પુરીના જગન્નાથ મંદિરના ટ્રેઝર રૂમની ખોવાયેલી ચાવીનું રહસ્ય અકબંધ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુરલીધરન કાશીવિશ્વનાથન
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીપ્રચાર દરમિયાન કહ્યું હતું કે પુરીના જગન્નાથ મંદિરના ખજાનાના ઓરડાની ખોવાયેલી ચાવી તામિલનાડુ મોકલી દેવામાં આવી છે.
સવાલ એ છે કે આ જગન્નાથ મંદિરના ટ્રેઝર રૂમની ચાવી કેવી રીતે ખોવાઈ હતી?
ઓડિશામાં ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાને જણાવ્યું હતું કે પુરીના જગન્નાથ મંદિરના ટ્રેઝર રૂમ, રત્નભંડારની ખોવાયેલી ચાવી તામિલનાડુ મોકલી દેવામાં આવી છે.
વડા પ્રધાને કહ્યું હતું, “જગન્નાથ મંદિરની ટ્રેઝરી સાથે સંકળાયેલી ઘટનાઓ જોઈને સમગ્ર ઓડિશાના લોકો ગુસ્સે થયેલા છે. તેઓ કહે છે કે ટ્રેઝરી રૂમની ચાવી તામિલનાડુ મોકલી આપવામાં આવી છે. તેને તામિલનાડુ કોણે મોકલી? કોણ લઈ ગયું? તમે આવા લોકોને માફ કરશો?”
મુખ્ય મંત્રી નવીન પટનાયકના અત્યંત વિશ્વાસુ ભૂતપૂર્વ સનદી અધિકારી તથા તામિલનાડુના વતની વી. કાર્તિક પાંડિયન ઓડિશાના શાસક પક્ષ બીજુ જનતા દળમાં એક શક્તિશાળી વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા છે. રાજ્યનાં રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વડા પ્રધાનનો ઈશારો વી. કાર્તિક પાંડિયન તરફ હતો.
વડા પ્રધાનના આ ભાષણ પછી ઓડિશામાં તેમજ અન્ય સ્થળે વિવાદ સર્જાયો હતો. તામિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને તેની ટીકા કરી હતી.
સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર કહ્યું હતું, “પ્રખ્યાત જગન્નાથ મંદિરના ખજાનાની ગૂમ થઈ ગયેલી ચાવીઓ તામિલનાડુમાં હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ચૂંટણીપ્રચાર દરમિયાન કહ્યું હતું. આ એક અપમાન છે. કરોડો લોકો જેની પૂજા કરે છે તે પુરી જગન્નાથનું અને ઓડિશા સાથે સારો સંબંધ તથા મૈત્રી ધરાવતા તામિલનાડુના લોકોનું અપમાન છે.”
તેમણે સવાલ કર્યો હતો, “શું વડા પ્રધાનનું આ ભાષણ ઓડિશાને ભગવાન જગન્નાથમાં અપાર શ્રદ્ધા ધરાવતા તામિલનાડુના લોકો વિરુદ્ધ ઉશ્કેરતું નથી? વડા પ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુના લોકો મંદિરના ખજાનાના ચોર હોવાનું દોષારોપણ કરી શકે? તામિલનાડુના લોકોને બેઈમાન કહેવા તે તામિલનાડુનું અપમાન નથી? ”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિવાદની પશ્ચાદભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઓડિશામાં સંસદીય ચૂંટણીની સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને બે તબક્કા બાકી છે. આ સંદર્ભમાં ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાનના ભાષણથી વિવાદ સર્જાયો છે.
રાજ્યના રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે વડા પ્રધાનના આ પ્રકારના વિવાદાસ્પદ ભાષણ પાછળ પૃષ્ઠભૂમિકા છે.
ભારતીય જનતા પક્ષના પ્રવક્તા સંબિત પાત્રા ઓડિશાના પુરી મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તાજેતરમાં મીડિયા સાથે વાત કરતાં સંબિત પાત્રાએ કહ્યું હતું, “લાખો લોકો નરેન્દ્ર મોદીને જોવા માટે આવે છે. ભગવાન જગન્નાથ પોતે મોદીના ભક્ત છે. અમે બધા મોદીનો પરિવાર છીએ.” સંબિત પાત્રાએ ભગવાન જગન્નાથનો ઉલ્લેખ મોદીના ભક્ત તરીકે કરતાં હોબાળો સર્જાયો હતો.
એ પછી સંબિત પાત્રાએ તેમના એક્સ પેજ પર સ્પષ્ટતા કરી હતી કે “મોદી ભગવાન જગન્નાથના ભક્ત હોવાનું કહેવાને બદલે મેં ભગવાન જગન્નાથ મોદીના ભક્ત હોવાનું કહ્યું હતું. હું આગામી ત્રણ દિવસ ઉપવાસ કરીશ.”
સંબિત પાત્રાએ આ સ્પષ્ટતા કરી ત્યાં સુધીમાં ઓડિશામાં જોરદાર હોબાળો થયો હતો. મુખ્ય મંત્રી નવીન પટનાયકે તેમને એક્સ પેજ પર આ વિશેની એક પોસ્ટમાં જણાવ્યું હતું, “શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. આ મહાપ્રભુનો ઉલ્લેખ કોઈ માણસના ભક્ત તરીકે કરવો એ ભગવાનનું અપમાન કરવા જેવું છે. તેનાથી સમગ્ર વિશ્વમાંના ઓડિયા લોકો અને જગન્નાથના ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. તેની આકરી નિંદા કરે છે.”
સંબિત પાત્રાના વક્તવ્ય વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુરી જગન્નાથ મંદિરના ટ્રેઝર રૂમની ચાવીની વાત કરી હતી. તેમના ભાષણ પછી પુરી જગન્નાથ મંદિરના ટ્રેઝર રૂમની ખોવાઈ ગયેલી ચાવી વિશેનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે.
પુરી જગન્નાથ મંદિરનો ખજાનો

ઇમેજ સ્રોત, Getty Images
પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લા પુરીમાં આવેલું છે. 11મી સદીમાં નિર્મિત આ મંદિરમાં જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ છે.
ઘણા રાજાઓએ લગભગ એક હજાર વર્ષ સુધી આ દેવતાઓને ઝવેરાત તથા કિંમતી રત્નો અર્પણ કર્યાં છે. ભક્તોએ પણ વિવિધ ઝવેરાતનું દાન કર્યું છે. આ તમામ ખજાનો મંદિરની અંદર આવેલા રત્નભંડાર નામના ટ્રેઝર રૂમમાં સચવાયેલો છે.
રત્નભંડારમાં બે ઓરડા છેઃ બિદર ભંડાર (અંદરનો ઓરડો) અને બહાર ભંડાર (બહારનો ઓરડો). એ પૈકીનો બહાર ભંડાર સમયાંતરે નિયમિત ખોલવામાં આવે છે.
વાર્ષિક રથયાત્રા દરમિયાન અહીંથી ચુના પેશા નામની સોનાની ઢાલ કાઢવામાં આવે છે અને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાનના તહેવારો વખતે ઝવેરાત બહાર કાઢવામાં આવે છે, દેવતાઓને અર્પણ કરવામાં આવે છે અને પાછું મૂકી દેવામાં આવે છે, પરંતુ અંદરનો ઓરડો છેલ્લાં 38 વર્ષથી ખોલવામાં આવ્યો નથી.
ટ્રેઝર રૂમ છેલ્લે ક્યારે ખોલવામાં આવ્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
સત્તાવાર દસ્તાવેજો અનુસાર, ટ્રેઝર રૂમ છેલ્લે 13 તથા 23 જુલાઈ, 1978ની વચ્ચે ખોલવામાં આવ્યો હતો. એ પછી 1985માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા ખોલવામાં આવ્યો હતો.
આ રૂમમાંના ખજાના બાબતે ઓડિશા વિધાનસભામાં 2018માં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં તત્કાલીન કાયદામંત્રી પ્રતાપ જેનાએ જણાવ્યું હતું કે 1978ના એક સર્વે દરમિયાન તેમાં સોનાના 12,831 જોડી દાગીના અને ચાંદીનાં 22,153 વાસણો હોવાની નોંધ છે. તેથી એવું માની શકાય કે ટ્રેઝર રૂમમાં 149.609 કિલો સોનાનાં ઘરેણાં અને 258 કિલો ચાંદીનાં વાસણો હતાં.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એક કેસના અનુસંધાને 2018ની 14 એપ્રિલે રત્નભંડારનો અંદરનો ઓરડો ખોલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની ચાવી ઉપલબ્ધ ન હોવાને કારણે રૂમ ખોલી શકાયો ન હતો. એ ચાવી પુરીના કલેક્ટર પાસે હોવી જોઈતી હતી, પરંતુ એ ચાવી ક્યાં ગઈ તે પોતે ન જાણતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ બાબતે મોટો વિવાદ સર્જાયા બાદ રાજ્ય સરકારે ન્યાય વિભાગને તપાસનો આદેશ આપ્યો હતો. એ પછી રાજ્યપાલે જણાવ્યું હતું કે “રત્નભંડારના અંદરના રૂમની રિપ્લેસમેન્ટ ચાવી” લખેલું એક પરબીડિયું મળી આવ્યું હતું. જોકે, ન્યાય વિભાગે તપાસ ચાલુ રાખી હતી. એ વર્ષે નવેમ્બરમાં રાજ્ય સરકારને તપાસનો 300 પાનાંનો અહેવાલ સોંપવામાં આવ્યો હતો. એ અહેવાલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
એ પછી પણ વિવાદ શમ્યો ન હોવાથી જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિએ રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે 2024ની રથયાત્રા દરમિયાન તે ઓરડો ખોલવો જોઈએ. જાહેરહિતની એક અરજીની સુનાવણીના અનુસંધાને ઓડિશા હાઈકોર્ટે, રત્નભંડારમાંની સામગ્રીની સૂચિ બનાવવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાનો આદેશ આપ્યો હતો. તદનુસાર ઓડિશા સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અરિજિત બસાયતના વડપણ હેઠળ 12 સભ્યોની સમિતિની રચના કરી હતી.
દરમિયાન, ચૂંટણી નજીક આવવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઓડિશામાંની અનેક સભાઓમાં રત્નભંડારની ખોવાયેલી ચાવી બાબતે સવાલ ઉઠાવ્યા હતા.
ઓડિશાને સંબંધ છે ત્યાં સુધી પુરી જગન્નાથને બહુ આદર આપવામાં આવે છે. તેઓ પોતે રાજા જેવા છે. તેથી રત્નભંડારનો મુદ્દો તોફાની બની રહ્યો છે.
વી. કાર્તિક પાંડિયને શું કહ્યું?
ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકના વિશ્વાસુ વી. કાર્તિક પાંડિયન પર નિશાન સાધતાં વડા પ્રધાને આક્ષેપ કર્યો હતો કે રત્નભંડારની ચાવી તામિલનાડુ લઈ જવામાં આવી છે.
આ આક્ષેપનો જવાબ આપતાં વી. કાર્તિક પાંડિયને પીટીઆઈ સમાચાર સંસ્થાને એક મુલાકાતમાં કહ્યું હતું, “વડા પ્રધાન આ બાબતથી વાકેફ હોય તો તેમણે ચાવીઓ ક્યાં છે તે શોધવું જોઈએ. તેમના હાથ નીચે અનેક અધિકારીઓ કામ કરે છે. તેમને આ વિશે ખબર હોવી જોઈએ. તેમણે ઓડિશાના લોકોને બધું જણાવવું જોઈએ.”












