બજેટ 2026 : ભારતની આઝાદીથી અત્યાર સુધીમાં બજેટોમાં કેવા કેવા ફેરફાર આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
પહેલી ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સળંગ નવમું સામાન્ય બજેટ રજૂ કરશે. હવે તેઓ ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈનો 10 બજેટ રજૂ કરવાનો રેકૉર્ડ તોડવાની બહુ નજીક પહોંચી ગયાં છે. મોરારજી દેસાઈએ નાણામંત્રી તરીકે 1959થી 1964 દરમિયાન છ બજેટ રજૂ કર્યા હતા. ત્યાર પછી 1967થી 1969 દરમિયાન તેમણે ચાર બજેટ રજૂ કર્યાં હતાં.
અન્ય નાણામંત્રીઓની વાત કરવામાં આવે તો પી ચિદમ્બરમે નવ અને પ્રણવ મુખરજીએ આઠ વખત બજેટ રજૂ કર્યાં છે.
નિર્મલા સીતારમણ બધા કરતા અલગ છે કારણ કે તેઓ સળંગ નવમું બજેટ રજૂ કરશે જે એક રેકૉર્ડ છે અને ભવિષ્યમાં તેને તોડવો બહુ મુશ્કેલ જણાય છે.
આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે અમેરિકાએ ભારત પર આકરા ટેરિફ નાખીને નિકાસને આંચકો આપ્યો છે.
રશિયા પાસેથી સસ્તા ભાવે ઑઇલ ખરીદવાના બદલામાં અમેરિકાએ ભારતીય માલ પર ભારે ટેરિફ લગાવ્યા છે.
આ દરમિયાન ભારત અન્ય બજારોની શોધમાં છે અને ગયા સપ્તાહમાં જ યુરોપિયન યુનિયન સાથે ભારતે મુક્ત વેપાર સંધિ કરી છે જેને 'મધર ઑફ ઑલ ડીલ' તરીકે ઓળખાવવામાં આવે છે.
નિર્મલા સીતારમણને 2019માં મોદીના બીજા કાર્યકાળ વખતે પૂર્ણકાલીન નાણામંત્રી બનાવવામાં આવ્યાં હતાં.
2024માં એનડીએ ત્રીજી વખત સત્તા પર આવ્યો ત્યારે પણ સીતારમણને જ નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતનું પ્રથમ બજેટ
15મી ઑગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયા પછી ત્રણ મહિના બાદ 26 નવેમ્બર 1947ના દિવસે ભારતનું પહેલું બજેટ ષણમુગમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું.
તે વખતે બજેટમાં માત્ર અર્થતંત્રની સમીક્ષા કરવામાં આવી હતી. પહેલા બજેટમાં કોઈ ટૅક્સ નાખવામાં આવ્યા ન હતા.
ચેટ્ટી પછી જ્હૉન મથાઈએ ભારતનું પ્રથમ સંયુક્ત બજેટ રજૂ કર્યું હતું. તેમાં રજવાડાઓની હેઠળ આવતાં અલગ અલગ રાજ્યોની નાણાકીય સ્થિતિ પણ આપવામાં આવી હતી.
ભારતમાં બજેટ રજૂ કરવામાં આવે ત્યાર પછી બજેટની દરખાસ્તોને સંસદની મંજૂરીની જરૂર પડે છે.
સંસદ દરખાસ્તો મંજૂર કરે ત્યાર પછી પહેલી એપ્રિલથી દરખાસ્તો લાગુ થાય છે જે આગામી વર્ષની 31 માર્ચ સુધી અમલમાં રહે છે.
બજેટ અગાઉ હલવા સેરેમની

ઇમેજ સ્રોત, ANI
બજેટનું પ્રિન્ટિંગ દિલ્હીમાં નૉર્થ બ્લૉકમાં થાય છે અને તેની પહેલાં એક હલવા સેરેમની યોજવામાં આવે છે. તેમાં નાણા મંત્રાલયમાં એક મોટી કડાઈમાં હલવો બનાવવામાં આવે છે.
નાણા મંત્રી અને નાણા મંત્રાલયના તમામ અધિકારીઓ આ પ્રસંગે હાજર હોય છે. ત્યાં ઉપસ્થિત લોકોમાં હલવો વહેંચવામાં આવે છે. કોવિડ વખતે હલવા સેરેમની રદ કરવામાં આવી હતી.
બજેટની તારીખ, સમયમાં ફેરફાર
ભારત આઝાદ થયું ત્યાર પછી ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે જ બજેટ રજૂ કરવાની પરંપરા હતી.
2016 સુધી આ પરંપરા ચાલુ રહી અને ત્યાર પછી 2017માં અરુણ જેટલી નાણા મંત્રી હતા ત્યારથી બજેટની તારીખ બદલીને પહેલી ફેબ્રુઆરી રાખવામાં આવી હતી.
અગાઉ બ્રિટનમાં સવાર હોય ત્યારે ભારતમાં બજેટ રજૂ થાય તેવી પરંપરા હતી જેના ભાગરૂપે સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું. પરંતુ 1999માં અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર હેઠળ આ સમય બદલાયો. તે સમયે જસવંતસિંહ નાણામંત્રી હતા. ત્યારથી સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ સ્પીચ શરૂ થાય છે.
પહેલી ફેબ્રુઆરીએ બજેટ લાવવા માટે એવો તર્ક અપાયો કે આ રીતે બજેટને પહેલી એપ્રિલથી જ લાગુ કરી શકાશે.
અગાઉ ફેબ્રુઆરીના અંતમાં બજેટ આવતું ત્યારે મંજૂરીની પ્રક્રિયા પૂરી કરવામાં એક-બે મહિના લાગી જતા હતા.
રેલ્વે બજેટ પણ સામાન્ય બજેટમાં ભળી ગયું

ઇમેજ સ્રોત, Getty
2017 અગાઉ સામાન્ય બજેટ અને રેલ્વે બજેટ અલગથી રજૂ થતા હતા. આ પરંપરા નવ દાયકા કરતા વધુ સમયથી ચાલતી હતી. પરંતુ 2017માં રેલ્વે બજેટને સામાન્ય બજેટમાં જ ભેળવી દેવામાં આવ્યું.
પ્રથમ મહિલા નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી ઇન્દિરા ગાંધી હતાં. તેમણે 1970માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. જોકે, તેઓ તે સમયે દેશના વડા પ્રધાનની જવાબદારી પણ સંભાળતા હતા.
1955 સુધી ભારતમાં માત્ર અંગ્રેજીમાં બજેટ ડૉક્યુમેન્ટ છાપવામાં આવતું હતું. પરંતુ ત્યાર પછી કૉંગ્રેસ સરકારે તેને હિંદી અને અંગ્રેજી એમ બંને ભાષામાં છાપવાનું શરૂ કર્યું.
બજેટની સ્પીચ - સૌથી લાંબી અને સૌથી ટૂંકી
સંસદમાં બજેટ રજૂ કરવામાં આવે ત્યારે તેની સ્પીચ કેટલી લાંબી છે તેના પર પણ ધ્યાન આપવામાં આવે છે. 2020માં નિર્મલા સીતારમણે જે બજેટ આપ્યું હતું તેની સ્પીચ સૌથી લાંબી હતી.
તેમણે બે કલાક અને 40 મિનિટ સુધી બજેટની સ્પીચ આપી હતી.
તેની તુલનામાં 1977માં હીરુભાઈ મૂળજીભાઈ પટેલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જે માત્ર 800 શબ્દોનું હતું અને બજેટ સ્પીચ અમુક મિનિટમાં જ પૂરી થઈ ગઈ હતી.
બજેટ લીક થવાના કારણે રાજીનામું આપવું પડ્યું

ઇમેજ સ્રોત, Getty
1950માં જ્હોન મથાઈ દેશના નાણામંત્રી હતા ત્યારે પ્રિન્ટિંગ વખતે જ બજેટની દરખાસ્તો લીક થઈ ગઈ હતી. તેના કારણે બજેટ પછી મથાઈએ નાણામંત્રીના પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
પ્રિન્ટિંગ વખતે દરખાસ્તો લીક થવાની ઘટના પછી પ્રિન્ટિંગની કામગીરી રાષ્ટ્રપતિ ભવનના બદલે મિન્ટો રોડ પર આવેલી સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ નૉર્થ બ્લૉકના બેઝમેન્ટમાં પ્રિન્ટિંગ સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું.
2021નું પેપરલેસ બજેટ
નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમણે 2021માં પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. તેઓ એક ટેબ્લેટ લાવ્યાં હતાં અને તેમાં જ બજેટ વાંચ્યું હતું. જોકે, આસામ અને આંધ્ર પ્રદેશમાં 2018થી જ પેપરલેસ બજેટની પ્રથા શરૂ થઈ ગઈ હતી.
અગાઉ બધા નાણામંત્રીઓ બજેટ ડૉક્યુમેન્ટને એક બ્રીફકેસમાં લાવતા હતા. પરંતુ 2019માં નિર્મલા સીતારમણ એક ફાઇલમાં બજેટ ડૉક્યુમેન્ટ લાવ્યાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












