You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ ટી-20 મૅચ : ગિલ અને પંડ્યાની જોડીનું એ શાનદાર પ્રદર્શન જેણે ભારતને ટી-20માં સૌથી મોટી જીત અપાવી
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલ ત્રીજી ટી-20 મૅચમાં ભારતનો વિજય થયો છે.
પ્રથમ બેટિંગ કરતાં ભારતે ચાર વિકેટના નુકસાન પર 234 રનનો જંગી સ્કોર કરી લીધો હતો.
જોકે, ન્યૂઝીલૅન્ડની ટીમ માત્ર 66 રન જ બનાવી શકી હતી.
12.1 ઓવરમાં ન્યૂઝીલૅન્ડ ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, તેમજ ભારતને 168 રનોથી શાનદાર જીત મળી હતી.
ભારતે ન્યૂઝીલૅન્ડને 168 રને હરાવ્યું હતું, નોંધનીય છે કે આ ભારતની અત્યાર સુધીની ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રનથી જીત મેળવ્યાનો રેકૉર્ડ છે.
આ સાથે જ ભારતે ત્રણ મૅચની ટી-20 સિરીઝ પર 2-1થી કબજો કરી લીધો હતો.
મૅચના હીરો ભારતના ઓપનર શુભમન ગિલ રહ્યા હતા. તેમણે માત્ર 63 બૉલમાં 126 રન બનાવી પોતાની કારકિર્દીની પ્રથમ સદી બનાવી નોંધાવી હતી.
શુભમન ગિલ માત્ર 63 બૉલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 126 રન બનાવીને અણનમ રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુભમન ગિલે આક્રમક બેટિંગ કરીને ભારતને લગભગ ‘અજેય’ સ્થિતિમાં લાવીને ઊભું કરી દીધું હતું.
ભારત તરફથી શુભમન ગિલ સિવાય રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ અને કપ્તાન હાર્દિક પંડ્યાએ પણ સારું બેટિંગ પ્રદર્શન કર્યું હતું.
ભારતના બેટરોની માફક બૉલરોએ પણ ન્યૂઝીલૅન્ડ સામેની અંતિમ અને નિર્ણાયક ટી-20 મૅચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કપ્તાન હાર્દિક પંડ્યાએ બેટિંગની માફક બૉલિંગમાં પણ સારું પ્રદર્શન કરતાં ચાર વિકેટો લીધી હતી. તેમજ અર્શદીપ સિંઘ અને શીવમ માવીએ બબ્બે અને ઉમરાન મલિકને બે સફળતા હાંસલ થઈ હતી.
આમ, બેટિંગ-બૉલિંગના અદ્વિતીય પ્રદર્શનને બળે ભારતીય ટીમ જીત સુનિશ્ચિત કરી શકી હતી.
અહીં નોંધનીય છે કે ભારતની ઇનિંગની 17મી ઓવર ખૂબ જ રોમાંચક અને ફટકાબાજીવાળી નીવડી હતી.
આ ઓવરમાં ગિલના આક્રમક વલણે ન્યૂઝીલૅન્ડની જીત માટેની આશા વધુ ઝાંખી પાડી દીધી હતી.
તેમાં પણ જો કોઈ ખાસ ઓવરની વાત કરવામાં આવે તો ભારતની ઇનિંગની 17મી ઓવરમાં તો શુભમન ગિલની તોફાની બેટિંગની મદદથી ભારતે 23 રન લઈ લીધા હતા.
17મી ઓવરમાં શું થયું?
16મી ઓવરના અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 170 રનનો હતો. એ સમયે ક્રીઝ પર કપ્તાન હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ 80 રનના સ્કોર પર રમી રહ્યા હતા.
ન્યૂઝીલૅન્ડ તરફથી બૉલિંગની કમાન બ્લેર ટિકનરને અપાઈ. તેઓ પોતાની ત્રીજી ઓવર નાખવા આવ્યા હતા.
ટિકનરના પ્રથમ બૉલે છગ્ગો ફટકારીને ગિલે પોતાના આક્રમક ઇરાદા સાફ કરી દીધા હતા.
તે પછીના બીજા બૉલે પણ ગિલે ચોગ્ગો ફટકારી દીધો.
ગિલના જબરદસ્ત ફૉર્મને જોતાં જાણે લાઇન-લેન્થ ભૂલી ગયા હોય એમ ટિકનરે ત્રીજો બૉલ તો વાઇડ નાખી દીધો.
ત્રીજા બૉલ પર ગિલ ખાસ કમાલ ન કરી શક્યા પરંતુ ચોથા બૉલે ફરી એક વાર છગ્ગો ફટકારી ટી-20માં પોતાની પ્રથમ સદીની વધુ નજીક પહોંચી ગયા.
પાંચમા બૉલે તેમણે એક રન લીધો અને સ્ટ્રાઇક પર કપ્તાન હાર્દિક પંડ્યા આવ્યા, તેઓ પણ આક્રમક અંદાજમાં જ રમી રહ્યા હતા, હાર્દિકે આ ઓવરનો પ્રથમ બૉલનો સામનો કરવાનો હતો પરંતુ આ બૉલ વાઇડ પડ્યો.
છઠ્ઠા બૉલે કપ્તાને પણ પોતાનો દમ બતાવ્યો અને અંતિમ બૉલે ચોગ્ગો ફટકારી દીધો.
આમ, આ ઓવરમાં જાણે ભારત માટે રન બંને છેડેથી વરસી રહ્યા હતા.
કેવું રહ્યું ભારતીય બેટરોનું પ્રદર્શન?
શુભમન ગિલે પોતાની સદી તો માત્ર 54 બૉલમાં જ પૂરી કરી લીધી હતી. ટી-20 મૅચોમાં આ શુભમનની પ્રથમ સદી છે.
નોંધનીય છે કે ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન સાથે ઇનિંગની શરૂઆત કરી રહેલા ઇશાન કિશન પ્રથ ઓવરમાં જ માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
ત્રીજા નંબરે બેટિંગ કરવા ઊતરેલા રાહુલ ત્રિપાઠીએ ઝડપથી રન બનાવતાં 22 બૉલ પર 44 રન બનાવ્યા અને બીજી વિકેટ માટે 80 રનોની પાર્ટનરશિપ કરી. ત્રિપાઠીએ ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા.
રાહુલ આઉટ થયા બાદ બેટિંગ કરવા ઊતરેલા સૂર્યકુમાર યાદવે પણ ઝડપથી રમતાં 13 બૉલમાં 24 રન બનાવ્યા.
સામે છેડે શુભમન ગિલ ટકેલા રહ્યા અને તાબડતોડ બેટિંગ કરતા રહ્યા.
કપ્તાન હાર્દિક પંડ્યાએ શુભમનનો સાથ આપ્યો અને 17 બૉલ પર ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા.
શુભમન ગિલ અંતિમ બૉલ સુધી પિચ પર ટકેલા રહ્યા.