ્યો છે. વળી, કુંભમેળાના કારણે રોડ પરના ટ્રાફિકના કારણે બારદાન આવવામાં પણ થોડી તકલીફ થઈ છે."

તો કેટલી મગફળીની ખરીદી થઈ ગઈ છે?

સત્તાવાર આંકડા અનુસાર ત્રણ ફેબ્રુઆરી સુધીમાં 10 .76 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ ગઈ હતી. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં આ એક નવો વિક્રમ છે.

આ પહેલાં 2017 -18 માં સરકારે 8.27 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી હતી. આ વર્ષે મગફળી ખરીદીના બધા રેકૉર્ડ તૂટી ગયા છે.

અત્યાર સુધીમાં લગભગ 11 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ કરાઈ છે અને ખરીદાયેલા જથ્થાની કિંમત લગભગ રૂપિયા 7000 કરોડ થાય છે. તેમાંથી, રૂપિયા 5,744 કરોડથી વધારે ખેડૂતોને ચૂકવી પણ દેવાયા છે.

અધિકારીએ કહ્યું, "ટેકાના ભાવે લગભગ 13 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી ગુજરાતમાંથી થશે અને તેનું મૂલ્ય લગભગ 10,000 કરોડ હશે."

બજારભાવ કેવા છે?

સરકાર રાજ્યમાં થયેલ મગફળીના કુલ ઉત્પાદનના 25 ટકા જથ્થાને ટેકાના ભાવે ખરીદે છે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને બજારભાવ પણ ઊંચકાય.

પરંતુ આ વર્ષે બજારવભાવ નીચા જ રહ્યા છે.

જયારે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ ત્યારે રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના યાર્ડમાં મગફળીના બજારભાવ રૂપિયા 1150 થી 1200 પ્રતિ મણ હતા.

તાજેતરના દિવસોમાં તે ઘટીને રૂપિયા 1,050 ની આસપાસ થઈ ગયા છે.

આમ, હાલ ટેકાના ભાવ બજાર ભાવ કરતા સરેરાશ ત્રણસો રૂપિયા જેટલા વધારે છે તેવું ઍગમાર્કનેટ પર ઉપલબ્ધ બજારભાવોના આંકડા પરથી જણાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.