બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ્ઝ : આ પાંચ ખેલાડીઓ બન્યાં નૉમિની

બીબીસી સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર, BBC ISWOTY સ્મૃતિ મંધાના, હરમનપ્રિત કૌર, સુરુચિ સિંહ, દિવ્યા દેશમુખ, જ્યોતિ યારજી, બીબીસી ગુજરાતી
વાંચવાનો સમય: 6 મિનિટ

બીબીસીએ 2025માં ભારતનાં અગ્રણી મહિલા ઍથ્લીટ્સની અસાધારણ સિદ્ધિઓને બિરદાવતાં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY)નાં નૉમિનીઝની જાહેરાત કરી છે.

આ વર્ષનાં પાંચ દાવેદાર છે – ક્રિકેટર હરમનપ્રીતકોર અને સ્મૃતિ મંધાના, શતરંજ ખેલાડી દિવ્યા દેશમુખ, નિશાનેબાજ સુરુચિસિંહ તથા ઍથ્લીટ જ્યોતિ યાર્રાજી.

આ પુરસ્કાર વર્ષ 2025માં ભારતના રમતકક્ષેત્રમાં મહિલાઓના પ્રદાનને સન્માનિત કરવાનો તથા દેશમાં રમત સંબંધિત તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી માટે છે.

બીબીસીએ પસંદ કરેલી એક પેનલે આ પાંચ ભારતીય મહિલા ખેલાડીઓની યાદી તૈયાર કરી છે. જ્યૂરીમાં ભારતભરના કેટલાક સૌથી અનુભવી તથા પ્રતિષ્ઠિત ખેલ પત્રકાર, નિષ્ણાત તથા લેખક સામેલ છે.

પહેલી વખત બીબીસીએ એક ગ્રાન્ડ જ્યૂરી બનાવી છે, જે વિજેતાઓ અંગે નિર્ણય લેશે. આ ગ્રાન્ડ જ્યૂરીમાં ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ, લૉંગ જમ્પર અંજૂ બૉબી જૉર્જ તથા પૅરા ઍથ્લીટ દીપા મલિકનો સમાવેસ થાય છે.

વિજેતાઓને તા. 16 ફેબ્રુઆરીના યોજાનારા એક સમારંભમાં સન્માનિત કરવામાં આવશે. સમારંભમાં બીબીસીની જ્યૂરી તરફથી નૉમિનેટ થયેલાં અન્ય ત્રણ મહિલા ખેલાડીઓને પણ અલગ-અલગ શ્રેણીમાં સન્માનિત કરવામાં આવશે.

બીબીસી પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ ઇયર ઍવૉર્ડ – પૅરા સ્પૉર્ટ્સમાં ઉત્કૃષ્ટતા માટે આપવામાં આવશે.

બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ઇયર ઍવૉર્ડ – એક યુવા ખેલાડીની સિદ્ધિઓને ઓળખ અપાવશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ – ખેલક્ષેત્રે અદ્વિતિય પ્રદાન આપનારાં કોઈ અનુભવી ખેલાડી પ્રત્યે સન્માન પ્રગટ કરે છે.

બીબીસી ન્યૂઝનાં વચગાળાના ગ્લોબલ ડાયરેક્ટર ફિયોના ક્રૅક કહે છે, "ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ ઇયર ભારતનાં મહિલાઓનું રમતોમાં ભવ્ય સિદ્ધિઓથી ભરેલું વધુ એક વર્ષ દર્શાવે છે. બીબીસી વર્લ્ડ સર્વિસ આ પ્રયાસોને દર્શાવવા તથા તેનો જશ્ન મનાવવામાં, કોઈપણ અન્ય મીડિયાસંસ્થાનથી અલગ અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમને આનંદ છે કે અમે આ મહિલાઓને એક એવું મંચ આપી શકીએ છીએ, જ્યાં તેઓ પોતાની મહેનતથી હાંસલ કરેલી સિદ્ધિઓને ભારત તથા વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડી શકે."

બીબીસી ISWOTYનું નિર્માણ તેમજ વ્યવસ્થાપન કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા કરવામાં આવે છે.

કલેક્ટિવ ન્યૂઝરૂમનાં ઍડિટર ઇન ચીફ તથા સહ-સંસ્થાપક રૂપા ઝા કહે છે, "ઘણી વખત મહિલાઓને લગ્ન, ઉંમર, શરીર સંબંધિત માપદંડો કે દિવ્યાંગતાને કારણોસર રમતથી દૂર રહેવા માટે હતોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષની એડિટોરિયલ થીમ, એક સાધારણ પરંતુ ખૂબ જ જરૂરી વાતને દૃઢતાપૂર્વક રજૂ કરે છે કે બધા રમી શકે છે, કારણ કે ખેલ બધાયના છે. તેની ખરી અસર માત્ર પરિણામોથી નહીં, પરંતુ તમામની સામેલગીરી તથા મળનારી તકો દ્વારા માપવી જોઈએ. ISWOTY 2026 એ દરેક મહિલાની ઉપલબ્ધિઓની ઉજવણી કરે છે, જેણે રમતના મેદાનમાં ઊતરવાની હિંમત દાખવી અને પોતાનું સ્થાન ઊભું કર્યું."

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ ઇયની છઠ્ઠી આવૃત્તિનાં નૉમિનીઝ છે....

દિવ્યા દેશમુખ, ચેસ

બીબીસી સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર, BBC ISWOTY સ્મૃતિ મંધાના, હરમનપ્રિત કૌર, સુરુચિ સિંહ, દિવ્યા દેશમુખ, જ્યોતિ યારજી, બીબીસી ગુજરાતી

20 વર્ષની ઉંમરનાં પ્રતિભાશાળી ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે FIDE વિમેન્સ વર્લ્ડ કપનાં પ્રથમ ભારતીય તેમજ અત્યાર સુધીનાં સૌથી નાની વયનાં ચૅમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો હતો.

આ સિદ્ધિએ તેમને ગ્રાન્ડમાસ્ટરનો દરજ્જો અપાવ્યો હતો.

ફાઇનલ્સમાં દેશમુખે ગ્રાન્ડમાસ્ટર બનનારાં પ્રથમ મહિલા કોનેરુ હમ્પીને પરાજય આપતાં, દેશ માટે આ 'વારસો સોંપવાની ક્ષણ' બની હતી.

2005માં નાગપુરમાં જન્મેલાં દિવ્યા દેશમુખે પાંચ વર્ષની કુમળી વયે ચેસ રમવાનું શરૂ કર્યું હતું.

બે વર્ષની અંદર જ તેઓ અન્ડર-7 નૅશનલ ચૅમ્પિયન બની ગયાં હતાં અને 2017માં તેમણે ગર્લ્સ અન્ડર-12ની કૅટેગરીમાં વર્લ્ડ યૂથ ચેસ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.

2022માંં ચેન્નઈમાં યોજાયેલા ચેસ ઓલમ્પિયાડમાં તેમણે ભારતની કાંસ્ય પદક જીતનારી ટીમમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

બે વર્ષ પછી તેમણે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો અને સાથે જ તેઓ પોડિયમમાં પ્રથમ ક્રમે રહેનારી ટીમનો ભાગ પણ હતાં.

હરમનપ્રીતકોર, ક્રિકેટ

બીબીસી સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર, BBC ISWOTY સ્મૃતિ મંધાના, હરમનપ્રિત કૌર, સુરુચિ સિંહ, દિવ્યા દેશમુખ, જ્યોતિ યારજી, બીબીસી ગુજરાતી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કપ્તાન હરમનપ્રીતકોરે નવેમ્બર, 2025માં દેશને પ્રથમ આઇસીસી મહિલા વર્લ્ડ કપ ટાઇટલ અપાવ્યું હતું.

ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મૅચમાં તેમણે 88 બૉલમાં 89 રન કરીને 339 રનના ઊંચા સ્કોરને ચેઝ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

2017માં ઑસ્ટ્રેલિયા સામેની જ અન્ય એક વર્લ્ કપ સેમિફાઇનલમાં અણનમ રહીને કરેલા 171 રનની તેમની ઇનિંગને હજુયે મહિલા ક્રિકેટની યાદગાર ઇનિંગ્ઝ પૈકીની એક ગણવામાં આવે છે.

1989માં પંજાબના રમત-ગમત પ્રત્યે લગાવ ધરાવનારાં માતા-પિતાના ઘરે તેમનો જન્મ થયો, તે જ દિવસે તેમના પિતાએ તેમના માટે એક ટી-શર્ટ ખરીદી હતી, જેના પર લખ્યું હતું, "ગુડ બેટિંગ". 2009માં ક્રિકેટ જગતમાં પ્રવેશ કર્યા બાદ ભારતીય ટીમનાં મુખ્ય બેટર બનીને તેમણે તે ભવિષ્યવાણીને સાચી ઠેરવી હતી. તેઓ ટાઇમ મેગેઝિનની 2023ની 'ટોપ 100 ઊભરતાં આગેવાનો' અને બીબીસીની ટોપ 100 સૌથી વધુ પ્રેરણાદાયી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યાં છે. 2017માં તેમને દેશના રમત-ગમત ક્ષેત્રના બીજા સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર એવા અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.

સ્મૃતિ મંધાના, વાઇસ-કૅપ્ટન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

બીબીસી સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર, BBC ISWOTY સ્મૃતિ મંધાના, હરમનપ્રિત કૌર, સુરુચિ સિંહ, દિવ્યા દેશમુખ, જ્યોતિ યારજી, બીબીસી ગુજરાતી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના રમત-ગમતનાં ઑલ-ટાઇમ ગ્રેટ ખેલાડીઓમાં સ્થાન મેળવવા માટે તેમનો દાવો મજબૂત કરી રહ્યાં છે.

29 વર્ષીય ડાબોડી બૅટર મંધાના વન-ડે ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે બીજા ક્રમે અને વર્તમાન ખેલાડીઓમાં સૌથી વધુ રન કરવા મામલે ત્રીજા સ્થાને છે.

મહારાષ્ટ્રના સાંગલી શહેરમાંથી આવતાં મંધાનાને તેમના પિતા અને ભાઈ પાસેથી પ્રેરણા મળી હતી, જેઓ જિલ્લા સ્તર પર ક્રિકેટ રમતા હતા.

2013માં ઝોનલ અન્ડર-19 ટુર્નામેન્ટ રમતી વખતે તેઓ સ્થાનિક એક-દિવસીય મૅચમાં બેવડી સદીનો સ્કોર કરનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં હતાં.

ગયા વર્ષના સપ્ટેમ્બર માસમાં તેમણે ઑસ્ટ્રેલિયા સામે 50 બૉલમાં સદી ફટકારી હતી - જે વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડીને 50 ઓવરના ક્રિકેટ ફૉર્મેટમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા ફટકારાયેલી સૌથી ઝડપી સદી હતી.

તેમને 2018 અને 2021માં, એમ બે વખત આઇસીસી વિમેન્સ ક્રિકેટર ઑફ ધ યર જાહેર કરવામાં આવ્યાં છે.

સાથે જ 2019માં તેમને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત અર્જુન ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સુરુચિસિંહ, શૂટિંગ

બીબીસી ગુજરાતી

શૂટર્સ તૈયાર કરવાનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતા રાજ્ય હરિયાણામાંથી આવતાં સુરુચિસિંહ 2024માં નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં સાત સુવર્ણ ચંદ્રકો જીતીને સમાચારોમાં છવાઈ ગયાં હતાં.

એક વર્ષ કરતાંયે ઓછા સમય બાદ 19 વર્ષનાં સિંહે સિનિયર ઇન્ટરનૅશનલમાં ઝંપલાવ્યું હતું અને ઝડપથી વૈશ્વિક મંચ પર તેમની ઓળખ પ્રસ્થાપિત કરી હતી.

2025માં બુએનોસ એરિસ, લિમા તથા મ્યુનિકમાં યોજાયેલી ISSF વર્લ્ડકપ સિરીઝમાં તેમણે વ્યક્તિગત ગોલ્ડ મેડલ્સ જીતીને ત્રણ સુવર્ણ પદક હાંસલ કરવાની દુર્લભ સિદ્ધિ મેળવી હતી. લિમામાં તેમણે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

2025માં કઝાખસ્તાનમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે મનુ ભાકર અને પલક ગુલિયા સાથે મહિલા ટીમ ઇવેન્ટમાં કાંસ્ય પદક જીત્યો હતો.

સપ્ટેમ્બર, 2025માં તેઓ ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પૉર્ટ ફૅડરેશનની 10 મીટર એર પિસ્તોલ કૅટેગરીમાં વિશ્વનાં પ્રથમ ક્રમાંકિત મહિલા શૂટર બન્યાં હતાં.

જ્યોતિ યાર્રાજી, ઍથ્લેટિક્સ

બીબીસી સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર, BBC ISWOTY સ્મૃતિ મંધાના, હરમનપ્રિત કૌર, સુરુચિ સિંહ, દિવ્યા દેશમુખ, જ્યોતિ યારજી, બીબીસી ગુજરાતી

જ્યાં ટ્રૅક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાં ઉચ્ચ સ્તરે ખૂબ ઓછી સિદ્ધિઓ જોવા મળતી હોય, તેવા દેશમાં યાર્રાજી 2024ની પેરિસ ગેમ્સમાં ઑલિમ્પિક્સ 100 મીટરની હર્ડલ્સ માટે ક્વૉલિફાય થનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં હતાં.

આમ તો, વિઘ્નોનો સામનો કરવો એ યારાજી માટે કદી સમસ્યારૂપ નથી રહ્યું, કારણ કે, 26 વર્ષીય આ ઍથ્લીટ સામાન્ય પરિવારમાંથી આવે છે - તેમના પિતા સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા અને તેમનાં માતા ઘરકામ કરતાં હતાં.

2022માં તેમણે 13.23 સેકન્ડ્ઝનો સમય નોંધાવીને 100 મીટર હર્ડલ્સનો રાષ્ટ્રીય રેકૉર્ડ તોડ્યો હતો અને ત્યારથી લઈને તેઓ સ્વયં પોતાનો રેકૉર્ડ અનેક વખત તોડી ચૂક્યાં છે.

આ ઉપરાંત 2022ની નૅશનલ ગેમ્સમાં પણ તેમણે ઉત્તમ દેખાવ કરતાં સ્પ્રિન્ટ અને હર્ડલ સ્પર્ધાઓમાં એક કરતાં વધુ ગોલ્ડ મેડલ્સ જીત્યા હતા, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં બ્રૉન્ઝ જીત્યો હતો તથા 2022ની એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

2023માં યાર્રાજીએ એશિયન ઇન્ડોર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં 60 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ અને એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં સિલ્વર મેડલ જીતીને એશિયાનાં ટોચનાં હર્ડલર તરીકેની પોતાની પ્રતિષ્ઠા સુદૃઢ બનાવી હતી.

આ ઉપરાંત તેમણે ગુમીમાં યોજાયેલી એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સ, 2025માં 100 મીટર હર્ડલ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2024માં તેમને અર્જુન ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ ઇયર પુરસ્કારની શરૂઆત વર્ષ 2019માં ભારતીય મહિલાઓની સિદ્ધિઓને સન્માનિત કરવા તથા તેનો જશ્ન મનાવવા માટે કરવામાં આવી હતી. પીવી સિંધુ પહેલી આવૃત્તિનાં વિજેતા હતાં.

2020ની આવૃત્તિનાં વિજેતા વર્લ્ડ ચેસ ચૅમ્પિયન કોનેરુ હમ્પી હતાં, જ્યારે વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ વર્ષ 2021 તથા 2022માં આ પુરસ્કાર જીત્યો. જ્યારે, 2024નો પુરસ્કાર નિશાનેબાજ મનુ ભાકરને મળ્યો.

ઍથ્લીટ પીટી ઉષા અને અંજુ બૉબી જૉર્જ, વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી, હૉકી ખેલાડી પ્રીતમ સિવાચ તથા ક્રિકેટર મિતાલી રાજ લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડનાં પૂર્વ વિજેતા રહ્યાં છે.

ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલ તથા નિશાનેબાજ અવનિ લેખરા બીબીસી ઇન્ડિયન પૅરા-સ્પૉર્ટ્સ વુમન ઍવૉર્ડથી સન્માનિત થઈ ચૂક્યાં છે.

ક્રિકેટર શેફાલી વર્મા, નિશાનેબાજ મનુ ભાકર અને તીરંદાજ શીતલ દેવીને બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યરનો ઍવૉર્ડ મળી ચૂક્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન