You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'વાવાઝોડું શક્તિ' : ચોમાસું કેરળ પહોંચે એ પહેલાં જ ભારતના દરિયામાં વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાશે?
ચોમાસું હાલ આંદામાન નિકોબાર ટાપુઓ પર પહોંચી ગયું છે અને ત્યાંથી આગળ વધીને હવે અરબી સમુદ્રમાં પહોંચશે. જે બાદ કેરળથી પરથી ભારતમાં ચોમાસાની શરૂઆત થશે.
ભારતના દરિયામાં ચોમાસા પહેલાં આ વર્ષે અત્યાર સુધી એક પણ વાવાઝોડું સર્જાયું નથી. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત પહેલાં બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.
ભારતમાં વાવાઝોડાની બે સિઝન આવે છે એટલે કે ચોમાસા પહેલાં એપ્રિલ-મે અને ચોમાસા બાદ ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં મોટાં ભાગનાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.
જોકે, આ વર્ષે મે મહિનો અડધો પૂરો થઈ ગયા બાદ પણ હજી બંને દરિયામાં કોઈ વાવાઝોડું કે ડિપ્રેશન કે મોટી સિસ્ટમ સર્જાઈ નથી.
કેટલાક સમાચાર માધ્યમોમાં એવી ખબરો આવી રહી છે કે આંદામાન સમુદ્રમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાવાની શક્યતા છે અને તે બાદ તે આગળ વધીને બંગાળની ખાડીમાં પહોંચે એવી શક્યતા છે.
ખરેખર ભારતના દરિયામાં વાવાઝોડું સર્જાશે?
હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને આંદામાન સમુદ્રમાં પણ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે.
આ ઉપરાંત ચોમાસું આવનારા ત્રણથી ચાર દિવસોમાં આગળ વધીને બંગાળની ખાડીના વિવિધ ભાગો તથા અરબી સમુદ્ર સુધી પહોંચે એવી શક્યતા છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્ર અને ઉત્તર હિંદ મહાસાગરમાં સર્જાતી સિસ્ટમો પર ભારતનો હવામાન વિભાગ નજર રાખે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યા બાદ જો સિસ્ટમ મજબૂત બને તો તે લૉ-પ્રેશર એરિયા બનતો હોય છે જે બાદ તે ડિપ્રશેન કે ડીપ ડિપ્રેશન બને છે અને બાદમાં તે વાવાઝોડું બનતું હોય છે.
સાયક્લૉનિક સર્ક્યુલેશન એ સૌથી પ્રાથમિક સિસ્ટમ છે અને વર્ષ દરમિયાન આવી ઘણી બધી સિસ્ટમો બનતી હોય છે. સામાન્ય રીતે વાવાઝોડું બનવા માટે ઘણાં પરિબળો અનુકૂળ હોવાં જોઈએ.
હાલની સ્થિતિમાં હવામાન વિભાગે તેના બુલેટિનમાં ક્યાંય નથી કહ્યું કે આગામી દિવસોમાં સાયક્લૉનિક સરક્યુલેશન મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયા કે વાવાઝોડામાં પરિવર્તિત થશે.
હવામાનનાં વિવિધ મૉડલો વાવાઝોડા વિશે શું કહે છે?
હાલ ચર્ચા ચાલી રહી છે કે જો આ વાવાઝોડું સર્જાશે તો તેને 'શક્તિ' નામ આપવામાં આવશે અને તે ભારતના દરિયાકિનારા પર ત્રાટકી શકે છે. જો, 'શક્તિ વાવાઝોડું' સર્જાયું તો તે 23થી 28 મેની વચ્ચે ત્રાટકવાની સંભાવના છે.
હાલ હવામાન વિભાગ તરફથી ક્યાંય પણ કહેવામાં આવ્યું નથી કે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે અને તે ભારતના દરિયાકિનારા તરફ આવશે.
જોકે, હવામાનનું ગ્લોબલ ફૉરકાસ્ટિંગ મૉડલ એટલે કે GFS હાલ દર્શાવે છે કે મ્યાનમારની નજીક બંગાળની ખાડીમાં એક લૉ-પ્રેશર એરિયા બની શકે છે.
આ ઉપરાંત યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફૉરકાસ્ટ એટલે કે ECMWF અનુસાર પણ 27 મેની આસપાસ એક લૉ-પ્રેશર એરિયા બનતો દેખાય છે અને તે ભારતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યો છે.
જોકે, આ બંને મૉડલોના આધારે હાલ એ ના કહી શકાય કે આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે.
હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં આગામી અઠવાડિયામાં કોઈ વાવાઝોડું સર્જાય એવી સ્થિતિ દેખાતી નથી.
ચોમાસા પહેલાં બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાં મ્યાનમાર, બાંગ્લાદેશ કે ભારતના દરિયાકિનારે ખાસ કરીને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ તરફ આવતાં હોય છે.
બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંની કોઈ સીધી અસર ગુજરાતને થતી હોતી નથી, એટલે કે આપણે અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંની સીધી અસર થતી હોય છે.
મે મહિનામાં વધારે વાવાઝોડાં ક્યાં સર્જાય છે?
ભારતના દરિયામાં ચોમાસા પહેલાં એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડાં સર્જાવા માટેની સૌથી વધારે અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે અને આ બે મહિનામાં ઘણાં વાવાઝોડાં સર્જાયાં છે.
એમાં પણ એપ્રિલ કરતાં મે મહિનામાં વાવાઝોડાં સર્જાવાની શક્યતા વધારે હોય છે, જોકે, આ વર્ષે હજી એક પણ વાવાઝોડું બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં સર્જાયું નથી.
ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર કરતાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં વાવાઝોડાં વધારે સર્જાતાં હોય છે.
આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ ચોમાસા પહેલાં ઘણી વખત વાવાઝોડાં સર્જાતાં હોય છે, જેમ કે 2021માં સર્જાયેલું તૌકતે વાવાઝોડું જે ગુજરાતના દરિયાકિનારે ત્રાટક્યું હતું.
2023માં બિપરજોય નામનું વાવાઝોડું જૂન મહિનામાં સર્જાયું હતું અને અરબી સમુદ્રમાં સર્જાયેલા આ તોફાનને કારણે ચોમાસું પણ મોડું થયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન