દિલ્હીમાં કૃત્રિમ વરસાદ ન પડ્યો, આભમાંથી 'નકલી વરસાદ' કેવી રીતે વરસાવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભયંકર વાયુપ્રદૂષણનો સામનો કરતી રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે મંગળવારે કૃત્રિમ વરસાદ લાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો, પરંતુ તેમાં સફળતા ન મળી.
સેસના વિમાન દ્વારા આઇઆઇટી કાનપુરના ઍરપૉર્ટ પરથી અને પછી મેરઠ ઍરપૉર્ટ પરથી ઉડાન ભરીને દિલ્હીમાં 'ક્લાઉડ સીડિંગ' કરવામાં આવ્યું.
આ વિમાનોએ ખેકડા, બુરાડી, ઉત્તર કારોલબાગ, મયૂરવિહાર, સાદકપુર, ભોજપુર અને અન્ય વિસ્તારોમાં ક્લાઉડ સીડિંગ માટે હાઇગ્રોસ્કોપિક નમકના ફ્લેયર છોડ્યા હતા.
દિલ્હીના પર્યાવરણમંત્રી મનજિંદરસિંહ સિરસાએ આ પ્રયાસોની પુષ્ટિ કરતા જણાવ્યું કે "અલગ-અલગ ભેજની સ્થિતિમાં વરસાદની સંભાવના કેટલી છે તે જાણવા માટે પ્રયોગ કરવામાં આવ્યા. વરસાદ પડવા માટે જે ભેજ હોવો જોઈતો હતો તેના કરતાં બહુ ઓછો હતો."
સિરસાએ આને શહેરી વિસ્તારમાં હવાની ગુણવત્તા સુધારવા માટે વિજ્ઞાન આધારિત પગલું ગણાવ્યું હતું.
જોકે, દિલ્હીમાં શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે વાતાવરણમાં ભેજ મોટા ભાગે ઓછો હોય છે.
સિરસાએ એમ પણ કહ્યું કે આ પ્રયોગો સફળ રહેશે તો આગામી ફેબ્રુઆરી સુધી તેને ચાલુ રાખવામાં આવશે. દિલ્હી સરકારે આ માટે 3.21 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે.
ક્લાઉડ સીડિંગના પ્રયાસ કેમ નિષ્ફળ રહ્યા?

ઇમેજ સ્રોત, Amarjeet Kumar Singh/Anadolu via Getty Images
દિલ્હીમાં આઇઆઇટી કાનપુરની ટીમ દ્વારા ક્લાઉડ સીડિંગનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવામાં ભેજ જરૂરિયાત કરતાં ઓછો હતો તેના કારણે વરસાદ ન પડ્યો એવું કારણ આપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, દિલ્હી સરકારે પોતાના નિવેદનમાં દાવો કર્યો કે જે વિસ્તારમાં ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું, ત્યાં પાર્ટિક્યુલેટ મૅટર (પ્રદૂષણના કણો)માં ઘટાડો થયો હતો.
પરંતુ 28 ઑક્ટોબરના સીપીસીબી (સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ)ના રિયલ ટાઇમ ડેટામાં આમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો ન હતો.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથે વાત કરતા આઇઆઇટી કાનપુરના ડાયરેક્ટર મણિન્દ્ર અગરવાલે કહ્યું કે "વરસાદ પડવાને જો સફળતાનો માપદંડ ગણવામાં આવે, તો દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ લાવવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે."
‘ક્લાઉડ સીડિંગ’ એટલે શું અને કુત્રિમ વરસાદ કેવી રીતે પાડવામાં આવે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૃત્રિમ વર્ષા માટે હાથ ધરાતી પદ્ધતિને વૈજ્ઞાનિક ભાષામાં ‘ક્લાઉડ સીડિંગ’ કહેવાય છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ‘ક્લાઉડ સીડિંગ’ એટલે હવામાનમાં બદલાવ લાવવા માટેની એવી તકનીક કે જેની મદદથી કૃત્રિમ વર્ષા કરાવી શકાય છે. પરંતુ આ પદ્ધતિ ત્યારે જ કામ કરે છે જ્યારે વાતાવરણમાં પહેલાંથી બનેલાં વાદળોની હાજરી હોય.
આના માટે એ પણ જાણવું જરૂરી છે કે આખરે કુદરતી રીતે વરસાદ કેવી રીતે થાય છે. આપણે સૌ જાણીએ છીએ સૂર્યપ્રકાશ અને ગરમીને કારણે બાષ્પરૂપે પાણી આકાશ તરફ જતાં વાદળ સર્જાય છે. અને જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એ સ્તરે પહોંચી જાય કે વાદળ ભેજને રોકી શકવા અક્ષમ હોય ત્યારે વરસાદ પડે છે. ‘ક્લાઉડ સીડિંગ’ આ પ્રક્રિયામાં મદદરૂપ થવાનું કામ કરે છે.
આ પ્રક્રિયા વડે કેમિકલ મારફતે બાષ્પના કણોને કેન્દ્રબિંદુ પૂરું પાડવામાં આવે છે જેથી તેની આસપાસ કણો એકઠા થાય અને વરસાદનાં ટીપાં બની શકે. જેને ‘સીડ’ એટલે કે દાણા પણ કહેવાય છે. આ સીડ એટલે કે દાણા સિલ્વર કે પૉટેશિયમના આયોડાઇડ, ઘન કાર્બન ડાયોક્સાઇડ કે સૂકો બરફ તેમજ લિક્વિડ પ્રોપેન સ્વરૂપે હોઈ શકે.
આ સિવાય મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડના છંટકાવથી પણ કૃત્રિમ વર્ષા માટે મદદરૂપ પરિસ્થિતિનું નિર્માણ કરી શકાય છે. આ દાણા હવાઈજહાજ મારફતે કે સપાટી પર સ્પ્રે કરીને પહોંચાડી શકાય છે.
બ્રિટાનિકા ડોટ કૉમમાં રજૂ કરાયેલ માહિતી અનુસાર આ અંગેના પ્રથમ પ્રયોગો વર્ષ 1946માં અમેરિકન રસાયણશાસ્ત્રી વિન્સેન્ટ જે. સ્કાફરે કર્યા હતા.
આ પદ્ધતિનો અગાઉ ગુજરાતમાં ઉપયોગ થઈ ચૂક્યો છે?

આણંદ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીના હવામાનવિભાગના અધ્યક્ષ મનોજ લુણાગરિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છેે, “ગુજરાતમાં પણ 80ના દાયકામાં ક્લાઉડ સીડિંગના પ્રયોગો થઈ ચૂક્યા છે. જોકે, હાલ આ પ્રકારની કોઈ યોજના અમલમાં નથી.”
તેઓ આ પદ્ધતિની મર્યાદાઓ અંગે ધ્યાન દોરતાં કહે છે કે, “આ પદ્ધતિ એટલી અસરકારક નથી. આ પદ્ધતિ ત્યારે જ કામ કરે છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70થી 80 ટકાની આસપાસ હોય, વાદળો રચાવાની સ્થિતિ હોય, પવન ન હોય તેમજ અન્ય કેટલીક સાનુકૂળ પરિસ્થિતિઓ હોય તો જ કોઈ મર્યાદિત વિસ્તારમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ સફળતાપૂર્વક થઈ શકે.”
ડૉ. લુણાગરિયા આગળ કહે છે કે આ પ્રયોગો વ્યાપક સ્તરે વરસાદની સ્થિતિ સર્જવા માટે શક્ય નથી. તેઓ કહે છે કે, “આ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે અને કરોડનું રોકાણ અને ઑપરેશનલ ખર્ચ માગી લેનારી છે.”
તેઓ આ પદ્ધતિની સફળતા વિશે કહે છે કે, “ક્લાઉડ સીડિંગમાં સફળતાની કોઈ ગૅરંટી નથી. આ સિવાય પવનનું પાસું પણ મહત્ત્વપૂર્ણ છે. સીડિંગ કરાયેલાં વાદળ નક્કી કરાયેલા સ્થળે જ જઈને વરસશે એવી કોઈ બાંહેધરી નથી.”
“વ્યાપક સ્તરે આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે આપણી પાસે કોઈ ઑપરેશનલ ટેકનૉલૉજી પણ નથી. આ પદ્ધતિના અમલ માટે જરૂરી ઍરક્રાફ્ટ, કૅરિયર વગેરે આપણી પાસે માત્ર પ્રયોગો પૂરતી સીમિત સંખ્યામાં હોઈ તેનો ખૂબ મોટા સ્તરે ઉપયોગ કરી શકાય એવું નથી.”
તેઓ ગુજરાતમાં હાલની પરિસ્થિતિમાં આ પ્રકારના વિકલ્પના ઉપયોગ અંગે કહે છે કે, “હાલ જો ક્લાઉડ સીડિંગ થકી વરસાદનો નિર્ણય કરાય તો એ અસરકારક નહીં નીવડે, કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અગાઉથી ઘટી ચૂક્યું છે. અને આ પદ્ધતિમાં ભેજ મોટું પરિબળ સાબિત થાય છે. કુદરતી વરસાદના વિકલ્પરૂપે આ પદ્ધતિનો ઉપયોગ હાલ થઈ શકે તેમ નથી. પછી ભલે એ ગમે એટલા નાના વિસ્તાર માટે હોય.”
કૃત્રિમ વરસાદ એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
કૃત્રિમ વર્ષા એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. રડાર સિસ્ટમ દ્વારા વરસાદ માટે યોગ્ય વાદળોની શોધ કરાય છે. કૃત્રિમ વરસાદ માટે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા હોવું જોઈએ. યોગ્ય વાદળોની પસંદગી બાદ જ તેમાં અમુક વિશેષ પ્રકારના કણોનું સીડિંગ કરાય છે. આ કણ વર્ષાનાં ટીપાંના કેન્દ્ર તરીકે કામ કરે છે. આ કેન્દ્ર પર બાષ્પ એકત્રિત થાય છે. જેમ જેમ એનો આકાર વધે છે, બાષ્પ વરસાદનાં ટીપાં સ્વરૂપે જમીન પર પડવા લાગે છે.
નોંધનીય છે કે ગરમ અને ઠંડાં વાદળ માટે કૃત્રિમ વરસાદ માટે અલગ અલગ પ્રક્રિયા અનુસરાય છે.
એક ગરમ વાદળમાં 14 માઇક્રોનની ત્રિજ્યાવાળાં ટીપાં નથી હોતાં, જ્યારે વાદળ પર ચારથી 11 માઇક્રોન ત્રિજ્યાવાળા સોડિયમ ક્લોરાઇડ કે મીઠાના પાઉડરનો છંટકાવ કરાય છે.
મીઠાના પાણી પ્રત્યેના આકર્ષણને કારણે આ કણો વાદળમાં ફેલાઈ જાય છે. વાદળમાંની બાષ્પને અવશોષિત કર્યા બાદ ટીપાંનો આકાર 14 માઇક્રોન કરતાં વધી જાય છે અને વરસાદ થવા માંડે છે.
તેમજ ઠંડાં વાદળોમાં બરફના નિર્માણ માટે આવશ્યક કેન્દ્રબિંદુનો અભાવ હોય છે. આવાં વાદળ પર સિલ્વર આયોડાઇડનો છંટકાવ કરાય છે. બરફના ક્રિસ્ટલ ઝડપથી બનવા અને આકાર વધવાને કારણે જમીન પર પડવા લાગે છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયૉરોલૉજી(આઇઆઇટીએમ)માં 13 વર્ષ સુધી વૈજ્ઞાનિક તરીકે કામ કરનાર પ્રોફેસર કિરણકુમાર જોહરે ઉપરોક્ત પ્રક્રિયા બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં સમજાવી હતી.
પ્રોફેસર જોહરે અનુસાર કૃત્રિમ વરસાદ કરાવવા માટે ત્રણ રીતોનો ઉપયોગ કરાય છે : પ્લૅનથી છંટકાવ, રૉકેટ વડે વાદળોમાં રસાયણ છોડવાની પ્રક્રિયા અને જમીન પર રસાયણોને સળગાવાની પ્રક્રિયા.
પરંતુ અહીં નોંધનીય છે કે આ તમામ રીતોથી વરસાદ પડશે જ એવી કોઈ ગૅરંટી હોતી નથી.
ભારતમાં ક્યાં આ ટેકનૉલૉજી અપનાવાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
મે 2019માં કર્ણાટક કૅબિનેટે બે વર્ષના ગાળા માટે ક્લાઉડ સીડિંગની પ્રક્રિયા હાથ ધરવાના આશયથી 91 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી.
આ યોજના અંતર્ગત ભેજ ધરાવતાં વાદળો થકી વરસાદ કરાવવાના આશયથી બે વિમાનો થકી કેમિકલનો છંટકાવ કરવા તૈયાર હતાં.
આ સમગ્ર પ્રોજેક્ટ જૂન માસથી શરૂ થઈને આગામી ત્રણ માસ સુધી ચાલવાનો હતો. આ માટે હિંદુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ(એચએએલ)એ આઇઆઇટી કાનપુર સાથે ભાગીદારી કરી હતી. તેમજ આ સમગ્ર આયોજન માટે ડોર્નિયર ઍરક્રાફ્ટ, પાઇલટ અને લૉજિસ્ટિકલ સહાય પૂરી પાડવાનું સ્વીકાર્યું હતું.
નોંધનીય છે કે પુણેસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયૉરોલૉજી પાછલાં ઘણાં વર્ષોથી આ ટેકનૉલૉજીને લગતા પ્રયોગો હાથ ધરી રહ્યું છે.
ઇન્સ્ટિટ્યૂટે આ પ્રયોગો નાગપુર, સોલાપુર, હૈદરાબાદ, અમદાવાદ, જોધપુર અને વારાણસી ખાતે કર્યા છે. આ પ્રયોગોની સફળતાનો દર 60થી 70 ટકા છે. પરંતુ તેનો બધો આધાર સ્થાનિક વાતાવરણની સ્થિતિ, હવામાં ભેજનું પ્રમાણ અને વાદળોની લાક્ષણિકતા પર રહેલો છે. જો ભારતની વાત કરીએ તો પણ આ દેશ માટે આ કોઈ નવી પદ્ધતિ નથી.
અગાઉ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવાના ઇરાદા સાથે કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આને લગતા પ્રયોગો થઈ ચૂક્યા છે. બીજી તરફ ઑસ્ટ્રેલિયા, અમેરિકા, સ્પેન અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ અગાઉ ક્લાઉડ સીડિંગના પ્રયત્નો થયા છે.
2018 સુધી ભારતીય હવામાન વિભાગ દ્વારા 30 વખત સીડિંગના સફળ પ્રયોગો નોંધવામાં આવ્યા છે.
તેમજ રશિયા અને રશિયા અને અન્ય ઠંડી આબોહવાવાળા દેશોમાં ઍરપૉર્ટ પર ધુમ્મસ પર કાબૂ મેળવવા માટે આ તકનીકનો ઉપયોગ કરાય છે.
આઇઆઇટીએમ સિવાય અન્ય ખાનગી કંપનીઓ પણ ક્લાઉડ સીડિંગ સર્વિસને લગતા પ્રયોગો કરે છે. આ જ કંપનીઓ પાછલાં અમુક સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ કામની જવાબદારી સંભાળી રહી હતી. પરંતુ તેમને અમુક કિસ્સામાં સફળતા મળી તો અમુક કિસ્સામાં નિષ્ફળતા હાથે લાગી છે.
હવામાન નિષ્ણાત પ્રો. જોહરે કહે છે કે, એક અમેરિકન કંપની દ્વારા વર્ષ 2003માં કર્ણાટક, વર્ષ 2003-04માં મહારાષ્ટ્ર અને 2007માં આંધ્ર પ્રદેશ ખાતે કૃત્રિમ વર્ષાના પ્રયોગો કર્યા હતા.
વર્ષ 2009થી 2011 સુધી આઇઆઇટી, પુણે દ્વારા KYPIX નામક પ્રયોગ કરાયો હતો. જે બાદ 2010 અને 2011માં ત્રણ રાજ્યનાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પ્રયોગ કરાયા, પરંતુ તમામ પ્રયોગો નિષ્ફળ રહ્યા હતા.
પ્રો. જોહરે આગળ કહે છે કે, “આ સિવાય સમગ્ર વિશ્વમાં વરસાદ કરાવવાના નિષ્ફળ પ્રયોગોનો એક ભૂતકાળ રહ્યો છે. વાદળો પર રસાયણ છાંટ્યા બાદ પણ જો વાદળ જતાં રહે તો તેનો કોઈ લાભ નથી થતો. માત્ર ચીનમાં જ આને લગતા સફળ પ્રયોગો થયા છે. પરંતુ તેણે આ માટેનું રહસ્ય દુનિયાથી છુપાવીને રાખ્યું છે.”
‘કૃત્રિમ વરસાદ એ કોઈ વિશ્વાસપાત્ર નિરાકરણ નથી’
હવામાન વૈજ્ઞાનિક માધવરાવ ચિતલેનું માનવું છે કે જો સફળતાની થોડી પણ સંભાવના હોય તો કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરાવો જોઈએ.
તેઓ કહે છે કે, “સમગ્ર વિશ્વમાં કૃત્રિમ વરસાદને લઈને ઘણા પ્રયોગો કરાયા છે, તે પૈકી માત્ર અમુક ટકા જ સફળ રહ્યા છે. તેથી પરિસ્થિતિને જોતાં સામાજિક અને આર્થિક પાસાંને લઈને વિચારવિમર્શ કરાયા બાદ જ નિર્ણય લેવો જોઈએ. કૃત્રિમ વર્ષા વિજ્ઞાનને પણ હજુ વધુ વિકસિત કરવાની જરૂર છે.”
શું કૃત્રિમ વરસાદના પ્રયોગનાં દુષ્પરિણામ હોઈ શકે? આ પ્રશ્નના જવાબમાં પ્રો. જોહરે કહે છે કે, “વરસાદ સંપૂર્ણપણે પ્રાકૃતિક પ્રક્રિયા છે, આથી કૃત્રિમ વર્ષાના પ્રયોગને કારણે પ્રાકૃતિક ચક્ર થોડો પ્રભાવિત જરૂર થઈ શકે.”
“વરસાદમાં છંટાતાં રસાયણોને વાદળના પ્રકારને ધ્યાને લઈને છાંટવાં જોઈએ, જો આવું ન થાય તો સર્જાયેલાં વાદળો પણ નષ્ટ થઈ જશે. તેથી પ્રાકૃતિક વર્ષાની આશા પર પણ પાણી ફરી વળી શકે.”
પ્રોફેસરે કહ્યું, “હાલ આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું રસાયણ સિલ્વર આયોડાઇઝ ઝેરી હોય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેથી ઑસ્ટ્રેલિયામાં કૃત્રિમ વરસાદના પ્રયોગો પર પ્રતિબંધ લાદી દેવાયો છે. આવી સ્થિતિમાં કૃત્રિમ વરસાદના ફાયદાના સ્થાને નુકસાન થવાની સંભાવના વધુ છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












