ભાજપને મહારાષ્ટ્રની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતમાં સંઘનો કેટલો ફાળો?

આરએસએસ, મોહન ભાગવત, મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આરએસએસના પ્રમુખ મોહન ભાગવત
    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, સંપાદક, બીબીસી હિન્દી

શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાં જેમાં 'મહાયુતિ' ગઠબંધનનો જંગી વિજય થયો છે. ભાજપે તેમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ભાજપે 149 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી 132 બેઠકો જીતવામાં સફળતા મળી છે. એટલે કે ભાજપના લગભગ 90 ટકા ઉમેદવારો જીતી ગયા છે.

આ વિજય પાછળ હાલની 'મહાયુતિ' સરકારની મુખ્યમંત્રી 'લાડકી બહેન' યોજના અને રાજ્યમાં ખેડૂતો માટે સબસિડી ઉપરાંત વિકાસ કાર્યોની પણ વિસ્તૃત ચર્ચા અને વિશ્લેષણ થાય છે.

પરંતુ આ વિજય પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકાને પણ સમજવાની જરૂર છે.

1. મતદારો સુધી નારા પહોંચાડવા

આરએસએસ, મોહન ભાગવત, મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, VISHWABANDHU RAI

લગભગ એક મહિના અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભા માટે ચૂંટણીપ્રચાર પૂરજોશમાં હતો.

ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક સ્ટાર પ્રચારક તરીકે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે 'બટેંગે તો કટેંગે'નો વિવાદાસ્પદ નારો આપ્યો હતો.

મુંબઈ અને કેટલાંક અન્ય શહેરોમાં રાતોરાત આ નારા સાથેનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં અને કૉંગ્રેસ સહિત રાજ્યના ઘણા વિરોધ પક્ષોએ તેને 'કોમવાદી અને ઉશ્કેરણીજનક' ગણાવ્યાં હતાં.

આ નારા પર વિવાદ થયો તેના માત્ર ત્રણ દિવસ બાદ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડામથકમાં તેની ચર્ચા થઈ રહી હતી. તેનું તારણ સ્પષ્ટ હતું. ભાજપ કોઈ પણ ભોગે મહારાષ્ટ્રમાં સત્તાબહાર થવો જોઈએ નહીં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આરએસએસના મહામંત્રી દત્તાત્રેય હોસબલેએ બીજા દિવસે કહ્યું, "કેટલીક રાજકીય શક્તિઓ જાતિ અને વિચારધારાના નામે હિંદુઓને તોડશે. આપણે આનાથી માત્ર સાવધ નથી રહેવાનું, પરંતુ તેની સામે લડવું પણ પડશે. કોઈ પણ ભોગે વિભાજિત નથી થવાનું."

ભાજપ સુધી પણ સંભવતઃ સંદેશો પહોંચી ગયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવું સૂત્ર આપ્યું, 'એક હૈ, તો સેફ હૈ'. કેટલાક રાજકીય વિશ્લેષકોએ તેને યોગી આદિત્યનાથના નારા સાથે જોડ્યું પરંતુ તેને વધારે 'અસરકારક' ગણાવ્યું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હેઠળનાં તમામ સંગઠનોમાંથી બે સંગઠન 'લોક જાગરણ મંચ' અને 'પ્રબોધન મંચ'ને ઘરે-ઘરે જઈને 'એક હૈ, તો સેફ હૈ'ના નારાનો અર્થ સમજાવવાની જવાબદારી સોંપાઈ. એટલું જ નહીં, તેમણે "હિંદુઓને ચેતવણી આપવાની હતી કે તેઓ સંગઠિત નહીં રહે, તો તેમનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે."

'બિઝનેસ વર્લ્ડ' મૅગેઝિન અને 'ધ હિંદુ' અખબાર માટે લખતા રાજકીય વિશ્લેષક નિનાદ શેઠ માને છે કે, "એક નારો ધાર્મિક હતો, જ્યારે બીજા નારાનો હેતુ અન્ય પછાત વર્ગોને એકજૂથ કરવાનો હતો. દરેક વ્યક્તિએ આ નારાઓનો અલગ-અલગ રીતે અર્થ કાઢ્યો, પરંતુ ટીવી અને સોશિયલ મીડિયાથી દૂર રહેતા સામાન્ય મતદારો સુધી આ સંદેશ પહોંચી ગયો હતો એવું લાગે છે."

2. મુખ્ય ટીમ

આરએસએસ, મોહન ભાગવત, મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્ર ચૂંટણી પછી ગડકરીના આશીર્વાદ લઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ

આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની 'મહાયુતિ' મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકોમાંથી માત્ર 17 બેઠકો જીતી શકી હતી.

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીના જણાવ્યા અનુસાર, "લોકસભાની ચૂંટણીમાં આરએસએસના કેડર માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ અન્ય મોટા રાજ્યોમાં પણ ઓછાં દેખાયાં હતાં."

ભાજપ તેનાથી સારી રીતે વાકેફ હતો, કારણ કે આ ચૂંટણીમાં ભાજપે સંઘ પર પોતાની નિર્ભરતાનો પુનરોચ્ચાર કર્યો એટલું જ નહીં, ચૂંટણી સાથે સંકળાયેલા ટોચના નેતૃત્વની પસંદગી પણ કાળજીપૂર્વક કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી અગાઉ જ કહ્યું હતું કે, "અમે વોટ જેહાદીઓ અને અરાજકતાવાદીઓ સામે લડવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ લીધી છે."

દેવેન્દ્ર ફડણવીસ આરએસએસનો ગઢ ગણાતા નાગપુરના વતની છે અને તેમના પિતા ગંગાધર ફડણવીસ સ્વયંસેવક તેમજ ભારતીય જનતા પાર્ટીના એમએલસી હતા. ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમને પોતાના 'રાજકીય ગુરુ' માને છે.

ભાજપે જે રીતે હરિયાણામાં કર્યું તેવી જ રીતે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ કર્યું હતું. હરિયાણામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી આવેલા ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી બનાવાયા હતા.

મહારાષ્ટ્રમાં ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવને ચૂંટણીની કમાન સોંપાઈ હતી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "વૈષ્ણવ એક બ્યૂરોક્રેટ રહી ચૂક્યા છે. આવા લોકો સારી રીતે જાણે છે કે મહારાષ્ટ્ર જેવા સમૃદ્ધ અને મોટા રાજ્યમાં ચૂંટણીપ્રચાર કેવી રીતે કરવો. પરંતુ ભૂપેન્દ્ર યાદવનું ચૂંટણી પ્રભારી બનવું એ એક મોટો નિર્ણય હતો જેમાં ચોક્કસપણે સંઘની સાથે ચર્ચા થઈ હશે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "વ્યવસાયે વકીલ ભૂપેન્દ્ર યાદવ અખિલ ભારતીય વકીલ પરિષદના મહાસચિવ રહી ચૂક્યા છે, જેને 'આરએસએસ લૉયર્સ વિંગ' તરીકે ઓળખવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ખુદ નીતિન ગડકરીએ જ તેમને પહેલીવાર ભાજપ સંગઠનમાં સ્થાન આપ્યું હતું જેમણે વર્ષ 2010માં પોતાના અધ્યક્ષપદ દરમિયાન ભૂપેન્દ્ર યાદવને પહેલી વખત મહામંત્રી બનાવ્યા હતા."

આ ઉપરાંત આરએસએસે તેના પશ્ચિમી પ્રાંતના અધ્યક્ષ રહેલા અતુલ લિમયેને ભાજપના નેતાઓ બીએલ સંતોષ અને ભાજપ અને આરએસએસ વચ્ચેના સંયોજક અરુણ કુમાર સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું.

પરિણામોમાં જીત મળ્યા પછી તમારામાંથી ઘણા લોકોએ દેવેન્દ્ર ફડણવીસને પાર્ટીના વરિષ્ઠ નેતા અને આરએસએસના સૌથી નજીક ગણાતા નીતિન ગડકરીના ઘરે જઈને અભિનંદન આપતા જોયા હશે.

પરંતુ એ વાત પણ નોંધવા જેવી છે કે 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં નીતિન ગડકરીને પ્રચારની ઓછી જવાબદારી આપવામાં આવી હતી, ત્યારે આ વખતે મહારાષ્ટ્રમાં તેમની માંગ ઘણી વધારે હતી. પ્રચારના છેલ્લા 20 દિવસમાં જ તેમણે 70થી વધુ ચૂંટણી રેલીઓ કરી હતી.

'ધ હિતવાદ' અખબારના રાજકીય સંવાદદાતા વિકાસ વૈદ્ય કહે છે, "આરએસએસ-ભાજપના જૂના મતદારો માટે આ એક સંદેશ પણ હતો કે બધા સંગઠિત થાવ, ફરીથી મળીને સરકાર બનાવો જેમાં ભાજપ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે."

3. શહેરી મતદારો પર ફોકસ

આરએસએસ, મોહન ભાગવત, મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બે પ્રાંત પ્રચારકો સાથે વાત કરતા તેમાં એક સમાનતા સ્પષ્ટપણે જોવા મળે છે.

2024ની લોકસભા ચૂંટણી વખતે ભાજપનો "અબ કી બાર 400 પાર"નો નારો તેના તમામ મતદારોને એવા કમ્ફર્ટ ઝોનમાં લઈ ગયો કે તેઓ મતદાન કરવા ઘરની બહાર પણ ન નીકળ્યા."

આ વાતને ધ્યાનમાં રાખીને આરએસએસે રાજ્યનાં નાનાં-મોટાં શહેરોમાં પોતાની શાખાઓ દ્વારા છેલ્લા ચાર મહિનાથી 'ડોર-ટુ-ડોર અભિયાન' ચલાવ્યું હતું અને ભાજપ સરકારના 'સ્થિર વિકાસ'નો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

મહાયુતિમાં અજિત પવારના પ્રવેશથી સંઘ બહુ ખુશ ન હતો, પરંતુ આ ચૂંટણીમાં આરએસએસના લોકો પણ આને ભૂલીને મુદ્દાઓને લોકો સુધી લઈ ગયા હતા.

ગઈ લોકસભા ચૂંટણીના સરેરાશ દેખાવને આની સાથે જોડનાર સંઘે ભાજપને અભિનંદન આપતા પોતાના મૅગેઝિન ઑર્ગેનાઇઝરમાં લખ્યું છે કે, "લાડકી બહેન" યોજના, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં માઓવાદ સામેની કાર્યવાહી અને ખેડૂતોના કલ્યાણની વાત કરવાનું આ વખતે અસરકારક સાબિત થયું છે."

શહેરી મતદારો અને મધ્યમ વર્ગના મતદારો તરફ ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાનું પરિણામ એ આવ્યું કે 1995 પછી આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ 66.05 ટકા મતદાન નોંધાયું હતું.

'ધ ઈકોનોમિક ટાઈમ્સ' માટે ભાજપ અને આરએસએસને કવર કરતા વરિષ્ઠ પત્રકાર રાકેશ મોહન ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, "2014ની સામાન્ય ચૂંટણીમાં શહેરી મતદારો પર આરએસએસે જેટલું ધ્યાન આપ્યું, તેટલું જ ધ્યાન આ વખતે આપ્યું હતું."

"આ પ્રકારના વન-ટુ-વન કૅમ્પેઇનમાં તમે ક્યારેય કોઈને કોઈ ઝંડા અથવા બૅનર્સ અથવા લાઉડસ્પીકર સાથે નહીં જુઓ. માત્ર તમારા વિસ્તાર અથવા બૂથની આસપાસની કોઈ વ્યક્તિ તમને મળશે અને રોજિંદી મુલાકાત થતી હોય તે રીતે ખૂબ જ હળવાશથી પોતાની વાત જણાવશે."

તેમણે આગળ જણાવ્યું, "પરંતુ ખાસ વાત એ છે કે આ પ્રકારનું અભિયાન જાતિ, ધર્મ કે વર્ગથી અલગ હોય છે. અને ભાજપે જે રીતે બેઠકો જીતી છે તે આ વાત સ્પષ્ટપણે દર્શાવે છે."

4. સંઘના મૅનેજમેન્ટની ભૂમિકા

આરએસએસ, મોહન ભાગવત, મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબોલે

આ વખતની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના પ્રદર્શનથી નિરાશ આરએસએસના ટોચના નેતૃત્વએ આ વખતે પહેલેથી જ 'પોતાનું હોમવર્ક' કરી લીધું હતું.

નાગપુરના 'ધ હિતવાદ' અખબારના રાજકીય સંવાદદાતા વિકાસ વૈદ્યના જણાવ્યા અનુસાર, "લાંબા સમય પછી મેં સંઘમાં આ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ જોયું. તેના હેઠળ રાજ્યની બહારના લગભગ 30 હજાર લોકોને ચૂંટણીમાં મદદ કરવા માટે અલગ અલગ સમયે બોલાવવામાં આવ્યા હતા."

વાસ્તવમાં આ વખતની લોકસભા ચૂંટણીમાં સરેરાશ દેખાવ પછી આરએસએસએ રાજ્યના દરેક જિલ્લામાં એક સમિતિની રચના કરી હતી. તેઓ લોકોને મળ્યા અને રાજ્યની મહાયુતિ સરકારમાં કેવા સુધારા કરી શકાય તેની જાણકારી મેળવી હતી.

આ કાર્ય માટે દેશનાં ઘણાં રાજ્યોમાંથી સંઘના કાર્યકરોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ અને પુરુષો બંને સામેલ હતાં.

ખાસ વાત એ હતી કે તેમાં ઉત્તરનાં ભાજપ શાસિત રાજ્યો, જેમ કે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ઉપરાંત બિન-ભાજપશાસિત રાજ્યોના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેલંગણા, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાંથી પણ લોકો આવ્યા હતા.

વિકાસ વૈદ્યના જણાવ્યા પ્રમાણે, "આ લોકોએ નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોનો પ્રવાસ કર્યો અને મતદારોને જણાવ્યું કે અન્ય રાજ્યોમાં જ્યાં કૉંગ્રેસ અથવા અન્ય કોઈ પક્ષ સત્તામાં છે, ત્યાં તેઓ પોતાના ચૂંટણી વચનો ભૂલી જાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને 'લાડકી બહેન યોજના' હેઠળ આવતા રૂપિયા તેનું ઉદાહરણ છે.

નાગપુરનાં વરિષ્ઠ પત્રકાર ભાગ્યશ્રી રાઉતના જણાવ્યા મુજબ, "આ પ્રચાર કાર્યક્રમ હેઠળ મતદારોને ત્રણ કૅટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. ભાજપના પરંપરાગત મતદારોને કૅટેગરી 'એ'માં રાખવામાં આવ્યા હતા, પરંતુ જેઓ ભાજપના ચુસ્ત મતદારો ન હતા તેવા 'બી' અને 'સી' કૅટેગરીના મતદારોને લક્ષ્યમાં રાખવામાં આવ્યા હતા."

તેમણે વધુમાં જણાવ્યું કે, "ભલે ધીમા સ્વરે પણ, 'દેશ માટે રામ મંદિર કોણે બનાવ્યું અથવા બાબા સાહેબ આંબેડકરને કઈ સરકારે ભારત રત્ન આપ્યું' જેવા મુદ્દા પર અભિયાન ચલાવવામાં આવ્યું હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.