BF7 અને બૂસ્ટર ડોઝ વિશે આપણે કેટલું જાણીએ છીએ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
બીબીસી ગુજરાતી
  • દેશમાં નવીન વૅરિયન્ટના લગભગ ચાર કેસ જોવા મળ્યા છે
  • એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી દેશભરમાં બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું
  • વાઇરસ જેમ-જેમ નવું સ્વરૂપ ધારણ કરે, તેમ તે વધુ ચેપી બને છે, પરંતુ તેની ઘાતકતા ઘટતી જાય છે
  • નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવા માટે ભલામણ કરી છે, વિશેષ કરીને જેઓ સિનિયર સિટિઝન છે અને સહબીમારી ધરાવે છે
  • રાજ્યોને ટેસ્ટિંગ વધારવાની, હૉસ્પિટલોની તૈયારી, ઓક્સિજન સિલિન્ડરની ઉપલબ્ધતા, પીએસએ પ્લાન્ટ, વૅન્ટિલેટર તથા માનવસંશાધનની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે
  • રાજ્યમાં એક લાખ 400થી વધુ સામાન્ય બેડ, 15 હજારથી વધુ ઓક્સિજન બેડ અને 9,700 જેટલા વૅન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે
બીબીસી ગુજરાતી

કોવિડ-19ના નવા વૅરિયન્ટ ઑમિક્રોને જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન જેવા એશિયાના દેશો તથા યુએસ અને ફ્રાન્સ જેવા પશ્ચિમી દેશોમાં હાહાકાર મચાવ્યો છે.

કોરોનાની વધુ એક સંભવિત લહેરની આશંકા વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી તથા ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી તથા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી છે.

ઉપલબ્ધ સાર્વજનિક માહિતી પ્રમાણે, દેશમાં નવીન વૅરિયન્ટના લગભગ ચાર કેસ જોવા મળ્યા છે, જેમાં દર્દી સાજા થઈ ગયા છે, જે આરોગ્યતંત્ર અને સરકારને માટે રાહતજનક સમાચાર છે.

નિષ્ણાતોના મતે વૅક્સિનેશન, બૂસ્ટર ડોઝ, ચેપને કારણે ઉત્પન્ન થયેલી રોગપ્રતિકારકશક્તિ અને હર્ડ ઇમ્યુનિટીને કારણે ભારતમાં પ્રમાણમાં સારી સ્થિતિ છે, છતાં તેના કારણે ગાફેલ ન થઈ જવું જોઈએ.

ગ્રે લાઇન

BF7 અને બુસ્ટર ડોઝ

રસી

એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી દેશભરમાં બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સિનિયર સિટિઝન, 60 વર્ષથી ઓછી ઉંમર પણ સહબીમારી ધરાવનાર, ફ્રન્ટલાઇન વર્કર તથા હેલ્થકૅર વર્કરને આ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

'આઝાદી કા અમૃતમહોત્સવ'ના અનુસંધાને જુલાઈ મહિનાના મધ્યભાગથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને 75 દિવસ માટે વૅક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેને પાંખો પ્રતિસાદ મળ્યો હતો.

એનડીટીવી સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન મેદાન્તા હૉસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. નરેશ ત્રેહાને કહ્યું હતું કે 'BF7 કયા રસ્તે શરીરમાં પ્રવેશી રહ્યો છે, તે કેટલો ઘાતક છે અને એક ચેપગ્રસ્ત વ્યક્તિ કેટલી વ્યક્તિને અસર કરી શકે છે, તે અંગે ભારતનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે વાઇરસ જેમ-જેમ નવું સ્વરૂપ ધારણ કરે, તેમ તે વધુ ચેપી બને છે, પરંતુ તેની ઘાતકતા ઘટતી જાય છે.'

નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલના કહેવા પ્રમાણે, દેશની 27-28 ટકા વસતિએ જ બૂસ્ટર ડોઝ લીધા છે. તેમણે નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવા માટે ભલામણ કરી છે, વિશેષ કરીને જેઓ સિનિયર સિટિઝન છે અને સહબીમારી ધરાવે છે.

ગ્રે લાઇન

શું કરવું, શું ન કરવું?

સાર્વજનિકસ્થળોએ ચહેરા ઉપર માસ્ક પહેરી રાખો

ઇમેજ સ્રોત, REUTERS/NAVESH CHITRAKA

ઇમેજ કૅપ્શન, સાર્વજનિકસ્થળોએ ચહેરા ઉપર માસ્ક પહેરી રાખો

અલગ-અલગ દેશોમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળને પગલે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા પ્રેસવિજ્ઞપ્તિ બહાર પાડીને તાત્કાલિક અસરથી કોવિડનો ફેલાવો ન થાય તે માટેના જરૂરી પગલાં લેવાની તાકિદ કરવામાં આવી છે.

સંસ્થાનું કહેવું છે કે હાલની સ્થિતિ ચેતવણીરૂપ નથી અને એટલે ગભરાવાની જરૂર નથી. છતાં 'સારવાર કરતાં સાવધાની સારી'એ ન્યાયે નીચેની કેટલીક બાબતો ધ્યાને રાખવી જોઈએ.

  • સાર્વજનિકસ્થળોએ ચહેરા ઉપર માસ્ક પહેરી રાખો
  • સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
  • સાબુ અને પાણીથી અથવા સૅનિટાઇઝરથી નિયમિત રીતે હાથ ધોતા રહો
  • લગ્ન, રાજકીય અને સામાજિક મેળાવડામાં જવાનું ટાળો
  • આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળો
  • તાવ, ગળામાં દુખાવો, ઝાડા અને કફ વગેરે જેવાં લક્ષણ જોવા મળે તો ડૉક્ટરની સલાહ લો
  • વહેલામાં વહેલી તકે સાવચેતીના ડોઝ સહિતની કોવિડ વૅક્સિન લો
  • સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતી કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરો

આઈએમએ દ્વારા સરકારને સતર્ક રહેવા તાકિદ કરવામાં આવી છે અને 2021માં જોવા મળી હતી તેવી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત મંત્રાલયોને નિર્દેશ આપવાની ભલામણ કરવામાં આવી છે. જેથી કરીને જરૂરી દવાઓ, ઓક્સિજન તથા ઍમ્બુલન્સની અછત ન સર્જાય.

ઍસોસિયેશન દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકારી અને ખાનગીક્ષેત્રના આરોગ્યમાળખા, સમર્પિત આરોગ્યકર્મી, દવા અને વૅક્સિનની ઉપલબ્ધતાને કારણે ભૂતકાળની જેમ ભવિષ્યમાં પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળશે.

બીબીસી ગુજરાતી

સરકાર, સ્થિતિ, સમીક્ષા

આરોગ્યમંત્રી

ઇમેજ સ્રોત, Health Department

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુરૂવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં નવા વૅરિયન્ટને કારણે ઊભી થયેલી આશંકાને કારણે પ્રવર્તમાન પરિસ્થિતિ અને સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી.

વડા પ્રધાન કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિ પ્રમાણે, "વડા પ્રધાને કહ્યું હતું કે કોરોના હજુ ખતમ નથી થયો. નવવર્ષના અનુસંધાને સાર્વજનિકસ્થળોએ માસ્ક પહેરવાની અને સાવચેતીપૂર્વક વર્તવાની સલાહ આપવામાં આવી હતી."

રાજ્યોને ટેસ્ટિંગ વધારવાની, હૉસ્પિટલોની તૈયારી, ઓક્સિજન સિલિન્ડરની ઉપલબ્ધતા, પીએસએ પ્લાન્ટ, વૅન્ટિલેટર તથા માનવસંશાધનની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય ટેસ્ટિંગ અને સિક્વન્સિંગ વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ગુરૂવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૅબિનેટની બેઠક મળી હતી. એ પછી પ્રવક્તામંત્રી અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દાવો કર્યો હતો કે રાજ્યમાં ઓમિક્રૉનની સબ-વૅરિયન્ટ BF7ના ત્રણ કેસ ગુજરાતમાં નોંધાયા હતા, જેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી ન હતી અને હૉમ આઇસોલેશનમાં જ સાજા થઈ ગયા હતા.

"રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં એક લાખ 400થી વધુ સામાન્ય બેડ, 15 હજારથી વધુ ઓક્સિજન બેડ અને 9,700 જેટલા વૅન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે."

કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 3Tની વ્યૂહરચના અપનાવી છે, જેમાં ટેસ્ટ, ટ્રૅક અને ટ્રિટમૅન્ટ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

જિનોમ સિક્વન્સિંગ અંગે પટેલે જણાવ્યું, "ગાંધીનગર ખાતે આવેલી જીબીઆરસીમાં આરટીપીસીઆર પૉઝિટિવ દર્દીઓના સૅમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. જેમાં મહિને ચાર હજાર સૅમ્પલનું સિક્વન્સિંગ થઈ શકે તેટલી વ્યવસ્થા છે."

શુક્રવારે રાજ્યની હૉસ્પિટલોમાં મૂકવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ્સની ચકાસણી કરવામાં આવી હતી.

બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન