"પાણીપુરીમાં વપરાતા 'મસાલેદાર પાણી'માં કૅન્સરકારક રંગોનો ઉપયોગ થાય છે", ફૂડ નિષ્ણાતોએ કઈ ચેતવણી આપી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાણીપુરી, ભોજન, ફૂડ,

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના ભગીરથપુરામાં પ્રદૂષિત પાણી પીવાથી આઠ વ્યક્તિઓનાં મોત થયાની ઘટના સામે આવી હતી.

એ બાદ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ટાઇફૉઇડના રોગચાળા કેસો સામે આવ્યા હતા.

આ બે ઘટના બાદ પાછલા એક મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી) દ્વારા અમદાવાદ શહેરના પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને તેમાં વપરાતાં પાણી અને મસાલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એએમસીના આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, આ વર્ષની શરૂઆતમાં જ જાન્યુઆરી મહિના દરમિયાન સ્પેશ્યિલ ડ્રાઇવ યોજીને અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પાણીપુરીની લારીઓ અને દુકાનોમાંથી તેમાં વપરાતા પાણીના 1121 નમૂના લીધા હતા.

આ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે કુલ નમૂનામાંથી 280 ફૂડ સૅમ્પલના રિપોર્ટ 'સબસ્ટાન્ડર્ડ' આવ્યા હતા.

આરોગ્ય વિભાગ પ્રમાણે આ 280 નમૂનામાં 'નૉન-પરમિટેડ' એટલે કે 'મંજૂરી વિનાના' ફૂડ ગ્રેડ કલરનો વપરાશ થતો હતો.

આ સિવાય 77 નમૂનાનો બૅક્ટેરિયોલૉજિકલ ટેસ્ટ કરાયો હતો જેમાં પણ બે સૅમ્પલ 'અનફિટ' જણાઈ આવ્યાં હતાં. આ બે સૅમ્પલમાં એસ. ટાઇફી નામના બૅક્ટેરિયા જોવા મળ્યાં હતા જેથી આ સૅમ્પલને 'અનફિટ' જાહેર કરાયાં હતાં.

હવે જ્યારે આ સમગ્ર બાબતે અંગે તંત્ર સક્રિય થયું છે ત્યારે અહીં એ સવાલ મનમાં જરૂર ઊઠે છે કે પાણીપુરીમાં વપરાતા 'મસાલેદાર પાણી'માં નૉન-પરમિટેડ ફૂડ કલરના વપરાશથી સ્વાસ્થ્યને કેવા નુકસાન થઈ શકે છે કે એના કારણે આ નમૂનાને 'અનફિટ' જાહેર કરાયા હતા.

'પાણીપુરીમાં કેટલાક વિક્રેતા અખાદ્ય ફૂડ કલરનો ઉપયોગ કરે છે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાણીપુરી, ભોજન, ફૂડ,

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એએમસીએ લીધેલા પાણીપુરીનાં સૅમ્પલનાં પરિણામો અંગે વાત કરતાં એએમસીના ફૂડ ઑફિસર ડૉ. તેજસ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "નૉન-પરમિટેડ ફૂડ કલરનો ઉપયોગ પાણીપુરીના પાણીમાં કરવાની મનાઈ છે. છતાં કેટલાક પાણીપુરી વેચનારા તેનો ઉપયોગ કરે છે."

તેઓ આ કલરની સ્વાસ્થ્ય સંબંધી આડ અસરો અંગે વાત કરતાં કહે છે કે, "રંગ ધરાવતા ખાદ્ય પદાર્થોના સેવનથી અપચો, ઊલટી, ઊબકા અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેથી અમે શહેરના વિવિધ વિસ્તારોમાં નૉન પરમિટેડ ફુડ કલરનો વપરાશ કરનારા પાણીપુરીના વેચનારાની લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. બે સૅમ્પલની ચકાસણી દરમિયાન એસ. ટાઇફી નામનો બૅક્ટેરિયા મળી આવ્યો હતો. જેનાથી ટાઇફૉઇડની બીમારી ફેલાય છે. જેથી આ બે સૅમ્પલ 'અનસેફ' કૅટેગરીનાં હતાં."

એએમસીના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલાં સૅમ્પલનું એએમસીની પબ્લિક હેલ્થ લૅબોરેટરીમાં ઍનાલિસિસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેને આધારે પગલાં લેવાય છે.

એએમસી પબ્લિક હેલ્થ લૅબોરેટરીના ઇન્ચાર્જ ફૂડ ઍનાલિસ્ટ વિમલ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે," સામાન્ય રીતે કોથમીર અને ફુદીના વડે પાણીપુરીના પાણીને લીલું કરવામાં આવે છે, પણ કેટલાક કિસ્સામાં પાણીને વધુ લીલું બનાવવા માટે બ્રિલિયન્ટ બ્લૂ અને ટ્રાટેઝિન નામના કલર મિક્સ કરીને પાણીને લીલું બનાવાય છે. આ નૉન પરમીટેડ કલર છે."

"આ સિવાય લાલ કલરનું લસણનું પાણી બનાવવા કે લસણની ચટણી બનાવવા માટે કાર્મોઝાઇન કલર વાપરતા હોય છે. જે પણ સ્વાસ્થ્યને નુકસાનકારક છે. એ કલર કૅન્સરકારક હોય છે. એ પાણીપુરીના પાણીમાં વાપરવાની વાત હાનિકારક છે. પાણીપુરીમાં વપરાતા રગડામાં પીળો રંગ નાખતા હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. આ સિવાય કોથમીર કે ફુદીનાનો યોગ્ય રીતે ધોયા વિના ઉપયોગ કરાય, તો પણ બૅક્ટેરિયા વિકસી શકે છે, જે જોખમી છે."

તેઓ આગળ કહે છે કે, "પાણીપુરીના મસાલાદાર પાણી માટે વપરાશમાં લેવાયેલું પાણી જ ગંદું હોય તો તે હાનિકારક બની જાય છે. મસાલેદાર પાણી બનાવવા માટે જો ગંદુ પાણી વપરાયું હોય તો તેનાથી ટાઇફૉઇડ કે કૉલેરા થવાની સંભાવના વધી જાય છે. "

એએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શહેરમાં પાણીજન્ય રોગચાળાની અટકાવવા માટે 6 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી દરમિયાન વિશેષ અભિયાન અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 1758 લારીઓ/દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી.

જેમાંથી 1,073 લારીઓ પરથી પાણીનાં સૅમ્પલ લેવાયાં હતાં. 137 લારીઓ/દુકાનો પરથી ફૂડ સૅમ્પલ લેવાયાં હતાં. 442 લારીઓને નોટિસ આપી હતી. અંદાજિત 1,013 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો.

અંદાજિત 1,931 લીટર અખાદ્ય પ્રવાહીનો નાશ કરાયો હતો. આ કાર્યવાહી દરમિયાન જુદી જુદી લારીઓ/દુકાનો પાસેથી રૂ. 1.17 લાખ જેટલો દંડ વસૂલાયો હતો.

ફૂડ કલર અંગે નિષ્ણાતોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાણીપુરી, ભોજન, ફૂડ,

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારના ફૂડ ઍન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના નિવૃત ડાયરેક્ટર હેમંત કોશીઆએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "કેટલાક પાણીપુરી વેચનારા પાણીપુરીમાં વપરાતાં મસાલેદાર પાણીનો કલર લીલો દેખાય તે માટે સસ્તા કેમિકલ કલરનો ઉપયોગ કરે છે. આ રંગો કૅન્સરકારક હોય છે. જે લાંબા ગાળાના વપરાશની સ્થિતિમાં કૅન્સરનું જોખમ વધારે છે. આ સિવાય મનુષ્યનું પાચનતંત્ર નબળું કરી શકે છે. "

તેઓ વધુમાં જણાવે છે કે "મોટા ભાગના કિસ્સામાં પાણીપુરીનું વેચાણ કરનારા પોતાના શરીરની સ્વચ્છતા મુદ્દે કચાસ રાખવામાં આવે છે. ખાસ કરીને માત્ર પાણીપુરીના પાણીમાં જ નહીં, પણ પાણીપુરીમાં વપરાતા મસાલામાં પણ નુકસાનકારક બૅક્ટેરિયા જોવા મળી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે કેટલાક પાણીપુરી વેચનારા દ્વારા વારંવાર હાથ સાફ કરવા માટે એક જ કપડું વાપરવામાં આવે છે અને પછી તે જ કપડાંથી હાથ સાફ કરીને પાણીપુરીના પાણીમાં નાખીને પાણીપુરી અપાય છે. જેથી માઇક્રો બૅક્ટેરિયાનું પ્રમાણ મર્યાદા કરતાં વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે."

કોશીઆનું માનવું છે કે "મોટાં શહેરોમાં લોકો મોટા પ્રમાણમાં પાણીપુરી ખાય છે. મોટી સંખ્યામાં પાણીપુરીનું વેચાણ કરનારા છે. જેથી તંત્રની મર્યાદા છે. તમામનાં સૅમ્પલ મેળવીને ચકાસણી કરવી અઘરી હોય છે. જેથી લોકોના સ્વાસ્થ્ય માટે પાણીપુરી વેચનારામાં જ જાગ્રૃતિ આવે અને તેઓ તકેદારી રાખે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ અંગે તાલીમ પણ આપવી જોઈએ."

એએમસીના ફૂડ લૅબોરેટરીના નિવૃત્ત ફૂડ ઍનાલિસ્ટ અતુલ સોનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "બે પ્રકારના ફૂડ કલર હોય છે. જેમાં એક પરમિટેડ ફૂડ કલર છે. જેનો વપરાશ મીઠાઈમાં થાય છે. જે હાનિકારક નથી. બીજા પ્રકારના કલરને નૉન-પરમિટેડ કલર કહેવામાં આવે છે. જેમાં કેમિકલ હોય છે. આ કલર લાંબા સમય સુધી ભોજનમાં લેવાથી કૅન્સર જેવી બીમારીનો ખતરો હોય છે. સામાન્ય રીતે નૉન-પરમિટેડ કલરનો વપરાશ પાણીપુરીનું પાણી લીલું કે લાલ દેખાય એ માટે કરાય છે. જોકે, કેટલાક કિસ્સામાં મરચાં કે હળદરના સસ્તા વિકલ્પોનો ઉપયોગ કરાય છે. આવા મસાલામાં પણ નૉન-પરમિટેડ કલર આવતો હોય છે. પાણીમાં ન હોય તો મરચાં કે મસાલામાં આ પ્રકારના કલર હોવાની શક્યતા છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "નિયમ મુજબ, તંત્ર દ્વારા ફૂડનાં સૅમ્પલ મેળવીને તેની ચકાસણી કરાય ત્યારે તેમાં ત્રણ કૅટેગરીના રિપોર્ટ બનતા હોય છે. જેમાં પ્રથમ 'અનસેફ' કૅટેગરી છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જ્યારે બીજી કૅટેગરી 'સબસ્ટાન્ડર્ડ ફૂડ'ની છે. તેનો અર્થ એ છે કે તેની ગુણવત્તા ઓછી છે. ઉદાહરણ તરીકે, તમે દૂધનો નમૂનો લીધો અને તેમાં ફૅટનું પ્રમાણ ઓછું છે, તો તેને સબસ્ટાન્ડર્ડ કહેવામાં આવશે. ત્રીજી કૅટેગરી 'મિસ બ્રાન્ડેડ'ની છે. જેમાં ફૂડ પૅકેટ પર નોંધાયેલાં અથવા દર્શાવેલાં તત્ત્વો ફૂડની અંદર હોતાં નથી. આ સિવાય ફૂડ પૅકેટ પર ખોટા દાવા કરાયેલા હોય તો તેને 'મિસબ્રાન્ડેડ' કહેવાય છે."

પાણીપુરીનું દુષિત પાણી અન્ય કયા પ્રકારની બીમારી નોતરી શકે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાણીપુરી, ભોજન, ફૂડ,

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ શહેરના ગેસ્ટ્રોફિઝિશિયન ડૉ. મનીષ ભટનાગરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "પાણીપુરીમાં વપરાતા મસાલો કે પાણીમાં વધારે પડતાં ઍલર્જન (ઍલર્જી પેદા કરતાં તત્ત્વો) હોય છે, જેના કારણે ઍસિડિટી, પેટમાં ગૅસ, છાલાં પડવાં, ઝાડા-ઊલટી તેમજ ચેપ જેવા કેસ જોવા મળે છે."

તેઓ સલાહ આપતાં કહે છે કે, "ખુલ્લામાં રંધાતી કે બનાવવામાં આવતી ચીજવસ્તુઓ ન ખાવી તે હિતાવહ છે. કેમ કે, ખુલ્લામાં બનાવાતા ખાદ્ય પદાર્થોમાં બૅક્ટેરિયા ભળવાની સંભાવના વધુ હોય છે. જેથી તેનાથી ઇન્ફેક્શન થવાની સંભાવના વધે છે. જો તમારા સ્વસ્થ જીવન જીવવું હોય અને પેટની સમસ્યાઓથી દૂર રહેવું હોય તો ઘરે રાંધેલો તાજો ખોરાક જ ખાવો જોઇએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન