You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નૅનો યુરિયા સામે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલયને વાંધો કેમ, પાકના ઉત્પાદન પર તેની અસર થાય?
- લેેખક, હરમનદીપ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ખેડૂતો અને સરકાર, બંનેએ દર વર્ષે પરંપરાગત દાણાદાર યુરિયા ખાતરની અછત સામે ઝઝૂમવું પડે છે. કદાચ જ એવું એકેય વર્ષ રહ્યું હશે જ્યારે યુરિયાનો અબાધ પુરવઠો રહ્યો હોય.
આ સ્થિતિને જોતાં, નૅનો યુરિયા પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે પણ ગણતરીમાં લેવાવા લાગ્યું. તેથી, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કૉ-ઑપરેટિવ લિમિટેડ(ઇફકો) દ્વારા પહેલાં નૅનો યુરિયા, પછી સુપર નૅનો યુરિયા અને નૅનો પ્લસ ઉત્પાદન લૉન્ચ કરવામાં આવ્યાં.
પરંતુ, પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય, લુધિયાણાના સોઇલ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જુદાજુદા સમયે કરાયેલાં નૅનો યુરિયા, સુપર નૅનો યુરિયાનાં પરીક્ષણો અપેક્ષા કરતાં ઊણાં ઊતર્યાં.
એક કંપની, ત્રણ ખાતર
ઇફકો અથવા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કૉ-ઑપરેટિવ લિમિટેડ, એક ખાતર સહકારી સમિતિ છે, જે ભારતમાં ખેડૂતો માટે ખાતર બનાવે છે અને વેચે છે.
તે ભારતની સૌથી મોટી સહકારી ફર્ટિલાઇઝર નિર્માતા છે, તેનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં આવેલું છે. ગુજરાત ભાજપના અગ્રણી દિલીપભાઈ સંઘાણી તેના અધ્યક્ષ છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇફકો ખેડૂતોને પરંપરાગત ખાતરોના બદલે પોતાનાં કૉમ્પૅક્ટ નૅનો યુરિયા ખાતરોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે.
નૅનો યુરિયા શું છે?
નૅનો યુરિયા ઇફકોનું પ્રથમ ઉત્પાદન હતું, જેને 2020માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. એ સમયે હાલમાં પોરબંદરની બેઠક ઉપરથી સંસદસભ્ય મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૅનો યુરિયા એક તરલ(પ્રવાહી) ખાતર છે અને તે પર્યાવરણને અનુકૂળ હોવાનો દાવો કરાય છે. તેમાં 4 ટકા નાઇટ્રોજન હોય છે.
યુનિવર્સિટીના સોઇલ સાયન્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ રસાયણવિજ્ઞાની ડૉ. રાજીવ સિક્કાએ જણાવ્યું કે, તેનો અર્થ એ કે, 500 મિલીલીટરની એક બૉટલમાં 20 ગ્રામ નાઇટ્રોજન હોય છે.
સુપર નૅનો શું છે?
સુપર નૅનો ઇફકોનું બીજું ઉત્પાદન હતું. એને નૅનો યુરિયા પછી બજારમાં મૂકાયું હતું. તેમાં નાઇટ્રોજનની માત્રા 8 ટકા હોય છે.
ઇફકોએ તેને 2023માં લૉન્ચ કર્યું હતું. પંજાબ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી અનુસાર, સુપર નૅનોનાં પરિણામો પણ અપેક્ષાકૃત નથી મળ્યાં.
નૅનો પ્લસ શું છે?
હવે ઇફકો નૅનો પ્લસ નામથી ત્રીજું એક ઉત્પાદન લઈને આવી છે. ઇફકોનો દાવો છે કે તેમાં લગભગ 16થી 20 ટકા નાઇટ્રોજન હોય છે.
ઇફકોના આ ઉત્પાદનની ઈ.સ. 2024માં જાહેરાત કરવામાં આવી અને પીએયુને આ ઉત્પાદનનું પરીક્ષણ કરવાનું પણ કહેલું. યુનિવર્સિટીએ કૅમ્પસમાં આ ઉત્પાદનની ફીલ્ડ ટ્રાયલ શરૂ કરી દીધા છે.
પ્રોફેસર સિક્કાએ કહ્યું કે, તેમણે ડાંગર પર નૅનો પ્લસનું પરીક્ષણ કરી લીધું છે, જ્યારે ઘઉં અને બટાટા પર પરીક્ષણ ચાલી રહ્યું છે.
પ્રોફેસર સિક્કાએ કહ્યું કે, ડાંગર પરની નૅનો પલ્સની ટ્રાયલનાં પરિણામો સકારાત્મક નથી મળ્યાં.
યુનિવર્સિટીએ કયા સવાલ કર્યા?
પીએયુએ ડાંગર, ઘઉં, બટાટા અને અન્ય પાકો પર નૅનો યુરિયાનું પરીક્ષણ કર્યું હતું; જ્યારે સુપર નૅનોનું પરીક્ષણ માત્ર ડાંગરના પાક પર કરવામાં આવ્યું હતું.
પ્રોફેસર સિક્કાએ કહ્યું કે, નૅનો યુરિયાનું પરીક્ષણ બે વર્ષ સુધી કરવામાં આવ્યું, જ્યારે સુપર નૅનો યુરિયાનું ફીલ્ડ પરીક્ષણ એક વર્ષ સુધી કરવામાં આવ્યું.
પંજાબ કૃષિ યુનિવર્સિટીએ નૅનો યુરિયા અને 'સુપર નૅનો યુરિયા'ના લાભ સામે સવાલ કર્યા છે, કેમ કે, તેના ઉપયોગથી પાકનું ઉત્પાદન ઘટી ગયું છે.
યુનિવર્સિટીના સોઇલ સાયન્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ રસાયણવિજ્ઞાની ડૉ. રાજીવ સિક્કાએ જણાવ્યું કે નૅનો યુરિયા પર રિસર્ચ કરનારી ટીમમાં તેમના ઉપરાંત, ડૉ. અનુ કાલિયા, ડૉ. રાધા આહૂજા, સિમરનપ્રીત કૌર ઢિલ્લોં અને પી. ચતીરા સામેલ હતાં.
આ ઉપરાંત, પંજાબ કૃષિ યુનિવર્સિટી હવે ઇફકોના એક નવા ઉત્પાદન 'નૅનો પ્લસ'ની ફીલ્ડ ટ્રાયલ કરી રહી. નૅનો પ્લસનાં અત્યાર સુધીની ટ્રાયલનાં પરિણામો પણ સકારાત્મક નથી મળ્યાં.
યુનિવર્સિટીનો દાવો છે કે ઇફકોનાં ઉત્પાદનો નૅનો યુરિયા અને સુપર નૅનો યુરિયાના ઉપયોગ પછી પાક અને અનાજોમાં પ્રોટીનની ઊપજમાં ભારે ઘટાડો થયો છે.
ડૉ. સિક્કાએ કહ્યું છે કે, પહેલાં ઇફકોએ નૅનો યુરિયા લૉન્ચ કર્યું હતું અને તેમણે એના પર બે વર્ષ પરીક્ષણ કર્યાં હતાં.
ડૉ. સિક્કાએ કહ્યું, "નૅનો યુરિયાનાં પરિણામો ઉત્સાહવર્ધક નહોતાં. પરિણામોમાં ઊપજ અને પ્રોટીનમાં 15થી 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો. પછી તેમણે સુપર નૅનો યુરિયા લૉન્ચ કર્યું."
"ઇફકોનો દાવો છે કે, તેમાં 8 ટકા નાઇટ્રોજન છે, જ્યારે નૅનો યુરિયામાં 4 ટકા નાઇટ્રોજન છે."
તેમણે કહ્યું કે, સુપર નૅનોના ઉપયોગથી પણ ઉત્પાદનમાં 20થી 32 ટકાનો ઘટાડો થયો, જ્યારે પાકના દાણામાં પ્રોટીન પણ 15થી 20 ટકા સુધી ઘટી ગયું.
પ્રોફસર સિક્કાએ કહ્યું કે, પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલયની ભલામણો અનુસાર, ઘઉંને 120 કિલોગ્રામ અને ડાંગરને 105 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજનની જરૂર હોય છે. પ્રોફેસર સિક્કાએ કહ્યું :
"આઈએફએફસીઓનું કહેવું છે કે, પાકને નાઇટ્રોજનનો અડધો ભાગ પરંપરાગત ખાતર દ્વારા અને અડધો નૅનો યુરિયા ફર્ટિલાઇઝરના સ્પ્રૅથી આપવો જોઈએ. આર્થિક રીતે એ મોઘું છે."
ઇફકો શું કહે છે?
ઇફકોના ડેપ્યૂટી જનરલ મૅનેજર રજનીશ પાંડેએ કહ્યું કે, નૅનો યુરિયા તકનીક મુદ્દે પંજાબ કૃષિ યુનિવર્સિટી લુધિયાણાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું, "અમે, કોરોનાકાળ દરમિયાન, આખા ભારતમાં 20 વિશ્વવિદ્યાલયો અને ખેડૂતોનાં ખેતરમાં 11,000 પરીક્ષણ કર્યાં. તેમાંનું એક પરીક્ષણ પંજાબ કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત કરવામાં આવ્યું હતું."
"કોરોના સંકટના કારણે શ્રમિકોની અછત હતી, એટલે, પીએયુ પરીક્ષણની દેખરેખ ન રાખી શકી. તેથી, ઇફકોએ એ પરીક્ષણને રદ કરી દીધું. આ પરીક્ષણનાં પરિણામોનો જ વારંવાર ઉપયોગ કરવામાં આવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન