બજેટ 2026 : નિર્મલા સીતારમણના બજેટમાં શું હશે, ભારતનું અર્થતંત્ર ખરેખર મજબૂત છે?

ભારતનું બજેટ 2026-27, નિર્મલા સીતારમણ, બજેટ કેવું હશે, બજેટમાં શું-સું કરવું જોઈએ, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની ફાઇલ તસવીર
    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

રવિવારે ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું વાર્ષિક બજેટ રજૂ કરશે. ઉપલક રીતે જોવામાં આવે તો ભારતનાં અર્થતંત્રમાં બધું બરાબર હોવાનો દાવો થઈ રહ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશનો આર્થિક વિકાસદર 7.3 ટકા રહેશે, એવું અનુમાન છે. દેશની જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન) ચાર ટ્રિલિયનના આંકડાને પાર કરી ગઈ છે. હાલ જાપાન એશિયામાં બીજા ક્રમાંકનું સૌથી મોટું અર્થતંત્ર છે અને ભારત ટૂંક સમયમાં તેને પાછળ રાખી દેશે તેવો વરતારો છે.

છૂટક મોંઘવારી 'બે ટકા કરતાં પણ ઓછી' છે અને આગામી મહિનાઓ દરમિયાન રિઝર્વ બૅન્કે જે ટાર્ગેટ રાખ્યો છે, તેના કરતાં ઓછી રહેવાની આશા છે.

દેશની લગભગ અડધોઅડધ વસ્તી ખેતી ઉપર આધાર રાખે છે અને કૃષિ ઉત્પાદન પણ 'મજબુત' છે. મોટાપાયે અનાજનું ઉત્પાદન થયું છે અને સરકારી ગોદામો ભર્યાં છે, જેના કારણે ગ્રામીણ આવકમાં 'ઉછાળો' આવ્યો છે.

ગત વર્ષે ઇન્કમટૅક્સમાં મોટી રાહત આપવામાં આવી હતી. આ સિવાય જીએસટીમાં (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) સરલીકરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે માંગ વધી છે અને ખર્ચ કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે.

ભારતની મધ્યસ્થ બૅન્કે ઝડપી વિકાસ તથા નીચા મોંઘવારી દરને 'ગોલ્ડીલૉક્સ' યુગ કહ્યો છે. અમેરિકાના અર્થશાસ્ત્રી ડેવિડ શુલમૅને આ શબ્દ આપ્યો હતો. જ્યારે અર્થતંત્ર યોગ્ય દરે વિકાસ પામી રહ્યું હોય અને નોકરીમાં ઉછાળો પણ સારો હોય, ત્યારે તેનો પ્રયોગ કરવામાં આવે છે.

એફટીએને કારણે મદદ મળશે, પણ...

સરકારનું કહેવું છે કે બેકારી ઘટી રહી છે, છતાં અસ્થિર એવી 'ગિગ નોકરીઓની માગ' ઘણી જ વધુ છે.

ભારતની ટોચની પાંચ આઇટી કંપનીઓ દર ત્રિમાસિક ગાળા દરમિયાન હજારો નવા કર્મચારીઓ ઉમેરતી હતી, પરંતુ વર્ષ 2025ના શરૂઆતના નવ મહિના દરમિયાન તમામ કંપનીઓએ મળીને માત્ર 17 હજાર નવા કર્મચારીઓનો ચોખ્ખો ઉમેરો કર્યો હતો. જેને શ્રમબજારમાં નબળી સ્થિતિનો સંકેત માનવામાં આવે છે.

1990ના દાયકાથી ભારતના મધ્યમવર્ગને જન્મ આપનાર સૉફ્ટવેર સેક્ટરમાં નવી ભરતીપ્રક્રિયામાં જે નરમાશ જોવા મળી રહી છે, તેને દેશના વિશાળ બૅક-ઑફિસ અર્થતંત્રમાં આવેલો અવરોધ માનવામાં આવે છે. જેના માટે એઆઈને (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કારણે વધી રહેલી મુશ્કેલીઓ છતી થઈ છે.

વ્હાઇટ કૉલર નોકરીઓમાં આવેલી નરમાશની સાથે-સાથે, ભારતના શ્રમપ્રધાન નિકાસઉદ્યોગો ઉપર પણ સંકટ તોળાઈ રહ્યું છે.

ટ્રમ્પે ભારતની ઉપર 50 ટકા ટેરિફ નાખ્યા છે. આ એવો અવરોધ છે, જે અપેક્ષા કરતાં વધુ સમય સુધી ચાલ્યો છે.

ભારતનું બજેટ 2026-27, નિર્મલા સીતારમણ, બજેટ કેવું હશે, બજેટમાં શું-સું કરવું જોઈએ, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 20 વર્ષની વાટાઘાટો બાદ ભારત અને યુરોપિયન સંઘે એફટીએ ઉપર હસ્તાક્ષર કર્યા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વેપારવૈવિધ્ય લાવવામાં સ્ફૂર્તી દાખવી છે અને એક પછી એક 'મુક્ત વેપાર કરાર' (ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટ) કર્યા છે. તાજેતરમાં યુરોપિયન સંઘ સાથે એફટીએ કર્યા છે. આમ છતાં નિકાસક્ષેત્ર ઉપર જે દબાણ આવી રહ્યું છે, તે સ્પષ્ટપણે દેખાવા માંડ્યું છે.

એચએસબીસી રિસર્ચના અહેવાલ મુજબ, "અમેરિકાના 50 ટકા ટેરિફ લાગુ થયા બાદ, અમેરિકામાં જે નિકાસ થઈ રહી હતી, તે સતત નબળી પડી રહી છે. વિશ્વના અન્ય દેશોમાં થઈ રહેલી નિકાસમાં સામાન્ય વૃદ્ધિ થઈ છે."

જાણકારોનું કહેવું છે કે એફટીએ લાંબાગાળે મદદ કરશે, પરંતુ બિનઅમેરિકન બજારોમાં વિયેતનામ તથા બાંગ્લાદેશ જેવાં રાષ્ટ્રોનો ભારત મુકાબલો કરી શકશે કે નહીં, તે વાત ગુણવત્તા, કિંમત અને પરિમાણ જેવી બાબતો ઉપર આધાર રાખશે.

કૉર્પોરેટ ભારતે કેમ રોકાણ ન કર્યું?

ભારતનું બજેટ 2026-27, નિર્મલા સીતારમણ, બજેટ કેવું હશે, બજેટમાં શું-સું કરવું જોઈએ, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, બહારથી મજબૂત દેખાતું ભારતનું અર્થતંત્ર ખરેખર મજબૂત છે કે કેમ, તેના વિશે નિષ્ણાતોમાં ચર્ચા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક તરફ વેપારસંબંધિત ચર્ચાઓમાં ટેરિફનો મુદ્દો છવાયેલો રહેછે, ત્યારે અર્થશાસ્ત્રીઓ લાંબા સમયથી પ્રવર્તમાન એક મુશ્કેલી અંગે ચિંતિત છે. ભારતના ગતિશીલ વિકાસ છતાં, તેમાં કોઈ ફેરફાર નથી આવ્યો. એ બાબત છે ખાનગી મૂડીરોકાણમાં નરમાશ.

જેપી મૉર્ગનના જહાંગીર અઝીજે તાજેતરમાં જ હાઉ ઇન્ડિયાઝ ઇકૉનૉમી વર્ક્સ પૉડકાસ્ટમાં કહ્યું હતું કે 'વર્ષ 2012થી કૉર્પોરેટ રોકાણ અટકેલું' છે અને તે જીડીપીના લગભગ 12 ટકા પર અટકેલું છે.

તેમણે કહ્યું, "સવાલ એ છે કે સરકાર કેમ નથી પૂછી રહી કે સતત 13 વર્ષથી કૉર્પોરેટ ભારત શા માટે રોકાણ નથી કરી રહ્યું?"

અઝીઝના કહેવા પ્રમાણે, માંગ ન હોવાને કારણે નવું રોકાણ નથી આવી રહ્યું અને પહેલાંથી ફૅક્ટરીઓમાં વધારાની ઉત્પાદનક્ષમતા છે, જેનો ઉપયોગ નથી થઈ રહ્યો.

રૉકફેલર ઇન્ટરનૅશનલના ચૅરપર્સન રૂચિર શર્માનું કહેવું છે કે આ પરિસ્થિતિ તથા વિદેશી રોકાણકારો ભારતમાંથી પૈસા કાઢી રહ્યા છે, તે દર્શાવે છે કે ભારતનો જીડીપી વિકાસદર ઊંચો દેખાય છે, પરંતુ તેની અંદર નબળાઈઓ રહેલી છે.

શર્માએ તાજેતરમાં ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં લખેલા એક લેખમાં લખ્યું, "ભારત લાંબા સમયથી ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષિત કરી શક્યું છે. જેનું સૌથી મોટું કારણ 'લાઇસન્સરાજ' છે, જે અત્યારે પણ પ્રવર્તમાન છે. જેના કારણે જમીન ખરીદવી કે કર્મચારીઓ રાખવા અને કાઢવાની પ્રક્રિયા ખૂબ મોંઘી અને મુશ્કેલ બની રહે છે."

તેમણે લખ્યું, "પહેલાં ચીન તથા તાજેતરનાં વર્ષોમાં વિયેતનામ જેવા એશિયાના અર્થતંત્રોમાં ઝડપભેર અને સાતત્યપૂર્ણ વિકાસ થયો હતો, તે સંપૂર્ણપણે સીધા વિદેશ મૂડીરોકાણ ઉપર આધારિત હતો. આ એફડીઆઈ (સીધું વિદેશી મૂડીરોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) કુલ જીડીપીના ચાર ટકા કરતાં વધી ગયું હતું."

"બીજી બાજુ, ભારતમાં આ દર ક્યારેય દોઢ ટકાથી વધ્યો નથી અને તાજેતરમાં તો 0.1 ટકા રહેવા પામ્યો છે."

સરકારે તાજેતરમાં શ્રમ કાયદામાં ફેરફાર કર્યો છે અને તેનું કહેવું છે કે તેના કારણે વેપારની પરિસ્થિતિ સુધરશે. પરંતુ શું તેના કારણે ભારતમાં ફરીથી વિદેશી મૂડીરોકાણ આવશે કે કેમ, તેનો જવાબ મળવાનો બાકી છે.

કોઈ મોટા પ્રોત્સાહન પૅકેજની આશા નહીં

ભારતનું બજેટ 2026-27, નિર્મલા સીતારમણ, બજેટ કેવું હશે, બજેટમાં શું-સું કરવું જોઈએ, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

એચએસબીસી રિસર્ચના અહેવાલ મુજબ, આ પૃષ્ઠભૂમિમાં નાણા મંત્રી આગામી બજેટ દરમિયાન બે મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર ધ્યાન આપે તેવી શક્યતા છે. એક તો સુધાર તથા નાણાકીય શિસ્ત.

જાપાનનાં નોમુરાનાં વિશ્લેષક સોનલ વર્મા તથા ઔરુદીપ નંદીનાં કહેવા પ્રમાણે, "ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહક યોજનાનો (પીએલઆઈ) વિસ્તાર એટલે કે ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને એમએસએમઈ (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમો) સાથે નિકાસકારોને ટેકો આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી શક્યતા છે."

ભારત નિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરી રહ્યું છે, એટલે કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. સંરક્ષણક્ષેત્રે પણ મૂડીખર્ચ વધારવામાં આવે તેવી સંભાવના છે.

ગત ચાર વર્ષ દરમિયાન મોદી સરકારે માર્ગ, રેલવે અને સંચારનાં સાધનો જેવી માળખાકીય સુવિધાઓના વિકાસ પાછળ વાર્ષિક 100 અબજ ડૉલર કરતાં વધુનો ખર્ચ કર્યો છે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક ગ્લોબલ માર્કેટ્સના અહેવાલ પ્રમાણે, આ વલણ આગામી સમયમાં પણ જળવાય રહે તેવી શક્યતા છે. મૂડીખર્ચ જીડીપીના ત્રણ ટકા ઉપર સ્થિર રહેવાની આશા છે.

વીડિયો કૅપ્શન, તાપીનું એ ગામ જ્યાં મનરેગા હેઠળ રોજગારી મેળવતાં મહિલાઓને હવે કેમ કામ મળતું નથી?

ગત વર્ષનું બજેટ મધ્યમ વર્ગ ઉપરનું દબાણ ઘટાડવા ઉપર કેન્દ્રિત હતું. જેના કારણે ઇન્કમટૅક્સ અને જીએસટીમાં જીડીપીના લગભગ 0.9 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે સરકારને કરોમાંથી થતી આવક ઘટવાની આશંકા છે.

આથી સરકાર રાજકોષીય ખાધને ઘટાડવા અથવા નિયંત્રણમાં રાખવા પ્રયાસ કરશે.

નુવામાં સિક્યૉરિટીઝે એક નોટમાં જણાવ્યું હતું, "રાજકોષીય ખાધમાં મોટાપાયે વધારો થાય, તેવી શક્યતા ઓછી છે, પરંતુ અમારું અનુમાન છે કે નાણામંત્રી વધુ કડકાઈથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ નહીં કરે."

નોટમાં આગળ જણાવવામાં આવ્યું છે, "કોઈ મોટું પ્રોત્સાહન પૅકેજ આપવામાં આવે તેવી આશા નથી. કારણ કે સરકાર વર્ષ 2030-31 સુધીમાં જીડીપી-ઉપર-દેવાનો દર એક ટકા કરતાં ઓછો રાખવા માટે પ્રતિબદ્ધ છે – એટલે કે દેવું ઘટાડવા ઉપર સતત ધ્યાન આપશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન