You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષમાં લેબનોનની સેના ક્યાં છે?
- લેેખક, કરીન તુર્બી
- પદ, બીબીસી સંવાદદાતા, બૈરુત
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે પેદા થયેલો હાલનો સંઘર્ષ એ બે દુશ્મનો વચ્ચેની એવી લડાઈ છે જે લગભગ ચાર દશકોથી ચાલે છે.
ઇઝરાયલનું કહેવું છે કે તે પાડોશી દેશ લેબનોનમાંથી હિઝબુલ્લાહના જોખમને ખતમ કરવા પ્રતિબદ્ધ છે. ત્યાં હિઝબુલ્લાહ પણ ઇઝરાયલી ઠેકાણાં પર હુમલા કરી રહ્યું છે.
છેલ્લા 11 મહિનાઓથી બંને વચ્ચે થઈ રહેલા હુમલાઓને કારણે તણાવ વધી ગયો છે.
જ્યારે વર્ષ 2006 બાદ લેબનોન પર પહેલી વખત ઇઝરાયલ જમીની કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે લોકો પૂછે છે કે આ સંઘર્ષમાં લેબનોનની સેના ક્યાં છે?
આ વિસ્તારમાં પેદા થયેલા આ સંઘર્ષનું કેવું ગંભીર પરિણામ આવી શકે છે તે જાણતા હોવા છતાં લેબનોનની સેનાએ તેને રોકવા માટે શું કર્યું?
લેબનોનની સુરક્ષા કોણ કરે છે?
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં લેબનોનની સેના ગાયબ દેખાઈ રહી છે.
જ્યારે અમેરિકા, બ્રિટન અને અન્ય દેશો દ્વારા જાહેર કરવામાં આવેલા ‘આતંકવાદી સંગઠન’ હિઝબુલ્લાહ આ સંઘર્ષના કેન્દ્રમાં છે.
સૈદ્ધાંતિક રીતે શત્રુ દેશ સાથેની લડાઈમાં સેના લડે છે અને ઇઝરાયલ તો ઔપચારિક રીતે લેબનોનનું દુશ્મન છે. પરંતુ લેબનોનની સેના પાસે આ પ્રકારના સંઘર્ષને રોકવા માટે જરૂરી હથિયાર અને ઉપકરણોની અછત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનાથી વિપરીત ઇઝરાયલી સેના આધુનિક હથિયારોથી સુસજ્જ છે.
નાણાકિય સહાયતા, આધુનિક હથિયારો અને પશ્ચિમી દેશોનું સમર્થન. આ ત્રણેય ઇઝરાયલની સાથે છે. ઉપરાંત ઉચ્ચપદો પર રહી ચૂકેલા ઘણા પૂર્વ અધિકારીઓની ટિપ્પણીઓથી એ ધારણા પણ બની છે કે અમેરિકા એ પ્રકારનું દબાણ ઊભું કરે છે કે કોઈ દેશ એવાં હથિયારો ન રાખે જેને કારણે ઇઝરાયલને ખતરો પેદા થાય.
લેબનોનની સેના એક આર્થિક સંકટમાં ડૂબી ગઈ હતી. વર્ષ 2020માં બૈરુતમાં એક ફર્ટિલાઇઝર વેયરહાઉસમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી.
ફંડના અભાવે લેબનોની સેના પ્રભાવિત થઈ અને તેને ઇંધણ જેવી પ્રાથમિક જરૂરતો માટે પણ ઝઝુમવું પડ્યું.
લેબનોનની સેનાને અમેરિકાનો સહયોગ
આ બધો મામલો પેચીદો એટલા માટે છે કારણકે અમેરિકા જે હિઝબુલ્લાહને પોતાનું દુશ્મન માને છે તે જ લેબનોનની સેનાને ફંડ આપનાર સૌથી મોટો દેશ છે.
કેટલાક સમય માટે લેબનોનના સૈનિકોને પગાર આપવામાં પણ અમેરિકાનું યોગદાન હતું. સૈનિકોને આ પગાર પણ નજીવો મળતો હતો.
હવે આ અમેરિકી મદદ વાહનો, સામાન અને કેટલાક વ્યક્તિ વિશેષને હથિયારો આપવા સુધી સીમિત કરી દેવામાં આવી છે.
કેટલાક વિશ્લેષકો ઇઝરાયલ સેના સામે પ્રભાવહીન બનેલી લેબનોનની સેનાને આ ક્ષેત્રની અન્ય સેના જેવી જ ગણાવે છે.
લેબનોનમાં સેના સાથે કામ કરી ચૂકેલા જનરલ મુનીર શહાદે કહે છે, “લેબનોની સેના અને કોઈ પણ આરબ દેશની સેના પાસે એ પ્રકારની ક્ષમતા નથી કે જેથી તેઓ ઇઝરાયલનો મુકાબલો કરી શકે. ઇઝરાયલ સેના સાથે ગેરીલા યુદ્ધ સિવાય તેમના માટે કોઈ પ્રકારની સીધી લડાઈ યોગ્ય નથી, જે પ્રકાર ગાઝામાં બન્યું હતું.”
લેબનાની સેનાના નિવૃત્ત જનરલ ખલીલ એલ હેલોઉ કહે છે, “લેબનોનની સેનાની ભૂમિકા આંતરિક સ્થિરતા બનાવી રાખવાની છે. કારણકે આજે લેબનોનની અંદર આંતરિક હાલત પણ નાજૂક છે. લગભગ પાંચ લાખ લેબનોની હિઝબુલ્લાહ સમર્થકો વિસ્થાપિત થઈને એ વિસ્તારમાં ગયા છે જ્યાં હિઝબુલ્લાહના વિરોધીઓ રહે છે. એટલે તણાવ વધવાની વાત છે. કદાચ આગળ જતા ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.”
ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહ માર્યા ગયા બાદ લેબનોનની સેનાએ આ પ્રકારના સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાતી વધારી છે.
લેબનોનની સેનાએ ગત રવિવારે એક નિવેદન જાહેર કરીને નાગરિકોને રાષ્ટ્રિય એકતા બનાવી રાખવાની અપીલ પણ કરી. તેણે એ વાત પર પણ જોર આપ્યું કે સેના દેશમાં શાંતિની કોશિશ કરી રહી છે.
શું લેબનોનની સેના ઇઝરાયલ સાથે લડે છે?
તો હાલના સંઘર્ષમાં લેબનોનની સેનાની કોઈ ભૂમિકા છે? તેનો જવાબ એ છે કે પ્રભાવી રૂપે નહીં.
સેનાએ હાલમાં જ ઘોષણા કરી હતી કે ઇઝરાયલી ડ્રૉનની ચપેટમાં એક બાઇક આવી અને આ હુમલામાં એક લેબનોની સૈનિકનું મૃત્યુ થયું.
આ સિવાય ભવિષ્યમાં જો કોઈ યુદ્ધવિરામ થાય તો તેનાથી દક્ષિણ વિસ્તારમાં સેનાની તહેનાતીની સંભાવના વધી જાય છે.
આ પ્રકારનો સંકેત લેબનોનના વડા પ્રધાને હાલમાં આપ્યો હતો.
જોકે, આ બધા તેના પોતાના પડકાર હશે. તેથી તેને વધુ સૈનિકોની જરૂર છે અને તે માટે પૈસાની પણ. આ પૈસા લેબનોન પાસે કે તેની સેના પાસે નથી.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)