You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ ઈવીએમને બ્લૅક બૉક્સ કેમ ગણાવ્યું?
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ઈવીએમને બ્લૅક બૉક્સ ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ઈવીએમની તપાસ કરવાની કોઈને મંજૂરી નથી.
તેમણે કહ્યું કે ભારતીય ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક મીડિયા રિપોર્ટ પર ટેગ કરીને લખ્યું, “જ્યારે સંસ્થા પાસે જવાબદારીનો અભાવ હોય ત્યારે લોકતંત્ર દેખાડો બનીને છેતરપિંડી તરફ વળી જાય છે.”
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે એલન મસ્કની પોસ્ટને પણ ટેગ કરી હતી જેમાં મસ્કે ઈવીએમને હટાવવાની સલાહ આપી હતી.
ઉત્તરાખંડ : રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઇવે પર અકસ્માત, 14 મુસાફરનાં મોત
આસિફ અલી, બીબીસી હિન્દી માટે, દહેરાદૂનથી
ગુરુગ્રામથી ઉત્તરાખંડ પ્રવાસ માટે જઈ રહેલા પર્યટકો સાથે શનિવારે એક દર્દનાક ઘટના ઘટી.
પ્રવાસીઓથી ભરેલી ટ્રાવેલર રુદ્રપ્રયાગ પાસે બદ્રીનાથ નેશનલ હાઇવે પર નિયંત્રણ ગુમાવીને લગભગ 300 મીટર નીચે વહી રહેલી અલકનંદા નદીના કિનારે પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટનામાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે અને 12 લોકો ઇજાગ્રસ્ત છે.
રુદ્રપ્રયાગ જિલ્લા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑફિસર નંદનસિંહ રજવારે જણાવ્યું, “ગુરુગ્રામથી તુંગનાથ-ચોપતા 26 લોકોની સવારી સાથે જઈ રહેલો એક ટેમ્પો ટ્રાવેલર શનિવારે સવારે સાડા અગિયાર વાગ્યે રુદ્રપ્રયાગ મુખ્યાલય પાસે દુર્ઘટનાગ્રસ્ત થયો હતો.”
તેમણે જણાવ્યું કે મોડી સાંજે 14 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ હતી, જેમાં ત્રણ લોકોની ઓળખાણ હજુ થઈ નથી.
“આ ઘટના રુદ્રપ્રયાગ જિલ્લા મુખ્યાલયથી લગભગ સાત કિલોમીટર દૂર આવેલી રૈતોલી નામની જગ્યા પાસે ઘટી હતી.”
“શુક્રવારે રાતે લગભગ 10 વાગ્યે દિલ્હીથી પ્રવાસીઓ ગાડીમાં સવાર થઈને ઉત્તરાખંડના ચોપતા જવા માટે રવાના થયા હતા.”
નંદનસિંહ રજવારે જણાવ્યું, “આ ઘટનાની જાણકારી મળતા જ એસડીઆરએફ, ડીડીઆરએફ, પોલીસ, જળ પોલીસ, હોમગાર્ડ અને સ્થાનીય લોકો રેસ્ક્યૂ માટે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.”
“ગાડી રસ્તાથી નજીક 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ કારણે 10 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત થયાં, જ્યારે 14 લોકોને રેસ્ક્યૂ કરીને રુદ્રપ્રયાગની જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.”
તેમણે જણાવ્યું કે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સાત લોકોને ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા. એમ્સ ઋષિકેશ પહોંચ્યા પછી બીજા બે લોકોનું મૃત્યુ થયું હતું.
મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ શનિવારે સાંજે એમ્સ ઋષિકેશ પહોંચીને ત્યાં દાખલ કરાયેલા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત પ્રવાસીઓની મુલાકાત કરી હતી અને ડૉક્ટરો પાસેથી જાણકારી મેળવી હતી.
મુખ્ય મંત્રી ધામીએ મૃતકોના પરિજનોને બે-બે લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાનો આદેશ આપ્યો હતો.
મુખ્ય મંત્રીએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 40 હજાર તથા સામાન્ય ઇજા થનાર લોકોને 10 હજારની આર્થિક મદદનું પણ એલાન કર્યું હતું.
ઈટાલી અને જર્મનીએ યુદ્ધ રોકવા માટે આપેલી રાષ્ટ્રપતિ પુતિનની શરતોને નકારી
ઈટાલી અને જર્મનીના નેતાઓએ યુક્રેન સાથે યુદ્ધ રોકવા માટે વ્લાદિમીર પુતિને આપેલા પ્રસ્તાવને નકાર્યો હતો. પુતિને યુદ્ધવિરામ માટે કેટલીક શરતો રાખી હતી.
રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવાની ચર્ચા માટે કેટલાક દેશનો પ્રતિનિધિઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં આયોજિત એક શિખર સંમેલનમાં પહોંચ્યા છે. આ દરમિયાન ઈટાલી અને જર્મનીના નેતાઓએ રશિયાના રાષ્ટ્રપતિએ યુદ્ધને રોકવા માટે રાખેલી શરતોને નકારી દીધી હતી.
ઈટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ રાષ્ટ્રપતિ પુતિનની યુદ્ધ રોકવાની યોજનાને પ્રોપગેન્ડા ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પુતિનની શરતોમાં યુક્રેનને જ યુક્રેનની બહાર જવા માટે કહેવામાં આવ્યું છે.
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પુતિનની શાંતિ યોજનાને “તાનાશાહી શાંતિ” કહીને નામંજૂર કરી હતી.
યુક્રેનમાં શાંતિ માટે આયોજિત બે દિવસના શિખર સંમેલન પહેલાં પુતિને યુદ્ધવિરામ માટે પોતાની શરતો જણાવી હતી.
પુતિને શુક્રવારે કહ્યું હતુ કે શાંતિવાર્તા માટે યુક્રેને દોનેત્સ્ક, લુહાંસ્ક, ખેરસોન અને ઝાપોરઝિયાથી પોતાના સૈનિકો હટાવવા પડશે. આ ઉપરાંત યુક્રેને નેટોમાં સામેલ થવાનું સપનું છોડવું પડશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના સેના અધ્યક્ષ એન્ડ્રી યરમકે બીબીસીને કહ્યું કે સ્વતંત્રતા, સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા પર કોઈ સમજૂતી થશે નહીં.
આ શિખર સંમેલનમાં 90થી વધારે દેશો અને વૈશ્વિક સંગઠનો ભાગ લઈ રહ્યા છે. યુક્રેનમાં મોટા પ્રમાણમાં થયેલાં આક્રમણો પછી યુક્રેન માટે આયોજિત આ સૌથી મોટું શિખર સંમેલન છે.