મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે બનેલી યોજનાનો લાભ પુરુષો કેવી રીતે લઈ ગયા?

લાડલી બહન યોજના, પુરુષો, કૌભાંડ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં 'લાડલી બહન યોજના' શરૂ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં વર્ષ 2024 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની મહાયુતિ ગઠબંધનની જીતનાં ઘણાં કારણો હતાં. આ કારણો પૈકી એક કારણ હતું 'લાડલી બહિન યોજના.'

હવે આ યોજનાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હવે મહાયુતિ સરકારના મંત્રીઓએ પણ સ્વીકાર કર્યો છે કે 'બહેનો' માટે બનેલી આ યોજનાનો લાભ કેટલાક 'પુરુષો'એ પણ ઉઠાવી દીધો છે. તેમનાં ખાતામાં પણ આ યોજનાના પૈસા જમા થયા હોવાની માહિતી બહાર આવી છે.

મહારાષ્ટ્ર સરકારમાં મહિલા તથા બાળવિકાસ મંત્રી અદિતિ તટકરે આ મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું, "એ જોવા મળ્યું છે કે કેટલાક લાભાર્થી એકથી વધુ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. કેટલાક પરિવારોમાં બેથી વધુ લાભાર્થી છે અને તે પૈકી કેટલાક પુરુષોએ પણ આવેદન આપ્યું છે."

ઉપમુખ્ય મંત્રી અને નાણામંત્રી અજિત પવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે "આ યોજના ગરીબ બહેનોની મદદ માટે શરૂ કરી હતી. જો, કોઈકે તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો હશે, તો અમે કાર્યવાહી કરીશું. એવું કહેવાય છે કે કેટલાક પુરુષોએ પણ તેનો લાભ લીધો છે. જો આ સત્ય છે, તો અમે તેમની પાસે પૈસા વસુલ કરીશું."

'14 હજાર પુરુષોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો'

લાડલી બહન યોજના, પુરુષો, કૌભાંડ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં લાગુ કરવામાં આવેલી 'મુખ્ય મંત્રી માઝી લાડકી બહિન' યોજનાના બે કરોડ 52 લાખ લાભાર્થિઓ પૈકી 26 લાખ 34 હજાર જેટલી મહિલાઓને અયોગ્ય ઠેરવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 14, 298 જેટલા પુરુષોએ પણ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે.

મહિલા અને બાળકલ્યાણ મંત્રી અદિતિ તટકરેએ ખુદ પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પરથી આ આંકડા જાહેર કર્યા છે.

અદિતિએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે મહિલા બાળવિકાસ વિભાગે 'મુખ્ય મંત્રી માઝી લાડકી બહિન' યોજના અંતર્ગત આવેદકોની ઓળખ કરવા માટે સરકારી વિભાગો પાસે જાણકારી માગવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે કેટલાક લાભાર્થી એકથી વધુ યોજનાઓનો લાભ ઉઠાવી રહ્યા છે અને કેટલાક પરિવારોમાં બેથી વધુ લાભાર્થી છે.

આ જાણકારીના આધારે 26.34 લાખ અરજીકર્તાઓને મળનારા લાભ જૂન-2025થી અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યા છે.

અદિતિ તટકરેએ કહ્યું કે, જે 26.34 લાખ લાભાર્થીઓના લાભ અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યા છે એની જાણકારી સંબંધિત જિલ્લા કલેકટરો દ્વારા ચકાસણી કરવામાં આવશે અને જે લાભાર્થી છે એમને મળનારા લાભ ફરી પાછા શરૂ કરવામાં આવશે.

અદિતિ તટકરેએ એમ પણ કહ્યું કે, સરકારને ભ્રમિત કરનારા અને ખોટી રીતે લાભ મેળવનારા સામે શું કાર્યવાહી કરવી એ અંગે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી મુખ્ય મંત્રી અજીત પવાર સાથે ચર્ચા કર્યા બાદ સરકાર યોગ્ય નિર્ણય કરશે.

'લાડલી બહેન' યોજના માટેના માપદંડો

લાડકી બહેન યોજના, મહારાષ્ટ્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલાં 'લાડકી બહેન' યોજના શરૂ કરી હતી. આના દ્વારા મહિલાઓનાં ખાતામાં સીધા 1500 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.

જોકે, હવે ચૂંટણી બાદ કેટલાક માપદંડો અનુસાર એમની પાત્રતા તપાસ્યા બાદ કેટલીક મહિલાઓને આ માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવી છે.

ચૂંટણી પહેલાં આવેદન કરનારી મોટાભાગની મહિલાઓને પૈસા મળી ગયા. જોકે મહાયુતિ સરકાર સત્તામાં આવ્યા બાદ લાડકી બહેન યોજના અંતર્ગત આવેદકો માટે કેટલાક માપદંડ ઘડવામાં આવ્યા.

આ માપદંડ આ પ્રકારે હતા:

1) અઢી લાખ રૂપિયાથી ઓછી આવકવાળા હોય એ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ માટે સરકારે આવકવેરા વિભાગ પાસેથી જાણકારી માગી છે. આ મુજબ આવેદકોની તપાસ કરવામાં આવશે. અઢી લાખથી વધુ આવક ધરાવતી મહિલાને આ યોજનાનો લાભ નહીં મળે.

2) જો કોઈ લાભાર્થી કોઈ અન્ય સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે તો એમનાં આવેદનો પર પુન: વિચાર કરવામાં આવશે. જો કોઈ લાભાર્થી 'નમો શેતકરી યોજના'નો લાભ લઈ રહ્યા છે તો એમને આ યોજના આવ્યાના પહેલાથી જ 1000 રૂપિયા મળે છે. તેથી, આવા લાભાર્થીઓને ફક્ત ઉપરના 500 રૂપિયા જ આપવામાં આવશે.

3) ફોર-વ્હીલર ધરાવતી મહિલાઓની અરજીઓની ચકાસણી કરવામાં આવશે. આ માટે પરિવહન વિભાગ પાસેથી માહિતી માંગવામાં આવશે. જો આવી મહિલાઓ લાભ મેળવી રહી હોય, તો તેમને હવે લાભ મળશે નહીં.

4) આધાર કાર્ડ પર અલગ અલગ નામો અને બૅન્કમાં અલગ અલગ નામો ધરાવતી અરજીઓની પણ ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત, કેન્દ્ર સરકારની પરવાનગી મળ્યા પછી, આધારનું ઈ- કેવાયસી (E-KYC) પણ કરવામાં આવશે.

5) લગ્ન પછી વિદેશ ગયેલી મહિલાઓ અને સરકારી નોકરી કરીને લાભ મેળવનાર મહિલાઓની અરજીઓની પણ ચકાસણી કરવામાં આવશે.

શું અયોગ્ય લાભાર્થી સહાય પરત કરશે?

 લાડકી બહેન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અત્યાર સુધી આ યોજનાની કુલ 2 કરોડ 34 લાખ મહિલા લાભાર્થી છે. 2 કરોડ 63 લાખ મહિલાઓઓએ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી.

પણ જ્યારે આ અરજીઓને વૅરીફાઈ કરવામાં આવી ત્યારે જણાયું કે માત્ર 2 કરોડ 34 લાખ જેટલી મહિલાઓ જ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય હતી.

એ પ્રમાણે એ જ મહિલાઓને આનો લાભ મળ્યો. નવા આંકડા આવતા પહેલાં લગભગ 16-17 લાખ મહિલાઓ અયોગ્ય હતી.

જે મહિલાઓ શરૂઆતમાં અપાત્ર હતી એ નવા માપદંડો પ્રમાણે પણ અયોગ્ય છે. એમને આ યોજનાનો લાભ નહીં મળે.

અરજીકર્તાઓનું વૅરિફિકેશન હજુ ચાલુ છે. સંભાવના છે કે કેટલીક વધુ મહિલાઓ આ યોજનાથી બહાર થઈ જશે. સરકારની અપીલ બાદ સાડા ચાર હજાર મહિલાઓએે પોતે જ યોજનામાંથી પોતાનું નામ હઠાવી લીધું છે.

આના કારણે યોજના માટે અયોગ્ય મહિલાઓની સંખ્યા વધશે. એટલે જે મહિલા પોતે અરજી કરીને યોજનામાંથી પોતાનું નામ કઢાવી લેશે તેઓ શરૂઆતમાં મળનારી ધનરાશિ પરત કરશે.

પણ એ મહિલા લાભાર્થી કે જેને શરૂઆતમાં કેટલીક રકમ મળી હતી. અને હવે સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર અયોગ્ય થઈ ગઈ છે એ ધનરાશિ પરત કરશે કે કેમ એ મોટો સવાલ છે.

લાડલી બહન યોજના, પુરુષો, કૌભાંડ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB/ADITI TATKARE

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રનાં મંત્રી અદિતિ તટકરે કહ્યું છે કે અયોગ્ય લોકોને સહાય આપી દેવામાં આવી છે.

આ યોજના પ્રમાણે મહિલાઓ આપવામાં આવેલા પૈસા પરત નહીં લેવામાં આવે તો એની સજા સામાન્ય માણસને ભોગવવી પડશે. શું આ કાયદો યોગ્ય છે? પૈસા પરત ન લેવા કેટલું યોગ્ય છે? આ પ્રકારના સવાલો પર ચર્ચા ચાલી રહી છે.

બીબીસીએ આ પહેલા પૂર્વ સિવિલ સર્વન્ટ ઈ. ઝેડ. ખોબરાગડેનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. જેમાં એમણે તમામ સવાલોના વિગતે જવાબ આપ્યા હતા.

તેમણે કહ્યું, "શરૂઆતથી જ લાડકી બહિન યોજના માટે માપદંડ હતા, જે આ યોજનાનો લાભ આપતા પહેલાં તપાસવા જોઈતા હતા. મૂળભૂત રીતે સરકારની ભૂલ હતી કે ચૂંટણી પહેલાં વધુ માપદંડો લાદ્યા વિના આ યોજનાનો લાભ આપવામાં આવ્યો."

"એવું ન કહી શકાય કે આ યોજનાનો લાભ દરેકને મળ્યો. જોકે, રાજકીય પક્ષોને તેનો ફાયદો થયો. જે લોકો માપદંડોમાં ફિટ ન હતા તેમને પણ પૈસા આપવામાં આવ્યા. હવે એ વાત ખોટી છે કે અયોગ્ય લાભાર્થીઓ પાસેથી પૈસા પાછા લેવામાં ન આવે. આ જનતાના પૈસા છે."

"એટલે કે યોજના બનાવવી હોય કે લાભ આપવાનો હોય, પછી માપદંડ થોપવા અને અયોગ્યતા નક્કી કરવી. આ બધું નિયમોનું પાલન કર્યા વિના કરવામાં આવે છે. તેથી, સરકાર મૂળભૂત રીતે આ માટે દોષિત છે."

ખોબરાગડેએ કહ્યું કે, "સરકારની ગણતરી એવી હતી કે મહત્તમ મહિલાઓને યોજનામાં સામેલ કરવામાં આવે અને ફાયદો મેળવવામાં આવે."

'યોજના નિયમો અનુસાર નથી'

અજીત પવાર, લાડકી બહેન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ખોબરાગડેએ વધુમાં જણાવ્યું હતું કે, "સરકારની નીતિ મૂળભૂત રીતે ખોટી હતી. સરકાર દાવો કરે છે કે આ યોજના મહિલાઓના સશક્તિકરણ અને વિકાસ માટે લાગુ કરવામાં આવી રહી છે, પરંતુ આ કોઈપણ યોજનામાં પ્રતિબિંબિત થતું નથી."

"જે લોકો આ માટે લાયક ન હતા તેમને આપવામાં આવેલા લાભો પાછા લેવા જોઈએ, જે ખોટું થયું છે તેને વાજબી ઠેરવી શકાય નહીં."

"આ બધાનો ભાર આપણા સામાન્ય લોકો પર પડશે. જો યોગ્ય લાભાર્થીઓને તે મળે છે, તો તેને એક યોજના તરીકે સમજી શકાય છે. પરંતુ ખોટા લોકોએ તેનો લાભ લીધો છે. તેથી, સરકારનો આગામી વિકલ્પ પૈસા વસૂલવાનો છે. મંત્રી કહે છે કે પૈસા વસૂલવામાં આવશે નહીં, જે બંધારણીય નથી અને કોઈપણ નિયમ સાથે સુસંગત નથી."

'પૈસા પરત મેળવો'

લાડલી બહન યોજના, પુરુષો, કૌભાંડ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી

ખોબરાગડે આગળ કહે છે, "આવી યોજનાઓ બંધારણના ભાગ ચારની કેટલીક કલમો અંતર્ગત બનાવવામાં આવે છે. જેમ યોજનાઓ બનાવવી એ સરકારનો ભાગ છે, તેમ તેનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરવી પણ સરકારનું કામ છે."

"તેથી, જો આવી યોજના અયોગ્ય હોય તો પણ, તે લાગુ કરતી સરકાર યોજનાનો જે ખોટી રીતે લાભ લે છે એના જેટલી જ જવાબદાર છે."

"હવે તમે જાણો છો કે તિજોરી પર દબાણ છે અને તેથી જ તમે આ રીતે વિચારી રહ્યા છો. કોઈએ મુખ્ય મંત્રી અને વિભાગના નિર્ણય લેનારા અધિકારીઓની જવાબદારીને અવગણવી ન જોઈએ."

ખોબરાગડે વધુમાં કહે છે કે, "જેમ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનામાં માપદંડો પૂરા ન કરનારાઓને લાભ આપવામાં આવશે નહીં, તેમ દરેક વ્યક્તિએ કહેવું જોઈએ કે તેઓ એવા લોકો પાસેથી પૈસા વસૂલ કરશે જેમણે પહેલાથી જ માપદંડોની બહાર રહીને લાભ મેળવ્યા છે. નહિંતર, આ બધા ગુમાવાયેલા પૈસા તેમની પાસેથી વસૂલ કરવા જોઈએ."

લાડલી બહન યોજના, પુરુષો, કૌભાંડ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી

આપેલા પૈસા પરત મેળવવા અંગે ખોબરાગડેએ વધુમાં કહ્યું, "ઘણા એવા લોકો છે જે આવી રીતે ઘણી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. સરકાર દ્વારા ઘણી યોજનાઓ લાગુ કરવામાં આવે છે, અને તે યોજનાઓમાં અયોગ્યતા જણાયા પછી, પૈસા વસૂલવામાં આવે છે."

વસૂલાત અંગે, ખોબરાગડે આગળ કહે છે, "પૈસા વસૂલવાના વિવિધ રસ્તાઓ છે. સરકાર પાસે ફક્ત તેને વસૂલવાની ઇચ્છાશક્તિ હોવી જોઈએ."

"જો પૈસા પરત નહીં થાય, તો લાભાર્થીને કોઈ લાભ આપવામાં આવશે નહીં. લાભાર્થીઓને બ્લૅકલિસ્ટ કરવામાં આવે છે. હવે, આ યોજના સરકારે રજૂ કરી છે, તેથી સરકારને પણ ફાયદો થયો છે. તેથી હવે મને લાગે છે કે સરકાર આ લોકોને નારાજ કરશે નહીં."

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાં, મહાયુતિ સરકારે 'લાડકી બહિન' યોજના માટે 6 મહિનામાં લગભગ 17 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કર્યું હતું.

ઉપરાંત, નવી ચૂંટણી પછી, મહાયુતિ સરકારે પૂરક માંગ મુજબ ફરીથી વર્ષ 2024-25 માટે આ યોજના માટે કુલ 35 હજાર કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ કરી.

આ યોજના પર અત્યાર સુધીમાં હજારો કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. આ બધા પૈસા સામાન્ય લોકોના છે.

જોકે, સામાન્ય લોકોનું કહેવું છે કે યોગ્ય આયોજન અને નીતિના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન