43 બૉલમાં સદી અને 10 સિક્સ, ઇશાન કિશન શું નક્કી કરીને મેદાનમાં આવ્યા હતા?

ઇશાન કિશન સદી, ભારત અને ન્યૂઝીલેન્ડ ટી20 ટુર્નામેન્ટ, ક્રિકેટ સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, R. Satish BABU / AFP via Getty Images

વાંચવાનો સમય: 3 મિનિટ

ન્યૂઝીલૅન્ડ સામેની પાંચ મૅચની ટી20 ટુર્નામેન્ટ શરૂ થઈ, એ પહેલાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવના પર્ફૉર્મન્સ ઉપર સવાલ ઊઠી રહ્યા હતા, કારણ કે વર્ષ 2025 દરમિયાન યાદવ પોતાના બેટથી કોઈ ખાસ કમાલ નહોતા કરી શક્યા.

જોકે, સિરીઝ દરમિયાન તેમણે ઉત્કૃષ્ટ કપ્તાનીનો પરિચય આપ્યો અને ભારતે આ 4-1થી આ સિરીઝ જીતી. એટલું નહીં સિરીઝ દરમિયાન તેમણે ત્રણ અડધી સદી સાથે 242 રન બનાવ્યા.

રવિવારની છેલ્લી મૅચમાં યાદવે 30 બૉલમાં 63 રન ફટકાર્યા હતા, જોકે, મૅચનું આકર્ષણ ઇશાન કિશન રહ્યા હતા, જેમણે પોતાની કારકિર્દીની સૌપ્રથમ સદી ફટકારી હતી.

યાદવ અને ઇશાન કિશને ત્રીજી વિકેટની ભાગીદારીમાં 137 રન ઉમેર્યા હતા. જે ભારતીય ટીમમાં એક રેકૉર્ડ છે. તેમણે સુરેશ રૈના અને વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડ્યો હતો.

સદીની નજીક પહોંચ્યા હોવા છતાં ઇશાને તેમની આક્રમક રમત ચાલુ રાખી હતી અને તેમણે પોતાની આક્રમકતા પાછળનું કારણ અને આગામી લક્ષ્યાંક પણ મૅચ પછી સ્પષ્ટ કરી દીધા હતા.

ઇશાન કિશનની આક્રમક ઇનિંગ

ઇશાન કિશન સદી, ભારત અને ન્યૂઝીલેન્ડ ટી20 ટુર્નામેન્ટ, ક્રિકેટ સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dibyangshu SARKAR / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, શનિવારનો દિવસ સૂર્યકુમાર યાદવ (જમણે) અને ઇશાન કિશનના નામે રહ્યો હતો

શનિવારે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ 'મૅન ઑફ ધ સિરીઝ' બન્યા હતા, જ્યારે 'પ્લેયર ઑફ ધ મૅચ'ના નામ માટે કદાચ જ કોઈના મનમાં શંકા હતી. આ ખિતાબ ઇશાન કિશનને મળ્યો હતો.

પાંચ ઓવરના અંતે ભારતનો સ્કોર 48 રન હતો. સંજુ સૅમ્સન તથા અભિષેક શર્મા પેવોલિયન ભેગા થઈ ગયા હતા. મેદાન ઉપર રહેલા યાદવ તથા ઇશાન કિશન ઉપર દબાણ આવી ગયું હતું.

જે નવમી ઓવર સુધી વર્તાયું હતું. આગામી ચાર ઓવર દરમિયાન ભારતે ચાર ઓવરમાં માત્ર 34 રન ઉમેર્યા હતા.

હવે ઇશાન કિશન 19 બૉલમાં 26 રન તથા યાદવ 13 બૉલમાં 20 રન બનાવીને મેદાન ઉપર હતા.

પછીની ઓવરોમાં સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશને મેદાનની ચારેય તરફ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. બાકીની 11 ઓવરમાં ભારતે લગભગ 17ની સરેરાશથી 189 રન ઉમેર્યા.

કિશને આગામી 23 બૉલમાં 77 રન ઉમેર્યા અને 42 બૉલમાં સદી પૂર્ણ કરી.

ઇશાને તેમની ઇનિંગમાં 10 છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા. શનિવારે ઇશાન કિશનની સ્ટ્રાઇકરેટ 240 જેટલી રહી હતી.

એ પછી હાર્દિક પંડ્યાએ પૂરી કરી હતી. તેમણે ચાર છગ્ગા અને એક ચોગ્ગા સાથે 17 બૉલમાં 42 રન બનાવ્યા.

રિંકુસિંહે એક ચોગ્ગો (આઠ બૉલ, આઠ રન) તથા શિવમ દુબેએ એક છગ્ગો ફટકાર્યો હતો. શિવમે બે બૉલમાં આઠ રન બનાવ્યા.

'મને એવૉર્ડ્સ મળી રહ્યા છે, પણ...'

ઇશાન કિશન સદી, ભારત અને ન્યૂઝીલેન્ડ ટી20 ટુર્નામેન્ટ, ક્રિકેટ સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

27 વર્ષીય ઇશાને સિરીઝ દરમિયાન ચાર ઇનિંગ રમી હતી, જેમાં એક અડધી સદી અને એક સદી સાથે 215 રન ફટકાર્યા છે અને તેમની સ્ટ્રાઇકરેટ 231ની રહેવા પામી છે.

મૅચ પછી ઇશાન કિશને કહ્યું, "ખરેખર કહું હતો મગજમાં કંઈ નહોતું ચાલી રહ્યું. બૉલ હરકત કરી રહ્યો હતો, પરંતુ તમે જ્યારે અભિષેક શર્મા સાથે રમતા હો, ત્યારે મદદ મળી રહે છે. તેના ઇરાદા પરથી તમે સમજી જાવ છો કે ટીમને શેની જરૂર છે, એ પછી તમે દરેક બૉલને જુઓ છો અને જરૂરિયાત મુજબ રમવાનો પ્રયાસ કરો છો. આજે મારા માટે એ વલણ કામ કરી ગયું."

ઇશાન કિશન તેમની કૅરિયરની પહેલી ટી20 સદીની નજીક હતા, ત્યારે પણ તેમણે આક્રમક ઇનિંગ રમવાનું ચાલુ રાખ્યું હતું અને વ્યક્તિગત માઇલસ્ટોનની પરવાહ નહોતી કરી. તેના વિશે ઇશાન કિશને કહ્યું :

"મને લાગે છે કે હાલમાં ટીમના દરેક સભ્યની એ માનસિકતા છે. જો તમે (તમારા વ્યક્તિગત) માઇલસ્ટોનની નજીક હો, તો પણ તે બાબત ગૌણ બની રહે છે."

"એ તબક્કે તમે સિંગલ લેવાનું ચાલુ કરી દો, પછીના તબક્કે તમને વિચાર આવે છે કે તમે મોટી (જુમલો ખડકવાની) તક ચૂકી ગયા."

"આથી જો બૉલ આવે અને લાગ હોય તો ફટકારો અને ફટકારવો જ રહ્યો. વ્યક્તિગત માઇલસ્ટોન કરતાં મૅચ જીતવા ઉપર ધ્યાન કેન્દ્રિત છે."

વીડિયો કૅપ્શન, ફૂટબૉલની રમત રાજસ્થાનમાં છોકરીઓનાં બાળલગ્ન રોકવામાં કેવી રીતે કારગર સાબિત થઈ રહી છે?

યાદવની જેમ ફૉર્મમાં પરત ફરેલા ઇશાન કિશને સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ન્યૂઝીલૅન્ડ સામેની મૅચથી સંતુષ્ટ નથી અને તેમનું લક્ષ્યાંક ટી20 વર્લ્ડકપ છે.

ઇશાન કિશને કહ્યું, "મને લાગે છે કે હું હજુ ત્યાં (જે મારે હાંસલ કરવાનું છે) નથી. મેં સારું પ્રદર્શન કર્યું છે અને મને આ એવૉર્ડ્સ મળી રહ્યા છે, પરંતુ મારું ધ્યાન વર્લ્ડકપ ઉપર કેન્દ્રિત છે."

"ત્યાં વધારાના પ્રયાસોની જરૂર છે. હું આવું જ પ્રદર્શન ચાલુ રાખું અને તેમાં પણ પ્રદાન આપું, તે મહત્ત્વપૂર્ણ છે."

ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા સંયુક્તપણે આઇસીસી ટી20 વર્લ્ડકપનું આયોજન કરી રહ્યા છે.

તારીખ સાતમી ફેબ્રુઆરીથી તે શરૂ થશે અને આઠમી માર્ચના ફાઇનલ મૅચ રમાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન