ટી20 વર્લ્ડકપ 2026: ભારત સામેની મૅચમાંથી ખસી જવાથી પાકિસ્તાનને કોઈ અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુનજ્જા અનવાર
- પદ, બીબીસી ઉર્દૂ
- વાંચવાનો સમય: 8 મિનિટ
તા. સાતમી ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે અને ભારત વિરૂદ્ધની ગ્રૂપ મૅચ રમવાનો પાકિસ્તાને ઇન્કાર કરી દીધો છે. જેના કારણે કેટલાક ક્રિકેટ ચાહકોના મનમાં સવાલ રમી રહ્યો છે કે શું તેના કારણે વર્લ્ડકપ દરમિયાન પાકિસ્તાનને કોઈ નુકસાન થઈ શકે છે?
સાથે જ એ પણ સવાલ પૂછી રહ્યા છે કે જો નૉકઆઉટ સ્ટેજમાં બંને ટીમો સામસામે થશે, તો શું, ત્યારે પણ પાકિસ્તાન આવો જ નિર્ણય લેશે?
ટી20 વર્લ્ડકપની પ્રારંભિક મૅચો માટે ટીમેને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે, જેમાં ભારત અને પાકિસ્તાનને ગ્રૂપ 'એ'માં રાખવામાં આવ્યા છે. આ સિવાય અમેરિકા, નામિબિયા તથા નૅધરલૅન્ડની ટીમો પણ આ સમૂહમાં જ છે.
આ મૅચો પછી દરેક ગ્રૂપમાંથી બે ટીમો સુપર-8 માટે ક્વૉલિફાય કરશે. જો પાકિસ્તાન અને ભારતની ટીમો સુપર-8માં પહોંચે, તો બંને ટીમો અલગ-અલગ ગ્રૂપમાં રહેશે.
એટલે કે બંને ટીમો પ્રારંભિક તબક્કો પાર કરીને સેમિફાઇનલ કે ફાઇનલમાં જ સામસામે આવે તેવી શક્યતા રહેશે.
ભારત વિરુદ્ધની મૅચ નહીં રમવાની અસર

ઇમેજ સ્રોત, Getty Images
જો પાકિસ્તાન ટી20 વર્લ્ડકપમાં ભારત સામેની મૅચ ન રમે, તો બંને ટીમોનાં પૉઇન્ટ્સ અને રનરેટ ઉપર તેની શું અસર થશે, તેના વિશે ચોમેર ચર્ચા થઈ રહી છે.
આ પરિસ્થિતિમાં શું-શું પરિણામ આવી શકે, તેના વિશે સોશિયલ મીડિયા યુઝર્સ કયાસ કાઢી રહ્યા છે.
ભારત સામેની મૅચમાંથી પાકિસ્તાન ખસી જાય, એટલે તેની એક ચોક્કસ અસર એ હશે કે ભારતનો વિજય થશે અને તેને બે પૉઇન્ટ મળશે. બીજી બાજુ, પાકિસ્તાને સુપર-8માં સ્થાન મેળવવા માટે તેની બાકીની મૅચોને સારી રનરેટથી જીતવી પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો રન બનાવવાની સરેરાશની (એટલે કે રનરેટ) વાત કરીએ તો આઇસીસીના (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) નિયમ 16.10.7 મુજબ, જો કોઈ મૅચમાં એક ટીમ રમવાનો ઇન્કાર કરે, તો જે ટીમ હઠે, તેની નેટ રનરેટ ઘટશે, જ્યારે બીજી ટીમ (આ કિસ્સામાં ભારત) ઉપર તેની કોઈ અસર નહીં થાય.
એટલે કે મૅચ નહીં રમવાના નિર્ણયને કારણે વર્લ્ડકપમાં પાકિસ્તાનની નેટ રનરેટને અસર થશે.
બીબીસીએ પીસીબીના (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) પ્રવક્તા આમિર મીરને પૂછવામાં આવ્યું કે શું ટુર્નામેન્ટના આગળના તબક્કે પણ પાકિસ્તાન દ્વારા ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવામાં આવશે, ત્યારે તેમનું કહેવું હતું કે એના વિશેનો નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે. આ અંગેનો નિર્ણય "અમે (પીસીબી) નહીં, સરકાર લેશે."
આઇસીસી ટુર્નામેન્ટમાં ટીમોના બહિષ્કારનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Photo by AAMIR QURESHI/AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય કારણોથી રમતોના બહિષ્કારનો લાંબો ઇતિહાસ રહ્યો છે અને ICC ટુર્નામેન્ટ્સમાં પણ તેનાં અનેક ઉદાહરણો મળે છે.
રાજકીય કારણોથી રમતોના બહિષ્કારનો એક કિસ્સો 1979માં થયો હતો, જ્યારે શ્રીલંકાએ ICC ટ્રૉફી (વર્લ્ડકપ ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટ)માં ઇઝરાઇલ સામે પોતાની મૅચ છોડી અને પૉઇન્ટ્સ ગુમાવ્યા હતા.
આ નિર્ણય દ્વારા શ્રીલંકાની ટીમે વર્લ્ડકપમાંથી બહાર થવાનું જોખમ પણ લીધું. જોકે, બાદમાં તે 1979ના વર્લ્ડકપ માટે ક્વૉલિફાય કરવામાં સફળ રહી.
1980 અને 1990ના દાયકામાં ઑસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડે રાજકીય વિવાદ અથવા વૅન્યૂના કારણોસર કેટલીક મૅચોમાંથી નામ પાછું ખેંચ્યું હતું.
વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને 1982ના મહિલા વર્લ્ડકપમાં ભાગ લેવા આમંત્રણ અપાયું હતું, જેમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ભારત, નેધરલૅન્ડ્સ અને યજમાન ન્યૂઝીલૅન્ડની ટીમો સામેલ હતી.
પરંતુ વેસ્ટ ઇન્ડિઝે ન્યૂઝીલૅન્ડ દ્વારા 1981ના રંગભેદ સમયગાળા દરમિયાન દક્ષિણ આફ્રિકાની રગ્બી ટીમને યજમાની આપવાના વિરોધમાં તેમાં ભાગ લીધો નહોતો.
નેધરલૅન્ડ્સની ટીમ પણ નાણાકીય કારણોસર સામેલ થઈ શકી નહોતી. આ બંને ટીમોની જગ્યાએ 'ઇન્ટરનૅશનલ ઇલેવન' રમ્યું, જેમાં ભારત, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ્સના ખેલાડીઓ સામેલ હતા.
1986માં ભારતે શ્રીલંકામાં યોજાનારા એશિયા કપમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો, કારણ કે તેને શ્રીલંકામાં તામિલો સાથે કરવામાં આવતા વ્યવહાર સામે વાંધો હતો.
1988માં ભારતની મહિલા ટીમે વર્લ્ડકપમાં ભાગ લીધો નહોતો, કારણ કે તેમની ઍન્ટ્રી માટે નોંધણીની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી નહોતી. આ સમસ્યા 'બાબુશાહીની ગૂંચ અને રાજકીય ખેલ'ના કારણે ઊભી થઈ હતી.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
1990 91માં પાકિસ્તાને 'કાશ્મીર વિવાદ'ના કારણે એશિયા કપમાં ભાગ લીધો નહોતો. 1993નો એશિયા કપ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અને 1993ના બૉમ્બ ધડાકાઓ બાદ રદ કરી દેવામાં આવ્યો હતો.
1996માં ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝે શ્રીલંકામાં થનારી પોતાની વર્લ્ડકપ મૅચો માટે પોતાનો પ્રવાસ રદ કરી દીધો હતો. તે સમયે ત્યાં ગૃહયુદ્ધ ચાલુ હતું અને કોલંબોમાં બૉમ્બધડાકો પણ થયો હતો. ત્યારબાદ બંને ટીમો ગ્રૂપ મૅચોમાંથી હઠી ગઈ હતી. બાદમાં શ્રીલંકાએ લાહોરમાં ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવી ખિતાબ જીત્યો.
2003ના ક્રિકેટ વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડે ઝિમ્બાબ્વે સામે મૅચ રમવાનો ઇન્કાર કર્યો હતો. આ નિર્ણયનું કારણ ઝિમ્બાબ્વેના તે સમયના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેની સરકાર સામે માનવ અધિકારોના ઉલ્લંઘનના આરોપો અને સુરક્ષા ચિંતાઓ જણાવવામાં આવી હતી.
બ્રિટિશ સરકાર દ્વારા ઝિમ્બાબ્વેમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ ઇંગ્લૅન્ડના ખેલાડીઓને ત્યાં રમવામાં જોખમ લાગતું હતું. આ કારણે ઇંગ્લૅન્ડની ટીમે મૅચ 'ફૉરફિટ' (છોડી દેવાનો) નિર્ણય કર્યો.
આ જ ટુર્નામેન્ટમાં ન્યૂઝીલૅન્ડે પણ ખેલાડીઓની સુરક્ષા અંગેના ડરથી કૅન્યાની મુસાફરી કરી નહોતી અને પોતાની મૅચ રમી નહોતી.
શરૂઆતમાં ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ બંનેએ આશા વ્યક્ત કરી હતી કે આ મૅચોને અહીંથી હટાવી કોઈ ત્રીજા દેશમાં, ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં, યોજવામાં આવશે.
પરંતુ એવું થઈ શક્યું નહોતું અને નિયમો મુજબ આ મૅચોના પૉઇન્ટ્સ ઝિમ્બાબ્વે અને કૅન્યાને આપવામાં આવ્યા.
2009માં ઝિમ્બાબ્વેએ ઇંગ્લૅન્ડમાં યોજાનારા ટી20 વર્લ્ડકપમાં ભાગ લીધો નહોતો, કારણ કે સરકારો વચ્ચેના વિવાદને કારણે ખેલાડીઓને વિઝા મળવામાં મુશ્કેલી પડી હતી.
ઝિમ્બાબ્વે ક્રિકેટના તત્કાલીન અધ્યક્ષ પીટર ચિંગોકાએ કહ્યું હતું કે તેમને જણાવવામાં આવ્યું હતું કે બ્રિટિશ સરકાર ખેલાડીઓને વિઝા આપી શકતી નથી, અને આવી પરિસ્થિતિમાં ટીમે ભાગ ન લેવાનો નિર્ણય કર્યો. એ ટી20 વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વેની જગ્યાએ સ્કૉટલૅન્ડે ભાગ લીધો હતો.
2016માં જ્યારે ઢાકામાં એક ઇટાલિયન ચૅરિટી વર્કરની હત્યા કરવામાં આવી, ત્યારે ઑસ્ટ્રેલિયાની અંડર 19 ક્રિકેટ ટીમે બાંગ્લાદેશમાં આયોજિત અંડર-19 વર્લ્ડકપ માટે પોતાનો પ્રવાસ રદ કરી દીધો હતો.
ઑસ્ટ્રેલિયન સરકારે દેશના ક્રિકેટ બોર્ડને સલાહ આપી કે ખેલાડીઓને ન મોકલવામાં આવે, કારણ કે બાંગ્લાદેશમાં ઑસ્ટ્રેલિયન હિતો જોખમાય એમ હતા. એ પછી ઑસ્ટ્રેલિયાની જગ્યાએ આયર્લૅન્ડને આમંત્રિત કરવામાં આવ્યું.
2022માં ક્વૉરન્ટીનની પાબંદીઓના કારણે ન્યૂઝીલૅન્ડે વેસ્ટ ઇન્ડિઝમાં આયોજિત અંડર-19 વર્લ્ડકપમાં ભાગ લીધો નહોતો અને સ્કૉટલૅન્ડે તેમની જગ્યાએ ભાગ લીધો.
જ્યારે ભારત સરકારે તેની ક્રિકેટ ટીમને મંજૂરી ન આપી

ઇમેજ સ્રોત, ANI
2025ની ચૅમ્પિયન્સ ટ્રૉફી 29 વર્ષ પછી પાકિસ્તાનમાં આયોજિત થનારી પહેલી ICC ટૂર્નામેન્ટ હતી. નવેમ્બર 2021માં પાકિસ્તાનને યજમાન તરીકે મંજૂરી મળી ગઈ હતી.
તેમ છતાં સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું ભારત (જે 2008 પછી પાકિસ્તાનમાં મૅચ રમ્યું નહોતું) ત્યાં પ્રવાસ કરશે?
તેનું કારણ એ હતું કે બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધો તણાવપૂર્ણ હતા, જોકે પાકિસ્તાને 2023ના વનડે વર્લ્ડકપ માટે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો.
છેવટે, BCCIએ કહ્યું કે ભારત ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે પોતાના મૅચ રમવા પાકિસ્તાન નહીં જાય, કારણ કે તેમને સરકાર તરફથી મંજૂરી મળી નથી. બંને બોર્ડો અને ICC વચ્ચે અનેક વખત ચર્ચા બાદ 2024-'27ના મૅચો માટે એક સમજૂતી થઈ.
આ સમજૂતી અનુસાર, કોઈપણ ICC ટૂર્નામેન્ટ જો ભારત અથવા પાકિસ્તાનમાં યોજાય, તો બંને દેશો વચ્ચેના મૅચ ન્યુટ્રલ વૅન્યૂ પર રમાશે. તે બાદ 2025ની ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતની ટીમ પોતાની મૅચો રમવા માટે દુબઈ ગઈ.
આ જ સમયગાળા દરમિયાન પાકિસ્તાનએ મહિલા વર્લ્ડકપમાં પોતાની મૅચ ન્યુટ્રલ વૅન્યૂ પર રમવાનો નિર્ણય કર્યો, જેથી સુરક્ષા અને રાજકીય મુદ્દાઓનો ઉકેલ કાઢી શકાય. ભારતે દુબઈને પોતાનું બેઝ બનાવ્યું, જ્યારે પાકિસ્તાને પોતાની બધી મૅચ શ્રીલંકાના કોલંબોમાં રમી.
2026માં જ્યારે BCCIએ બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહમાનને IPL રમતા અટકાવ્યા, એ પછી બાંગ્લાદેશે સુરક્ષા ચિંતા વ્યક્ત કરીને પોતાની ટીમને ટી-20 વર્લ્ડકપ માટે ભારત મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો.
ICCનો તર્ક હતો કે તેની સમીક્ષા મુજબ બાંગ્લાદેશની ટીમને સુરક્ષાની દૃષ્ટિએ કોઈ જોખમ નથી. બાંગ્લાદેશના ઇન્કાર બાદ તેની જગ્યાએ સ્કૉટલૅન્ડને સામેલ કરવામાં આવ્યું.
ક્રિકેટના વૈશ્વિક ટુર્નામેન્ટ્સમાં આવું વારંવાર કેમ થયું?

ઇમેજ સ્રોત, Debarchan Chatterjee/NurPhoto via Getty Images
પ્રસિદ્ધ ક્રિકેટ પત્રકાર, કૉમેન્ટેટર અને વિશ્લેષક જેરડ કિમ્બરે પોતાના યુટ્યૂબ ચૅનલ પર એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તેઓ કહે છે કે ક્રિકેટમાં રાજકારણની દખલ નથી થતી એમ કહેવું ખોટું છે – ખરેખર તો રાજકારણ જ ક્રિકેટની "ઓપનિંગ" કરે છે.
"શરૂઆતથી જ રાજકારણે આ રમતને મર્યાદિત રાખી છે અને હવે આપણે એવા વર્લ્ડકપની નજીક છીએ, જેમાં રાજકારણના કારણે એક ટીમ સામેલ નથી થઈ અને બીજી ટીમે એક સામે મૅચ રમવાનો ઇન્કાર કર્યો છે."
જેરડ કહે છે, "રાજકારણ એક અજબ બાબત છે. બધા ઇચ્છે છે કે તેને રમતથી અલગ રાખવામાં આવે, પરંતુ આ એવું જ છે જેમ પાણીમાંથી ભીનાશને અલગ કરવાનો પ્રયાસ કરવો."
"રાજકારણને કોઈ પણ વસ્તુથી સંપૂર્ણપણે અલગ કરી શકાય નહીં, કારણ કે તેનો સ્વભાવ જ એવો છે કે તે દરેક વસ્તુ સાથે જોડાઈ જાય છે."
તેઓ 2023ની એશિઝ સિરીઝમાં લૉર્ડ્સના મેદાન પર થયેલી એક સ્ટમ્પિંગ ઘટનાનું ઉદાહરણ આપે છે, જેના પર બંને દેશોના વડા પ્રધાનોએ (ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા) ટિપ્પણી કરી હતી.
"તેમણે આવું એટલા માટે નહોતું કર્યું, કે તેઓ ક્રિકેટ ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ એ માટે હતું કે આ લોકપ્રિયતા મેળવવાનો એક સરળ રસ્તો હતો."
આ જ રીતે ઑસ્ટ્રેલિયાના સૅન્ડપેપર સ્કૅન્ડલ પર પણ એક ભૂતપૂર્વ વડા પ્રધાને તેને મોટો રાજકીય મુદ્દો બનાવી દીધો હતો.
જેરડ ઉમેરે છે કે તાજેતરનાં વર્ષોમાં દક્ષિણ આફ્રિકી સરકારનો ક્રિકેટ પ્રશાસનમાં હસ્તક્ષેપ, અમેરિકા ખાતે ટી 20 લીગનું રાજકારણની ઝપટમાં આવવું અને એ હકીકત કે હાલના ICC ચૅરમૅન ભારતના ગૃહમંત્રીના પુત્ર છે—આ બધું દર્શાવે છે કે રાજકારણ ક્રિકેટના દરેક સ્તરે છે.
"આ રમત હંમેશા પૈસા અને રાજકારણની ભેળસેળ થતી રહી છે. વર્લ્ડકપની કલ્પના પણ પૈસા કમાવવા માટે જ સામે આવી હતી અને સમય સાથે દરેક બદલાવે ક્રિકેટમાં વધુ નાણા લાવવાનો રસ્તો તૈયાર કર્યો છે."
પહેલાં જો કોઈ ટીમને કોઈ દેશમાં રમવા પર વાંધો પડતો, તો તે મૅચ ન રમવાનો નિર્ણય કરીને પૉઇન્ટ્સ જતા કરતી હતી.
પરંતુ હવે ક્રિકેટની રમત એ અબજો ડૉલરની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે.
આ પરિસ્થિતિમાં ભારતનું પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રૉફી રમવાથી ઇન્કાર કરવું માત્ર 'ફૉરફિટ' થવા સુધી મર્યાદિત નથી રહ્યું.
મૅચ ક્યાંય પણ રમાય, પાકિસ્તાન અને ભારત બંને એકબીજાની ભાગીદારીથી આર્થિક કમાણી કરે છે.
જેરડના અનુસાર, આ જ તે બિંદુ છે જ્યાં ક્રિકેટનો નબળી વહીવટ સ્પષ્ટપણે સામે આવે છે. જો આ રમત મજબૂત મૅનેજમેન્ટથી ચાલતી અને એક જ બજાર પરની નિર્ભરતા પરથી મુક્ત હોત, તો વધુ સારા નિર્ણયો લઈ શકાયા હોત. પરંતુ ક્રિકેટ હંમેશા પરસ્પર વિરોધી હિતોનું એક સંવેદનશીલ ગઠબંધન રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













