અમેરિકાનાં શૅરબજારોમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતનો જશ્ન, ઍલન મસ્કની કંપનીના શૅરનું શું થયું?

અમેરિકા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની અસર શૅરબજારોમાં જોવા મળી રહી છે.

વૉલસ્ટ્રીટ પર ડાઓ જોન્સ 1200 અંકથી વધુનો ઉછાળો આવ્યો છે. નવેમ્બર 2022 બાદ પહેલી વાર એક કારોબારી સત્ર દરમિયાન ડાઓ જોન્સમાં 1000 અંકથી વધુની તેજી આવી છે.

એસએન્ડપી 500 અને ટેકનૉલૉજી કંપનીઓનો ઇન્ડેક્સ નૅસ્ડેક અંદાજે બે ટકા ઉપર રહ્યો હતો.

તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખૂલીને ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં અભિયાન ચલાવનાર કારોબારી ઍલન મસ્કની કંપની ટેસ્લાના શૅરોમાં પણ ભારે તેજી જોવા મળી હતી.

શરૂઆતમાં ટેસ્લાના શૅરોમાં અંદાજે 12 ટકાનો ઉછાળો આવ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે બહુમત હાંસલ કરી લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે 279 ઇલેક્ટોરલ વોટ હાંસલ કરી લીધા છે.

જ્યારે કમલા હૅરિસ 223 ઇલેક્ટોરલ વોટ જીત્યા છે.

કૅનેડાના વડા પ્રધાને ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યાં

અમેરિકા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર તેમને અભિનંદન પાઠવ્યાં.

જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું, ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટાવા પર અભિનંદન..."

તેમણે લખ્યું કે, જાણું છું કે હું અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ બંને દેશો (કૅનેડા અને અમેરિકા) માટે વધારે અવસરો, સમૃદ્ધિ, અને સુરક્ષા માટે મળીને કામ કરીશું."

ડોનાલ્ડ ટ્રમ્પ 279 ઇલેક્ટોરલ વોટ જીતી ચૂક્યા છે જ્યારે કમલા હૅરિસ 223 ઇલેક્ટોરલ વોટ જીત્યા છે.

તેલંગણામાં જ્ઞાતિઆધારિત વસતીગણતરી શરૂ, રાહુલ ગાંધીએ કહ્યું, 'દેશનું મૉડલ બનશે'

રાહુલ ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, X/revanth_anumula

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદના કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આજથી કૉંગ્રેસશાસિત તેલંગણામાં જ્ઞાતિઆધારિત વસતિગણતરી શરૂ થશે. ઘરે-ઘરે જઈને આ સરવે કરવામાં આવશે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સ્પ્રેસના અહેવાલ પ્રમાણે, તેલંગણા સરકારે તા. 11 ઑક્ટોબરે આ સંદર્ભનો આદેશ બહાર પાડ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, "પછાત વર્ગ, અનુસૂચિતા જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય નબળા વર્ગોમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રોજગારીની તકોને લગતી યોજનાઓ ઘડવા અને લાગુ કરવા માટે" તેને હાથ ધરવામાં આવશે.

આ પહેલાં મંગળવારે હૈદરાબાદ ખાતે તેલંગણાના મુખ્ય મંત્રી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કૉંગ્રેસના નેતાઓ, માનવાધિકાર કર્મશીલો, નાગરિક સામાજિક સંગઠનો, જ્ઞાતિવિરોધી કાર્યકર્તાઓની બેઠક મળી હતી અને ચર્ચાવિચારણા કરી હતી.

રાહુલ ગાંધીને ટાંકતા ન્યૂઝ એજન્સી પીટીઆઈ લખે છે, કૉંગ્રેસ પાર્ટી કાસ્ટ સૅન્સસ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેલંગાનો સર્વે નમૂનારૂપ બનશે અને કૉંગ્રેસ પાર્ટી સત્તા ઉપર આવ્યે તેને દેશભરમાં લાગુ કરાશે.

રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું, "કૉંગ્રેસ 50 ટકા અનામતની કૃત્રિમ મર્યાદાને દૂર કરી દેશે અને તેલંગણાના સરવેમાં કોઈ ખામી હશે તો તેને સુધારી લેવામાં આવશે."

તેમણે ન્યાયતંત્ર, કૉર્પોરેટજગત અને મીડિયામાં દલિત, ઓબીસી અને આદિવાસીઓની ઓછી સંખ્યા વિશે નરેન્દ્ર મોદી સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

નેતન્યાહૂએ ઇઝરાયલના સંરક્ષણમંત્રીને હઠાવ્યા

ઇઝરાયલમાં વિરોધપ્રદર્શનોની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલમાં વિરોધપ્રદર્શનોની તસવીર

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દેશના સંરક્ષણ મંત્રી યોઆવ ગૅલાન્ટને પદ પરથી હઠાવી દીધા છે. વડા પ્રધાનના કહેવા પ્રમાણે, બંને વચ્ચે વિશ્વાસનો અભાવ હતો અને તાજેતરના સમયમાં તેમાં વધારો થયો હતો એટલે તેમણે આ નિર્ણય લીધો હતો.

દેશના વિદેશ મંત્રી ઇઝરાયલ કાત્ઝને દેશના નવા સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા છે.

પદભ્રષ્ટ સંરક્ષણમંત્રી ગૅલાન્ટના કહેવા પ્રમાણે, તેમની અને નેતન્યાહૂની વચ્ચે મુખ્યત્વે ત્રણ મુદ્દે મતભેદ હતા. ગૅલાન્ટનું કહેવું છે કે તેમને લાગતું હતું કે ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા ઇઝરાયલીઓને છોડાવવા માટે કેટલાક "પીડાદાયક રાહતો" આપવી જોઈએ અને ઇઝરાયલ તેને "સહન કરી શકે" એમ છે.

કટ્ટરવાદી યહૂદીઓને સેનામાં ચાલુ રાખવા મુદ્દે પણ વડા પ્રધાન અને પૂર્વ સંરક્ષણ મંત્રીની વચ્ચે મતભેદ હતા.

સંરક્ષણ મંત્રીને બદલવાના નિર્ણય વિરૂદ્ધ નાગરિકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા અને તેમણે નેતન્યાહૂના રાજીનામાની માગ કરી હતી. તેમણે માગ કરી હતી કે નવા સંરક્ષણ મંત્રી બંધકોને પરત લાવવાની ડીલ ઉપર વહેલાસર કોઈ કરાર કરે.

વિમાનના કાર્ગૉમાં ભેદી આગ પાછળ રશિયાનો હાથ?

કાર્ગો વિસ્તારની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જર્મનીના તપાસકર્તાઓના કહેવા પ્રમાણે, લૅપઝિંગના ડિવાઇસમાં નસીબજોગે આગ નહોતી લાગી

ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં પૉલૅન્ડ, જર્મની અને યુકેમાં અનેક પાર્સલમાં આગ લાગી હતી. ત્યારે પૉલૅન્ડના સરકારી વકીલોના કહેવા પ્રમાણે, પાર્સલોમાં આગ એ અમેરિકા અને કૅનેડા જતી ફ્લાઇટોને નિશાન બનાવવા માટે પ્રયોગરૂપ હતી.

આ મુદ્દે યુરોપભરમાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્તચરોએ કુરિયર કંપનીઓના પાર્સલ મારફત વિસ્ફોટકો અને જોખમી પદાર્થો મોકલ્યા હતા.

તપાસકર્તાઓનું માનવું છે કે ઇલેક્ટ્રિક મસાજ મશીનમાં મૅગ્નેશિયમ આધારિત મિશ્રણથી આગ લગાડવામાં આવી હતી.

અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આની પાછળ રશિયાની મિલિટરી ઇન્ટેલિજન્સ એજન્સી જીઆરયુનો હાથ હતો. રશિયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

પાર્સલોમાં આગના તાર લિથુઆનિયા, સ્વિડન અને ચૅક રિપબ્લિક સાથે પણ જોડાયેલા હોવાનું તપાસકર્તાઓનું માનવું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.