વેદાંત ત્રિવેદી : એ ગુજરાતી ખેલાડી જેણે પાકિસ્તાનને અન્ડર-19 વર્લ્ડકપમાં હરાવવામાં મોટી ભૂમિકા ભજવી

વેદાંત ત્રિવેદી, ભારત-પાકિસ્તાન, ક્રિકેટ, અંડર 19 વર્લ્ડકપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વેદાંત ત્રિવેદી
    • લેેખક, જિગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી
  • વાંચવાનો સમય: 5 મિનિટ

વનડે અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે પાકિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી. ભારતે પાકિસ્તાનને હરાવ્યું તેમાં બે ગુજરાતી ખેલાડીનો મોટો ફાળો રહ્યો હતો.

ગુજરાતના વેદાંત ત્રિવેદીએ બનાવેલા 68 રન અને ખિલાન પટેલે લીધેલી ત્રણ વિકેટ.

ભારતે પાકિસ્તાન સામે પહેલી બેટિંગ કરી હતી. ભારતે 47 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ગુજરાતના વેદાંત ત્રિવેદીએ ત્રીજા ક્રમે આવીને મજબૂત ઇનિંગ રમી હતી. એક છેડે ખેલાડીઓ પોતાની વિકેટ ગુમાવી રહ્યા હતા ત્યારે વેદાંત ત્રિવેદીએ બીજો છેડો પકડી રાખ્યો હતો અને 98 બૉલમાં 68 રન બનાવીને ભારતીય ટીમને મજબૂતી આપી હતી.

ભારતે કનિષ્ક ચૌહાણના 35 રન, અંબરીશના 29 રન અને ખિલાન પટેલના 21 રનની મદદથી 252 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવા માટે આ લક્ષ્યાંકને 33.3 ઓવરમાં હાંસલ કરવું જરૂરી હતું, પરંતુ એ શક્ય ન બન્યું અને પાકિસ્તાનની ટીમ 194 રનમાં ઑલઆઉટ થઈ ગઈ અને ભારતે જીત મેળવી.

પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને સૌથી વધુ 66 રન 92 બૉલમાં બનાવ્યા હતા. ભારત વતી ખિલાન પટેલે અને આયુષ મહાત્રેએ ત્રણ-ત્રણ વિકેટો જ્યારે કે એસ. અંબરીશ, હેનિલ પટેલ, કનિષ્ક ચૌહાણ અને વિહાન મલ્હોત્રાએ એક-એક વિકેટ ઝડપી હતી.

ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વેદાંત ત્રિવેદી કોણ છે?

11 વર્ષની ઉંમરે અન્ડર-14ની મૅચમાં સદી ફટકારી

વેદાંત ત્રિવેદી, ભારત-પાકિસ્તાન, ક્રિકેટ, અંડર 19 વર્લ્ડકપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિહાન મલ્હોત્રા અને વેદાંત ત્રિવેદી

અમદાવાદના વેદાંત ત્રિવેદીએ આઠેક વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

વેદાંત ત્રિવેદી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "મારા પિતાને ક્રિકેટમાં ખૂબ રસ હતો. તેઓ મને શરૂઆતમાં સ્માઇલી બૉલથી ઘરમાં ક્રિકેટ રમાડતા. ક્રિકેટ રમવામાં મને મજા આવવા લાગી અને રસ જાગતો ગયો. 9 વર્ષે હું ક્રિકેટ ઍકેડૅમીમાં જોડાઈ ગયો."

હીરામણિ સ્કૂલમાંથી વેદાંતે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. વેદાંતે માત્ર 11 વર્ષની ઉંમરે અન્ડર-14ની મૅચ હીરામણિ સ્કૂલ તરફથી રમી હતી અને સદી ફટકારી હતી.

વેદાંત ત્રિવેદી કહે છે, "11 વર્ષની ઉંમરે હું અન્ડર-14ની પહેલી મૅચ રમ્યો. પહેલી મૅચમાં મેં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, મિર્ઝાપુરની ટીમ સામે 142 રન બનાવી દીધા."

વેદાંત ત્રિવેદી રાઇટ આર્મ લેગ બ્રેક બૉલર પણ છે.

તેઓ કહે છે, "હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભલે એક બૅટ્સમૅન તરીકે મિડલ ઑર્ડરમાં રમતો હોઉં, પરંતુ હું બૉલર પણ રહ્યો છું. હું અન્ડર-14ની જિલ્લાની ટુર્નામેન્ટમાં ટોપ વિકેટ ટૅકર રહ્યો છું અને અન્ડર-16માં પણ રાજ્યકક્ષાની મૅચમાં હેટ્રિક લીધી હતી."

શુભમન ગિલ વેદાંતના આદર્શ

વેદાંત ત્રિવેદી, ભારત-પાકિસ્તાન, ક્રિકેટ, અંડર 19 વર્લ્ડકપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વેદાંત ત્રિવેદીએ વિરાટ કોહલીને જોઈને પોતાના ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, શુભમન ગિલ આજે તેમના આદર્શ છે.

તેઓ કહે છે, "જેમ શુભમન ગિલ અન્ડર-19 વર્લ્ડકપ રમ્યા હતા તેમ હું પણ એ વર્લ્ડકપનો ભાગ છું."

વેદાંત ત્રિવેદી માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદાર્પણ કરવું જેટલું અઘરું નહોતું એટલું અન્ડર-14ના જિલ્લા ક્રિકેટમાંથી અન્ડર-16ના રાજ્યસ્તરના ક્રિકેટમાં પહોંચવું હતું.

વેદાંત ત્રિવેદી અત્યાર સુધીના પોતાના આકરા સમયની વાત કરતા કહે છે, "હું અન્ડર-14 ક્રિકેટ જિલ્લાકક્ષાએ રમી રહ્યો હતો ત્યાં મારું પ્રદર્શન સારું હતું, પરંતુ હું રાજ્યકક્ષાની ટીમમાં પસંદ થયો ન હતો. આ પછી મેં નક્કી કર્યું કે અન્ડર-16માં રાજ્યકક્ષાની ટીમમાં સ્થાન મેળવવું."

વેદાંત કહે છે, "રાજ્યકક્ષાની ટીમમાં પસંદ થવા માટે મેં ભારે મહેનત શરૂ કરી અને સાથે સાથે શિસ્તમાં આવ્યો. આના કારણે અન્ડર-16ની રાજ્યકક્ષાની ટીમમાં પસંદ થયો અને પછી નૅશનલ સુધી સારું પ્રદર્શન કર્યું."

વેદાંત આ સમયગાળાને પોતાના જીવનનો સૌથી આકરો સમયગાળો ગણે છે.

'મારા પિતા મારા હીરો છે'

વેદાંત ત્રિવેદી ક્રિકેટમાં આ લેવલે પહોંચ્યા તેનું સંપૂર્ણ શ્રેય પોતાના પિતાને આપે છે.

વેદાંતના ક્રિકેટિંગ કારકિર્દીની શરૂઆત પિતાને ક્રિકેટ ગમતું હોવાથી થઈ હતી, પરંતુ દીકરો ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચે તે માટે પિતાએ પણ આકરી મહેતન કરી છે તેવું વેદાંત માને છે.

વેદાંત કહે છે, "મારા પિતાએ પોતાનાં અનેક કામ મૂકીને મને સમય આપ્યો છે. જ્યારે પ્રૅક્ટિસ ન હોય ત્યારે ઘરમાં મને થ્રોડાઉન કરતા હતા. વરસાદમાં ઘરે પ્રૅક્ટિસ કરાવતા. મારા પિતાએ ક્યારેય મને એવું નથી કહ્યું કે હું આજે તારી સાથે નહીં આવી શકું. ક્યાંય પણ મૅચ હોય કે પછી પ્રૅક્ટિસમાં તેઓ હંમેશાં મારી સાથે આવ્યા છે. મારા પિતા મારા રિયલ હીરો છે."

વેદાંતનાં માતા શિક્ષિકા છે અને માતા વિશે વેદાંત કહે છે, "મારા માતાએ જ્યારે મારું સારું પ્રદર્શન ન થયું કે ખરાબ સમય ચાલતો હોય ત્યારે મને સહારો આપ્યો છે."

'મીઠાઈ અને આઇસક્રીમ ખાવાનાં બંધ કરી દીધાં છે'

વેદાંત ત્રિવેદી, ભારત-પાકિસ્તાન, ક્રિકેટ, અંડર 19 વર્લ્ડકપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વેદાંત ત્રિવેદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા અને પોતાની ફિટનેસને સુધારવા મીઠાઈ અને આઇસક્રીમ જેવા ખાંડવાળા ખોરાકને ખાવાનો બંધ કરી દીધો છે.

વેદાંત કહે છે, "મને મીઠાઈ અને આઇસક્રીમ ખૂબ ભાવતાં હતાં, પરંતુ જ્યારથી મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયારી શરૂ કરી ત્યારથી ખાવાનું બંધ કરી દીધું છે."

વેદાંત ત્રિવેદી આજે 18 વર્ષની ઉંમરે અન્ડર-19 વર્લ્ડકપ રમી રહ્યા છે. ભારત માટે તેમણે વર્લ્ડકપ રમવા માટે તેમણે શું કર્યું હતું?

આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "મને ક્રિકેટ રમવું ગમે છે અને મારે ભારતને રિપ્રેઝન્ટ કરવું હતું માટે મેં મહેનત, શિસ્ત અને સાતત્યથી મારી જાત પર કામ કર્યું છે. હું સવારમાં છ વાગે ઊઠીને સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ અમદાવાદની ક્રિકેટ ઍકેડૅમી પર પ્રૅક્ટિસ કરવા માટે જતો. આ પછી શાળાએ જવું. શાળાએથી છૂટીને ઘરે આવીને બપોરે બે-ત્રણ વાગે પાછો ક્રિકેટના મેદાન પર પહોંચી જતો અને સાંજે સાત કે આઠ વાગે ઘરે પાછો આવતો."

વેદાંત ત્રિવેદીએ કૂચબિહાર ટ્રૉફીમાં પણ ત્રણ સદી ફટકારી હતી. આ પછી તેમને ભરોસો આવ્યો હતો કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સારું કરી શકે છે.

વેદાંત ત્રિવેદીએ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં 140 રન બનાવ્યા હતા. ભારત ઑસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મૅચ જીત્યું હતું.

ટી-20 વર્લ્ડકપની તૈયારી વિશે કહે છે, "હાલ, આંતરરાષ્ટ્રીય ટુર્નામૅન્ટ રમી રહ્યો છું તો મેં પ્રૅક્ટિસ ઘટાડી નથી, પરંતુ હવે છની જગ્યાએ આઠ કલાક તૈયારી કરું છું. માનસિક તૈયારીઓ પણ વધારી છે."

'પાકિસ્તાન સામે વેદાંતે જે ઇનિંગ રમી, તેણે કંઈ નવું નથી કર્યું'

વેદાંતના બાળપણથી કોચ રહેલા નીલ ભાવસાર કહે છે, "વેદાંતે પાકિસ્તાન સામે જે ઇનિંગ રમી છે તેમાં કંઈ નવું નથી. તેણે અનેક વખત આ પ્રમાણેની ઇનિંગ રમી છે. સ્થિતિ પ્રમાણે તે બેટિંગ કરે છે. ચોથો નંબરે બેટિંગ કરવી તેના માટે પરફેક્ટ છે. શાળા માટે મૅચ રમતો ત્યારે પણ આ પ્રમાણે જ રમતો હોય છે."

તેઓ વધુમાં કહે છે, "વેદાંત મેદાન પર રમતો હોય ત્યારે હું નિશ્ચિંત થઈ જતો હતો."

વેદાંતની મહેનત વિશે નીલ ભાવસાર કહે છે, "વેદાંતે છેલ્લાં એક સવા વર્ષમાં ઘણી આકરી મહેનત કરી છે. તેણે ફિટનેસ અને ડાયટ પર ઘણું કામ કર્યું છે."

'હું શૉકમાં હતો' - વેદાંતના પિતા

વેદાંત ત્રિવેદી, ભારત-પાકિસ્તાન, ક્રિકેટ, અંડર 19 વર્લ્ડકપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વેદાંતે પાકિસ્તાન સામે જે રન બનાવ્યા તેના વિશે વાત કરતા વેદાંતના પિતા અલ્પેશભાઈ કહે છે, "વેદાંતની ઇનિંગ ખૂબ મહત્ત્વના સમયે આવી છે. ભારતને જરૂર હતી ત્યારે આવી છે. હું મારી લાગણીને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. આ પળ મારા માટે ગૌરવપૂર્ણ છે."

વેદાંતના પિતા કહે છે, "મેં જ્યારે નવ વર્ષની ઉંમરે વેદાંતને કોચિંગમાં મૂક્યો ત્યારે તેના કોચે મને કહ્યું કે ઘરમાં જે બેટ છે તે અને પાણીની બૉટલ લઈને મોકલજો. તેમણે બે-ત્રણ દિવસ આનું ટેલેન્ટ જોયું ત્યાં જ કહ્યું કે તમે કિટ લાવી દેજો. સામાન્ય રીતે એક મહિના પછી કોચ આ પ્રકારે કિટ મંગાવતા હોય છે."

વેદાંતના પિતા કહે છે કે જ્યારે ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં વેદાંતની પસંદગી થઈ ત્યારે તેમને શૉક લાગ્યો હતો. મને હર્ષનો શૉક લાગ્યો હતો.

વેદાંતના પિતા કહે છે, "અમે આજકાલ તેની સાથે ક્રિકેટની વાત કરતા નથી, કારણ કે તેની પાસે કોચ છે અને ટીમનો બીજો સ્ટાફ છે તે વધારે જાણકાર છે. તે ખરાબ સમયમાં હોય ત્યારે એટલું કહીએ છીએ તું મહેનત કર, શિસ્તમાં રહે. કર્મ કરતો જા, ફળની આશા ન રાખીશ. જ્યારે મળવાનું હશે ત્યારે મળશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન