You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળ : 18 વર્ષીય વિદ્યાર્થિની પર ગૅંગરેપ, 64માંથી 27 આરોપીની ધરપકડ
કેરળના પથનમથિટ્ટામાં 18 વર્ષની એક દલિત વિદ્યાર્થિનીની સાથે થયેલા ગૅંગરેપના મામલાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.
આ કેસમાં કુલ 64 લોકો પર વિદ્યાર્થીની સાથે કથિત જાતીય શોષણ અને બળાત્કાર ગુજારવાના આરોપો છે.
જે લોકો પર આરોપો લાગ્યા છે તેમાં વિદ્યાર્થીનીના પાડોશી, તેમના પિતાના મિત્રો, સ્પૉર્ટ્સ કોચ અને અન્ય લોકો પણ સામેલ છે. તેમાંથી બે આરોપીઓ 17 વર્ષના છે. જ્યારે બાકીના આરોપીઓ 19થી 47 વર્ષની ઉંમરના છે.
કેરળ પોલીસે અત્યાર સુધીમાં આ મામલે કુલ 27 આરોપીની ધરપકડ કરી છે. બૅંગલુરુથી બીબીસી સહયોગી ઇમરાન કુરૈશીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં આઠ એફઆઈઆર પણ નોંધાઈ છે. આ ફરિયાદો બે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
કેવી રીતે મામલો બહાર આવ્યો?
પોલીસના જણાવ્યા પ્રમાણે આ યુવતી 16 વર્ષની હતી ત્યારથી અલગ-અલગ લોકો તેનું જાતીય શોષણ કરી રહ્યા હતા.
કુટુમ્બશ્રી 'સ્નેહિતા' કાર્યક્રમ હેઠળ કમ્યુનિટી કાઉન્સિલરોની એક ટીમે જ્યારે પીડિતાના ઘરની મુલાકાત લીધી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
બાળ કલ્યાણ સમિતિ, પથનમથિટ્ટાના અધ્યક્ષ અને ઍડવૉકેટ એન. રાજીવે બીબીસીને જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમ હેઠળ, પરિવારની ઘણી બધી વિગતો એકત્રિત કરવામાં આવે છે અને પરિવારોને તેમની સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે સલાહ આપવામાં આવે છે."
"આ ત્યારે સામે આવ્યું હતું જ્યારે પીડિતા તેના શાળાના દિવસોના અનુભવો વિશે વાત કરવા માગતી હતી. પરંતુ તેણે કોઈ ઉચ્ચ અધિકારી સાથે વાત કરવાનો આગ્રહ રાખ્યો હતો અને કાઉન્સિલરે સીધો મારો સંપર્ક કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીડિતા અને તેમનાં માતા સીડબલ્યૂસી અધ્યક્ષની ઑફિસમાં ગયા, જ્યાં પીડિતાએ બધી જ વાતો જણાવી હતી.
રાજીવે કહ્યું હતું કે, "પીડિતાએ અમારા મનોચિકિત્સક સાથે વાત કરી જ્યારે તેમનાં માતા બહાર રાહ જોઈ રહ્યાં હતાં. માતાને તેમના પતિનો ફોન લાવવાનું કહેવામાં આવ્યું અને આ રીતે ગુનેગારોનાં નામ જાહેર થયાં."
સામાન્ય રીતે CWC પાસે એવી આશા રાખવામાં આવે છે કે તે પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસરને આ બાબતની જાણ કરે.
પરંતુ રાજીવ કહે છે, "અમને લાગ્યું હતું કે આ એક અલગ કેસ છે. તેથી અમે પોલીસ અધીક્ષકને જાણ કરી અને તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી."
પોલીસે શું કહ્યું?
પથનમથિટ્ટા જિલ્લાના ડેપ્યુટી એસપી નંદકુમાર એસ. એ બીબીસી સહયોગી ઇમરાન કુરૈશીને જણાવ્યું હતું કે, "SC-ST ઍક્ટ અને પોક્સો હેઠળ પણ કેસ નોંધાયા છે, કારણ કે આ ગુનાઓ છેલ્લાં પાંચ વર્ષમાં બન્યા છે. પીડિતા તે સમયે સગીર હતી."
પોલીસ અધિકારીએ કહ્યું, "આ દરમિયાન, ગૅંગરેપના ત્રણ બનાવો બન્યા છે."
આ કેસમાં પીડિતાના પાડોશી અને બાળપણના મિત્રને પ્રથમ આરોપી બનાવવામાં આવ્યા છે. તે સમયે પીડિત વિદ્યાર્થીનીની ઉંમર 13 વર્ષની હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીના મિત્ર પર ગૅંગરેપના ઓછામાં ઓછા એક કેસમાં સંડોવણી હોવાનો આરોપ છે.
પથનમથિટ્ટા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના મીડિયા સેલના સજીવ એમ. એ જણાવ્યું હતું કે, "પહેલા આરોપીના ફોનમાં જાતીય શોષણના પુરાવા છે, જેનો ઉપયોગ તેણે વિદ્યાર્થીનીને બ્લૅકમેઇલ કરવા, તેનું જાતીય શોષણ કરવા અને તેને તેના મિત્રો પાસે લઈ જવા માટે કર્યો હતો."
રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલે રાજ્ય સરકાર પાસેથી ત્રણ દિવસમાં રિપોર્ટ માગ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે તેના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે, "ચૅરપર્સન શ્રીમતી વિજયા રાહતકરે આપેલા માર્ગદર્શન અનુસાર નૅશનલ કમિશન ફૉર વીમેને કેરળના પથનમથિટ્ટા જિલ્લામાં એક તરૂણી સાથે છેલ્લાં ચાર વર્ષમાં 64 લોકોએ કરેલા જાતીય શોષણના મામલાની ગંભીર નોંધ લીધી છે. કમિશને તમામ આરોપીઓની તત્કાળ ધરપકડ તથા તપાસ કરવાના આદેશા આપ્યા છે તથા પીડિતાને પણ તબીબી તથા મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવામાં આવશે."
કેરળ મહિલા આયોગે આ બાબતનું સ્વસંજ્ઞાન લીધું છે.
પીડિતા અને તેમનાં માતાને સલામત ઘરમાં લઈ જવામાં આવ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન