You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑપરેશન સિંદૂર રોકવા મામલે નરેન્દ્ર મોદીએ લોકસભામાં શું જણાવ્યું, નવ મેની રાત્રે શું થયું હતું?
ઑપરેશન સિંદૂર દરમ્યાન નવ મેની રાત્રે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વૅન્સ સાથે ફોન પર શું વાત થઈ, તેનો ઉલ્લેખ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કર્યો.
તેમણે કહ્યું કે, "નવ મેની રાત્રે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ એક કલાકથી વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પછી મેં તેમને ફોન કર્યો કે તમારો ત્રણ-ચાર વખત ફોન આવ્યો હતો."
"અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ ફોન પર કહ્યું કે, પાકિસ્તાન બહુ મોટો હુમલો કરવાનું છે."
"મારો જવાબ હતો, જો પાકિસ્તાનનો આ ઇરાદો છે તો એને બહુ મોંઘો પડશે. અમે મોટો હુમલો કરીને જવાબ આપીશું. અમે ગોળીનો જવાબ ગોળાથી આપીશું. નવ-મેના રાત્રીના રોજ અને દસ તારીખ સવારે સૈન્ય શકિતને બરબાદ કરી નાખી હતી."
લોકસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "અમને ગર્વ છે કે આતંકવાદીઓને અમે સજા આપી છે. પહલગામ હુમલા બાદ પાકિસ્તાની સેનાને અંદાજો લાગી ચૂક્યો હતો કે ભારત કોઈ મોટી કાર્યવાહી કરશે."
"એમની તરફથી ન્યૂકિલઅર ધમકીઓનાં નિવેદનો પણ આવવાં લાગ્યાં હતાં. તારીખ-6 મે અને સાત મેની સવારે કાર્યવાહી કરી અને પાકિસ્તાન કશું ન કરી શક્યું. 22 મિનિટમાં 22 એપ્રિલનો બદલો નિર્ધારિત લક્ષ્ય સાથે આપણી સેનાએ લીધો હતો."
મોદીએ કહ્યું કે, "પહેલીવાર ભારતની રણનીતિ બની કે પાકિસ્તાનના ખૂણે-ખૂણેમાંથી આતંકી અડ્ડાને નષ્ટ કરવામાં આવ્યાં. અમારી સેનાએ આતંકી અડ્ડાઓને તબાહ કરી નાખ્યા. પાકિસ્તાનની ન્યૂકિલઅર ધમકીઓને અમે ખોટી સાબિત કરી. ભારતે સિદ્ધ કરી દીધું કે ન્યુકિલઅર બ્લૅકમેઇલિંગ હવે નહીં ચાલે અને ન્યૂકિલઅર બ્લૅકમેઇલીંગ સામે નહીં ઝૂકે."
મોદીએ કહ્યું હતું કે, "ભારતે આ યુદ્ધમાં પોતાની તકનીકી ક્ષમતા બતાવીને પાકિસ્તાન પર સટીક હુમલો કર્યો. પાકિસ્તાનના ઍરબેઝને ભારે નુકસાન થયું. હજુ સુધી તેમનાં ઍરબેઝ આઈસીયુમાં પડ્યાં છે. આજે ટેકનૉલૉજી આધારિત યુદ્ધનો સમય છે. ઑપરેશન સિંદૂર આ રીતે પણ સફળ થયું છે. જો છેલ્લાં દસ વર્ષમાં તૈયારી કરી એ ન કરી હોત તો કેટલું નુકસાન થયું તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "ઑપરેશન સિંદૂર દરમિયાન પહેલીવાર એવું બન્યું કે આત્મનિર્ભર ભારતની તાકાતને દુનિયાને ઓળખી. પાકિસ્તાનનાં હથિયારોની પોલ ખોલી નાખી. ત્રણેય સેનાએ સાથે મળીને પાકિસ્તાના છક્કા છોડાવી દીધા."
ઑપરેશન રોકવા અંગે નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આજે પાકિસ્તાન જાણી ગયું છે કે ભારતનો દરેક જવાબ પહેલાંથી વધારે મજબૂત હોય છે. તેને એ પણ ખબર છે કે ભવિષ્યમાં વારો આવ્યો તો ભારત આગળ કંઈ પણ કરી શકે છે."
વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 'દુનિયાના કોઈ પણ નેતાએ ભારતને ઑપરેશન રોકવા માટે નથી કહ્યું.'
આની પર વિપક્ષ તરફથી જોરદાર હંગામો શરૂ થઈ ગયો.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "લોકશાહીના આ મંદિરમાં હું ફરીથી કહેવા માગું છું કે ઑપરેશન સિંદૂર ચાલુ છે. પાકિસ્તાને જો દુ:સાહસ કરવાનો પ્રયત્ન કર્યો તો તેને કડક જવાબ મળશે."
તેમણે કૉંગ્રેસ પર મુદ્દો માટે પાકિસ્તાન પર નિર્ભર રહેવાનો આરોપ લગાવ્યો. ત્યાર બાદ એક વખત ફરી વિપક્ષી બૅન્ચ તરફ સાંસદ ઊભા થઈને હંગામો કરવા લાગ્યા.
લોકસભામાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને શું પડકાર આપ્યો?
લોકસભામાં ઑપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ પહલગામ હુમલામાં સરકાર પાસે રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ હોવાનો આરોપ મૂક્યો હતો અને સંસદમાં ઑપરેશન સિંદૂર મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપીને રાજકીય ઇચ્છાશક્તિના અભાવને કારણે 'ઑપરેશન સિંદૂર'માં સરકાર સેનાને છૂટ આપવામાં ઊણી ઊતરી હોવાની વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "વિદેશ મંત્રીએ કહ્યું કે, બધા દેશોએ આતંકવાદની નિંદા કરી છે. પણ પહેલગામ બાદ એક પણ દેશે પાકિસ્તાનની નિંદા કરી નથી. વિદેશમંત્રી કહે છે કે, અમે પાકિસ્તાનને રોકી રાખ્યું છે પણ પાકિસ્તાનના સેના પ્રમુખ ટ્રમ્પની સાથે લંચ કરી રહ્યા છે."
"રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલગામ બાદ આતંકવાદની નિંદા થઈ છે, પાકિસ્તાનની નિંદા થઈ નથી. તમામ પ્રોટોકલ તોડીને જનરલ મુનિર ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા."
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, "ઑપરેશન સિંદૂર દરમિયાન કેન્દ્રની મોદી સરકારમાં પાકિસ્તાન સામે લડવાની ઇચ્છા શક્તિ નથી. એમણે આરોપ લગાવ્યો કે ઑપરેશન સિંદૂર શરૂ થયું એ રાતે જ અડધી કલાકમાં સરકારે સીઝફાયર કરી દીધું હતું."
રાહુલ ગાંધીએ કહ્યું કે, "આમ કરીને સરકારે વાયુસેનાના હાથ-પગ બાંધી દીધા હતા."
"1971ના યુદ્ધમાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ અમેરિકાની પરવા કરી ન હતી અને રાજકીય ઇચ્છાશક્તિ બતાવતા સેનાને આગળ વધવાનો નિર્દેશ કર્યો હતો. પરિણામે એક લાખ પાકિસ્તાની સૈનિકોએ સરેન્ડર કર્યું હતું અને બાંગ્લાદેશની રચના થઈ હતી. આપણે એવા વડા પ્રધાનની જરૂર છે જે સેનાને ખુલ્લી છૂટ આપી શકે."
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે, "જો વડા પ્રધાન મોદીમાં ઇન્દિરા ગાંધીથી અડધું પણ સાહસ હોય તો એમણે સસંદમાં કહેવું જોઈએ કે, યુદ્ધવિરામ ટ્રમ્પે નથી કરાવ્યો, ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે."
રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવ્યાનો 29 વાર દાવો કર્યો છે. જો આ ખોટું હોય તો વડા પ્રધાન સંસદમાં કહેવું જોઈએ કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે."
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
લોકસભામાં 'ઑપરેશન સિંદૂર' પર ચર્ચા દરમ્યાન કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ પહલગામ હુમલામાં સુરક્ષામાં ચૂક મામલે સરકાર પર નિશાન તાક્યું હતું.
તેમણે કહ્યું કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના કાલના લાંબા ભાષણમાં એક વાત છૂટી ગઈ કે બેસરન ખીણ પર્યટકસ્થળ પર સુરક્ષા વ્યવસ્થા કેમ નહોતી.
તેમણે સરકારને સવાલ પૂછ્યો કે, "પહલગામ હુમલા પછી ગૃહમંત્રી અથવા ખુફિયા વિભાગની કોઈ વ્યક્તિએ રાજીનામું કેમ નથી આપ્યું."
વાયનાડનાં કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "કેટલાક સમય પહેલાં સરકાર કહી રહી હતી કે કાશ્મીરમાં શાંતિ છે, ત્યાં અમન-ચેન છે, શાંતિનું વાતાવરણ છે, કાશ્મીર ચાલો, ફરવો આવો. શુભમ દ્વિવેદીનાં છ મહિના પહેલાં લગ્ન થયાં હતા તેઓ કાશ્મીરની બેસરન ખીણ પહોંચ્યા હતા."
પહલગામ હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં શુભમ દ્વિવેદી પણ એક હતા, જેમને તેમનાં પત્ની સામે જ ચરમપંથીઓએ મારી નાખ્યા.
22 એપ્રિલના જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બેસરન ખીણમાં એક ચરમપંથી હુમલો થયો હતો, આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં છે. મરનારાઓમાં 25 પર્યટકો હતા અને એક સ્થાનિક યુવક હતો.
પ્રિયંકા ગાંધીએ સરકારને પૂછ્યું કે, સિક્યૉરિટી કેમ નહોતી. ત્યાં એક પણ સૈનિક કેમ નહોતો દેખાયો. શું સરકારને નહોતી ખબર કે દરરોજ ત્યાં હજાર-1,500 પર્યટકો આવે છે. શું ખબર નહોતી કે ત્યાં પહોંચવા માટે જંગલમાંથી પસાર થવું પડે છે, જો કંઈ થાય તો લોકો શું કરશે."
તેમણે કહ્યું કે, "ચિકિત્સક અથવા ફર્સ્ટ એડની વ્યવસ્થા નહોતી. ન સુરક્ષાની વ્યવસ્થા હતી. આ લોકો ત્યાં સરકારના ભરોસે ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડી દીધા."
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "મારાં માતાના આંસુની વાત થઈ. મારાં માતાના આંસુ ત્યારે પડ્યા જ્યારે તેમના પતિને આતંકવાદીઓએ શહીદ કરી નાખ્યા. તેઓ ત્યારે માત્ર 44 વર્ષનાં હતાં. આજે જો હું આ સદનમાં ઊભી છું અને એ 26 લોકોની વાત કરી રહી છું તો એટલે કહી રહી છું કારણ કે હું તેમનો દર્દ જાણું છું, અનુભવી શકું છું. "
"વડા પ્રધાન મોદીએ જવાબદારી લેવી જોઈએ"- પ્રિયંકા ગાંધી
તેમણે આગળ કહ્યું કે, "મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ અને દેશના ગૃહમંત્રીએ જવાબદારી લઈને રાજીનામું આપ્યું હતું. જનતા પ્રત્યે જવાબદારી હતી. આ દેશની જમીન માટે જવાબદારી હતી. ગૃહમંત્રી અમિત શાહના નાક નીચે સંપૂર્ણ મણિપુર સળગ્યું, દિલ્હીમાં તોફાનો થયાं અને પહલગામમાં હુમલા થયા છતાં તે પોતાના પદ પર બેઠા છે, કેમ?"
"સત્તા પક્ષે 2008ના મુંબઈ હુમલાની વારંવાર વાત કરી અને કહ્યું કે મનમોહનસિંહની સરકારે કશું કર્યું નથી. એટલી તો જાણકારી હશે ને કે તે સમયે જ્યારે આંકવાદી હુમલો ચાલી રહ્યો હતો ત્યારે જ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. એક બચ્યો હતો તેને પણ 2012માં ફાંસી આપવામાં આવી હતી."
"આ ઑપરેશન સિંદૂરનો શ્રેય આપણા વડા પ્રધાનજી લેવા માગે છે. યોગ્ય છે શ્રેય લઈ પણ લે. ઑલિમ્પિકમાં આપણો મેડલ આવે છે તો તેનો શ્રેય પણ લે છે. માત્ર શ્રેય લેવાથી નેતૃત્વ નથી થતું, જવાબદારી પણ લેવી પડે છે."
'પહલગામ હુમલાના ત્રણેય આતંકવાદીઓને ઠાર મરાયા છે', અમિત શાહે તેમની ઓળખ વિશે શું કહ્યું?
લોકસભામાં પહલગામ હુમલા અને ઑપરેશન સિંદૂર પર ચર્ચાનો મંગળવારે બીજો દિવસ છે. આ ચર્ચાની શરૂઆત ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. ચર્ચાની શરૂઆતમાં જ ગૃહમંત્રીએ સદનમાં ઘોષણા કરી કે પહલગામના હુમલામાં સામેલ ત્રણ ચરમપંથીઓને સુરક્ષાદળોએ 'ઑપરેશન મહાદેવ' અંતર્ગત ઠાર માર્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે ચર્ચાની શરૂઆતમાં સદનમાં કહ્યુ, "પહલગામમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી. ધર્મ પૂછીને તેમના પરિવારની સામે મારવામાં આવ્યા. બર્બરતાથી તેમની સાથે આમ કરવામાં આવ્યું. તેની હું ઘોર નિંદા કરું છું."
'ઑપરેશન સિંદૂર' પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે સ્વાભાવિક છે કે આ પ્રકારની નૃશંસ ઘટના પર ચર્ચા અને ચિંતન આવશ્યક છે. સાથે આ પ્રકારની ઘટના બીજી વખત ન થાય તેની વ્યવસ્થાની ચિંતા પણ થવી જોઈએ.
આ દરમિયાન તેમણે 'ઑપરેશન મહાદેવ'નો પણ ઉલ્લેખ કર્યો. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે તેઓ 'ઑપરેશન મહાદેવ'ની પણ જાણકારી આપવા માગે છે.
આ વિશે જાણકારી આપતાં તેમણે કહ્યું, "કાલે ઑપરેશન મહાદેવમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ જટ, અફઘાન અને જિબ્રાન નામના આતંકવાદીઓને સેના, સીઆરપીએફ અને પોલીસના સંયુક્ત અભિયાનમાં ઠાર મારવામાં આવ્યા છે. સુલેમાન લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો. જે પહેલગામ તથા ગગનહીર હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ લશ્કર-એ-તૈયબાનો 'એ' ગ્રેડના આતંકી હતા."
"બેસરન ખીણના હુમલામાં આ ત્રણેય આતંકવાદી સામેલ હતા. અને ત્રણેયને મારી નાખવામાં આવ્યા છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને ઘણો સાધૂવાદ આપવા માગુ છું. ત્રણેય આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે."
કેવી રીતે આ ઑપરેશન પાર પાડ્યું?
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં પહલગામ હુમલા બાદ ચરમપંથીઓની ધરપકડ માટે થયેલી સમગ્ર કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપી હતી.
તેમણે કહ્યું, "ઑપરેશન મહાદેવની શરૂઆત 22 મે 2025ના રોજ થઈ હતી. પહલગામમાં જે દિવસે હત્યા થઈ, એ જ રાત્રે જમ્મુ-કાશ્મીરમાં એક સુરક્ષા બેઠક યોજાઈ હતી."
તેમના જણાવ્યા પ્રમાણે એક વાગ્યે હુમલો થયો અને તેઓ સાડા પાંચ વાગ્યે શ્રીનગરમાં પહોંચી ગયા હતા. 23 એપ્રિલે એક સુરક્ષા બેઠક યોજાઈ હતી. સૌથી પહેલા એમાં નિર્ણય લેવાયો કે જે ક્રૂર હત્યારા છે, તેઓ દેશ છોડીને ન ભાગી શકે.
"22 મેના રોજ IB પાસે એક ગુપ્તચરની માહિતી આવી, જેમાં ઢાંચીગામ વિસ્તારમાં ની હાજરીની જાણકારી મળી. મે થી 22 જુલાઈ સુધી આ માહિતીની પુષ્ટિ કરવા સતત પ્રયાસો કરવામાં આવ્યા."
તેમણે ઑપરેશન વિશે વધુમાં જાણકારી આપતાં કહ્યું કે "કુલ મળીને ગઈકાલે જે ઑપરેશન થયું તેમાં અમારા નિર્દોષ લોકોને મારનાર ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા."
"આ તો માત્ર આશંકા હતી કે તેમણે ઘટના અંજામ આપી, પરંતુ NIAએ પહેલાથી જ તેમને આશરો આપનારાઓને, ખોરાક પહોંચાડનારાઓને પકડી લીધા હતા."
"અમે કોઈ ઉતાવળ નથી કરી. અમે આતંકી ઘટનાસ્થળેથી જે કારતૂસ મળ્યા તેનો FSL રિપોર્ટ પહેલેથી તૈયાર રાખ્યો હતો. ગઈકાલે જ્યારે આ ત્રણ આતંકવાદી માર્યા ગયા, તેમની ત્રણ રાઇફલો મળી, જે કારતૂસ મળ્યા તે આ રાઇફલોના જ હતા."
(વિપક્ષના હોબાળા બાદ) "હું તો અપેક્ષા રાખતો હતો કે જ્યારે આ માહિતી સાંભળશો ત્યારે પક્ષ-વિપક્ષમાં આનંદની લહેર દોડશે, પણ તેમના ચહેરા પર તો નિરાશા છવાઈ ગઈ. આતંકવાદી માર્યા ગયા, તમને તેનો પણ આનંદ નથી. તમે આતંકવાદીઓનો ધર્મ જોઈને દુઃખી ન થાઓ."
"1055 લોકો પાસેથી 3000 કલાકથી વધુ સમયની પૂછપરછ કરવામાં આવી. તેના આધારે સ્કેચ તૈયાર કરવામાં આવ્યો."
"શોધખોળ દરમિયાન એ બે લોકોની ઓળખ થઈ, જેમણે આતંકવાદીઓને રહેવાની જગ્યા આપી હતી. તેમને ધરપકડ કરવામાં આવી છે. તેઓ હાલમાં કસ્ટડીમાં છે."
ચિદંબરમના નિવેદન વિશે અમિત શાહે શું કહ્યું?
કૉંગ્રેસ નેતા પી. ચિદંબરમે પહલગામ હુમલા પરના નિવેદન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ચિદંબરમે એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે 'ભારતે ફરી પાકિસ્તાન પર હુમલો કેમ કર્યો?'
'ઑપરેશન સિંદૂર' પર સંસદમાં ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું, "દેશના પૂર્વ ગૃહમંત્રી ચિદંબરમે પ્રશ્ન ઉઠાવ્યો કે શું પુરાવા છે કે આ આતંકવાદી પાકિસ્તાનમાંથી આવ્યા? આ પ્રશ્ન ત્યારે ઉઠાવવામાં આવ્યો જ્યારે સંસદમાં ચર્ચા થવાની હતી. ચિદંબરમ સાહેબ શું કહેવા માંગે છે? કોને બચાવવા માંગે છે? પાકિસ્તાનને બચાવીને તમને શું મળશે?"
તેમણે કહ્યું, "હું ચિદંબરમ સાહેબને કહેવા માંગું છું કે અમારા પાસે પુરાવા છે, અને હું એ પુરાવા પણ સંસદમાં રજૂ કરવા માંગું છું કે આ ત્રણેય આતંકવાદી પાકિસ્તાની હતા. ત્રણમાંથી બેના પાકિસ્તાનના મતદાર નંબર પણ અમારી પાસે ઉપલબ્ધ છે. અમારી પાસે રાઇફલો પણ છે. તેમના પાસે જે ચૉકલેટ હતી, એ પણ પાકિસ્તાનમાં બનેલી હતી."
અમિત શાહે વધુમાં કહ્યું, "તેમને કહેવું છે કે આ પાકિસ્તાની નહોતા, તો એનો અર્થ થાય છે કે દેશના પૂર્વ ગૃહમંત્રી સમગ્ર વિશ્વ સામે પાકિસ્તાનને ક્લીન ચિટ આપી રહ્યા છે. તેઓ કહે છે કે આતંકવાદી પાકિસ્તાની નહોતા, તો પછી પાકિસ્તાન પર હુમલો કેમ કર્યો?"
"સમગ્ર વિશ્વમાં આપણા સંસદ સભ્યો ગયા હતા અને સ્વીકાર્યું હતું કે હુમલો પાકિસ્તાન દ્વારા થયો હતો. અને આ દેશના પૂર્વ ગૃહમંત્રી કહે છે કે શું પુરાવા છે?"
કૉંગ્રેસ નેતા પી. ચિદંબરમે 'ધ ક્વિંટ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,"પહલગામમાં હુમલો કરનાર આતંકવાદી ક્યાંથી આવ્યા, તેનો કોઈ પુરાવો નથી."
ઇન્ટરવ્યૂ દરમિયાન ચિદંબરમને સવાલ કર્યો છે કે 'આપના હિસાબે સરકાર શું છુપાવવાની કોશિશ કરી રહી છે.'
તેના પર જવાબ આપતા ચિદંબરમ કહે છે, "આ એક અનુમાન છે, મારા હિસાબે તેઓ એ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે અને સીડીએસે પણ ઇશારો કર્યો છે કે 'અમે સામરિક ભૂલો કરી, અમે તેના પર ફરીથી રણનીતિ બનાવી.' તો કઈ સામરિક ભૂલો કરી આપણે? અને અમે ફરી કઈ રણનીતિ બનાવી? આ સવાલો પર જવાબ દેવામાં સક્ષમ નથી અથવા તો જવાબ આપવા નથી માગતી."
"બીજું એ કે આ લોકો એનઆઈએનો રિપોર્ટ જાહેર નથી કરવા માગતા, આ એજન્સીએ કઈ તપાસ કરી, શું એજન્સી આતંકવાદીઓની ઓળખ કરી શકી કે તેઓ ક્યાંથી આવ્યા હતા? મારો કહેવાનો અર્થ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે તેઓ આપણા ઘરમાં તૈયાર થયા આતંકવાદી પણ હોઈ શકે છે. તમે એવું કઈ રીતે માનો છો કે તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? તેના કોઈ પુરાવા નથી. આ લોકો નુકસાનને પણ છુપાવી રહ્યા છે."
ચિદંબરમે કહ્યું, "મેં લખેલી એક કટારમાં પણ જણાવ્યું કે યુદ્ધમાં બંને તરફ નુકસાન થાય છે. હું સમજ્યો છું કે ભારતને પણ નુકસાન થયું હશે. તેને જણાવો."
ચિદંબરમના આ નિવેદન પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, "જ્યારે-જ્યારે આતંકવાદ અને પાકિસ્તાનની વાત આવે છે ત્યારે પાકિસ્તાન પણ પોતાનો બચાવ નથી કરતું એટલું કૉંગ્રેસ કરે છે."
સોમવારે ચર્ચામાં શું થયું?
રાજનાથસિંહે શું કહ્યું?
સોમવારે લોકસભામાં સંસદના ચોમાસું સત્ર દરમિયાન પહલગામ હુમલા અને 'ઑપરેશન સિંદૂર' પર ચર્ચા થઈ હતી.
આ ચર્ચાની શરૂઆત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી હતી. આ ચર્ચા દરમિયાન રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાનને જે ગેરસમજ હતી, તેને 'ઑપરેશન સિંદૂરે' દૂર કરી દીધી હતી.
આ પહેલાં વિપક્ષના વિરોધ અને લોકસભામાં બિહારમાં એસઆઈઆર પર ચર્ચાની માગને લઈને હંગામાને કારણે વચ્ચે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડી હતી.
કૉંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ શું કહ્યું?
કૉંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે સરકાર પહલગામ હુમલા અને 'ઑપરેશન સિંદૂર' પર ચર્ચા કરાવવા નથી માગતી અને તેનું સત્ય દેશ સમક્ષ મૂકવા નથી માગતી.
ઑપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે જેમાં કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ સરકારને ભારતીય વાયુસેનાનાં કેટલાં વિમાન તૂટ્યાં એ વિશે પ્રશ્નો કર્યા હતા.
તેમણે કહ્યું કે, "અમે સરકારના દુશ્મન નથી, અમે આતંકવાદની વિરુદ્ધ લડાઈમાં આજે પણ સરકારની સાથે છીએ, પરંતુ સત્ય સામે આવવું જોઈએ. અમને આશા હતી કે ગૃહમંત્રી નૈતિક જવાબદારી લેશે અને વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) આખી ઘટનાની જાણકારી આપશે.
અમે બધા એક થયા અને વડા પ્રધાન મોદીને સંપૂર્ણ સમર્થન આપ્યું. આખો દેશ વડા પ્રધાન મોદીજી સાથે હતો પરંતુ 10 મેના સૂચના આવી કે સીઝફાયર થઈ ગયો. શું થયું? પહેલાં 21 ટાર્ગેટ ચૂંટાયા અને પછી નવ કેમ થયા?
પાકિસ્તાન જો ખરેખર ઘૂંટણીયે પડવા તૈયાર હતું તો તમે કેમ રોકાયા, તમે કેમ ઝૂકી ગયા. કોની સામે તમે સરેન્ડર કર્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ 26 વખત કહી ચૂક્યા છે કે અમે લડાઈ રોકાવી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે પાંચ-છ જેટ તૂટ્યાં. તમે કહો કે કેટલાં જેટ તૂટ્યાં?"
વિદેશ મંત્રી એસ. જયશંકરે શું કહ્યું?
સંસદમાં ઑપરેશન સિંદૂર પર ચર્ચામાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે,"પહલગામ હુમલા બાદ એક સ્પષ્ટ, કડક, સાહસપૂર્ણ સંદેશ આપવો મહત્ત્વપૂર્ણ હતો. અમારી રેડલાઇનને પાર કરવામાં આવી હતી અને અમારે સ્પષ્ટ કરવું હતું કે આનાં ગંભીર પરિણામ હશે.
અમે પહેલા પગલારૂપે 23 એપ્રિલના સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીની બેઠક બોલાવી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે વર્ષ 1960ની સિંધુ જળ સંધિને તત્કાળ પ્રભાવથી ત્યાર સુધી રદ રાખવામાં આવે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ માટે પોતાનું સમર્થન નિશ્ચિત રૂપથી છોડી ન દે.
એ વાત એકદમ સ્પષ્ટ હતી કે સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીના પ્રારંભિક પગલા બાદ પહલગામ હુમલા પર ભારતની પ્રતિક્રિયા અહીં ન રોકાઈ.
રાજદ્વારી અને વિદેશ નીતિ સંદર્ભે અમારું કામ પહલગામ હુમલા વિશે દુનિયાને સાચી માહિતી આપવાની હતી.
અમે પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદના ઇતિહાસને દુનિયાની સામે લાવવાનો પ્રયાસ કર્યો.
અમે પાકિસ્તાનમાં આતંકવાદના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે કેવી રીતે આ (પહલગામ) હુમલો જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને નિશાન બનાવવા અને ભારતના લોકો વચ્ચે સાંપ્રદાયિક શત્રુતા ફેલાવવા માટે કરાયો હતો."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે તેમણે પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરતા સૈન્ય સંઘર્ષ રોક્યો હતો.
આ મામલે પરોક્ષ રીતે નિવેદન આપતાં જયશંકરે કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરમાં કોઈ મધ્યસ્થ નહોતું.
તેમણે કહ્યું, "સીઝફાયરની પહેલ પાકિસ્તાન તરફથી થઈ. પાકિસ્તાને સીઝફાયરની વિનંતી કરી. ક્વૉડ દેશોએ ઘટનાની નિંદા કરી. અમેરિકાથી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ થયું, આ અમારી ડિપ્લોમેસીનું પરિણામ છે. ફ્રાન્સ, જર્મની અને યુરોપિયન યુનિયને એક સ્ટેન્ડ લીધું, આ અમારી ડિપ્લોમસી છે."
ઓવૈસીએ શું કહ્યું?
એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ 'ઑપરેશન સિંદૂર' પર વિશેષ ચર્ચા દરમિયાન સવાલ ઉઠાવ્યો કે જ્યારે પહલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે "પાણી અને ખૂન એક સાથે નહીં વહી શકે" અને પાકિસ્તાન સામે ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા. તો 14 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે કેવી રીતે રમશે?
તેમણે કહ્યું, "જે વ્યક્તિઓને પહલગામમાં માર્યા હતા. પાકિસ્તાનથી ટ્રેડ બંધ છે. ત્યાંનાં પ્લેન અહીં નહીં આવી શકે, પાણીમાંથી જહાજ નહીં આવી શકે. તમારે આત્મસન્માન જેવું કંઈ છે કે નહીં, તમે શા માટે ક્રિકેટ રમવા માગો છો?"
તેમણે કહ્યું કે તેમનું જમીર ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમવાની પરવાનગી નથી આપતું.
તેમણે કહ્યું, "જ્યારે આપણે પાણી નથી આપી રહ્યાં અને તમે ક્રિકેટ મૅચ રમશો. મારું જમીર પરવાનગી નથી આપતું કે હું એ મૅચ જોઉં."
કૉંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડાએ શું કહ્યું?
લોકસભામાં સોમવારે ચર્ચા દરમિયાન રોહતકના કૉંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાએ વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા.
તેમણે સવાલ પૂછ્યા કે અમેરિકાના રાષ્ટ્રપતિ વારંવાર કેમ કહે છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવડાવ્યું.
તેમણે કહ્યું, "તમે નક્કી નથી કરી શકતા કે અમેરિકા સાથે હાથ મિલાવવાના છે કે આંખ દેખાડવાની છે. ક્યાં તો ડોનાલ્ડનું મોં બંધ કરાવો અથવા તો ભારતમાં મૅકડૉનાલ્ડ્સ બંધ કરાવો. ભારત એક મહાશક્તિ છે. અમેરિકાને પણ ખબર પડવી જોઈએ કે ભારત અને પાકિસ્તાનને એક જ ત્રાજવામાં નહીં તોલી શકાય."
તેમણે કહ્યું કે "ભારતના વડા પ્રધાન આ મામલે કેમ ચૂપ છે. ટ્રમ્પ 25 વખત દાવાઓ કરી ચૂક્યા છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવડાવ્યું. તે કોણ છે? તેમનું કામ નથી. વડા પ્રધાને એક વખત ટ્રમ્પના દાવાનો જવાબ નથી આપ્યો. વડા પ્રધાન શું બોલશે. કેવી રીતે જણાવશે કે ટ્રમ્પે પાકિસ્તાન સાથે સમજૂતી કરાવડાવી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન