You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરેન્દ્રનગર : ભાજપના સદસ્યતા અભિયાનમાં વિદ્યાર્થીઓની નોંધણીનો મામલો શું છે?
સમગ્ર ગુજરાતમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન 2024 ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તેના કારણે વિવાદ ઊભો થયો છે. તેની પાછળ છે જિલ્લાની એક શાળા.
હાલ તો ઘટનાની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે પરંતુ વિવાદ વધતા શાળાના શિક્ષકો અને અન્ય સ્ટાફ કંઈ પણ બોલવા તૈયાર નથી.
નોંધનીય છે કે ગુજરાતમાં સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે હાલ તો પ્રદેશ ભાજપના નેતાઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દરેક જિલ્લા અને તાલુકા સ્તરે આ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે.
પ્રથમ તબક્કો સપ્ટેમ્બર 2થી શરૂ થઈને સપ્ટેમ્બર 25 સુધી ચાલશે. બીજો તબક્કો 1 ઑક્ટોબરથી શરૂ થઈને 15 ઑક્ટોબર સુધી ચાલશે. પરંતુ સુરેન્દ્રનગરમાં ઊભો થયેલો આ વિવાદ શો છે?
શું છે સમગ્ર મામલો?
વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામની કુ. એમ. આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં થોડા દિવસો પહેલાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને શાળામાં મોબાઇલ ફોન લઈ આવવા માટે કહેવામાં આવ્યું હતું.
શાળામાં વિદ્યાર્થીઓની ભાજપના સભ્ય તરીકે નોંધણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સદસ્ય બન્યા બાદ નોંધણી નંબર સહિત કાર્ડનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો જેને કારણે આ વિવાદ ઊભો થયો.
બીબીસી સહયોગી સચીન પીઠવા અનુસાર શાળામાં મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી નથી પરંતુ વિદ્યાર્થીઓને મૅસેજ મોકલીને ઘરેથી મોબાઇલ ફોન લઈ આવવા માટે જણાવવામાં આવ્યું હતું. શાળાની સૂચના મુજબ વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન લઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સચીન પીઠવાના કહેવા પ્રમાણે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનવા માટે કહેવામાં આવ્યું હતું અને તેમની નોંધણી કરવામાં આવી હતી.
તેઓ વધુમાં જણાવે છે કે ધોરણ 9 અને 10ના વર્ગોમાં વિદ્યાર્થીઓને સભ્ય બનાવવામાં આવ્યા હોય તેની તસવીરો પણ શૅર કરવામાં આવી છે. આ શાળામાં ધોરણ 9થી 12ના વર્ગો ચાલે છે. આ ગ્રાન્ટેડ શાળામાં 200 વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે.
નામ ન આપવાની શરતે બીબીસીના સહયોગી સચીન પીઠવાને એક વાલીએ જણાવ્યું, "શાળામાં મોબાઇલ લઈ જવાની પરવાનગી નથી પરંતુ થોડા દિવસો પહેલાં જ્યારે અમને મૅસેજ મળ્યો કે દીકરાને મોબાઇલ સાથે મોકલજો તો આશ્ચર્ય થયું પરંતુ ત્યારે લાગ્યું કે કોઈ અગત્યનું કામ હશે. પાછળથી ખબર પડી કે મારા દીકરાને ભાજપનો સદસ્ય બનાવવામાં આવ્યો છે. મેં આ વિશે શાળાના શિક્ષકો સાથે પણ વાત કરી છે પરંતુ યોગ્ય જવાબ મળ્યો નથી."
સોમવારે શાળાના એક શિક્ષકનો ઑડિયો વાઇરલ થયો હતો. બીબીસી ગુજરાતી પાસે ઑડિયો ક્લિપ છે જેમાં શિક્ષકે જણાવે છે કે શાળાના આચાર્યની સૂચના મુજબ વિદ્યાર્થીઓને મોબાઇલ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓ એમ પણ કહે છે કે વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા છે પરંતુ કેટલા વિદ્યાર્થીઓને સભ્ય બનાવવામાં આવ્યાં છે તેની વિશે કોઈ માહિતી નથી.
વિવાદ વધતા જિલ્લા શિક્ષણ વિભાગે અણીન્દ્રા ગામની ઉચ્ચતર માધ્યમિક શાળાને નોટિસ આપી છે.
શિક્ષણ વિભાગના અધિકારી અરવિંદભાઇ ઓઝાએ બીબીસીને જણાવ્યું, ''અમે શાળા સંચાલકોને નોટિસ આપીને સમગ્ર મામલામાં ત્રણ દિવસમાં જવાબ આપવા હુકમ કર્યો છે. અમે આ મામલે એક ટીમ બનાવીને સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે જણાવ્યું છે. રિપોર્ટ આવે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.''
ઘટનાથી રાજકરણ ગરમાયું
સમગ્ર ઘટનાથી હાલ વઢવાણ તાલુકામાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે ભાજપ શાળાઓ પર દબાણ કરી રહી છે.
બીબીસી સાથે વાત કરતા આપના નેતા રાજુ કરપડા કહે છે, ''માત્ર અણીન્દ્રા ગામના શાળાની વાત નથી પરંતુ જિલ્લાની વધુ એક શાળામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં ધોરણ 4ના એક ગ્રૂપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે. આ લિંક શાળા દ્વારા ફોરવર્ડ કરવામાં આવી છે જે ચિંતાનો વિષય છે. ભાજપ પોતાના સદસ્યતા અભિયાનમાં લોકો જોડાય તે માટે કંઈ પણ કરી રહ્યું છે.''
કૉંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના સદસ્યતા અભિયાનમાં જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે પૂર્ણ ન થતાં શાળાઓનો ઉપયોગ થઈ રહ્યો છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મંત્રી રણજિતસિંહ ઝાલા કહે છે, ''બાળકોને રાજકારણમાં ન સામેલ કરવાં જોઈએ. આ નિંદનીય કૃત્ય છે. ભાજપએ સદસ્યતા અભિયાનનો પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આમ કર્યું છે. આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.''
વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણાએ ભાજપ દ્વારા શાળામાં સદસ્યતા અભિયાન ચલાવવાની વાતને ખોટી ગણાવી છે.
તેમણે જણાવ્યું હતું, ''અણીન્દ્રાની શાળામાં શિક્ષકોએ નોંધણી કરાવવા માટે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ મંગાવ્યા હતા. પક્ષનો એક પણ નેતા અથવા કાર્યકર્તા ક્યારેય પણ શાળામાં હાજર રહ્યો નથી અને આ સમગ્ર વાત જ ખોટી છે. જે બીજી શાળાની વાત કરવામાં આવી છે તે ખાનગી શાળા છે અને તે બાબતે સરકાર શું કરી શકે છે?''
શાળાનું શું કહેવું છે?
વિદ્યાર્થીઓને સભ્ય બનવાના વિવાદ વચ્ચે શાળાએ સમગ્ર આક્ષેપને ફગાવી દીધા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા શાળાના આચાર્ચ મુકેશ નીમાવત કહે છે, ''અમે વિદ્યાર્થીઓને મોબાઈલ લઈ આવવા માટે જણાવ્યું હતું પરંતુ તેની પાછળ કોઈ રાજકીય હેતુ ન હતો. ગુજરાત સરકારની ‘G-Shala’ નામની ઍપ્લિકેશન છે, જેમાં ઓનલાઇન ભણવા માટે અનેક સુવિધાઓ આપવામાં આવી છે. અમે વિદ્યાર્થીઓને આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી શકે તે માટે શાળામાં મોબાઇલ લઈ આવવા માટે જણાવ્યું હતું.''
શાળાના કેટલાક વિદ્યાર્થીઓના ભાજપના સભ્ય બન્યા હોય તેવી તસવીર સામે આવવા વિશે તેઓ કહે છે, ''માત્ર ત્રણ-ચાર વિદ્યાર્થીઓના ફોટા સહિત સદસ્યતા કાર્ડનો ફોટો વાયરલ થયો છે. મારી શાળામાં ધોરણ 9માં 60 વિદ્યાર્થીઓ છે અને ધોરણ 10માં 55 વિદ્યાર્થીઓ છે. જો ભાજપની સદસ્યતા અભિયાનમાં નોંધણી કરાવી હોત તો દરેક વિદ્યાર્થીની થઈ હોત.''
તેઓ વધુમાં જણાવે છે કે કોઈકે ટીખળ કરવા માટે વિદ્યાર્થીઓના નામે નોંધણી કરાવીને સોશિયલ મીડિયામાં મૅસેજ વાયરલ કરવામાં આવ્યો છે. એ વિદ્યાર્થીઓ શાળામાં જ અભ્યાસ કરે છે પરંતુ ભાજપના સદસ્ય કેમ બન્યા તે વિશે હું જાતે તપાસ કરાવીશ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન