સુનેત્રા પવાર મહારાષ્ટ્રનાં પ્રથમ ડેપ્યુટી મુખ્ય મંત્રી બન્યાં, બહુમતી હોવા છતાં ભાજપે આવું કેમ કર્યું?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારના નિધન બાદ, તેમનાં પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રનાં નવાં નાયબ મુખ્ય મંત્રી બન્યાં છે.
આ સાથે જ સુનેત્રા પવાર મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય મંત્રીપદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યાં. તેમને સાંજે પાંચ વાગ્યે મુંબઈના લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા.
ડેપ્યુટી સીએમ અજિત પવારનું 28 જાન્યુઆરીએ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું અને તેમના મૃત્યુ પછી આ પદ ખાલી પડ્યું હતું.
પરંતુ સુનેત્રા પવાર ડેપ્યુટી સીએમ બન્યા પછી એવા સવાલ ઊભા થઈ રહ્યા છે કે શિવસેના (એકનાથ શિંદે જૂથ) સહિત ભાજપ પાસે સારી એવી સારી બહુમતી હોવા છતાં સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ કેમ બનાવાયાં?
2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપે એનસીપી અને શિવસેના (શિંદે જૂથ) સાથે ગઠબંધનમાં લડી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે, અને સરકાર બનાવવા માટે 145 બેઠકોની જરૂર હોય છે. ગઠબંધનમાં ચૂંટણી લડ્યા છતાં ભાજપ પોતાના દમ પર બહુમતીની નજીક પહોંચી ગયો હતો.
ભાજપે એ ચૂંટણીમાં 132 બેઠકો મેળવી હતી. તેમ છતાં, ભાજપે 57 બેઠકો ધરાવતી શિવસેના અને 41 બેઠકોવાળી એનસીપીને સરકારમાં સામેલ કરી.
જોકે, ભાજપે મુખ્ય મંત્રીપદ જાળવી રાખ્યું, દેવેન્દ્ર ફડણવીસે સત્તાની કમાન સંભાળી. શિવસેનાના એકનાથ શિંદે અને એનસીપીના અજિત પવારને નાયબ મુખ્ય મંત્રીપદ અપાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ કયા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષક રાજેન્દ્ર સાઠે માને છે કે સુનેત્રા પવારને આટલી જલદી ડેપ્યુટી સીએમ બનાવીને ભાજપ રાજ્યના રાજકારણમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
બીબીસી સાથે વાત કરતાં રાજેન્દ્ર સાઠેએ કહ્યું, "ભાજપ બહુમતીની નજીક છે, પરંતુ તેની પાસે પોતાના દમ પર બહુમતી નથી. મહારાષ્ટ્રના રાજકારણમાં બે મુખ્ય જૂથો છે - શિવસેના અને એનસીપી. શિવસેનાની વિચારધારા ભાજપ જેવી જ છે અને તેઓ તેના માટે કોઈ ખતરો નથી. મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓએ એ પણ બતાવ્યું છે કે શિવસેનાની શક્તિ મુંબઈ સુધી મર્યાદિત છે. શિંદે જૂથ ભાજપના નિયંત્રણ હેઠળ છે."
"આ ઉપરાંત, મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપી એક મુખ્ય પરિબળ છે. એનસીપીની તાકત સહકારી મંડળીઓ, ખાંડનાં કારખાનાં અને મરાઠા પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી આવે છે. એ એક એવી શક્તિ છે, જે એનસીપી સાથે રહે છે અને સત્તા પર વધુ પડતી નિર્ભર નથી. ભાજપ હંમેશાંથી તે તાકતમાં પ્રવેશવાનો હેતુ ધરાવે છે. શરદ પવારના નામનો જાદુ હજુ પણ કામ કરે છે. તેમનો પ્રભાવ ઘટાડવા માટે, ભાજપે પહેલાં અજિત પવાર અને હવે સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવ્યાં."
મહારાષ્ટ્રના રાજકારણમાં પાછલા કેટલાક સમયથી એનસીપીનાં બે જૂથો એક સાથે આવશે એવી ચર્ચા પણ ચાલી રહી છે. અજિત પવારના મૃત્યુ પછી આ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
શું ભાજપની મુશ્કેલીઓ વધી જાત?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
શુક્રવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના નેતા અનિલ દેશમુખે કહ્યું કે અજિત પવાર એનસીપીનાં બંને જૂથોનો વિલય જોવા માંગતા હતા.
શનિવારે શરદ પવારે કહ્યું, "છેલ્લા ચાર મહિનાથી બંને જૂથો વચ્ચે હકારાત્મક ચર્ચા ચાલી રહી હતી. અજિત પવાર અને જયંત પાટીલ આ અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ નિર્ણય 12મી તારીખે જાહેર થવાનો હતો. અજિત ઇચ્છતા હતા કે બંને રાષ્ટ્રવાદી જૂથો એક સાથે આવે, અને હું પણ એ જ ઇચ્છું છું."
રાજેન્દ્ર સાઠે જણાવે છે, "તાજેતરની મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન શરદ પવાર અને અજિત પવારનાં જૂથ એક સાથે આવશે એવી ચર્ચા થઈ હતી. જો આ બંને જૂથ એક સાથે આવ્યાં હોત, તો તે ભાજપ માટે એક નવો પડકાર ઊભો થયો હોત. ભાજપ તેમના માટે આવો પડકાર ઊભો થાય એવું નથી ઇચ્છતો."
"ભાજપ પવાર પરિવારમાં તિરાડ વધારવા માંગે છે. શરદ પવારનું નિવેદન પણ આ વાત તરફ ઇશારો કરે છે. શરદ પવારે આજે કહ્યું કે તેમની પાસે એવી માહિતી નથી કે સુનેત્રા ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા જઈ રહ્યાં છે. આ બાબતે મારી સાથે કોઈ ચર્ચા થઈ નથી. સુનેત્રાએ આટલું મોટું પગલું ભર્યું એ બતાવે છે કે બંને જૂથો વચ્ચે તિરાડ છે અને ભાજપ આ જ ઇચ્છે છે. સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવાનો આ પણ એક હેતુ છે."
જોકે, આ દરમિયાન, એક પ્રશ્ન એ પણ છે કે સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવીને, શું ભાજપ કોઈક રીતે એકનાથ શિંદેને પણ મૅનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે ખરો?
આ પ્રશ્નના જવાબમાં રાજેન્દ્ર સાઠે કહે છે, "એ તો છે જ. એક વાતના ઘણા ફાયદા હોય છે. શિંદેને મૅનેજ કરવાનો પણ એક હેતુ છે. શિંદેને એવું બતાવવાનો પણ પ્રયાસ છે કે માત્ર તમારી જ જરૂર હોય એવું નથી. જો તમે અલગ થઈ જાઓ તો પણ અમારી પાસે એનસીપી છે. એટલા માટે અજિત પવારને સાથે લેવામાં આવ્યા હતા અને હજુ પણ સાથે રખાયા છે."
સુનેત્રા પવારને ઉપમુખ્ય મંત્રી બનાવવાનો શો છે ભાજપનો ખરો હેતુ?

ઇમેજ સ્રોત, Getty Images
રાજેન્દ્ર સાઠે માને છે કે સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવા પાછળ ભાજપનો અસલ હેતુ પવાર પરિવારની તાકતનો અંત આણવાનો છે.
તેઓ કહે છે, "એનસીપી અને પવાર પરિવારની તાકત અલગ છે. ભાજપ તે તાકતના ટુકડા કરવા માંગે છે. એનસીપી ફરીથી મજબૂત ન બનવી જોઈએ. હાલમાં જ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં અજિત પવાર ભાજપ વિરુદ્ધ લડ્યા હતા. અજિત પવારે પણ ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અજિત પવાર ધર્મનિરપેક્ષ હતા. ભાજપના વિરોધ છતાં, તેમણે નવાબ મલિકને પોતાની સાથે રાખ્યા હતા."
"અજિત પવાર પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખવા માંગતા હતા. જો આ બંને જૂથો એક થશે, તો તેમની સાથે શરદ પવારની તાકત પણ આવશે અને એ મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ મજબૂત બનશે. એનસીપીનાં બંને જૂથોનું એક થવું ચોક્કસપણે ભાજપ માટે ચિંતાનો વિષય હશે. તેથી, ભાજપ તેમને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે."
સુનેત્રા પવારની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો તેમના પુત્ર પાર્થ પવારે માવલથી લોકસભા ચૂંટણી લડ્યા બાદ તેમણે રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું.
2024માં તેઓ બારામતીથી તેમનાં નણંદ સુપ્રિયા સૂલે વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં. જોકે, આ ચૂંટણીમાં તેઓ હારી ગયાં અને બાદમાં રાજ્યસભાનાં સાંસદ બન્યાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












