સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, આવનારા દિવસોમાં માર્કેટમાં શું થશે?

બીબીસી ગુજરાતી સોનું ચાંદી ભાવ ગોલ્ડ સિલ્વર ડૉલર અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 30 જાન્યુઆરીએ સોનાના ભાવમાં સીધો 12 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ 26 ટકા ઘટી ગયો હતો
વાંચવાનો સમય: 5 મિનિટ

સોના અને ચાંદીના ભાવ વધીને રેકૉર્ડ લેવલ પર પહોંચી ગયા પછી શુક્રવારે તેમાં મોટો કડાકો આવ્યો છે.

30 જાન્યુઆરીએ સોનાના ભાવમાં સીધો 12 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ 26 ટકા ઘટી ગયો હતો. પ્લેટિનમના ભાવમાં પણ 18 ટકાનો ઘટાડો આવ્યો હતો.

આ અગાઉ નિરંતર તેજી ચાલતી હતી ત્યારે બંને મેટલના ભાવ વિક્રમજનક ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા.

પેનમ્યોર લિબેરમના કૉમૉડિટી નિષ્ણાત ટૉમ પ્રાઇસે ફાઇનાન્સિયલ ટાઇમ્સને જણાવ્યું કે "આ બજાર ટોચ પર પહોંચ્યાનું ક્લાસિક વલણ છે. હાલમાં ભ્રમ અને અનિશ્ચિતતા છે. સૌ કોઈ સ્પષ્ટતાની રાહ જુએ છે."

એમકેએસ પીએએમપીના વિશ્વેષક નિકી શીલ્સે જણાવ્યું કે ગુરુવાર અને શુક્રવારે થયેલો ઉતાર-ચઢાવ એવા મહિનાના અંતમાં આવ્યો છે જેને "કિંમતી ધાતુઓના ઇતિહાસમાં સૌથી વધારે અસ્થિર મહિનો" કહી શકાય છે.

વૈશ્વિક ઊથલપાથલ, વેનેઝુએલાથી લઈને ગ્રીનલૅન્ડ સુધીના પ્રશ્નો અને ઈરાન તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિતતાને કારણે રોકાણકારો કિંમતી ધાતુઓમાં સતત ખરીદી કરી રહ્યા હતા.

શીલ્સે જણાવ્યું કે દરરોજ અકલ્પનીય ઘટનાઓ બની રહી છે. સ્પષ્ટ રીતે આ બહુ વધારે અને બહુ ઝડપથી થયું છે.

પિક્ટેટ ઍસેટ મૅનેજમૅન્ટ ખાતે સિનિયર મલ્ટિ-ઍસેટ સ્ટ્રેટેજિસ્ટ અરુણ સાઇએ ફાઇનાન્સિયલ ટાઇમ્સને જણાવ્યું કે, "આ અગાઉ જે રીતે ભાવમાં મોટી હલચલ જોવા મળી છે, તેને ધ્યાનમાં રાખતા વધારે અસ્થિરતાની અપેક્ષા રાખવી જોઈએ."

કંપનીનું અનુમાન છે કે રિઝર્વ બૅન્ક દ્વારા રિઝર્વના મૅનેજમૅન્ટ અને બીજા રોકાણકારો દ્વારા ઇન્વેસ્ટમેન્ટમાં વૈવિધ્યના કારણે સોનાને ફાયદો થતો રહેશે.

અમેરિકન મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગ મુજબ આ ઘટાડો 1980ના દાયકાની શરૂઆત પછી સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો છે. ચાંદીમાં પણ આ રેકૉર્ડ ઈન્ટ્રા-ડે ઘટાડો છે. આ વેચવાલીની અસર સમગ્ર મેટલ માર્કેટ પર પડશે.

શૅરબજારના જાણકારોનું માનવું છે કે આ ધાતુઓમાં તેજ વૃદ્ધિ પછી ભાવમાં કડાકાની આશંકા હતી અને કેટલાક સમાચારોના કારણે તેને બહાનું મળી ગયું.

સોના-ચાંદીના ભાવમાં વધારા બાદ વિક્રમજનક ઘટાડો કેમ થયો?

બીબીસી ગુજરાતી સોનું ચાંદી ભાવ ગોલ્ડ સિલ્વર ડૉલર અમેરિકા

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સોનાના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચ્યા પછી તેમાં પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓના કારણે પણ બજારમાં સતત ચિંતાનો માહોલ છે.

છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં 60 ટકાનો વધારો થયો છે.

છેલ્લા એક વર્ષમાં કિંમતી ધાતુઓ માટે રોકાણકારોમાં ભારે માગ જોવા મળી હતી જેમાં એક પછી એક નવા રેકૉર્ડ સ્થપાયા હતા.

આ તેજીના કારણે અનુભવી ટ્રેડર્સ પણ ચોંકી ગયા અને કિંમતમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યા.

જાન્યુઆરીમાં રોકાણકારોએ કરન્સીની ઘટતી કિંમત, ફેડરલ રિઝર્વની સ્વતંત્રતાને લઈને ચિંતા, ટ્રેડ વૉર અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે સુરક્ષિત વિકલ્પો તરફ વલણ દેખાડ્યું ત્યારે ભાવમાં મોટા ફેરફાર થયા.

બ્લૂમબર્ગે ઓવરસિઝ ચાઇનીઝ બૅન્કિંગ કોરના સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વોંગનો હવાલો આપીને જણાવ્યું કે બોર્ડ ઑફ ગવર્નન્સ ઑફ ધ ફેડરલ રિઝર્વના ચૅરમૅન તરીકે કેવિન વૉર્શનું નામાંકન એ મોટા કડાકા માટે એક ટ્રિગર સાબિત થયું, પરંતુ કરેક્શનની જરૂરિયાત પહેલેથી દેખાઈ રહી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધ બૉર્ડ ઑફ ગવર્નન્સ ઑફ ધ ફેડરલ રિઝર્વના ચૅરમૅન તરીકે કેવિન વૉર્શના નામની જાહેરાત કરી છે.

કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ પણ ટ્રમ્પની આ જાહેરાતનું સ્વાગત કર્યું છે. કાર્નીએ જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં દુનિયાની સૌથી મહત્ત્વની કેન્દ્રીય બૅન્કના નેતૃત્વ માટે કેવિન એક વધુ સારી પસંદગી છે.

ક્રિસ્ટોફર વોંગે જણાવ્યું કે "આ એવું જ બહાનું છે, જેના માટે બજાર ઝડપી અને અસામાન્ય ઉછાળાને ખતમ કરવા માટે રાહ જોતું હોય છે."

એક અનુમાન એવું લગાવાય છે કે રોકાણકારોએ પ્રોફીટ બુકિંગ માટે એ તકનો ફાયદો ઉઠાવ્યો હતો.

બીબીસી ગુજરાતી સોનું ચાંદી ભાવ ગોલ્ડ સિલ્વર ડૉલર અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂરાજકીય અનિશ્ચિતતાના કારણે કિંમતી ધાતુઓના ભાવ સતત વધ્યા છે

બ્લૂમબર્ગ મુજબ સોના અને ચાંદીમાં રેકૉર્ડ ઘટાડાની સાથે જ ડૉલર મજબૂત થયો છે. તેનું કારણ છે કે ઑસ્ટ્રેલિયન ડૉલર અને સ્વીડિશ ક્રોના જેવી કૉમૉડિટી કરન્સીમાં વેચવાલી જોવા મળી છે.

કેવિન વૉર્શને ફેડના ચેર તરીકે નૉમિનેટ કરવાના સમાચાર પછી ડૉલરમાં તેજી જોવા મળી. હાલના ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલનો કાર્યકાળ આ વર્ષે મે મહિનામાં સમાપ્ત થવાનો છે.

આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સૅનેટના ડેમૉક્રેટ્સ વચ્ચે એક અસ્થાયી સમજૂતી થવાના કારણે વધુ એક અમેરિકન શટડાઉનનો ખતરો ટળી ગયો છે.

ટ્રમ્પે ઈરાન સાથે વાતચીતના સંકેત આપ્યા છે, તેના કારણે મધ્યપૂર્વમાં તણાવ થોડો ઘટ્યો છે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે સોના અને ચાંદીમાં ઘટાડાનું એક કારણ એક પણ હતું કે આ બંને ધાતુ 'ઓવરબોટ'ની શ્રેણીમાં આવી ગઈ હતી. તેનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (આરએસઆઇ) 90 સુધી પહોંચી ગયો, જે કેટલાય દાયકામાં સૌથી ઊંચો સ્તર છે.

આરએસઆઇ 70 કે તેનાથી ઉપર જાય તો તેનો અર્થ એવો થયો કે તેમાં જરૂરિયાત કરતાં વધારે ખરીદી થઈ ચૂકી છે અને ભાવ વધારે પડતા વધી ગયા છે, તેથી કરેક્શનની જરૂર છે.

જોકે, શુક્રવારે થયેલા મોટા ઘટાડા પછી પણ સોનાનો ભાવ એક મહિનામાં 13 ટકા વધ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં 19 ટકા કરતા વધુ ઘટાડો થયો છે.

શૅરબજારમાં મોટી ઊથલપાથલ

બીબીસી ગુજરાતી સોનું ચાંદી ભાવ ગોલ્ડ સિલ્વર ડૉલર અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોના મતે હજુ પણ સોના અને ચાંદીમાં મોટી વધઘટ જોવા મળી શકે છે.

મેટલ બજારમાં આવેલા આ ઘટાડાના કારણે મોટી માઇનિંગ કંપનીઓના શૅર પર પણ અસર પડી. ભારતીય શૅરબજારમાં ગોલ્ડ અને સિલ્વર ઇટીએફના ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો. સાથે સાથે તાંબાના શૅર પણ ઘટ્યા.

ન્યૂ યૉર્કમાં ટ્રેડિંગમાં ન્યૂમોન્ટ કૉર્પ, બેરિક માઇનિંગ કૉર્પ અને એગ્નિકો ઈગલ માઇન્સ જેવી મુખ્ય ગોલ્ડ કંપનીઓના શૅર 10 ટકા કરતા વધારે ઘટી ગયા.

ન્યૂ યૉર્કમાં સ્પૉટ ગોલ્ડ 8.9 ટકા ઘટીને 4894.23 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.

ચાંદીનો ભાવ 26 ટકા ઘટીને 85.20 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. પ્લેટિનમ અને પેલેડિયમમાં પણ ઘટાડો નોંધાયો હતો.

બ્લૂમબર્ગ ડૉલર સ્પૉટ ઇન્ડેક્સ 0.9 ટકા વધ્યો હતો.

બીબીસી ગુજરાતી સોનું ચાંદી ભાવ ગોલ્ડ સિલ્વર ડૉલર અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનાના ભાવ ગમે તે સ્તરે હોય છતાં, ભારતીયો લગ્ન પ્રસંગ અને બીજા પ્રસંગો માટે સોનું ખરીદતા રહે છે

લંડન મેટલ ઍક્સ્ચેન્જ પર તાંબાનો ભાવ 13,157 ડૉલર પ્રતિ ટન પર બંધ થયો. ગુરુવારે તે 14 હજાર ડૉલર પ્રતિ ટનથી ઉપર પહોંચી ગયો હતો, જે 2008 પછી તેની સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી હતી. ત્યાર પછી તેમાં ઘટાડો જોવા મળ્યો.

ડૉલર મજબૂત થવાના કારણે અન્ય કરન્સી રાખતા રોકાણકારો માટે કૉમૉડિટી મોંઘી પડે છે, કારણ કે તેનો ભાવ ડૉલરમાં નક્કી થાય છે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે હેરાયસ પ્રેશસ મેટલ્સમાં ટ્રેડિંગ હેડ ડોમિનિક સ્પરજેલ કહે છે કે બજારમાં બહુ ભારે ઉતારચઢાવ છે અને શુક્રવારે 5000 ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી અનેક વખત તૂટી હતી.

તેમના કહેવા પ્રમાણે આગામી સમયમાં ઉતારચઢાવ ચાલુ રહે તેના માટે તૈયારી રાખવી પડશે.

ચીનના રોકાણકારોએ પણ સોનાની તેજીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને તેમની ભારે ખરીદીને ધ્યાનમાં રાખીને શાંઘાઈ ફ્યૂચર્સ ઍક્સ્ચેન્જે કિંમતી અને ઇન્ડસ્ટ્રીયલ ધાતુઓમાં તેજી રોકવા માટે ઘણા ઉપાય કરવા પડ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન