ટી20 વર્લ્ડકપ : ભારત સામે મૅચ નહીં રમે પાકિસ્તાન, પરંતુ જો બંને 'ફાઇનલ'માં આવે તો શું થશે?

T20 વિશ્વકપ : પાકિસ્તાને ભારત સામે મૅચ ન રમવાનો નિર્ણય લીધો, 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાવાની હતી આ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 4 મિનિટ

પાકિસ્તાન સરકારે પોતાની ક્રિકેટ ટીમને ટી20 વર્લ્ડકપમાં રમવાની મંજૂરી આપી છે, પરંતુ ટીમ ભારત સામે પોતાની મૅચ નહીં રમે.

બીબીસી ઉર્દૂ અનુસાર, રવિવારે એક નિવેદનમાં પાકિસ્તાની સરકારે કહ્યું કે "પાકિસ્તાન સરકારે પાકિસ્તાની ક્રિકેટ ટીમને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2026માં ભાગ લેવાની મંજૂરી આપી છે, જોકે પાકિસ્તાની ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારત સામે મૅચ નહીં રમે."

પાકિસ્તાનની સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અનેક સમાચારો આવતા હતા કે પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારત સામે મૅચ રમવાની મંજૂરી નહીં મળી શકે.

ગત અઠવાડિયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસીન નકલીએ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે બેઠક કર્યા બાદ કહ્યું કે "વડા પ્રધાને બધા વિકલ્પો પર વિચાર કરીને મામલાને ઉકેલવાનો નિર્દેશ આપ્યો છે."

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ ભારતમાં રમવાનો ઇનકાર કરવાને કારણે બાંગ્લાદેશને વર્લ્ડકપમાંથી બાકાત રાખ્યું છે અને તેની જગ્યાએ સ્કૉટલૅન્ડને સામેલ કર્યું છે.

ભારત અને શ્રીલંકામાં સાત ફેબ્રુઆરીથી આઇસીસી ટી20 વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે.

પાકિસ્તાન સરકારે ઍક્સ પર લખ્યું છે કે, "ઇસ્લામી ગણરાજ્ય પાકિસ્તાનની સરકારે પાકિસ્તાન ક્રિકેટ ટીમને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2026માં ભાગ લેવા માટે મંજૂરી આપી દીધી છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી નિર્ધારિત મૅચમાં મેદાનમાં ઊતરશે નહીં."

આઈસીસી સામે પાકિસ્તાને લગાવ્યા આરોપ

T20 વિશ્વકપ : પાકિસ્તાને ભારત સામે મૅચ ન રમવાનો નિર્ણય લીધો, 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાવાની હતી આ મૅચ

ઇમેજ સ્રોત, X/MOHSIN NAQVI

ઇમેજ કૅપ્શન, મોહસિન નક્વીએ શહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી

પીસીબીના ચૅરમૅન મોહસીન નકવીએ આઇસીસીના નિર્ણયને 'ખોટો' અને બેવડા વલણનો ગણાવ્યો હતો.

સાત ફેબ્રુઆરીથી શરૂ થનારા આઇસીસી ટી20 વર્લ્ડકપ માટે બાંગ્લાદેશને ગ્રૂપ સીમાં રાખવામાં આવ્યું છે. ગ્રૂપમાં ઇંગ્લૅન્ડ, ઇટાલી, વેસ્ટઇન્ડીઝ અને નેપાળનો પણ સમાવેશ થાય છે.

આઇસીસીએ પહેલાંથી જ કહી દીધું હતું કે જો બાંગ્લાદેશ નહીં રમે તો સ્કૉટલૅન્ડ વર્લ્ડકપમાં તેનું સ્થાન લેશે.

ટુર્નામેન્ટની પહેલી મૅચ બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમવાની હતી. બાંગ્લાદેશને કોલકાતામાં ત્રણ ગ્રૂપ સ્ટેજ મૅચ અને મુંબઈમાં એક મૅચ રમવાની હતી.

જોકે હવે બાંગ્લાદેશના સ્થાને સ્કૉટલૅન્ડની ટીમને સામેલ કરી દેવાઈ છે.

આ વર્લ્ડકપ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજી રહ્યા છે.

'જો ફાઇનલમાં ભારત-પાકિસ્તાન આવે તો શું થશે?'

T20 વિશ્વકપ : પાકિસ્તાને ભારત સામે મૅચ ન રમવાનો નિર્ણય લીધો, 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાવાની હતી આ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર અનેક ટિપ્પણીઓ સામે આવી રહી છે. ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ઇન્સ્ટાગ્રામ પર આ નિર્ણય અંગે એક પોસ્ટ કરી છે.

તેમણે લખ્યું, "જો પાકિસ્તાન વર્લ્ડકપમાં જાય, પણ ભારત સામે મૅચ નહીં રમે, તો આઇસીસીની પ્રતિક્રિયા જોવી ખૂબ જ રસપ્રદ રહેશે. મને કાયદાકીય સ્થિતિની ખબર નથી, અને બીજું કે ખબર નથી કે ભૂતકાળનાં ઉદાહરણોના આધારે આ બાબતને કેવી રીતે હલ કરી શકાશે, પરંતુ મને આશ્ચર્ય નહીં થાય જો આઇસીસી બ્રૉડકાસ્ટરને પાકિસ્તાનના આઇસીસી રેવન્યુ શૅરમાંથી તેના નુકસાનની ભરપાઈ કરવા કહે દે. અને જો ફાઇનલમાં ભારત-પાકિસ્તાનની મૅચ હોય તો શું થશે?"

તો વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "મોટા સમાચાર: પાકિસ્તાને જાહેરાત કરી છે કે તે ટી20 વર્લ્ડકપમાં ભારત સામે નહીં રમે. મારા મતે, આઇસીસીએ આ માટે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવી જોઈએ. બાંગ્લાદેશ પાસે નારાજ થવાનાં કારણો હતાં, પરંતુ પાકિસ્તાન પહેલાંથી જ હાઇબ્રિડ મૉડલ માટે સંમતિ આપી હતી. હવે પાછળ હઠવાનું કોઈ કારણ નથી."

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલે સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું હતું કે પાકિસ્તાની સરકાર અને પીસીબી આ નિર્ણયથી પોતાના "ક્રિકેટનો નાશ" કરી રહ્યા છે.

તેમણે કહ્યું, "આનાથી તેમની સમસ્યાઓ હલ થશે નહીં. કોઈએ તો યોગ્ય વિચારવું જોઈએ. આ સમયે તેઓ સહેજ પણ વિચારતા નથી. તેઓ બાંગ્લાદેશને ટેકો આપવા માગે છે. તમે કરતા રહો, તે અમારી ચિંતા નથી, પરંતુ અંતે નુકસાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનને થશે. હકીકત એ છે કે ન્યૂઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા, આ મોટા ક્રિકેટ રમતા દેશો છે જે ભીડ લાવશે, સ્પૉન્સરશિપ પણ ત્યાં જશે."

ભારત અને પાકિસ્તાન ટી20 વર્લ્ડકપમાં આઠ વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. પાકિસ્તાને એક મૅચ જીતી છે, બાકીની સાત મૅચ ભારતે જીતી છે.

વનડે વર્લ્ડકપમાં બંને ટીમો આઠ વખત સામસામે ટકરાઈ છે. જેમાં પાકિસ્તાન આ બધી આઠ મૅચ હારી ગયું છે.

પાકિસ્તાને બાંગ્લાદેશનું સમર્થન કર્યું હતું

T20 વિશ્વકપ : પાકિસ્તાને ભારત સામે મૅચ ન રમવાનો નિર્ણય લીધો, 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાવાની હતી આ મૅચ

ઇમેજ સ્રોત, Ryan Lim/Getty Images

પીસીબીના ચૅરમૅન મોહસીન નકવીએ આઇસીસીના નિર્ણયને 'ખોટો' અને બેવડાં વલણનો ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું, "બાંગ્લાદેશ પર પણ એ જ નિયમો લાગુ થવા જોઈએ જે બીજા કોઈ દેશને લાગુ પડે છે. જો કોઈ દેશ સુરક્ષાના કારણસર અન્ય દેશમાં રમવાનો ઇનકાર કરે, તો બાંગ્લાદેશને પણ આ અધિકાર હોવો જોઈએ."

તેમણે કહ્યું, "આવી સ્થિતિમાં સરકાર હવે વર્લ્ડકપ માટે શ્રીલંકામાં એક ટીમ મોકલવાનો નિર્ણય લેશે. જો બાંગ્લાદેશ સાથે ન્યાય નહીં થાય, તો આઇસીસી ઇચ્છે તો 22મી ટીમ ઉમેરી શકે છે."

જ્યારે મોહસીન નકવીને પૂછવામાં આવ્યું કે, "જો પાકિસ્તાન પણ ટી20 વર્લ્ડકપ ન રમે તો 'પ્લાન બી' શું છે?", ત્યારે તેમણે જવાબ આપ્યો, "પહેલા નિર્ણય લેવા દો. અમારી પાસે પ્લાન એ, બી, સી અને ડી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન