હિંદુ અને મુસ્લિમ પર્સનલ લૉ એકદમ અલગ, તો યુનિફૉર્મ સિવિલ કોડ એકરૂપતા કઈ રીતે લાવશે?

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે.

ગુજરાતમાં કૉમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા કમિટીની રચના કરવામાં આવી હોવાની જાહેરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે.

ભૂપેન્દ્ર પટેલે પત્રકારપરિષદમાં જણાવ્યું કે "રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશાં પ્રતિબદ્ધ રહ્યું છે."

સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.

ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે.

જૂનમાં તેમના પક્ષનાં કાર્યકર્તાઓને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કાયદાનું સમર્થન કર્યું હતું.

તેમણે સવાલ કર્યો હતો કે, “શું ઘરમાં એક વ્યક્તિ માટે અલગ કાયદો હોય અને બીજા વ્યક્તિ માટે અલગ કાયદો હોય તો શું ઘર ચાલી શકે?”

પીએમ મોદીએ એ દરમિયાન તેમની સરકારે ‘ટ્રિપલ તલાક’ પર પ્રતિબંધ મૂક્યો એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સુપ્રીમ કૉર્ટે 2017માં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. ત્યારબાદ સરકારે એક ડગલું આગળ વધીને તેને અપરાધની શ્રેણીમાં દાખલ કર્યો હતો.

વર્ષ 2019માં સરકાર એક કાયદો લઇને આવી જેમાં ટ્રિપલ તલાક આપનાર મુસ્લિમ વ્યક્તિ માટે મહત્તમ ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી હતી.

યુનિફૉર્મ સિવિલ કોડનો હેતુ

જોકે, ટ્રિપલ તલાકના અપરાધીકરણની ટીકા કરવામાં આવી હતી કારણ કે તેમાં મહિલાઓને કોઈપણ પ્રકારની નાણાંકીય સહાય વિના છોડી દેવામાં આવે છે જેના કારણે મુસ્લિમ મહિલાઓને છૂટાછેડા વિના જ છોડી દેવાનું જોખમ વધી ગયું છે.

જ્યારે છૂટાછેડાના આધારે હિંદુ પુરુષો માટે આ પ્રકારના કેસમાં તેમને ગુનેગાર ઠેરવવાની કોઈ વ્યવસ્થા નથી.

યુનિફૉર્મ સિવિલ કોડનો હેતુ એક કૉમન કાયદો બનાવવાનો છે જે લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસા જેવી કૌટુંબિક બાબતો માટે અલગ-અલગ સમુદાયોના અલગ-અલગ કાયદાઓ(પર્સનલ લૉ)ને બદલશે.

યુસીસીના સ્વરૂપ અંગે કોઈ ડ્રાફ્ટ ન હોવાથી નિષ્ણાતો પણ મૂંઝવણમાં છે કે એક એવો કાયદો જે બધાં જ સમુદાયો પર કેવી રીતે લાગુ થશે જે એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે.

દિલ્હીના વકીલ માલવિકા રાજકોટિયા કહે છે, “હિંદુઓ અને મુસ્લિમોનાં અલગ-અલગ પર્સનલ લૉ છે જે એકબીજાથી બિલકુલ અલગ છે.”

એટલે એ મોટો સવાલ છે કે આ અંતર કઈ રીતે ઓછું કરવું.

શું એક સમુદાયના તમામ કાયદાઓ બીજા સમુદાય પર થોપી દેવામાં આવશે? શું સરકાર યુનિફૉર્મ સિવિલ કોડનો બીજો કોઈ નિષ્પક્ષ રસ્તો શોધશે?

લગ્ન અને છૂટાછેડા

ચાલો આપણે ભારતમાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયોને લાગુ પડતા વિવિધ કાયદાઓ પર એક નજર ફેરવીએ.

હિંદુ કાયદા હેઠળ લગ્નને પરંપરાગત રીતે પવિત્ર સંસ્કાર તરીકે જોવામાં આવે છે જ્યારે મુસ્લિમ કાયદામાં લગ્નને એક કરાર માનવામાં આવે છે. ત્યાંથી જ લગ્નમાં છૂટાછેડાનો વિચાર આવે છે.

જો કે ઘણાં નિષ્ણાતો માને છે કે હિંદુ મેરેજ ઍક્ટ પસાર થવાથી તે પણ એક કરાર જેવું જ બની ગયું છે.

કૌટુંબિક કાયદાના નિષ્ણાત અને બેંગલુરુમાં નેશનલ લૉ સ્કૂલ ઑફ ઈન્ડિયાના પ્રૉફેસર સારાસૂ ઈસ્ટર થૉમસ કહે છે, "હિંદુ મેરેજ ઍક્ટ લગ્ન વિશે અમુક શરતો મૂકે છે જે લગ્ન માટે વર અને વરરાજાએ પૂરી કરવાની હોય છે."

“તેમાં છૂટાછેડાના આધારનો પણ ઉલ્લેખ કરાયો છે. એટલે હિંદુ લગ્નની પ્રકૃતિ પણ સંસ્કાર નથી.”

લગ્નની રીત અલગ હોવા ઉપરાંત પણ કોણ કોની સાથે લગ્ન કરી શકે તે અંગે બંને ધર્મોમાં અલગ-અલગ નિયમો છે.

સંહિતાબદ્ધ હોવા છતાં હિંદુ કાયદો વિવિધ સમુદાયોના રિવાજો અને પ્રથાઓને માન્યતા આપે છે.

જો કે, હિંદુ મૅરેજ ઍક્ટ સ્પષ્ટ કરે છે કે અમુક લગ્નો થઈ શકતાં નથી. જેમ કે લોહીનો સંબંધ હોય તેમની વચ્ચે, કાકા અને ભત્રીજી વચ્ચે લગ્ન શક્ય નથી. પરંતુ કેટલીક પરંપરાઓ જેમ કે ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભત્રીજી અને કાકા વચ્ચે લગ્નની મંજૂરી આપવામાં આવી છે.

બીજી તરફ મુસ્લિમ કાયદો પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્નની મંજૂરી આપે છે.

મુસ્લિમ લગ્નોને કરારની જેમ ગણવામાં આવે છે તેથી છૂટાછેડા સરળ છે. જોકે આ અધિકારો વધુ પિતૃસત્તાત્મક છે.

ટ્રિપલ તલાક પર પ્રતિબંધ હોવા છતાં એકતરફી તલાકના અન્ય સ્વરૂપો હજુ પણ અસ્તિત્વમાં છે, જેની સામે કેસ સુપ્રીમ કૉર્ટમાં પેન્ડિંગ છે.

દત્તક લેવા અને વાલીપણાનો અધિકાર

હિન્દુ કાયદા હેઠળ દત્તક લીધેલા બાળકને એક સામાન્ય બાળક જેટલો જ અધિકાર આપવામાં આવ્યો છે. જ્યારે ઇસ્લામિક કાયદામાં તો દત્તક લેવા પર જ પ્રતિબંધ છે.

જોકે, જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન) ઍક્ટ, 2015 પછી મુસ્લિમો પણ દત્તક લઈ શકે છે.

બંને સમુદાયમાં વાલીપણા અંગેના પણ અલગ-અલગ નિયમો છે. હિંદુ કાયદામાં પિતા એ છોકરો કે અપરિણીત છોકરીના કુદરતી રીતે વાલી ગણાય છે. જ્યારે અનૌરસ પુત્ર અથવા અપરિણીત પુત્રી માટે માતા એ કુદરતી રીતે વાલી ગણાય છે.

બીજી તરફ મુસ્લિમ કાયદામાં વાલી તરીકેના અધિકારને લઈને પણ અલગ-અલગ માન્યતાઓ છે. પરંતુ ભારતના કાયદા પંચ અનુસાર વાલી નક્કી કરતી વખતે બાળકના 'શ્રેષ્ઠ હિત'ને ધ્યાનમાં રાખવામાં આવે છે.

ઉત્તરાધિકાર

યુનિફૉર્મ સિવિલ કોડ માટે સૌથી મોટો પડકાર ઉત્તરાધિકાર માટે સમાન કાયદો બનાવવાનો હશે.

વર્તમાન પ્રણાલીમાં હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) હેઠળ એવા પરિવારોને કર મુક્તિ મળે છે જેમની પૂર્વજોની મિલકત સમગ્ર પરિવારની સંયુક્ત માલિકીની છે.

આવી વ્યવસ્થા બીજા કોઈ ધર્મમાં નથી.

તો શું આ પ્રણાલીનો લાભ અન્ય સમુદાયો માટે પણ વિસ્તારવામાં આવશે? કે પછી સરકાર હિંદુઓને અપાતા આ લાભને ખતમ કરશે?

કેરળએ 1975માં જ આ પ્રથાને નાબૂદ કરી હતી. વર્ષ 2018માં કાયદા પંચે સૂચવ્યું હતું કે આ પ્રથાને નાબૂદ કરી દેવી જોઈએ કારણ કે તેનાથી દેશને ટૅક્સનું મોટું નુકસાન થઈ રહ્યું છે.

પરંતુ એચયુએફ સિવાય પણ વિવિધ ધર્મોમાં ઉત્તરાધિકારને લઇને ઘણા તફાવત છે.

રાજકોટિયા કહે છે, "હિંદુ અને મુસ્લિમો વચ્ચે ઉત્તરાધિકારની બાબત પણ સંપૂર્ણપણે અલગ છે."

તેમના મતે, "વારસદારોને આપવામાં આવતો હિસ્સો પણ હિંદુ કાયદામાં નથી."

સામાન્ય રીતે, મુસ્લિમ કાયદા હેઠળ સ્ત્રીને પુરુષની સરખામણીમાં અડધો ભાગ મળે છે અને અલગ-અલગ સંબંધીઓ મિલકતમાં અલગ-અલગ હિસ્સો ધરાવે છે.

ઉદાહરણ તરીકે સુન્ની કાયદા હેઠળ ભાઈ-બહેન સહિત 12 લોકો પ્રથમ શ્રેણીનાં વારસદારો છે.

જ્યારે 2005 પહેલા હિંદુ કાયદામાં દીકરીઓને પૈતૃક સંપત્તિમાં અધિકાર ન હતો. આ સિવાય પુરૂષની વૈવાહિક સ્થિતિની મિલકતના વારસા પર કોઈ અસર પડતી નથી. પરંતુ સ્ત્રીઓના કિસ્સામાં તે બદલાઈ જાય છે.

સ્ત્રીની મિલકત પર પ્રથમ દાવો તેના માતા-પિતાનો નહીં પરંતુ પતિના વારસદારોનો હોય છે.

આ નિયમ ભેદભાવપૂર્ણ હોવાથી તેને સુપ્રીમ કૉર્ટમાં પડકારવામાં આવ્યો છે.

એક જ સમુદાયની અંદર ભિન્નતાઓ

બીજો પણ એક પડકાર છે અને એ છે હિંદુ અને મુસ્લિમ સમુદાયોની અંદર જ રહેલી ભિન્નતાઓ.

ડૉ.થૉમસ કહે છે કે, “હિંદુ લૉનો એક મહત્વપૂર્ણ અને મોટો ભાગ સંહિતાબદ્ધ નથી. તેમાં અલગ-અલગ પંથ છે જેમ કે, દ્ગવિડ, મિતાક્ષરા અને દયાભાગા, જે વિભાજન અને એચયુએફનાં અન્ય પાસાઓનું નિર્ધારણ કરે છે. બીજા પાસાઓમાં પણ જેમ કે લગ્ન કઈ રીતે થાય તેમાં પણ અલગ-અલગ પરંપરાઓ છે.”

મુસ્લિમોમાં પણ શિયા અને સુન્ની જેવા અલગ અલગ પંથ છે. લગ્ન અને પારિવારિક જીવનના વિવિધ પાસાઓમાં પણ તફાવત છે.

આ બંને પંથમાં પણ અલગ-અલગ સંપ્રદાયો છે. ઉદાહરણ તરીકે, સુન્ની લોકો હનાફી અથવા મલિકી જેવી માન્યતાઓને અનુસરી શકે છે.

રાજકોટિયા કહે છે, “આ કાયદાઓમાં સુધારો કરવો અને સુમેળ સાધવો એ એક મોટું કામ છે.”

કાયદાકીય પડકારો

સરકાર શું કરે છે તે આધાર પર મૂળભૂત અધિકારો સામે પણ પડકારો હોઈ શકે છે.

ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે યુસીસી વિરુદ્ધ કાયદા પંચને પત્ર લખ્યો છે.

બૉર્ડે કહ્યું છે કે કૌટુંબિક બાબતો એ ધાર્મિક નિયમો અને બંધારણના અનુચ્છેદ 25 અને 26 હેઠળ સંચાલિત થાય છે. તેથી કેટલાક અપવાદોને બાદ કરતાં નાગરિકોને તેમના ધર્મનું પાલન કરવાનો અને ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો મૂળભૂત અધિકાર છે.

રાજકોટિયા કહે છે, "આ ઉપરાંત આ કાયદાઓમાં ફેરફાર લોકોની સાંસ્કૃતિક ઓળખની વિરુદ્ધ પણ જઈ શકે છે."

"ભારતીય બંધારણની કલમ 29 હેઠળ લઘુમતીઓને તેમની અલગ સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર છે."

તેમનું માનવું છે કે વર્તમાન માળખામાં સુધારો થવો જોઈએ પરંતુ 'વ્યાપકપણે ફેરફાર એ વિનાશક બની શકે છે'.

યુસીસીને લાગુ કરવું એ બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવેલ ભેદભાવ વિરોધી બાંહેધરી વિરુદ્ધ પણ જઈ શકે છે.

બંધારણના નિષ્ણાત પ્રૉફેસર તરુણાભ ખેતાન કહે છે, "જો એક સમુદાયની પરંપરાઓ એકરૂપતા લાવવા માટે અન્ય સમુદાયો પર લાદવામાં આવે છે, તો તે ભેદભાવપૂર્ણ થશે."

તેઓ કહે છે, "જો એકરૂપતાનો આધાર સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક હોય, જે એક સમુદાયની પરંપરાઓ બીજા પર લાદતો નથી, તો જ તેને ભેદભાવપૂર્ણ ન ગણવો જોઈએ."