એ છોકરીઓની કહાણી, જે ફૂટબૉલના માધ્યમથી બાળલગ્નને હરાવે છે

- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા, અજમેર, રાજસ્થાનથી
- વાંચવાનો સમય: 7 મિનિટ
ઉનાળાની તપતી બપોરમાં ચૌદ વર્ષીય નિશા વૈષ્ણવ અને તેમનાં 18 વર્ષીય બહેન મુન્ના ફૂટબૉલ રમતાં હતાં ત્યારે તેમની નજર તે પાંચ લોકો પર પડી જે તેમના ફોટા લઈ રહ્યા હતા.
થોડી વારમાં, નિશાને ખબર પડી કે તેઓ બધા એક જ પરિવારના છે. તેઓ તેમના દીકરાનાં લગ્ન તેમની સાથે કરાવવા માગતા હતા. નિશાનાં માતા પણ તેમની સાથે હતાં.
તેમનાં માતા નિશાને પોતાની સાથે લઈને સૌને તેમના ઘરે નિશાના લગ્ન સંબંધ વિશે વાત કરવા ગયાં.
નિશા કહે છે, "મારી માતાએ મને બધાના પગે લાગવાનું કહ્યું હતું, પણ મેં ના પાડી. મેં કહ્યું, આ લોકો મારા માટે કોણ છે? લગ્ન નક્કી થશે ત્યારે જોઈ લઈશ."
નિશા આટલી નાની ઉંમરે લગ્ન કરવા માગતાં નહોતાં. આ વાત 2024ની છે.
ભારતમાં છોકરી માટે 18 વર્ષ અને છોકરા માટે 21 વર્ષની ઉંમર નક્કી કરાઈ છે તેથી નાની ઉંમરમાં થતાં લગ્નને બાળલગ્ન ગણવામાં આવે છે. જોકે, બાળલગ્ન હાલ પણ જોવા મળે છે.
આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર સંગઠન યુનાઇટેડ નૅશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના એક દસ્તાવેજ મુજબ, ભારતમાં રહેતી દર ચારમાંથી એક મહિલાનાં લગ્ન 18 વર્ષથી નાની ઉંમરમાં થયાં હતાં.
આ આંકડા નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ) 2019-21 પર આધારિત છે. જોકે, છેલ્લાં 30 વર્ષમાં બાળલગ્નનો દર ઝડપથી ઘટ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનએફએચએસ: 1992-93 મુજબ , તે સમયગાળા દરમિયાન, ભારતમાં લગભગ 66 ટકા સ્ત્રીઓનાં લગ્ન 18 વર્ષની નાની ઉંમરમાં થયાં હતાં.
નિશા રાજસ્થાનના અજમેરના એક ગામમાં રહે છે, જ્યાં બાળલગ્નનો દર રાષ્ટ્રીય સરેરાશ દર કરતાં થોડો વધારે છે.
દેશના મોટા ભાગે જોવા મળતા કિસ્સાઓની જેમ, અહીં પણ છોકરીઓ માટે તેમનાં માતાપિતા દ્વારા લાવવામાં આવેલા લગ્નના પ્રસ્તાવને નકારવો ખૂબ મુશ્કેલ છે.
પરંતુ નિશા આ હિંમત કરવામાં સફળ રહ્યાં, તેનું શ્રેય ફૂટબૉલને આપે છે.
અમે નિશાને તેમના વિસ્તારના એક ફૂટબૉલ મેદાનમાં મળ્યાં. નિશા કહે છે, "ફૂટબૉલે મારું જીવન બદલી નાખ્યું છે."
'ફૂટબૉલ મારો આશિક...'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2022માં નિશાને તેમનાં બહેન મુન્નાએ ફૂટબૉલ સાથે પરિચય કરાવ્યો. મુન્નાએ એક વર્ષ પહેલાં જ આ રમત શીખી હતી. રાજસ્થાનમાં કાર્યરત્ 'મહિલા જન અધિકાર સમિતિ' નામની સંસ્થાએ તેના "ફૂટબૉલ ફૉર ફ્રીડમ" પ્રોજેક્ટના ભાગરૂપે છોકરીઓને આ રમત શીખવવાનું શરૂ કર્યું હતું.
મુન્નાએ પોતાના ગામની છોકરીઓને ફૂટબૉલ સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભલે તે તેમનાં માતાપિતાની રમવાની મંજૂરી માટેની લડાઈ હોય કે પછી મેદાનમાં શૉર્ટ્સ પહેરવા માટે મનાવવાની હોય - મુન્નાએ બધું જ કર્યું.
આ એવા વિસ્તારોમાં મોટી સિદ્ધિઓ હતી, જ્યાં સ્ત્રીઓને હાલ પણ પુરુષો સામે લાજ કાઢવાનો રિવાજ છે.
અમે મુન્નાને તેમના ગામમાં ઘરે મળ્યાં.
મુન્ના બીબીસીને કહે છે, "પહેલા બે-ત્રણ દિવસ ગામની સ્ત્રીઓ અમારી તરફ આંગળી ચીંધીને કહેતી, 'જુઓ, આ છોકરીઓ તેમના મોટા-મોટા પગ બતાવી રહી છે.' પછી અમે આવી વાતોને અવગણવાનું નક્કી કર્યું અને શૉર્ટ્સ પહેરવાનું ચાલુ રાખ્યું."
નિશાને ફૂટબૉલમાં ઝડપથી પ્રગતિ કરી અને 2024માં તેમણે રાજસ્થાન જુનિયર ફૂટબૉલ ટીમમાં સ્થાન મેળવ્યું અને નૅશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપ સુધી પહોંચ્યાં.
નિશાએ આ વખતે વાળ પણ ટૂંકા કર્યા. ગામડાંમાં છોકરીઓ માટે આમ કરવું એક મોટું પગલું છે. સામાન્ય રીતે ટૂંકા વાળ છોકરાઓની નિશાની માનવામાં આવે છે.

તે વર્ષે જ્યારે ઉનાળાની સાંજે તે પરિવાર નિશાને જોવા આવ્યો ત્યાં સુધીમાં તેઓ લડવા માટે તૈયાર થઈ ગયાં હતાં.
નિશાએ કહ્યું કે તેમણે આટલી નાની ઉંમરે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે તેમને ટૂંકા વાળ રાખવા અને ફૂટબૉલ રમવાથી કોઈ રોકી શકશે નહીં.
લગભગ એક મહિના પછી પરિવારે સંબંધ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો.
નિશા અને મુન્ના માટે વધુ લગ્નનાં માગાં આવતાં રહ્યાં. તેમને એક ભાઈ છે. રાજસ્થાનમાં 'આટા-સાટા' પ્રથા હેઠળ છોકરીઓની લેતી-દેતીને કારણે, ઘણા પરિવારો પોતાની દીકરીનાં લગ્ન સામેવાળાના ઘરે કરાવે છે, જેથી સામે પક્ષે પણ તેમની દીકરી એમના ભાઈ સાથે પરણાવે.
પરંતુ નિશા અને મુન્ના બાળલગ્ન સામેની તેમની લડાઈમાં અડગ રહ્યાં. તેઓ ફૂટબૉલ કારકિર્દીનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યાં છે. તેઓ હવે ખૂલીને જવાબ આપવામાં ડરતાં નથી.
એક દિવસ નિશાને તેમના પિતાએ પૂછ્યું કે શું તેનો આશિક રમતના મેદાનમાં તેની રાહ જોઈ રહ્યો છે. નિશાને અમને કહ્યું કે તેમણે જવાબ આપ્યો, "પ્રેમી નથી. ફૂટબૉલ જ મારો પ્રેમી છે."
ફૂટબૉલે બાળલગ્ન કેવી રીતે રોક્યાં?

સ્વાસ્થ્ય અને જેન્ડર પર કરવામાં આવેલા ઘણા અભ્યાસો દર્શાવે છે કે, છોકરીઓનાં વહેલાં લગ્ન જાતીય હિંસા, સમયથી પહેલાં ગર્ભાવસ્થા અને કુપોષણ જેવાં ઘણાં જોખમો પેદા કરે છે.
તેમનું ભણવાનું છૂટી જાય તેવી શક્યતા વધી જતી હોય છે અને આના કારણે તેઓ મોટા થાય ત્યારે આર્થિક રીતે પગભર થઈ શકતા નથી.
'ફૂટબૉલ ફૉર ફ્રીડમ' પ્રોજેક્ટ ચલાવતાં પદ્મા જોશી છોકરીઓના પરિવારોને આ બધાં જોખમો વિશે માહિતગાર કરવા માગે છે.
પરંતુ તેઓ કહે છે કે, શરૂઆતમાં તેમણે છોકરીઓના પરિવારોને કહ્યું ન હતું કે તે બાળલગ્ન રોકવા માટે છોકરીઓને ફૂટબૉલ શીખવી રહ્યાં છે.
પદ્માએ કહ્યું, "અમે પરિવારોને કહ્યું હતું કે 'અમે ફૂટબૉલની શરૂઆત એટલા માટે કરી કે આ રમત છોકરીઓ માટે સરકારી નોકરીઓની તકો ખોલી શકે.' પરંતુ જ્યારે છોકરીઓ અમારી સાથે જોડાઈ અને બાળલગ્નનાં જોખમો અને તેમના બંધારણીય અધિકારો વિશે જાણ્યું ત્યારે તેમણે પોતાના માટે અવાજ ઉઠાવ્યો."
તેમના મતે, છેલ્લાં 10 વર્ષમાં 'ફૂટબૉલ ફૉર ફ્રીડમ' પ્રોજેક્ટ થકી રાજસ્થાનનાં 13 ગામડાંની 800 છોકરીને ફૂટબૉલ સાથે જોડવામાં આવી છે.
પરંતુ એક પિતૃસત્તાત્મક સમાજ જે છોકરીઓને બોજ માને છે, ત્યાં બાળલગ્નને વાજબી ઠેરવતી રૂઢિચુસ્ત વિચારસરણી બદલવી હજુ પણ એક મોટો પડકાર છે.
'મને મારી દીકરીઓની ચિંતા થાય છે'

નિશા અને મુન્નાનાં માતા લાલીનાં લગ્ન બાળપણમાં જ થઈ ગયાં હતાં. તેમણે પોતાની ત્રીજી અને સૌથી મોટી પુત્રીનાં લગ્ન પણ 16 વર્ષની ઉંમરે કરાવી દીધાં હતાં. અમે લાલીને તેમના ગામમાં તેના ઘરે મળ્યાં.
પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતાં લાલી બીબીસીને કહે છે, "મને મારી દીકરીઓની ચિંતા છે. ગામલોકોનું કહેવું છે કે જો છોકરીઓ ઘર છોડીને જશે, તો તેઓ બગડી જશે કે છોકરાઓ સાથે ભાગી જશે. તેથી, તેમનાં લગ્ન વહેલા કરાવી દેવાં જોઈએ."
મેં તેને પૂછ્યું કે શું તેઓ જાણે છે કે બાળલગ્ન ગેરકાયદેસર છે. લાલીએ 'હાં'માં માથું હલાવીને કહ્યું કે અહીં કોઈ નથી પકડાતું.
તેઓ કહે છે, "અમે તે ગુપ્ત રીતે કરીએ છીએ. અમે લગ્નનાં આમંત્રણો છાપતાં નથી. અમે ઘરને બહારથી સજાવતા નથી. અમે મંડપ પણ બાંધતાં નથી."
કાયદામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, બાળલગ્નમાં કોઈ પણ પ્રકારની સહાયતા ગુનો છે. જે માતાપિતા પોતાનાં બાળકોના લગ્નમાં મદદ કરે છે તેમને લગ્નમાં ભાગ લેનારા દરેક પુખ્ત વયના વ્યક્તિ માટે બે વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
પરંતુ અજમેરમાં બાળકલ્યાણ સમિતિ (સીડબલ્યુસી)નાં અધ્યક્ષ અંજલિ શર્માના મતે, કાયદો તોડનારાને સજા કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે ન તો કોઈ સાક્ષી આગળ આવે છે અને ન તો કોઈ પુરાવા મળે છે.
તેઓ કહે છે, "જો પરિવારને ખબર પડે કે અમને તેમના બાળકનાં થનાર લગ્નના સમાચાર મળ્યા છે, તો તેઓ તારીખ એક કે બે દિવસ માટે મુલતવી રાખે છે અને આખું ગામ તેને છુપાવવામાં મદદ કરે છે."
જો છોકરો કે છોકરી પોલીસમાં ફરિયાદ કરે તો લગ્ન રદ થઈ શકે છે, પરંતુ તેઓ તેમનાં માતાપિતાને જેલમાં મોકલવા જેવા પગલા લેતા ડરે છે.
જો બાળલગ્ન સમયે કોઈ ફરિયાદ દાખલ ન થાય અને જો છોકરો અને છોકરી પુખ્ત થયાં પછી પણ ફરિયાદ ન કરે, તો લગ્ન કાયદેસર રીતે નોંધાઈ શકે છે. આ કિસ્સામાં, કોઈને સજા થતી નથી.

યુનિસેફના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે 18 વર્ષથી ઓછી ઉંમરની 15 લાખ છોકરીનાં લગ્ન થાય છે.
જોકે, અંજલિ શર્મા કહે છે કે જો બાળકો માટે બનાવેલી સરકારી હેલ્પલાઇન (ચાઇલ્ડલાઇન – 1098) પર કોઈ ફરિયાદ મળે છે, તો તેઓ સમયસર કાર્યવાહી કરીને લગ્ન અટકાવે છે.
કાયદાના અમલીકરણ અને જાગૃતિમાં વધારો થવાને કારણે હવે પોલીસમાં બાળલગ્ન સામે વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2017માં રાષ્ટ્રીય સ્તરે 395 કેસ નોંધાયા હતા. 2021માં આ સંખ્યા વધીને 1050 થઈ ગઈ.
પરંતુ આ આંકડા બાળલગ્નના આંકડાનો ખૂબ જ નાનો ભાગ છે .
છોકરીઓનાં સપનાં

નિશા 15 વર્ષનાં છે અને હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેમનું લક્ષ્ય ભારતીય ફૂટબૉલ ટીમ માટે રમવાનું છે.
જો તેઓ ત્યાં સુધી પહોંચી શકતાં નથી, તો તેઓ સરકારી નોકરી મેળવવા માગે છે જેથી આર્થિક રીતે સ્વતંત્ર બની શકે અને સ્વતંત્ર રીતે જીવી શકે.
આ માટે તેમણે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરવું પડશે અને રાજ્ય સ્તરે અથવા તેનાથી આગળ રમવાનું ચાલુ રાખવું પડશે.
મુન્ના હવે 19 વર્ષનાં છે અને કૉલેજના પહેલા વર્ષમાં છે. તેઓ બાળલગ્નથી બચી ગયાં હતાં, પરંતુ હવે તેઓ તેમનાં માતાપિતાનાં પ્રમાણે નહીં, પણ પોતાની મરજી પ્રમાણે લગ્ન કરવા માગે છે.
તેમનાં મોટાં બહેને થોડા મહિના પહેલાં એક પુત્રીને જન્મ આપ્યો હતો. આટા-સાટા પ્રથા હેઠળ, તેમના સાસરિયાઓ હવે તેમના નાના પુત્ર માટે મુન્નાનો હાથ માગી રહ્યા છે.
મુન્ના કહે છે, "તેઓ મારી ભાણીનાં લગ્ન બીજા પરિવાર સાથે કરાવવા માગે છે અને તે પરિવારમાંથી મારા ભાઈ માટે એક છોકરી લાવવા માગે છે અને બદલામાં મારાં લગ્ન તેમના દીકરા સાથે કરાવવા માગે છે."
મુન્ના આવાં લગ્ન ઇચ્છતાં નથી. તેઓ ફૂટબૉલમાં નિશાના જેટલી ઊંચાઈએ પહોંચ્યાં નથી, પરંતુ તેમણે કોચ તરીકે તાલીમ લીધી છે.
તેઓ હવે "ફૂટબૉલ ફૉર ફ્રીડમ" પ્રોજેક્ટના ભાગરૂપે છોકરીઓને ફૂટબૉલ શીખવે છે અને સાથે સાથે તેમનું કૉલેજનું શિક્ષણ પણ પૂર્ણ કરે છે.
તેમની ઇચ્છા છે કે તેમને શાળામાં રમતગમત શિક્ષક તરીકે નોકરી મળે જેથી તેઓ પોતાના પગ પર ઊભાં રહી શકે અને પોતાના જીવન વિશે નિર્ણયો લઈ શકે.
તેઓ તેમના ગામની છોકરીઓમાં પણ આવું જ પરિવર્તન લાવવા માગે છે.
મુન્ના કહે છે, "હું તેમનાં લગ્ન રોકી શકું કે ન રોકી શકું, હું તેમને જીવનમાં કંઈક પ્રાપ્ત કરવામાં મદદ કરવા માગું છું જેથી તેઓ તેમનાં સપનાં પૂરાં કરી શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












