દિલ્હીમાં નમાજ પઢી રહેલા લોકો સાથે પોલીસનું ગેરવર્તન, પોલીસકર્મી સસ્પેન્ડ

દિલ્હીમાં નમાજ પઢી રહેલા લોકોને લાત મારી રહેલો પોલીસકર્મી

ઇમેજ સ્રોત, Socialmedia

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીના ઇંદ્રલોક વિસ્તારમાં રસ્તા પર નમાજ પઢી રહેલા લોકોને લાત મારતાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રસ્તા પર અનેક લોકો નમાજ પઢી રહ્યા છે ત્યારે એક પોલીસકર્મી તેમને પાટું મારીને ઉઠાડે છે.

એ સમયે ત્યાં હાજર કેટલાક લોકો પોલીસકર્મી સાથે બોલાચાલી કરતા પણ જોવા મળે છે.

સોશિયલ મીડિયા પ્લૅૅટફોર્મ એક્સ પર લોકો આ ઘટનાની નિંદા કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

દિલ્હીના ઇંદ્રલોક વિસ્તારમાં ઘટેલી આ ઘટના બાદ વિસ્તારના મેટ્રો સ્ટેશનની આસપાસ લોકોએ પ્રદર્શન પણ કર્યું.

પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા

દિલ્હીમાં નમાજ પઢી રહેલા લોકોને પોલીસકર્મીએ લાત માર્યા બાદ પ્રદર્શનો

દિલ્હી પોલીસે આ ઘટના માટે જવાબદાર સબ-ઇન્સપેક્ટર મનોજ તોમરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસે બીબીસી સાથેની વાતચીતમાં આ ઘટના સંદર્ભે સંબંધિત પોલીસકર્મી વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરી દેવાઈ હોવાનું જણાવ્યું છે.

ઉત્તર દિલ્હીના ડીસીપી મનોજકુમાર મીણાએ સમાચાર સંસ્થા એએનઆઇ સાથેની વાતચીતમાં જણાવ્યું છે, "એ વીડિયોમાં જે પોલીસકર્મી જોવા મળી રહ્યો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. જે પોલીસ પોસ્ટ ઇન્ચાર્જ હતા, એને સસ્પેન્ડ કરી દેવાયા છે. "

"અનુશાસનાત્મક કાર્યવાહી કરાઈ રહી છે. સ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે. સ્થાનિક લોકો સાથે મળીને એ સૌને સંદેશ અપાયો છે કે વિસ્તારનાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાનાં છે. કેટલાય લોકો જતા રહ્યા છે અને હવે ટ્રાફિક પણ ખૂલી ગયો છે."

ઘટનાસ્થળે હાજર લોકોનું શું કહેવું છે?

ઘટનાસ્થળ પર હાજર એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, "દિલ્હી પોલીસે આ ખૂબ ખરાબ કર્યુું છે. નમાજીઓને માર્યા છે. આજસુધી ક્યારેય આવું બન્યું નથી."

ત્યાં હાજર એક યુવાને કહ્યું કે "આમ કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાને બદલે કાયમ માટે નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. જો એમ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં બીજા પોલીસકર્મીઓ પણ આવું કરી શકે છે. તેને હમેશા માટે હઠાવી દેવા જોઈએ."

નેતાઓએ શું કહ્યું?

દિલ્હીમાં નમાજ પઢી રહેલા લોકોને પોલીસકર્મીએ લાત માર્યા બાદ પ્રદર્શનો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ લખ્યું, "નમાજ પઢી રહેલી વ્યક્તિઓને લાત મારતો @DelhiPoliceનો આ જવાન કદાચ માનવતાના પાયાના નિયમને નથી સમજતો. આ કઈ નફરત છે જે જવાનના હૃદયમાં ભરાયેલી છે. દિલ્હી પોલીસને વિનંતી છે કે આ જવાન વિરુદ્ધ યોગ્ય કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવે અને એની સેવાઓ સમાપ્ત કરાય."

કૉંગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે એક્સ પર લખ્યું,"અમિત શાહની દિલ્હી પોલીસનું આદર્શ વાક્ય છે - શાંતિ સેવા ન્યાય. પૂરા જોમથી કામ પર છે."

'મિસ્ટર હક' નામના યૂઝરે કાવડિયા પર ફૂલ વરસાવતા પોલીસવાળાના વીડિયો પોસ્ટ કરતાં લખ્યું, "બે ઇન્ડિયા. ઇંદ્રલોક દિલ્હીમાં નમાજ પઢનારાઓ પર દિલ્હી પોલીસ લાત મારે છે. કાવડિયાઓનું પોલીસ રસ્તા વચ્ચે ફૂલોથી સ્વાગત કરે છે."

જીનલ એન ગાલાએ લખ્યું, "દિલ્હીના માર્ગો પર સરાજાહેર અધિનાયકવાદ. દિલ્હી પોલીસ આટલી સંવેદનાહીન કેમ છે. શું એ મુસલમાનો સાથે જેવું વર્તન કરે છે એવું બીજા કોઈ ધાર્મિક સમૂહ સાથે કરશે?"

અશોકકુમાર પાંડેયે નમાજ પઢી રહેલા યુવાનોને લાત મારતાં પોલીસકર્મીનો વીડિયો પોસ્ટ કરતાં લખ્યું, "જોઈને થોડા સમય માટે આઘાતમાં રહ્યો. આવી નીચતાની અપેક્ષા મને નહોતી. વિચારી રહ્યો છું કે આખી દુનિયામાં જ્યારે આ વીડિયો જશે ત્યારે છાપ શું બનશે મારા દેશની? શરમજનક, શરમજનક, શરમજનક."

જાહેરમાં નમાજ પઢવા અંગેના વિવાદો

છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં નમાજ પઢવા અંગે વિવાદના સમાચાર છપાતા રહે છે. ગુરુગ્રામના રસ્તા પર નમાજનો વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થઈ ચૂક્યું છે.

હરિયાણાના ગુરુગ્રામમાં ગત વર્ષે જાહેરમાં નમાજ પઢવા સંબંધિત વિવાદમાં ટોળાએ એક મસ્જિદ પર હુમલો કરીને એને આગ લગાડી દીધી હતી, જેમાં 26 વર્ષના એક ઇમામનું મૃત્યુ નીપજ્યું હતું. એ બાદ દક્ષિણ હરિયાણામાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી, જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

વર્ષ 2018માં પણ જાહેરમાં નમાજ વિરુદ્ધ પ્રદર્શન થયાં હતાં. વાતચીત બાદ મુસ્લિમ સમૂહ જાહેરમાં નમાજ પઢવાનાં સ્થળોની સંખ્યા 108માંથી ઘટાડીને 37 કરવા માટે તૈયાર થઈ ગયા હતા.

આ વર્ષે પ્રદર્શનો કયા કારણે શરૂ થયાં એ અંગે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે, વિવાદ બાદ હવે મુસલમાનોએ જાહેરમાં નમાજ પઢવાની જગ્યાની સંખ્યા ઘટાડીને 20 કરી દીધી છે.

રાજકીય ઇસ્લામ પર રિસર્ચ કરી રહેલા હિલાલ અહમદે બીબીસીને જણાવ્યું હતું, "આ ઉગ્ર સમૂહો એક નાગરિક સમસ્યાનો ઉપયોગ ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે કરી રહ્યા છે. તેઓ મુસલમાનોને કહી રહ્યા છે કે તેઓ મસ્જિદમાં જઈને નમાજ પઢે. સમસ્યા એ છે કે પૂરતી સંખ્યામાં મસ્જિદો છે જ નહીં."

તેમનું કહેવું હતું કે "ગુરુગ્રામમાં માત્ર 13 મસ્જિદો જ છે, જેમાંથી માત્ર એક જ શહેરના નવા વિસ્તારમાં છે. શહેરના મોટા ભાગના પ્રવાસીઓ અહીં રહે છે અને કામ કરે છે."

મુસલમાનોની સંપત્તિઓની દેરખરેખ રાખનારા વકફ બોર્ડના સ્થાનિક સભ્ય જમાલુદ્દિન જણાવે છે કે બોર્ડની મોટા ભાગની જમીન શહેરના બહારના વિસ્તારમાં છે, જ્યાં મુસલમાનોની સંખ્યા બહુ ઓછી છે.

તેઓ જણાવે છે કે આવા વિસ્તારમાં 19 મસ્જિદો બંધ કરવી પડી છે, કેમ કે ત્યાં પૂરતી સંખ્યામાં નમાજી નહોતા. એમના મતે બોર્ડ પાસે એટલા પૈસા નથી જે ગુરુગ્રામના મોંઘા વિસ્તારમાં જમીન ખરીદી શકે.