શરદી-ખાંસીની કફ સિરપ નાનાં બાળકોને આપવી જોઈએ કે નહીં?

 શરદી-ખાંસી, કફ સિરપ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈમાં એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અઢી વર્ષના એક બાળકને કફ સિરપ આપ્યા બાદ લગભગ 17 મિનિટ સુધી તેની નાડી બંધ થઈ ગઈ હતી.

બાળકનાં દાદી ડૉ. તિલોત્તમા મંગેશીકરે મુંબઈથી બીબીસીને જણાવ્યું હતું કે, "15 ડિસેમ્બરે બાળકની માતાએ તેને દવા આપી હતી, તે માતા સાથે બેઠો હતો અને પછી તેણે કહ્યું કે, મને ખોળામાં લઈ લો. ત્યારબાદ તે સાવ ઢીલો પડી ગયો હતો. બાદ મારાં પુત્રવધૂએ મને બોલાવી."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "બાળક ખૂબ જ ગોરો છે અને મેં જોયું કે તે પીળો પડવા લાગ્યો હતો અને પછી તેના શરીર પર લીલાશ થવા લાગી હતી. અમે સીધા હૉસ્પિટલ લઈ ગયા અને રસ્તામાં મેં બાળકને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. સાત મિનિટમાં તેનો રંગ ગુલાબી થવા લાગ્યો હતો અને લગભગ 17 મિનિટ પછી તે ભાનમાં આવ્યો, તેણે આંખો ખોલી અને શ્વાસ લેવા લાગ્યો."

ડૉ. તિલોત્તમા મંગેશીકર, શરદી-ખાંસી, કફ સિરપ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, TILOTAMA MANGESHIKAR

ઇમેજ કૅપ્શન, ડૉ. તિલોત્તમા મંગેશીકર

ડૉ. તિલોત્તમા મંગેશીકર એક એનેસ્થેસિયોલૉજિસ્ટ છે.

તેમણે જણાવ્યું હતું કે, "અમને તપાસમાં જાણવા મળ્યું કે, બાળક સાથે આવું પહેલાં ક્યારેય થયું નથી. પછી આ કફ સિરપ વિશે જાણ્યું અને ખબર પડી કે તેમાં ક્લોરફેનિરામાઇન અને ડેક્સટ્રોમેથોર્ફેન હતું. અમેરિકામાં ચાર વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં તેન ઉપયોગ પર પ્રતિબંધ છે."

ડૉ. તિલોત્તમા મંગેશીકર જણાવે છે કે, ઉત્પાદકોએ આવી દવાઓ પર કોઈ લેબલ લગાવ્યું નથી. સાથે પીડિયાટ્રિશિયન (બાળકોના ડૉક્ટર) પણ આ દવાઓ લેવાની સલાહ આપી રહ્યા છે."

તેમણે કહ્યું હતું કે, "અમારા નસીબ સારા હતા કે, હું ઘરે હતી અને મારા પૌત્રની મદદ કરી શકી. હું આ બધું એ માટે કહી રહી છું, જેથી માતા-પિતા સચેત થઈ જાય અને પીડિયાટ્રિશિયન પણ સાવચેતી રાખે."

તો પછી કફ સિરપ બાળકોને આપવી જોઈએ કે નહીં? નવજાત બાળકોને શરદી થાય તો શું કરવું જોઈએ? જાણીશું આ અહેવાલમાં...

કફ સિરપની શરીર પર શું અસર થાય છે?

શરદી-ખાંસી, કફ સિરપ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે કે, "કફ સિરપનો વધુ ઉપયોગ કરવાથી બાળકોને ઊંઘ આવવા લાગે છે."

આવી સ્થિતિમાં બાળકે જે ખાધું હોય, તે શ્વાસનળીમાં અટકી શકે છે. ત્યારે તેને ખાંસી પણ ન આવે તો તે બહાર પણ નીકળી નહીં શકે. એવામાં બાળકને ગૂંગળામણ થઈ શકે છે.

આ દવાઓ લેવાથી ઊંઘ આવવા લાગે છે, બ્લડપ્રેશર ઘટી જાય છે, બાળકોને શરદીની જેમ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. સાથે દવા લેવાથી શ્વાસ લેવાની પ્રક્રિયામાં અસર થઈ શકે છે તેમજ બાળકના શરીરમાં ઑક્સિજનની ઉણપ થઈ શકે છે.

ડૉક્ટર એ પણ કહે છે કે, "આવી દવાઓના ઓવરડોઝના કારણે પણ વધુ સમસ્યાઓ ઊભી થતી હોય છે."

શું કફ સિરપ જરૂરી છે?

શરદી-ખાંસી, કફ સિરપ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Roberto Machado Noa/ GETTYIMAGE

ઇમેજ કૅપ્શન, એક બાળકને દિવસમાં સરેરાશ 11 વાર ખાંસી આવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉક્ટરોનું કહેવું છે કે ઉધરસ બાળકો માટે સારી છે, કારણ કે તે શરીરમાં જમા થયેલા કફને દૂર કરવામાં મદદ કરે છે.

ડૉક્ટરોનું કહેવું છે કે ઉધરસ એક રીતે શરીરમાંથી જીવાણુ બહાર કાઢવામાં મદદ કરે છે, તો તેને દવા આપીને દબાવવાની જરૂર શું છે?

બાળકોમાં ત્રણ દિવસ બાદ સ્થિતિ સારી થવા લાગે છે, ત્યારપછી એક-બે દિવસમાં ખાંસી પણ ઓછી થઈ જાય છે. પરંતુ જો સ્થિતિ વધુ બગડે તો ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ, જેથી જો કોઈ ઍલર્જી હોય તો દવા આપી શકાય.

ડૉક્ટરો અનુસાર, ક્લોરફેનિરામાઇન અને ડેક્સટ્રોમેથોર્ફેનની બાળક પર આડઅસર થઈ શકે છે.

નેશનલ સેન્ટર ફૉર બાયૉટેક્નોલૉજી ઇન્ફૉર્મેશન (એનસીબીઆઈ) પર પ્રકાશિત થયેલી માહિતી અનુસાર, એક બાળકને દિવસમાં સરેરાશ 11 વાર ખાંસી આવે છે, પરંતુ શિયાળામાં તેની તીવ્રતા વધી જાય છે.

ખાંસી અને શરદીની દવા મેડિકલની દુકાન પર મળી જાય છે, પરંતુ બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ઉધરસ અને શરદીની દવા આપવી ન જોઈએ, કારણ કે તેનાથી જીવનું જોખમ વધી શકે છે.

ખાંસી અને તાવની દવાઓના ઉત્પાદકો સ્વેચ્છાએ ચાર વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે આનો ઉપયોગ ન કરવાનું લેબલ લગાવે છે.

નવજાત શિશુ અને બાળકોમાં શરદી-કફના ઉપાયો

શરદી-ખાંસી, કફ સિરપ, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Roberto Machado Noa/ GETTYIMAGE

ઇમેજ કૅપ્શન, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદીની દવા આપવી ન જોઈએ

બાળકોને શરદી-કફમાં રાહત આપવા માટે ઘણા ઉપાયો ડૉક્ટરો સૂચવે છે.

  • એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે બલ્બ સિરિન્જનો ઉપયોગ કરવો. જોકે, તેનો ઉપયોગ બાળકોના નાકમાંથી કફ દૂર કરવા માટે થાય છે.
  • ડૉક્ટર બાળકો માટે ઘરગથ્થુ ઉપચાર જેવા કે મધ, આદુ અને લીંબુનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે.
  • નાનાં બાળકોને વારંવાર શરદી થવી એ સામાન્ય છે. બાળકને મોટા પ્રમાણમાં પ્રવાહી આપવું.
  • બાળકોને શરદી-કફથી રાહત ન મળતી હોય, નાક સતત બંધ રહેતું હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે નાકનાં ટીપાં પણ પાડી શકાય.

મુંબઈની KEM હૉસ્પિટલના પીડિયાટ્રિશિયન ડૉ. મુકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, "જે કિસ્સો સામે આવ્યો છે, એ વિશે તેઓ ચોક્કસ કહી શકતા નથી, કારણ કે તેઓ જાણતા નથી કે બાળકને કેટલી દવા આપવામાં આવી છે, પરંતુ તેમને આ કેસ આશ્ચર્યચકિત કરી દે તેવો લાગે છે."

તેમણે કહ્યું હતું કે, "પાંચ વર્ષ સુધીનાં બાળકોમાં માતા પાસેથી મળેલી રોગપ્રતિકારક શક્તિ પૂરી થવા લાગે છે અને ત્યાં સુધી તેનામાં પોતાની ક્ષમતા વિકસી ન હોવાના કારણે આ ઉંમરે વાઇરલ અને ઍલર્જી થવી સામાન્ય છે."

તેમના કહેવા મુજબ, "આ ઉંમરનાં દરેક બાળકને એક વર્ષમાં પાંચથી છ વાર શરદી થાય છે. જેમાંથી મોટાં ભાગનાં બે અથવા ત્રણ દિવસમાં સાજાં થઈ જાય છે. જોકે, આ સંક્રમણ કાન અથવા અન્ય જગ્યાએ ફેલાય, ત્યારે બાળકોને એન્ટિબાયોટિક આપવાની જરૂર પડે છે, કાં તો તે તેની જાતે સાજા થઈ જાય છે. તેથી જ દવા અથવા કફ સિરપની ક્યારેય જરૂર પડતી નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.