'મહિલાઓ પૈસાદાર લોકોની યૌનવિકૃતિનો શિકાર બની રહી છે', દુબઈમાં શું ચાલી રહ્યું છે?

ઇમેજ કૅપ્શન, મ્વેસિગ્વાએ અમને પોતાનું બ્રિટિશ ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવ્યું અને કહ્યું કે તેઓ લંડનના પૂર્વ બસચાલક હતા
    • લેેખક, રુનાકો સેલિના
    • પદ, બીબીસી આઈ ઈન્વેસ્ટિગેશન

ચેતવણીઃ આ અહેવાલમાં જાતીય કૃત્યોની માનસિક ખલેલ પહોંચાડે તેવી સામગ્રી અને ગ્રાફિક વર્ણન સામેલ છે.

દુબઈના સૌથી આકર્ષક વિસ્તારમાં સેક્સ રેકેટ ચલાવતા અને સંવેદનશીલ મહિલાઓનું શોષણ કરતા એક પુરુષની હકીકત બીબીસી ઈન્વેસ્ટિગેશને ખુલ્લી પાડી દીધી છે.

ચાર્લ્સ મ્વેસિગ્વા નામના એ પુરુષના જણાવ્યા મુજબ, તે લંડનનો ભૂતપૂર્વ બસચાલક છે. તે 1,000 ડૉલરના પ્રારંભિક ચાર્જ સાથે સેક્સ પાર્ટી માટે મહિલાઓ પૂરી પાડી શકે છે, એમ બીબીસીના ગુપ્ત સંવાદદાતાને જણાવતાં તેણે ઉમેર્યું હતું કે આ મહિલાઓ પોતાના ગ્રાહકો 'જે ઇચ્છતા હોય, લગભગ એ બધું જ' કરી શકે છે.

સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં બેફામ સેક્સ પાર્ટીઓ યોજાતી હોવાની અફવાઓ વર્ષોથી ફેલાઈ છે. #Dubaiportapotty નામના હેશટૅગને TikTok પર 45 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે.

તેમાં એવી મહિલાઓની પેરોડી અને કલ્પિત નજારાઓની લિંક્સ છે, જેમના પર પૈસા ભૂખી ઇન્ફ્લુઅન્સર્સ હોવાનો અને આત્યંતિક યૌન ઇચ્છાઓ સંતોષીને પોતાની જીવનશૈલીનો ખર્ચ એકત્ર કરતી હોવાનો આરોપ મૂકવામાં આવે છે.

બીબીસી વર્લ્ડ સર્વિસની તપાસમાં જાણવા મળ્યું છે કે વાસ્તવિકતા વધારે ભયાનક છે.

બે મહિલાનાં ઇમારત પરથી નીચે પડતાં મૃત્યુ

યુગાન્ડાની યુવતીઓએ અમને જણાવ્યું હતું કે તેઓ મ્વેસિગ્વા માટે સેક્સ વર્ક કરવા ઇચ્છતી ન હતી. કેટલાક કિસ્સામાં યુવતીઓએ એવું ધાર્યું હતું કે તેઓ સુપરમાર્કેટ અથવા હોટલ જેવી જગ્યાએ કામ કરવા માટે યુએઇ જઈ રહી છે.

મિયા(ઓળખ ગુપ્ત રાખવા નામ બદલ્યું છે)એ જણાવ્યું હતું કે મ્વેસિગ્વાનો ઓછામાં ઓછો એક ગ્રાહક મહિલા પર મળત્યાગ કરવાની માગણી નિયમિત રીતે કરતો હોય છે. પોતે મ્વેસિગ્વાના નેટવર્કમાં ફસાઈ ગઈ હોવાનું મિયાએ જણાવ્યું હતું.

આવા આરોપને નકારતાં મ્વેસિગ્વાએ જણાવ્યું હતું કે તેઓ મહિલાઓને રહેઠાણ શોધવામાં મકાનમાલિક મારફત મદદ કરે છે અને દુબઈના શ્રીમંતો સાથેના સંપર્કને કારણે મહિલાઓ તેમની પાછળ પાર્ટીઓમાં આવે છે.

મ્વેસિગ્વા સાથે જોડાયેલી બે મહિલાઓ બહુમાળી ઍપાર્ટમેન્ટમાંથી પડીને મૃત્યુ પામી હોવાનું પણ બીબીસીને જાણવા મળ્યું છે. જોકે, તેમનાં મોતને આત્મહત્યા માનવામાં આવ્યું છે, પરંતુ એ મહિલાઓના મિત્રો તથા પરિવારજનો માને છે કે પોલીસે વધુ તપાસ કરવી જોઈતી હતી.

મ્વેસિગ્વાના જણાવ્યા મુજબ, આ ઘટનાઓની તપાસ દુબઈ પોલીસે કરી હતી. તેમણે અમને માહિતી માટે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું. દુબઈ પોલીસ પાસેથી અમને હાલ કોઈ જવાબ નથી મળ્યો.

દેવાની જાળ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોતાનો જીવ ગુમાવનાર મહિલાઓ પૈકીનાં એક મોનિક કરુંગી પશ્ચિમ યુગાન્ડાથી દુબઈ આવ્યાં હતાં.

અમે જેમને કીએરા (બદલેલું નામ) કહીએ છીએ તે મહિલાએ જણાવ્યું હતું કે તેઓ મ્વેસિગ્વા માટે કામ કરતી ડઝનબંધ અન્ય મહિલાઓ સાથે એક ફ્લૅટમાં રહેતાં હતાં અને 2022માં તેઓ ત્યાં મોનિક સાથે પણ રહ્યાં હતાં.

કીએરાએ અમને કહ્યું હતું, "(મ્વેસિગ્વાનો ફ્લૅટ) એક માર્કેટ જેવો હતો...ત્યાં લગભગ 50 છોકરીઓ હતી. છોકરીઓ ખુશ ન હતી, કારણ કે તેમણે જેની અપેક્ષા હતી એવું થયું ન હતું. "

તેમનાં બહેન રીટાના જણાવ્યા મુજબ, મોનિકે ધાર્યું હતું કે તેમને દુબઈની સુપરમાર્કેટમાં નોકરી મળશે.

દુબઈમાં મોનિકને પણ ઓળખતાં મિયાએ કહ્યું હતું, "હું ઘરે પાછી જવા માગું છું, એવું મેં મ્વેસિગ્વાને કહ્યું ત્યારે તેમણે મારી સાથે હિંસક વર્તન કર્યું હતું." મિયાના જણાવ્યા અનુસાર, તે પહેલી વાર આવી ત્યારે મ્વેસિગ્વાએ તેને જણાવ્યું હતું તે તારે મને 2,711 ડૉલર ચૂકવવાના છે. બે અઠવાડિયાંમાં તો દેવાની રકમ બમણી થઈ ગઈ હતી.

મિયાએ કહ્યું હતું, "એ દેવું ઍર ટિકિટ્સ, વિઝા, ભોજન અને રહેવાનું હોય એ હોટલનું હતું."

મિયાએ ઉમેર્યું, "તેનો અર્થ એવો થાય કે તમારે સખત, સખત, સખત મહેનત કરવી પડશે. તમારી સાથે સહશયન કરવા પુરુષોને વિનંતી કરવી પડશે."

ઘણાં અઠવાડિયાં પછી પણ મોનિકે મ્વેસિગ્વાને 27,000 ડૉલર ચૂકવવાના બાકી હતા, એવું મોનિકે કહ્યું હોવાનું જણાવતાં તેમના એક સંબંધી માઇકલે ઉમેર્યું હતું કે મોનિકે તેમને પીડાભર્યા અવાજમાં તેને વૉઇસ નોટ્સ મોકલી હતી.

ઇમેજ સ્રોત, Family handout

ઇમેજ કૅપ્શન, મોનિક ગ્રામીણ યુગાન્ડામાં દસ ભાઈબહેનો સાથે ઊછર્યાં અને મોટાં થયાં

મિયાએ અમને જણાવ્યું હતું કે મોટા ભાગના ગ્રાહકો યુરોપિયનો હતા અને એ પૈકી કેટલાક 'ચરમ કામુકતાવાળા' પુરુષો પણ હતા.

મિયાએ ધીમેથી કહ્યું હતું, "એક ગ્રાહક યુવતી પર મળત્યાગ કરતો હતો. પછી એ મળ ખાવાનું યુવતીઓને કહેતો હતો."

બીજી એક મહિલા લેક્સી (બદલેલું નામ) એ જણાવ્યું હતું કે એક અલગ નેટવર્કે તેમની સાથે છેતરપિંડી કરી હતી. મિયાએ કહેલી વાતનો પુનરોચ્ચાર કરતાં લેક્સીએ જણાવ્યું હતું કે "પોર્ટા પૉટી"ની વિનંતી વારંવાર કરવામાં આવતી હતી.

લેક્સીના કહેવા મુજબ, "એક ગ્રાહકે કહ્યું હતું કે તમારા પર સામૂહિક બળાત્કાર કરવા, તમારા ચહેરા પર પેશાબ કરવા તથા તમને માર મારવા માટે અમે તમને 15,000 યુએઈ દિરહામ (4,084 ડૉલર) આપીશું. એ ઉપરાંત તમે મળ ખાતા હો તેનું રેકૉર્ડિંગ કરવા વધારે 5,000 દિરહામ (1,361 ડૉલર) પણ ચૂકવીશું."

આવા અનુભવોને કારણે લેક્સી એવું માનવા પ્રેરાયાં હતાં કે અતિશય કામુકતામાં પણ વંશીય તત્ત્વ હોય છે.

"હું એવું નહીં કરું, એવું હું કહેતી ત્યારે દરેક વખતે તેમને એવું કરાવવામાં વધારે રસ પડતો હતો. તેઓ એવી સ્ત્રી ઇચ્છતાં હતાં, જે રડે, બૂમો પાડે તથા ભાગી જાય અને એ વ્યક્તિ (તેમની નજરમાં) અશ્વેત હોવી જોઈએ."

લેક્સીના જણાવ્યા મુજબ, તેમને માત્ર પોલીસ મદદ કરી શકે એમ હતી. પોલીસનો સંપર્ક કર્યો ત્યારે લેક્સીને જણાવવામાં આવ્યું હતું કે "તમે આફ્રિકનો એકમેક માટે સમસ્યાઓ સર્જો છો. અમે તેમાં સામેલ થવા ઇચ્છતા નથી. આટલું કહીને પોલીસ ફોન કાપી નાખતી હતી."

આ આક્ષેપ સંદર્ભે અમે દુબઈ પોલીસનો પ્રતિભાવ માંગ્યો હતો, પરંતુ પોલીસે કોઈ જવાબ આપ્યો નથી.

લેક્સી આખરે યુગાન્ડા પાછી ભાગી ગયાં હતાં અને હવે સમાન પરિસ્થિતિમાં ફસાયેલી મહિલાઓને ઉગારવા તથા તેમને ટેકો આપવામાં મદદ કરે છે.

રૅકેટનો માસ્ટરમાઇન્ડ

ઇમેજ કૅપ્શન, દુબઈનું વારસન ટાવર, જ્યાંથી મે 2022માં મોનિક કરુંગી પડ્યાં હતાં

ચાર્લ્સ મ્વેસિગ્વાને શોધવાનું સરળ ન હતું. અમને ઓનલાઇન તેનો એક જ ફોટો મળ્યો હતો અને એ પણ પાછળથી લેવામાં આવ્યો હતો. ચાર્લ્સ સોશિયલ મીડિયા પર અનેક નામોનો પણ ઉપયોગ કરે છે.

અલબત્ત, ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ, અન્ડરકવર રિસર્ચ અને તેના નેટવર્કના એક ભૂતપૂર્વ સભ્ય પાસેથી મળેલી માહિતીના સંયોજન વડે અમે ચાર્લ્સને દુબઈના એક મધ્યમવર્ગીય વિસ્તાર જુમેરાહ વિલેજ સર્કલમાંથી શોધી કાઢ્યો હતો.

અપમાનજનક જાતીય કૃત્યો માટે મહિલાઓ સપ્લાય કરવાના તેના ધંધા વિશે સ્રોતોએ અમને જે જણાવ્યું હતું તેની ખાતરી કરવા અમે એક અંડરકવર રિપોર્ટરને તેની પાસે મોકલ્યા હતા. રિપોર્ટરે પોતે હાઇ-ઍન્ડ પાર્ટીઓ માટે મહિલાઓ પૂરી પાડતો ઇવેન્ટ આયોજક હોવાની ઓળખ આપી હતી.

પોતાના ધંધા વિશે મ્વેસિગ્વા એકદમ શાંતિથી અને આત્મવિશ્વાસ સાથે વાત કરતા હતા.

મ્વેસિગ્વાએ કહ્યું હતું, "અમારી પાસે 25 છોકરીઓ છે. ઘણી ખુલ્લી વિચારધારાવાળી છે. તેઓ લગભગ બધું જ કરી શકે છે."

એ માટેના ખર્ચ વિશે તેમણે જણાવ્યું હતું કે એક રાત માટે એક છોકરીનો ચાર્જ 1,000 ડૉલર થશે, પરંતુ "ક્રેઝી કામ" કરવા માટે વધારે નાણાં ચૂકવવા પડશે. મ્વેસિગ્વાએ 'સૅમ્પલ નાઇટ' માટે અમારા સંવાદદાતાને આમંત્રણ આપ્યું હતું.

"દુબઈ પોર્ટા પૉર્ટી" વિશે પૂછવામાં આવ્યું ત્યારે મ્વેસિગ્વાએ કહ્યું હતું, "મેં તમને કહ્યું કે છોકરીઓ ખુલ્લા મનની છે. જ્યારે હું ખુલ્લા વિચારોવાળી છોકરીઓ કહું છું ત્યારે...મારી પાસે રહેલી સૌથી વધુ 'ક્રેઝી છોકરીઓ'ને હું તમારી પાસે મોકલીશ."

વાતચીત દરમિયાન મ્વેસિગ્વાએ જણાવ્યું હતું કે તેઓ લંડનમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. 2006ના પૂર્વ લંડનના એક સત્તાવાર દસ્તાવેજમાં અમે તેમના વ્યવસાયનો પુરાવો જોયો હતો.

પોતાને આ ધંધો ખૂબ જ ગમતો હોવાનું અમારા સંવાદદાતાને જણાવતાં મ્વેસિગ્વાએ કહ્યું હતું, "હું દસ લાખ પાઉન્ડની લૉટરી જીતું તો પણ આ ધંધો કરીશ...તે મારા જીવનનો એક હિસ્સો બની ગયો છે."

ઇમેજ કૅપ્શન, ટ્રોયનું કહેવું છે કે તેઓ પહેલાં ચાર્લ્સ મ્વેસિગ્વા માટે કામ કરતા હતા

ટ્રોય નામના એક માણસે જણાવ્યું હતું કે તે મ્વેસિગ્વાના નેટવર્ક માટે ઑપરેશન્સ મૅનેજર તરીકે કામ કરતો હતો. આ ધંધો કેવી રીતે ચલાવવામાં આવે છે તેના વિશે ટ્રોયે અમને વધુ માહિતી આપી હતી.

ટ્રોયે જણાવ્યું હતું કે મ્વેસિગ્વા વિવિધ નાઇટક્લબ્સમાં સિક્યૉરિટીના પૈસા ચૂકવે છે, જેથી તેમની યુવતીઓને ગ્રાહકો શોધવા માટે નાઇટક્લબ્સમાં પ્રવેશ મળી શકે.

ટ્રોયે કહ્યું હતું, "મેં મારા જીવનમાં ક્યારેય જોયા નથી એવા સેક્સના પ્રકારો વિશે મેં સાંભળ્યું. શ્રીમંત પુરુષ ગ્રાહકો ખુશ હોય ત્યાં સુધી તમારી ગમે તેવી સ્થિતિથી કોઈ ફરક પડતો નથી...(સ્ત્રીઓ પાસે) ભાગવાનો રસ્તો હોતો નથી. તેમનો સંગાથ માણવા સંગીતકારો આવે છે, ફૂટબૉલ ખેલાડીઓ આવે છે, રાષ્ટ્ર પ્રમુખો આવે છે."

ટ્રોયે દાવો કર્યો હતો કે મ્વેસિગ્વા આ ધંધો કરતા રહ્યા છે તેનું કારણ એ છે કે ટ્રોય તથા અન્ય લોકોનો ઉપયોગ માત્ર ડ્રાઇવર તરીકે જ થતો નથી. ટ્રોયે જણાવ્યું હતું કે મ્વેસિગ્વા કાર તથા ઍપાર્ટમેન્ટ ભાડે રાખવા માટે અમારા જેવા લોકોના નામનો ઉપયોગ કરે છે, જેથી દસ્તાવેજો પર તેમનું નામ ક્યારેય ન દેખાય.

વિદેશીઓમાં લોકપ્રિય દુબઈના રહેણાક વિસ્તાર અલ બાર્શાથી મોનિકે 2022ની 27 એપ્રિલે એક સેલ્ફી પોસ્ટ કરી હતી. ચાર દિવસ પછી મોનિકનું મોત થયું હતું. મોનિક માત્ર ચાર મહિનાથી યુએઈમાં હતાં.

મિયાના જણાવ્યા મુજબ, મોનિક અને મ્વેસિગ્વા વચ્ચે, તેઓ રવાના થયા એ પહેલાંથી નિયમિત રીતે ઝઘડા થતા હતા. મ્વેસિગ્વાની માંગણીઓ સંતોષવાનો મોનિક ઇનકાર કરતાં હતાં અને તેમણે મ્વેસિગ્વાના નેટવર્કમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.

મિયાએ કહ્યું હતું, "મોનિકને કોઈક નોકરી મળી હતી. એ ખૂબ જ ઉત્સાહિત હતી. એ વાસ્તવિક નોકરી હતી. તેથી તેને લાગતું હતું કે એ મુક્ત થઈ જશે અને પોતાની મરજી મુજબ જીવન જીવી શકશે. પુરુષો સાથે સહશયન નહીં કરવું પડે."

મોનિક થોડાં ડગલાં દૂર આવેલા એક ઍપાર્ટમેન્ટમાં રહેવા ગયાં હતાં અને એ જ ઍપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી તે 1 મે, 2022ના રોજ પડીને મૃત્યુ પામ્યાં હતાં.

અંતિમ સેલ્ફી

ઇમેજ સ્રોત, Instagram

ઇમેજ કૅપ્શન, મોનિક અને મ્વેસિગ્વા વચ્ચે અવારનવાર ઝઘડા થતા

મોનિકનું મોત થયું ત્યારે તેમના એક સંબંધી માઇકલ યુએઈમાં હતા. તેમણે જવાબો મેળવવાના પ્રયાસ કર્યા હતા.

પોલીસે માઇકલને જણાવ્યું હતું કે તેમણે તપાસ બંધ કરી દીધી છે, કારણ કે મોનિક જે ઍપાર્ટમેન્ટમાંથી પડી ગયાં હતાં, તેમાંથી ડ્રગ્સ અને દારૂ મળી આવ્યાં હતાં. તેમજ માત્ર તેમની ફિંગરપ્રિન્ટ્સ બાલ્કનીમાં હતી.

માઇકલે હૉસ્પિટલમાંથી મોનિકનું ડેથ સર્ટિફિકેટ મેળવ્યું હતું, પરંતુ મોનિક કેવી રીતે મૃત્યુ પામ્યાં એ તેમાં જણાવવામાં આવ્યું ન હતું. પરિવારજનોને મોનિકનો ટોક્સિકોલોજી રિપોર્ટ પણ મળ્યો ન હતો.

જોકે, ઍપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં રહેતા ઘાનાના એક પુરુષ વધારે મદદરૂપ થયા હતા. એ તેમને બીજા બ્લૉકમાં એક માણસને મળવા લઈ ગયા હતા અને એ માણસ મોનિકનો 'બૉસ' હતો.

ત્યાં શું જોવા મળ્યું અને છોકરીઓને કેવી રીતે રાખવામાં આવતી હતી, તેની વિગત માઇકલે જણાવી હતી.

તેમણે જણાવ્યું કે લિવિંગ રૂમમાં લાગેલા હુક્કામાંથી નીકળતો ધુમાડો રૂમમાં છવાયેલો હતો. ધુમાડાની પેલે પાર મેજ પર કોકીન જેવી વસ્તુ મૂકેલી હતી. મહિલાઓ ગ્રાહકો સાથે ખુરશીઓ પર સેક્સ કરી રહી હતી.

માઇકલે દાવો કર્યો હતો કે તેમણે ચાર્લ્સ મ્વેસિગ્વાને બે સ્ત્રીઓ સાથે એક પથારીમાં જોયો હતો. માઇકલે મ્વેસિગ્વાને પોલીસ પાસે લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે મ્વેસિગ્વાએ કહ્યું હતું, "મેં દુબઈમાં 25 વર્ષ વિતાવ્યાં છે. દુબઈ મારું છે... તમે મારા વિશે ફરિયાદ કરી શકશો નહીં... હું જ દૂતાવાસ છું."

માઇકલના જણાવ્યા મુજબ, મ્વેસિગ્વાએ ઉમેર્યું હતું કે "(મોનિકા) મૃત્યુ પામેલી પહેલી સ્ત્રી નથી અને તે છેલ્લી પણ નહીં હોય."

મિયા અને કીએરા બંનેએ સ્વતંત્ર રીતે જણાવ્યું હતું કે તેઓ આ વાતચીતના સાક્ષી છે અને બંને તેની પુષ્ટિ કરે છે. તમે શું કહેવા ઇચ્છતા હતા, એવું અમે મ્વેસિગ્વાને પૂછ્યું ત્યારે તેમણે આવું કહ્યું હોવાનો ઇનકાર કર્યો હતો.

મોનિક અને કાયલા બિરુંગીનાં મૃત્યુ વચ્ચે ભયાનક સમાનતા છે. કાયલા બિરુંગી યુગાન્ડાની બીજાં મહિલા હતાં, જેઓ મોનિકના પાડોશમાં રહેતાં હતાં અને 2021માં દુબઈના એક બહુમાળી ઍપાર્ટમેન્ટમાંથી પડી જવાને લીધે મૃત્યુ પામ્યાં હતાં. કાયલા બિરુંગીનો વહીવટ પણ ચાર્લ્સ મ્વેસિગ્વા જ કરતો હોવાના પુરાવા અમારી પાસે છે.

કાયલાના પરિવારે અમારી સાથે તેના મકાનમાલિકનો ફોન નંબર શૅર કર્યો હતો અને તે મ્વેસિગ્વાના ફોન નંબર્સ પૈકીનો એક હોવાનું બહાર આવ્યું છે. મ્વેસિગ્વા ઍપાર્ટમેન્ટ ઉપરાંત અમે જે ચાર અન્ય મહિલાઓ સાથે વાત કરી તેનો પણ વહીવટ કરતા હોવાની પુષ્ટિ પણ ટ્રોયે કરી હતી.

આ તક નહીં, મોત

ઇમેજ સ્રોત, Instagram

ઇમેજ કૅપ્શન, યુગાન્ડાનાં અન્ય એક મહિલા કાયલા બિરુંગીનું પણ દુબઈની ઊંચી ઇમારતમાંથી પડવાને કારણે મૃત્યુ થયું હતું

કાયલાના સંબંધીઓના કહેવા મુજબ, મોનિકના પરિવારની માફક તેમણે પણ સાંભળ્યું હતું કે કાયલાના મોતને દારૂ તથા ડ્રગ્સ સાથે જોડવામાં આવ્યું હતું. જોકે, બીબીસીએ જે ટોક્સિકોલોજી રિપોર્ટ જોયો છે, તે દર્શાવે છે કે મૃત્યુ વખતે કાયલાના શરીરમાં એવો કોઈ પદાર્થ ન હતો.

કાયલાનો પરિવાર તેમના મૃતદેહને સ્વદેશ પરત લાવીને દફનવિધિ કરી શક્યો હતો, પરંતુ મોનિકના અવશેષો ક્યારેય સ્વદેશ પાછા ફર્યા ન હતા.

અમારી તપાસમાં જાણવા મળ્યું હતું કે મોનિકને દુબઈના અલ કુસૈસ કબ્રસ્તાનમાં "અજાણી વ્યક્તિ"ના વિભાગમાં દફનાવવામાં આવ્યાં હતાં. એ ભાગમાં કોઈ નિશાની વગરને કબરોની અનેક હરોળ છે. એ કબરો, જેમના પરિવારજનો પોતાના મૃતક સ્વજનના મૃતદેહને સ્વદેશ લઈ જઈ શકે તેમ ન હોય તેવા માઇગ્રન્ટ્સની હોવાનું માનવામાં આવે છે.

મોનિક અને કાયલા યુગાન્ડાને ગલ્ફ સાથે જોડતા એક વિશાળ, બિનસત્તાવાર નેટવર્કનો હિસ્સો હતા.

યુગાન્ડામાં વધતી બેરોજગારી સામે યુવા વર્ગ સંઘર્ષ કરી રહ્યો છે. તેથી કામ માટે વિદેશમાં અને ખાસ કરીને અખાતી દેશોમાં સ્થળાંતર એક મોટો ઉદ્યોગ બની ગયો છે. તે દેશની કરની આવકમાં દર વર્ષે 1.20 અબજ ડૉલરનું યોગદાન આપે છે, પરંતુ આ તકની સાથે જોખમ પણ હોય છે.

યુગાન્ડાનાં શોષણવિરોધી કર્મશીલ મરિયમ મ્વિઝાએ જણાવ્યું હતું કે તેમણે 700થી વધુ લોકોને અખાતની આસપાસના વિસ્તારોમાંથી ઉગારવામાં મદદ કરી છે.

મરિયમે અમને કહ્યું હતું, "સુપરમાર્કેટમાં નોકરીનું વચન આપવામાં આવ્યું હોય અને પછી તે વ્યક્તિને સેક્સ માટે વેચી નાખવામાં આવી હોય, એવા કિસ્સા અમને જાણવા મળ્યા છે."

ઇમેજ કૅપ્શન, ગ્રામીણ યુગાન્ડામાં મોનિકનો પરિવાર

મોનિકના પરિવાર માટે પીડા સાથે હવે ભય જોડાયેલો છે. કશું નહીં કરવામાં આવે તો અન્ય પરિવારોને પણ તેમના જેવું જ નુકસાન થવાનો ભય છે.

મોનિકના એક સંબંધી માઇકલે કહ્યું હતું, "આપણે બધા મોનિકના મોતથી વાકેફ છીએ, પરંતુ છોકરીઓ હજુ પણ કયા કારણસર ત્યાં છે અને પીડાય છે."

બીબીસીની તપાસમાં બહાર આવેલા તમામ આરોપોનો જવાબ આપવા ચાર્લ્સ 'એબી' મ્વેસિગ્વાને જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોતે કોઈ સેક્સ રૅકેટ ચલાવતા હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

તેમણે કહ્યું હતું, "આ બધા આરોપો ખોટા છે."

"મેં તમને કહ્યું છે કે હું પાર્ટીપ્રેમી વ્યક્તિ છું. શ્રીમંતોને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપું છું. એ કારણે હું ઘણી છોકરીઓને ઓળખું છું. બસ, એટલું જ."

મ્વેસિગ્વાએ એમ પણ કહ્યું હતું, "(મોનિક) મૃત્યુ પામી ત્યારે તેનો પાસપોર્ટ તેની પાસે હતો. એટલે કે કોઈ તેની પાસે પૈસા માંગતું ન હતું. તેના મોતનાં ચારથી પાંચ અઠવાડિયાથી વધુ સમય સુધી હું તેને મળ્યો ન હતો."

"હું (મોનિક અને કાયલાને) જાણતો હતો. તેઓ અલગ-અલગ મકાનમાં ભાડેથી રહેતાં હતાં. બંનેમાથી કોઈ ફ્લૅટમાંથી કોઈની કે મકાનમાલિકની ધરપકડ કરવામાં આવી હશે તો તેનું કોઈ કારણ હશે. બંને ઘટનાની તપાસ દુબઈ પોલીસે કરી હતી. કદાચ તેઓ તમને મદદ કરી શકે."

મોનિક કરુંગી અને કાયલા બિરુંગીના કેસની ફાઇલો જોવા માટે અલ બારશા પોલીસ સ્ટેશનનો અમે સંપર્ક કર્યો હતો. એ સંબંધી વિનંતીનો કે મોનિક અને કાયલાના મૃત્યુની યોગ્ય રીતે તપાસ ન થયાના આરોપનો પોલીસે કોઈ જવાબ આપ્યો ન હતો.

મોનિક કરુંગી સંબંધી કોઈ ટોક્સિકોલોજી રિપોર્ટ બીબીસી મેળવી શક્યું ન હતું. મૃત્યુ સમયે મોનિક જે ઍપાર્ટમેન્ટમાં રહેતાં હતાં તેના માલિક સાથે પણ બીબીસી વાત કરી શક્યું નથી.

આ તપાસમાં ઉમેરવા માટે તમારી પાસે કોઈ માહિતી હોય તો કૃપા કરીને runako@bbc.co.uk પર સંપર્ક કરો.

જાતીય સતામણી અથવા નિરાશાની લાગણી વિશે માહિતી અથવા સમર્થન આપતી સંસ્થાઓની વિગત bbc.co.uk/actionlineપર ઉપલબ્ધ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન