કૉંગ્રેસે રાજકોટથી પરેશ ધાનાણીને બનાવ્યા લોકસભાના ઉમેદવાર, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને નવસારીમાં કોને ટિકિટ આપી?

કૉંગ્રેસના ઉમેદવારો

ઇમેજ સ્રોત, Indian National Congress

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કૉંગ્રેસે શનિવાર 13 એપ્રિલની સાંજે ગુજરાતમાં જે ચાર લોકસભા બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી હતી તે ચાર બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે.કૉંગ્રેસે મહેસાણાથી રામાજી ઠાકોર, અમદાવાદ પૂર્વ બેઠક માટે હિંમતસિંહ પટેલ, રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી અને નવસારીની બેઠક પરથી નૈષદ દેસાઈને પોતાના ઉમેદવારો તરીકે ચૂંટણીમાં ઉતારવાની જાહેરાત કરી છે.

આ યાદી સાથે ગુજરાતની 24 બેઠકો માટે કૉંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર થયા છે. ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી બે બેઠકો ભરૂચ અને ભાવનગર બેઠક પર કૉંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન હેઠળ થયેલી સમજૂતી અનુસાર આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે રાખી છે.

કૉંગ્રેસે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે થનારી પેટાચૂંટણી માટે પણ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં વીજાપુરની બેઠક માટે દિનેશભાઈ પટેલ, પોરબંદર બેઠક પર રાજુભાઈ ઓડેદરા, માણાવદર બેઠક પર હીરાભાઈ કંસાગરા, ખંભાત વિધાનસભા બેઠક પર મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયા બેઠક પર કનુભાઈ ગોહિલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

આ અગાઉ 4 એપ્રિલે ગુજરાતની ત્રણ બેઠકો માટે કૉંગ્રેસે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જશપાલસિંહ પઢિયારનું નામ જાહેર કર્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાતમી મેના રોજ એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને હવે એક મહિના જેટલો સમય જ બાકી રહ્યો છે.

ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે.

આ પહેલાં કોને ટિકિટ અપાઈ હતી?

અમિત ચાવડા

ઇમેજ સ્રોત, @AmitChavdaINC

આ પહેલા કૉંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 57 ઉમેદવારોનાં નામ હતા. ત્રીજી યાદીમાં કૉંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતા.

આ યાદીમાં કૉંગ્રેસ નેતાઓ સુખરામ રાઠવા, અમિત ચાવડા અને ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ મળી હતી.

ગુજરાતમાંથી કૉંગ્રેસના ઉમેદવારો:

પાટણ – ચંદનજી ઠાકોર

સાબરકાંઠા- ડૉ. તુષાર ચૌધરી

ગાંધીનગર- સોનલ પટેલ

જામનગર – જે.પી. મારવિયા

અમરેલી – જેનીબહેન ઠુમ્મર

આણંદ – અમિત ચાવડા

ખેડા- કાળુસિંહ ડાભી

પંચમહાલ- ગુલાબસિંહ ચૌહાણ

દાહોદ- પ્રભાબહેન તાવિયાડ

છોટાઉદેપુર- સુખરામ રાઠવા

સુરત – નીલેશ કુંભાણી

આ યાદીમાં કૉંગ્રેસે અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તેલંગણા અને પોંડિચેરીથી પણ ઉમેદવારો જાહેર કર્યા હતા.

પશ્ચિમ બંગાળના બહેરામપુરથી કૉંગ્રેસે અધીર રંજન ચૌધરીને ટિકિટ આપી હતી. આ બેઠક પરથી તૃણમૂલ કૉંગ્રેસે યુસુફ પઠાણને ઉમેદવાર બનાવ્યા હતા.

બીજી યાદીમાં કોને ટિકિટ અપાઈ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @LalitVasoya/x/Geniben Thakor/Anant Patel MLA/FB

બીજી યાદીની જાહેરાત કરતી વખતે કૉંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પત્રકારપરિષદમાં આ ચૂંટણી ક્રૉની કૅપિટાલિસ્ટો અને શોષિતો વચ્ચે લડાઈ હોવાનું જણાવ્યું હતું અને 43 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી હતી.

બીજી યાદી અનુસાર કૉંગ્રેસે ગુજરાતમાં બનાસકાંઠા બેઠકથી ગેનીબહેન ઠાકોર, અમદાવાદ પૂર્વ પરથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, પોરબંદર બેઠકથી લલિત વસોયા, બારડોલી બેઠકથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડ બેઠકથી અનંત પટેલ અને કચ્છ બેઠકથી નીતીશ લાલનને ટિકિટ આપી હતી.

આ યાદીમાં આસામમાંથી 12, ગુજરાતમાંથી 7, મધ્ય પ્રદેશમાંથી 10, રાજસ્થાનમાંથી 10, ઉત્તરાખંડમાંથી 3 અને દીવ-દમણમાંથી એક ઉમેદવારનાં નામ સામેલ કરાયાં હતા.

કૉંગ્રેસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના નેતા અજય માકને જણાવ્યું છે કે આ યાદીની વિશેષતા એ છે કે એમાં 76.7 ટકા એસસી. એસટી અને ઓબીસી ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. જ્યારે 43માંથી 33 લોકોની ઉંમર 60 વર્ષથી ઓછી છે.

પાર્ટીએ આસામના જોરહાટમાંથી ગૌરવ ગોગોઈ અને મધ્ય પ્રદેશના છિંદવાડામાંથી કમલનાથના પુત્ર નકુલનાથને ટિકિટ આપી છે. જાલૌરમાંથી પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ઉમેદવાર બનાવાયા છે. તો ચુરુમાંથી રાહુલ કસ્વાંને ટિકિટ આપવામાં આવી હતી.

કૉંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગાપલે જણાવ્યું કે 43 લોકોની યાદીમાં 13 ઓબીસી, 10 એસસી, 9 એસટી અને એક મુસ્લિમ ઉમેદવારને સ્થાન અપાયું છે જ્યારે દસ ઉમેદવાર સામાન્ય વર્ગમાંથી છે.

આ પહેલાં ગત શુક્રવારે કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 39 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા હતા.

પ્રથમ યાદીમાં કોને ટિકિટ અપાઈ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી અને કૉંગ્રેસના મોટા નેતા શશિ થરૂર સહિતના નેતાઓનાં નામ સામેલ કરાયાં હતાં.

જાહેરાત પ્રમાણે રાહુલ ગાંધીને ફરીથી કેરળની વાયનાડ અને શશિ થરૂરને તિરુવનંતપુરમ બેઠક પરથી ટિકિટ અપાઈ છે.

જોકે, આ યાદીમાં ગુજરાતની કોઈ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવારોનાં નામ સામેલ નહોતાં.

કૉંગ્રેસે પ્રથમ યાદીમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મેઘાલય, સિક્કિમ, નાગાલૅન્ડ, તેલંગાણા અને ત્રિપુરાની 39 બેઠકો પરના પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા.

યાદીમાં રાહુલ સિવાય છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને કે. સી. વેણુગોપાલ જેવાં મોટાં નેતાને સામેલ કરાયા છે.

ભૂપેશ બઘેલને છત્તીસગઢની રાજનંદગાંવ બેઠક પરથી જ્યારે કે. સી. વેણુગોપાલને કેરળની અલાપુઝ્ઝા બેઠકથી ઉમેદવાર તરીકે ઉતારાયા હ.

કૉંગ્રેસના આ 39 ઉમેદવારો પૈકી 24 એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજના હતા.

નોંધનીય છે કે અમુક દિવસ પહેલાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીઆઇ)એ વાયનાડ બેઠક પરથી એની રાજા નામનાં ઉમેદવારને ટિકિટ આપી હતી.

વાયનાડ બેઠક પરથી સીપીઆઇ ઉમેદવાર ઉતારતાં મુકાબલો દ્વિપક્ષીય બનવાની સાથોસાથ રસપ્રદ બની ગયો છે.

ભાજપે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદીની જાહેરાત ગત 2 માર્ચના રોજ કરી દીધી હતી. આ યાદીમાં ભાજપે કુલ 195 લોકસભા બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં, જેમાં ગુજરાતની પણ 15 બેઠકો સામેલ હતી.

ગુજરાતમાં ભાજપ છેલ્લી બે લોકસભા ચૂંટણીથી તમામ 26 બેઠકો જીતતો આવ્યો છે જ્યારે કૉંગ્રેસને એક પણ બેઠક મળી નથી.

હાલમાં એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તેના અંતિમ પડાવમાં છે, તો બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં કૉંગ્રેસના એક પછી એક નેતાઓનો ભાજપમાં જવાનો સિલસિલો યથાવત્ છે.

‘એનડીએ’ અને ‘ઇન્ડિયા’ વચ્ચે મુકાબલો

કૉંગ્રેસ લોકસભા ચૂંટણી ભારત ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયા ગઠબંધનની સંયુક્ત રેલી

સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાય છે અને 2024માં પણ લોકસભાની ચૂંટણીપ્રક્રિયા આ મહિનાઓમાં જ યોજાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે 17મી લોકસભાની મુદત 16 જૂનના રોજ સમાપ્ત થશે, જે પહેલાં મતગણતરી સહિતની લોકસભાની ચૂંટણીને લગતી મોટા ભાગની પ્રક્રિયાઓ પૂરી થઈ જાય તેવી પ્રબળ શક્યતા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મ માટે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે વિપક્ષે ભાજપને હરાવવા માટે તૈયાર હોવાનો હુંકાર ભર્યો છે.

2024ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભાજપનાં નેતૃત્વવાળા નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ) અને વિપક્ષી દળોના ગઠબંધન ‘ઇન્ડિયા’ વચ્ચે થવાની સંભાવના છે.

વિપક્ષી પાર્ટીઓ જેવી કે કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, આરજેડી અને સમાજવાદી પાર્ટી એ ‘ઇન્ડિયા’ ગઠબંધનનો ભાગ છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પોતાના ચાર ઉમેદવારો અને ગુજરાતમાં બંને ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં પોતાની ત્રણ યાદીમાં ઉત્તરપ્રદેશની 31 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આથી એવું મનાતું હતું કે કૉંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની યાદી જલદી જાહેર કરશે.

2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું પ્રદર્શન

કૉંગ્રેસ લોકસભા ચૂંટણી ભારત ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ગત લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે કુલ 423 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા જ્યારે બાકીની બેઠકો પર અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું.

પરંતુ 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર 52 બેઠકો પર જ જીત મળી હતી. 10 ટકાથી ઓછી બેઠકો મળવાને કારણે કૉંગ્રેસને સતત બીજી ચૂંટણી બાદ સંસદમાં વિપક્ષના નેતાનું પદ મળી શક્યું ન હતું.

2019ની ચૂંટણીમાં કૉંગ્રેસને મળેલા કુલ મતોની ટકાવારી 19.49 ટકા હતી.

ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં કૉંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.

લોકસભા ચૂંટણી 2019માં કૉંગ્રેસે કરેલું પ્રદર્શન એ તેનું બીજું સૌથી ખરાબ પ્રદર્શન હતું.

ગુજરાતમાં કૉંગ્રેસનું પ્રદર્શન

કૉંગ્રેસ લોકસભા ચૂંટણી ભારત ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કૉંગ્રેસ છેલ્લી બે ચૂંટણીઓથી ગુજરાતમાં એકપણ બેઠક જીતી શકી નથી.

છેલ્લે 2009ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ગુજરાતમાં 11 બેઠકો જીતી હતી. ત્યારબાદ ગુજરાતમાં કૉંગ્રેસ સતત નબળું પ્રદર્શન કરી રહી છે.

ગત ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડેલા સીજે ચાવડા, જામનગર બેઠક પરથી ચૂંટણી લડેલા મૂળુભાઈ કંડોરિયા, નવસારી બેઠક પરથી ચૂંટણી લડેલા ધર્મેશ પટેલ જેવા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.

તો બીજી તરફ ચૂંટણી લડવા માટે પ્રબળ દાવેદારો મનાતા અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેર જેવા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

છેલ્લે 1980માં કૉંગ્રેસે ગુજરાતની 26માંથી 25 બેઠકો જીતી હતી જે ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાય છે.

(બીબીસી માટે કલેક્ટિવન ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)