અદાણીના પ્રોજેક્ટને શ્રીલંકામાં ગેરકાયદેસર રીતે પરવાનગી આપવાના પ્રયાસો થઈ રહ્યા છે?

    • લેેખક, શર્લી ઉપુલ કુમાર
    • પદ, બીબીસી સિંહાલી સેવા

શ્રીલંકાની સરકારી એજન્સીઓ પર આરોપ છે કે મન્નાર વિસ્તારમાં અદાણી જૂથની કંપનીના પ્રોજેક્ટને ગેરકાયદેસર રીતે મંજૂરી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોપો છે કે આ યોજનાઓને લગતા પર્યાવર્ણીય રિપોર્ટ સહિત અન્ય રિપોર્ટો પણ અદાણીના પક્ષમાં કરવામાં આવ્યા છે.

શ્રીલંકામાં આ પ્રોજેક્ટ માટે એવું સ્થાન પસંદ કરવામાં આવ્યું છે જ્યાં ઐતિહાસિક ઇમારતો આવેલી છે. આ યોજના લાગુ કરવાથી કેવા પ્રભાવ પડશે? આ યોજનાનો પર્યાવરણવિદો અને વિસ્તારના રહેવાસીઓનો એક વર્ગ વિરોધ શું કામ કરી રહ્યો છે?

મન્નાર વિસ્તારની વિશેષતાઓ

વિશ્વના આઠ મુખ્ય પક્ષી પ્રવાસી સ્થળોમાંથી એક શ્રીલંકા દક્ષિણ એશિયાના પક્ષીઓ માટે સ્વર્ગ છે.

પક્ષીઓ અહીં હજારો કિલોમીટરની યાત્રા કરીને અને લગભગ 30 દેશોનો પ્રવાસ કરીને આવે છે. એક અંદાજ પ્રમાણે લગભગ દોઢ લાખ પક્ષીઓ શ્રીલંકામાં આવે છે. પક્ષીઓ માટે મન્નાર શ્રીલંકાના પ્રવેશનું મુખ્યદ્વાર છે.

મન્નાર જિલ્લો ઉત્તર શ્રીલંકામાં આવેલો છે, જ્યાં સૌથી વધારે તમિલ લોકો રહે છે. દરિયાઈ કામદારો મોટાભાગે આ જિલ્લામાં જોવા મળે છે. આ જિલ્લો શ્રીલંકાના ઇતિહાસ સાથે જોડાયેલ ભૌગોલિક અને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ સ્થળ છે. આમ, મન્નાર જિલ્લામાં પ્રાયોજિત પવન ઊર્જા યોજનાને કારણે ઉત્પન્ન થતી સમસ્યાઓ માત્ર પક્ષીઓ પૂરતી જ નથી.

જોકે, વિભિન્ન પક્ષોએ આરોપ લગાવ્યો છે કે શ્રીલંકાની સરકારી એજન્સીઓ મન્નાર કટલાઈ પાવર જનરેશન પ્રોજેક્ટને અદાણી ગ્રીન એનર્જીને આપવા માટે અવૈજ્ઞાનિક પર્યાવરણીય રિપોર્ટ તૈયાર કરી રહી છે. આ રિપોર્ટ એ સમય દરમિયાન તૈયાર કરવામાં આવ્યો છે જ્યારે પક્ષીઓ શ્રીલંકામા પ્રવેશ નથી કરતાં.

“મન્નારમાં 10 લાખ પક્ષીઓ રહે છે”

શ્રીલંકામાં કેન્દ્રીય પર્યાવરણ પ્રાધિકરણે પવન ઊર્જાના ઉત્પાદનને મંજૂરી આપવા માટે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ પર સાર્વજનિક ટિપ્પણીઓ છ માર્ચ સુધી આપી શકાય છે.

જોકે, શ્રીલંકા સતત વિકાસ પ્રાધિકરણ અને પર્યાવરણ મૂલ્યાંકન રિપોર્ટ કરતી વિશેષજ્ઞ સમિતિએ આરોપોને નકાર્યા છે.

શ્રીલંકા આવતા લગભગ 10 લાખ પ્રવાસી પક્ષીઓ ઑક્ટોબરથી માર્ચ વચ્ચે મન્નારમાં રહે છે.

જોકે, રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સર્વેક્ષણ જ્યારે પક્ષીઓ ન હોય ત્યારે કરવામાં આવ્યો છે અને તે સમયે પ્રવાસી પક્ષીઓની કોઈ સમસ્યા ન હતી. આ એક મોટી ખામી છે.

આ રિપોર્ટને તૈયાર કરનાર લોકોએ સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા વચ્ચે ચાલીને રિપોર્ટ તૈયાર કર્યો છે. જો કે, અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનૉલૉજીનો ઉપયોગ વૈજ્ઞાનિક રીતે કરીને દર્શાવ્યું છે કે સ્થળાંતર કરનારાં હજારો પક્ષીઓ રાત્રે ઊડે છે.

આ રીતે ઝુંડમાં ઊડનારા પક્ષીઓની સંખ્યા ક્યારેક અઢી લાખથી ચાર લાખની વચ્ચે જોવા મળે છે. તો આપણે એવાં પક્ષીઓ વિશે કેવી રીતે કહી શકીએ જે દિવસ દરમિયાન જંગલ વિસ્તારમાં રહે છે અને રાત્રે ઊડે છે? કોલંબો વિશ્વવિદ્યાલયમાં પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર સંપત સેનાવિરત્ત્ને બીબીસી સાથેની વાતચીતમાં પૂછ્યું.

"ત્યાં એક જોક્સ છે કે પ્રસ્થાન માટે એક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. જો તમારે તેમાંથી પસાર થવું હોય, તો ટર્નસ્ટાઇલ પર નામના બોર્ડ હોવા જોઈએ. અદાણીના નકશાને ઍન્વાયર્નમેન્ટ ઑથોરિટીના નકશા સાથે સરખાવતા રૂટની મધ્યમાં વિન્ડ ફાર્મ્સ દેખાય છે."

પક્ષીઓને અદાણીએ નક્કી કરેલા રસ્તા પર ચાલવાનું શિક્ષણ આપવું જોઈએ. સંપત સેનાવિરત્ત્ને કહ્યું, "પર્યાવરણીય રિપોર્ટ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે આ પવન ઊર્જા પ્રોજેક્ટને અહીં લાવી શકાય."

પક્ષીઓ માટે સ્વર્ગના રૂપે જોવાતા મન્નાર દ્વીપ અને તેની આસપાસનો વિસ્તાર વૈજ્ઞાનિક દૃષ્ટીએ પણ મહત્ત્વપૂર્ણ છે. રામ પાલમ રાષ્ટ્રીય ઉદ્યાન, વિધથલ દ્વીપ પ્રાકૃતિક વન અને બંગાળ પવિત્ર ભૂમિને આંતરરાષ્ટ્રીય મહત્ત્વનાં સ્થળો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

જો કે, રાષ્ટ્રીય ઉદ્યાનની યાદીમાંથી રામ બ્રિજ (આદમ બ્રિજ)ને દૂર કરવા અને વિડાલ ટાપુને કુદરતી વન વિસ્તારમાંથી મુક્તિ આપવાની વન્યજીવ સંરક્ષણ વિભાગની વિનંતીની પૃષ્ઠભૂમિમાં વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

અદાણીનો પ્લાન શું છે?

મન્નાર પવન ઊર્જાના ભાગ રૂપે 250 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાની યોજના છે. 52 નવી ટર્બાઇન લગાવવામાં આવશે. પર્યાવરણ રિપોર્ટ અનુસાર થામ્બવાની વિન્ડ ફાર્મ પ્રોજેક્ટની સમાંતર મન્નાર ટાપુના મોટા ભાગના વિસ્તારોમાં નવી વિન્ડ ટર્બાઇન સ્થાપિત કરવાની યોજના છે.

એક વર્ષમાં 1048 ગીગાવૉટ પ્રતિ કલાક વીજળી ઉત્પાદન કરવાની યોજના છે. આ યોજના થકી વાર્ષિક આઠ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થશે એવી વાત કરવામાં આવી રહી છે. એક અનુમાન છે કે ઈંધણ પાછળ દર વર્ષે રૂ. 1.8 કરોડનો ખર્ચ થશે.

શ્રીલંકા સસ્ટેનેબલ પાવર ઑથોરિટી દ્વારા પ્રકાશિત વિશેષ રાજપત્ર રિપોર્ટ ક્રમાંક 1852/2 અનુસાર, આ પ્રોજેક્ટ પાવર જનરેશન ડેવલપમેન્ટ એરિયાની અંદર 202 હેક્ટર જમીન પર હાથ ધરવામાં આવશે.

અદાણીની કૉર્પોરેટ યોજનાને ગેરકાયદેસર રીતે મંજૂરી આપવાનો પ્રયાસ?

શ્રીલંકાના નાણા મંત્રી જગત ગુણવર્ધને કહ્યું, "શ્રીલંકા વિકાસ પ્રાધિકરણ આ યોજનાના પ્રસ્તાવક તરીકે કામ કરી રહ્યું છે. આ ગેરકાયદેસર છે."

જગત ગુણવર્ધનેએ ઉમેર્યું કે અહીં ત્રણ પ્રકારની ભૂલો છે. પર્યાવરણ સત્તાધિકારીઓએ પર્યાવરણીય અસરને લગતો અહેવાલ તૈયાર કરવો જોઈએ અને તે મુજબ યોગ્ય સ્થળ પસંદ કરવું જોઈએ. પરંતુ વૈકલ્પિક સ્થળ પસંદ કરવાને બદલે, પર્યાવરણ અધિકારીએ ખોટી રીતે મન્નારને પ્રથમ પસંદગી તરીકે નામ આપ્યું.

પર્યાવરણ અધિનિયમ અનુસાર, વૈકલ્પિક સ્થળોની અત્યાર સુધી ઓળખાણ કરવામાં આવી નથી. આ ઉપરાંત અદાણી માટે આ યોજનનું પ્રબંધન સરકારી નિયામક એજન્સી શ્રીલંકા વિકાસ પ્રાધિકરણ કરી રહ્યું છે. આ કેવી રીતે થઈ શકે છે?

નાણા મંત્રી જગત ગુણવર્ધનાએ કહ્યું કે, "દરખાસ્ત કરનાર તરીકે ત્રીજી વ્યક્તિને આ સ્થાન આપવાની પ્રક્રિયા શું છે? આવી સ્થિતિમાં, ટેન્ડર મંગાવીને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી જોઈએ. પરંતુ જો અદાણીની પસંદગી પહેલાંથી કરવામાં આવી હોય અને તેઓ આ યોજના અદાણીનને આપવાનો પ્રયાસ કરે, તો તે એક મોટી ગેરરીતિ હશે".

અદાણીના પ્રોજેક્ટને લઈને કાયદાકીય વ્યાખ્યા પર વિવાદ

બીબીસી સિંહાલાએ શ્રીલંકા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઑથોરિટીના મુખ્ય ઍન્જિનિયર રંજીથ ચેપલાને પ્રોજેક્ટના પ્રસ્તાવક તરીકે કામ કરતી અને નિયમનકારી એજન્સી તરીકે કામ કરતી સરકારી એજન્સીની કાયદાકીય પૃષ્ઠભૂમિ વિશે પૂછ્યું.

જોકે, તેમણે કાયદાની પૃષ્ઠભૂમિને સ્પષ્ટ કરવાને બદલે રોકાણકારને સુવિધાઓ પૂરી પાડવાના મહત્ત્વ પર ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું, "મને નથી ખબર કે કાયદાકીય વ્યાખ્યા કેવી રીતે કરવામાં આવે છે. અમે પરિયોજનાના પ્રસ્તાવક રૂપે એક આવેદન રજૂ કર્યું હતું. જોકે, આવેદનનો મતલબ એવો નથી કે આ યોજના અમે સંચાલિત કરી રહ્યા છીએ. અમે આ યોજનાને પૂરી કરવા માટે જરૂરી બધી જ કાયદાકીય મંજૂરી મેળવવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ."

તેમણે જવાબ આપ્યો કે,"જો રોકાણકારોને આવીને આ યોજના પૂરી કરવા માટે બેથી ત્રણ વર્ષનો સમય લાગશે તો રોકાણકારો આવશે નહીં. અમે આ તેના આધારે કરીએ છીએ કે અમે રોકાણ કરવા તૈયાર છીએ. જો આનાથી અમને કંઈપણ ખર્ચ થશે, તો અમે તે ચૂકવીશું. તે અમારી નીતિ છે."

"પક્ષીઓ પવન ચક્કી સાથે અથડાય છે"

રામાણી એલેબોલાના નેતૃત્વમાં બૌદ્ધિકોના જૂથે આ પ્રોજેક્ટની પર્યાવરણીય અસર અંગેનો અહેવાલ તૈયાર કર્યો છે. કોલંબો યુનિવર્સિટીના પ્રોફેસર દેવકા વીરાકૂને પક્ષીઓ અને પ્રાણીઓ પરની અસરો, પ્રોફેસર હિમેશ જયસિંઘે જડીબૂટીઓ પરની અસરો, ડીએજે રાણાવાલાએ જળાશયો પરની અસરોની તપાસ કરી છે. એક સમર્પિત સમિતિએ આ પ્રવૃત્તિઓ માટે સહાય પૂરી પાડી છે.

અભ્યાસ જૂથનું નેતૃત્વ કરનાર રામાની એલેબોલાએ બીબીસી સિંહલા સેવાને જણાવ્યું, "અમે એવું કહી ન શકીએ કે અદાણીને જે પ્રોજેક્ટની જરૂર છે તેના માટે અમે મંજૂરી આપી છે. અમે પર્યાવરણીય પરિસ્થિતિઓનું વિશ્લેષણ કર્યા પછી કેટલીક વિન્ડ ટર્બાઇનો દૂર કરી છે. અમે તે સ્થાનો બદલ્યા છે જ્યાં કેટલીક ટર્બાઇન બનાવવામાં આવી છે."

અમે સપ્ટેમ્બર 2017 થી સપ્ટેમ્બર 2018 દરમિયાન સ્થળાંતર કરનારા પક્ષીઓ પર સંશોધન કર્યું. જો કે, દેવકા વીરાકૂને જણાવ્યું કે તેઓએ રાત્રે પક્ષીઓને તપાસ્યા ન હતાં.

તેમણે ઉમેર્યું, "રાત્રે અંધારાને કારણે પક્ષીઓની સંખ્યા ઓછી હોય છે. અમે આના પર બહુ ધ્યાન આપતા નથી. આ રિપોર્ટ અમે એકત્રિત કરેલા ડેટા અને સૅમ્પલ રિપોર્ટના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પક્ષીઓ વિન્ડ ટર્બાઇન સાથે અથડાય છે પણ અમે પક્ષીઓની અથડામણ ઘટાડવાના પ્રયાસો કર્યા છે."

અદાણીની યોજનાથી મન્નાર વિસ્તારને કેવા ખતરા છે ?

શ્રીલંકા ઇલેક્ટ્રિસિટી બોર્ડની માલિકીનો થામ્બવાની નામનો પવન ઊર્જા ઉત્પાદન પ્લાન્ટ હાલમાં મન્નારમાં વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન પર્યાવરણીય અસર કેવી રહેશે તે માટે એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

જોકે, પર્યાવરણીય કાર્યકર્તા જણાવે છે કે આ પાવર પ્લાન્ટને કારણે પક્ષીઓના મૃત્યુની સંખ્યા અભ્યાસોના અંદાજ કરતાં ઘણી વધારે છે. આ પાવર પ્લાન્ટના ટર્બાઇન દરિયાકાંઠાના વિસ્તારની નજીક બનાવવામાં આવ્યા છે. અદાણીની યોજનાને કારણે ટર્બાઇન્સ મન્નાર ટાપુના મોટા વિસ્તાર પર કબજો કરી લેશે જેથી વધુ નુકસાન થવાની સંભાવના છે.

સૂચિત વિન્ડ ફાર્મ પ્રોજેક્ટમાં એક ટર્બાઇન ઇન્સ્ટૉલ કરવા માટે 27 મીટર વ્યાસનો જમીન વિસ્તાર જરૂરી છે. આ ઉપરાંત દરેક વિન્ડ ટર્બાઇનની આસપાસ 17 મીટર લાંબો ઍક્સેસ રોડ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

સેન્ટર ફૉર ઍન્વાયરમેન્ટલ જસ્ટિસના વરિષ્ઠ સલાહકાર હેમંથા વિધાનેજ કહે છે કે આવા રસ્તાઓનું નિર્માણ કુદરતી પાણીના સ્ત્રોતોને અસર કરશે અને મન્નાર વિસ્તારમાં પૂરની પરિસ્થિતિમાં વધારો કરશે.

તેમણે ઉમેર્યું, "જ્યારે અમે અગાઉ પવન ઊર્જા પ્લાન્ટ સ્થાપી રહ્યા હતા, ત્યારે અમને ખબર ન હતી કે મન્નારમાં પૂર આવશે. જોકે, રસ્તાઓ બન્યા પછી પૂર આવ્યું. સેન્ટ્રલ ઍન્વાયરમેન્ટ ઑથોરિટીએ સાતથી આઠ પૂર સંભાવિત વિસ્તારો ઓળખી કાઢ્યા છે. મન્નારના ઘણા વિસ્તારોમાં સૂકા વિસ્તારો છે."

જળ સ્ત્રોતોમાંથી લોકોને પીવાનું પાણી મળે છે. પર્યાવરણ કાર્યકર્તાએ કહ્યું કે જો આપણે આપણી જરૂરિયાતો મુજબ પર્યાવરણને બદલવાનો પ્રયાસ કરીશું તો મન્નારમાં રહેતા 70,000 લોકોને પાણીની અછત થશે.

તેમના અહેવાલમાં પર્યાવરણીય અસર મૂલ્યાંકન અહેવાલ દ્વારા ઓળખવામાં આવેલી સમસ્યાઓને ઘટાડવા માટે ભલામણો કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઍન્વાયરમેન્ટ ઑથોરિટીની વેબસાઇટ પર જઈને આ અહેવાલને અંગ્રેજી, તમિલ અને સિંહાલી ભાષાઓમાં ડાઉનલોડ કરી શકાય છે.