સરકારે મંજૂરી આપી એ નાકથી લેવાતી નેઝલ વૅક્સિન શું છે અને ક્યારે મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં કોરોના વાઇરસના નવા પ્રકારે કેર વર્તાવ્યો છે. આથી ગુજરાત સહિત ભારતમાં પણ કોરોના વાઇરસ મામલે ફરી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુરુવારે હાઈલેવલ મિટિંગ લીધી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી છે.
તો ભારત બાયૉટેકની નીડલ ફ્રી નેઝલ કોવિડ વૅક્સિનને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી પણ અપાઈ છે.
નાકથી લઈ શકાય તેવી આ વૅક્સિન માટે ઇન્જેક્શનની જરૂર નથી હોતી. આ ખાનગી ક્લિનિક્સ પર ઉપલબ્ધ હશે અને જલદી જ આ કોવિન પ્લૅટફૉર્મ પર લૉન્ચ કરવામાં આવશે.
સમાચાર સંસ્થા એએનઆઈએ આધિકારિક સૂત્રોને ટાંકતા લખ્યું છે કે ભારત સરકારે નેઝલ વૅક્સિનને મંજૂરી આપી છે જે પહેલાં ખાનગી હૉસ્પિટલ્સમાં ઉપલબ્ધ બનશે. આ નેઝલ રસીને કોરોના વૅક્સિન રસીકરણ કાર્યક્રમમાં શુક્રવારથી સામેલ કરાશે.
એનડીવીટીના અહેવાલ અનુસાર આ ભારતમાં નિર્મિત ટુ ડ્રૉપ વૅક્સિન iNCOVACC કોવિન ઍપ પર શુક્રવારે સાંજે ઉપલબ્ધ હશે.
ભારત બાયૉટેક કંપની આ રસીનું નિર્માણ કરી રહી છે અને હાલ ખાનગી કેન્દ્રો પર જ ઉપલબ્ધ હશે.
આ હિટિરોલોગસ બૂસ્ટર ડોઝ હોવાને કારણે કોવિશિલ્ડ અને કોવૅક્સિન લીધી હોય તે પણ નેઝલ વૅક્સિન લઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીડલ ફ્રીન વૅક્સિનને ઇમર્જન્સી યૂઝ માટે મર્યાદિત વપરાશ માટે નવેમ્બર મહિનામાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ હતી.

કેવી રીતે લઈ શકાશે આ રસી?

ઇમેજ સ્રોત, Getty Images
- આ વૅક્સિન નાકથી આપી શકાતી હોવાથી તેના માટે દરદીને ઇંજેક્શન મારવાની જરૂર નહીં પડે
- આ સિવાય ઇન્જેક્શનની જેમ કોઈ તાલીમબદ્ધ આરોગ્યકર્મચારીઓની જરૂર નહીં રહે. સિરિંજ અને ઇન્જેક્શન તથા અન્ય ચીજોની જરૂર નહીં રહે, તે આપવામાં સરળ અને ઝડપી હશે
- તે નાક વાટે અપાતી હોવાથી બાળકોને આપવામાં સરળતા રહેશે
- ચિમ્પાન્ઝીના ઍડનોવાઇરસને (ChAd) મૉડિફાઈ કરીને તેને કોરોના વાઇરસ જેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેથી કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ જાય
- ચેપ લાગતાં ઉપરના શ્વસન અવયવો (નાક, ગળું, સ્વરયંત્ર) તથા નીચેના શ્વસન અવયવો (શ્વાસનળી, શ્વાસનળીની શાખાઓ અને ફેફસાં)ની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ જાય છે અને ચેપને ફેલાતો અટકાવે છે
- નાકથી અપાતી વૅક્સિનથી રોગના વાહકો અટકશે, આથી ફેલાવો પણ અટકશે
- વિદેશમાં થયેલા પરીક્ષણ દરમિયાન ઉંદર હૅમ્સ્ટર (ઉંદર જેવું જ એક પ્રાણી) તથા વાનરોમાં નાક મારફત અપાયેલી વૅક્સિનથી રોગપ્રતિકારક શક્તિ ઉદ્દભવતી હોવાનું બહાર આવ્યું છે, આથી તે માનવોમાં પણ અસરકારક નીવડશે તેવી આશા સેવાઈ રહી છે

રસી અને પરીક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસ સામે સૌપ્રથમ સ્વદેશી વૅક્સિન વિકસાવનારી હૈદરાબાદસ્થિત કંપની ભારત બાયોટૅક દ્વારા આ રસી તૈયાર કરવામાં આવી છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા ફેબ્રુઆરી 2021માં આ નાક મારફત અપાતી વૅક્સિનને મંજૂરી આપવામાં આવી હતી.
દેશનાં ચાર શહેર ચેન્નાઈ (તામિલનાડુ), નાગપુર (મહારાષ્ટ્ર), હૈદરાબાદ (તેલંગણા) અને પટણા (બિહાર) એમ ચાર શહેરની ચાર હૉસ્પિટલમાં 175 તંદુરસ્ત લોકો પર તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમના પર પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, તેમાં 18થી 60 વર્ષની ઉંમરનાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે.
ભારત બાયૉટેક 24 વર્ષથી વૅક્સિન બનાવે છે તથા તે 123 દેશોમાં 16 અલગ-અલગ પ્રકારની રસીઓની નિકાસ કરે છે, તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજી દ્વારા આપવામાં આવેલા કોરોના વાઇરસના નમૂનાનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં ઉપલબ્ધ વૅક્સિનોમાંથી તે એકમાત્ર સ્વદેશી છે.

આંતરરાષ્ટ્રીય યાત્રા માટે સરકારે નવા નિયમ જાહેર કર્યા, શું-શું બદલાયું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારે આંતરરાષ્ટ્રીય યાત્રાઓને લઈને નવાં દિશાનિર્દેશ જાહેર કર્યાં છે. આ નવા નિયમો કેટલાક દેશોમાં કોરોનાના વધતા મામલાને કારણે બનાવાયા છે.
નવા નિયમો વિદેશોથી ભારત આવનારા યાત્રીઓ, ઍરપૉર્ટ, પૉર્ટ અને જમીનની સરહદ પર લાગુ થશે. આ નિયમ 24 ડિસમેબર, 2022થી લાગુ થઈ જશે.
આ નિયમો ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. પહેલો નિયમ યાત્રાની તૈયારી દરમિયાન, બીજો નિયમ યાત્રા દરમિયાન અને ત્રીજો યાત્રા ખતમ થાય ત્યારે પાળવાનો રહેશે.
શું છે નવા નિયમો?
- બધા યાત્રિકોએ પોતાના દેશમાં વૅક્સિનેશનના સ્વીકૃત શેડ્યુલ અનુસાર વૅક્સિન મુકાવેલી હોય
- ફ્લાઇટ/યાત્રા દરમિયાન અને બધા પ્રવેશદ્વાર પર કોરોના મહામારીને લઈને અને સંક્રમણથી બચવાના ઉપાયો (માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું)નું પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે
- યાત્રા દરમિયાન જો કોઈ મુસાફરમાં કોરોનાનાં લક્ષણો દેખાય તો નિર્ધારિત નિયમો અનુસાર આઇસોલેટ કરવામાં આવે. તેમને માસ્ક પહેરવાનો રહેશે અને તેમને સારવાર માટે આઇસોલેશન સુવિધા માટે મોકલવામાં આવશે
- યાત્રા ખતમ થવા પર સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે યાત્રીઓને ઉતારવામાં આવશે
- પ્રવેશદ્વાર પર આરોગ્ય અધિકારીઓ યાત્રીઓની થર્મલ સ્ક્રીનિંગ કરશે
- જો કોઈ યાત્રી સંક્રમિત મળશે તો તેને તુરંત આઇસોલેટ કરવામાં આવશે અને નિયમો અનુસાર આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે
- ફ્લાઇટમાં હાજર યાત્રીઓમાં બે ટકા યાત્રીઓની કોરોના સંક્રમણ માટે રૅન્ડમ તપાસ કરાશે
- તપાસ માટે યાત્રીઓની પસંદગી સંબંધી ઍરલાઇન કરશે (લોકો અલગઅલગ દેશોથી હોય તેને પ્રાથમિકતા આપવી જોઈએ). તેઓ પોતાનું સૅમ્પલ આપીને ઍરપૉર્ટથી જઈ શકે છે
- જો આ યાત્રીઓના સૅમ્પલ કોરોના પૉઝિટિવ આવશે તો તેમને જિનોમ સિક્વન્સિંગ માટે મોકવામાં આવશે














