વડોદરા : કાર પાર્ક કરવા ગયા અને જીવ ગુમાવવાનો વારો આવ્યો, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Hardik Dixit
વડોદરા શહેરમાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે જ્યાં ઊંડી ગટરમાં પડી જવાના કારણે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
પરિવારના સભ્યો અનુસાર જ્યાં ઘટના બની ત્યાં કોઈ બેરિકેડિંગ કે ચેતવણી બોર્ડ નહોતાં. મંગળવાર સાંજે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી.
મૃતક વિપુલસિહનાં પત્ની માધવીબા ઝાલાએ માંજલપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી અને કૉન્ટ્રેક્ટર અને મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
માંજલપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (54) મુજબ ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.
બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓનું પણ કહેવું છે કે તેઓ દોષિતો સામે પગલાં ભરશે.
શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Hardik Dixit
વડોદરાના માંજલપુર ગામમાં રહેતા વિપુલસિંહ ઝાલા પોતાના પરિવાર સાથે જમવા માટે માંજલપુર સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ વિસ્તારમાં ગયા હતા. તેઓ પોતાની કાર પાર્ક કરી રહ્યા હતા ત્યારે તેઓ 30 ફૂટ ઊંડી ગટરમાં પડી ગયા હતા.
વિપુલસિંહનાં પત્ની માધવીબાએ આ અંગે મંગળવાર સાંજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ વિપુલસિંહ પરિવારના સભ્યોને ઉતારીને કાર પાર્ક કરવા માટે ગયા હતા. દસ મિનિટ સુધી તેઓ પાછા ન ફરતાં મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતા તપાસ આદરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માધવીબાએ ફરિયાદમાં જણાવ્યું કે, "અમે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં પાણીની ટાંકીની મુખ્ય ગેટ પાસે આવેલા ગટરનું ઢાંકણું ખુલ્લું મળી આવ્યું હતું. અમે મોબાઇલની ટૉર્ચ ચાલુ કરીને જોયું તો મારા પતિનાં બૂટ તરતાં દેખાયાં હતાં. અમે તરત ફાયર બિગ્રેડ અને 108ને જાણ કરીને મદદ માંગી હતી."
"ફાયર બિગ્રેડની ટીમે 20-25 ફૂટ ઊંડી ગટરમાંથી મારા પતિને બહાર કાઢ્યા હતા. તેઓ બેભાન હતા, એટલે અમે તરત તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા."
પોતાની ફરિયાદમાં માધવીબાએ કૉન્ટ્રેક્ટર અને પાણી પુરવઠાના અધિકારીઓની બેદરકારીને વિપુલસિંહે જીવ ગુમાવ્યો વારો આવ્યો હોવાનું જણાવ્યું છે.
બીબીસી ગુજરાતી સહયોગી હાર્દિક દીક્ષિતે જણાવ્યું હતું કે, "જે જગ્યાએ ઘટના બની ત્યાં પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. રાત્રિના અંધકારમાં અહીંથી પસાર થઈ રહેલા વિપુલસિંહ ઝાલાને અંદાજ પણ નહોતો કે રસ્તા પર અહીં 30 ફૂટ ઊંડી ગટર ખુલ્લી છે. અંધારું હોવાના કારણે તેઓ સીધા ગટરમાં પડી ગયા હતા."
અહીં કોઈ સેફ્ટી બેરિકેડ હતી નહીં : સ્થાનિકો

ઇમેજ સ્રોત, Hardik Dixit
જે જગ્યાએ વિપુલસિંહનો જીવ ગયો ત્યાં વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામનો કૉન્ટ્રેક્ટ'ઇકૉ ફૅસિલિટી' નામની કંપનીને આપવામાં આવ્યો છે.
સ્થાનિકોના પ્રમાણે કોઈ બેરિકેડિંગ કરવામાં આવ્યું નહોતું. જ્યારે કામ ચાલતું હતું ત્યારે કોઈ પણ પ્રકારના સેફ્ટી બેરિકેડ કે 'કામ ચાલુ છે' તેવા પ્રકારનાં બોર્ડ મૂકવામાં આવ્યાં ન હતાં.
પરંતુ આ ઘટના બાદ તરત જ કૉન્ટ્રાક્ટરે રાતોરાત જાગીને ખુલ્લી ગટર પર ઢાંકણું ઢાંકી દીધું અને બેરિકેડિંગ કરી દીધું હતું.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સ્થાનિક ફાલ્ગુન સોરઠિયા કહે છે કે, "આ મહાનગરપાલિકા અને કૉન્ટેક્ટરની ગંભીર બેદરકારી છે. અહીં કોઈ પણ પ્રકારનું બોર્ડ અથવા બેરિકેડ મૂકવામાં આવ્યાં નહોતાં. તેમની બેદરકારીના કારણે એક પરિવારને તેમનો મોભી ગુમાવવાનો વારો આવ્યો છે."

ઇમેજ સ્રોત, Hardik Dixit
તેમણે દોષીઓ સામે કડક કાર્યવાહીની માગ કરતાં કહ્યું કે આ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવો જોઈએ જેથી દોષીઓને વહેલી તકે સજા મળે.
માંજલપુર ગામમાં રહેતા દશરથ મિસ્ત્રી પણ ફાલ્ગુનભાઈ સાથે સહમત છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "અહીં છેલ્લા છ મહિનાથી કામ ચાલી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી. સાંજે અહીં લાઇટ નથી હોતી. ઘટના બાદ કૉન્ટ્રેક્ટર દ્વારા તાત્કાલિક બેરિકેડ મૂકવામાં આવ્યાં છે. અહીં કામ ચાલે છે, પરંતુ મહાનગરપાલિકા તરફથી કોઈ જોવા માટે આવતું નથી."
વડોદરા મહાનગરપાલિકાનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Hardik Dixit
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમગ્ર મામલામાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે સમગ્ર કેસની તપાસ કર્યા બાદ જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "અમને માહિતી મળી કે એક વ્યક્તિ ગટરમાં પડી ગયો છે, એટલે ફાયરની ટીમ મોકલી હતી. ટીમ વ્યક્તિને હૉસ્પિટલ પણ લઈ ગઈ હતી. પાણી પુરવઠા વિભાગના જે કૉન્ટ્રેક્ટરે આ કામ કર્યું છે તેની વિગતો અમે મગાવી છે. તપાસ બાદ અમે દોષીઓ સામે કડક પગલાં લઈશું."
"પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યું છે કે કામ બાદ જે ગટરને ઢાંકવાનું કામ કરવામાં આવ્યું નહોતું, જેના કારણે આ ઘટના બની છે. જે એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હતું તેની સામે પણ પગલાં લેવા માટે સંબંધિત અધિકારીઓને કહેવામાં આવ્યું છે."
કમિશનરે સ્વીકાર્યું છે કે સાઇટ પર સેફ્ટી બેરિકેડિંગનો અભાવ હતો. આ મામલે હવે કૉન્ટ્રેક્ટર 'ઇકૉ ફૅસિલિટી' સામે કાર્યવાહી કરવામાં આવશે.
એટલું જ નહીં, જે અધિકારી પર સુપરવિઝનની જવાબદારી હતી, તેમની સામે પણ ખાતાકીય અને કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વડોદરા શહેર પોલીસના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પ્રણવ કટારિયાએ જણાવ્યું કે, "મૃતકનાં પત્નીએ કૉન્ટ્રેક્ટર અને અન્ય દોષીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને મહાનગરપાલિકાએ પણ પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેર સામે એક અરજી આપી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે."
બે વર્ષના બાળકનું ગટરમાં પડવાથી મોત

ઇમેજ સ્રોત, Shital Patel
ફેબ્રુઆરી 2025માં સુરતમાં શહેરમાં પણ આ પ્રકારની ઘટના બની હતી જ્યારે માતા સાથે જઈ રહેલા બે વર્ષના બાળકનું ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં માતા અને દીકરો બજાર જઈ રહ્યાં હતાં, તે સમયે રસ્તા પર ગટરના તૂટેલા ઢાંકણા પર પગ પડતાં જ બાળક સીધું ગટરમાં પડી ગયું હતું.
ઘટનાની જાણ થતા લોકોનું ટોળું એકઠું થયું હતું અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી.
બાળક ગટરમાં પડી ગયા બાદ ફાયરના જવાનોએ શોધખોળ શરૂ કરી હતી. સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને બાદમાં એનડીઆરએફ ટીમની મદદ પણ લેવી પડી હતી.
ભારે શોધખોળ કરતા 24 કલાક બાદ વરિયાવ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદાજે 35થી 40 ફૂટ ઊંડા કૂવામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
ચીફ ફાયર ઑફિસર વસંત પરીખે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "બાળકનું રૅસ્ક્યૂ કરતા ફાયર વિભાગની ટીમને 24 કલાક જેટલો સમય લાગ્યો હતો, ઑપરેશનમાં 70 જેટલા કર્મીઓ જોડાયા હતા. બાળકની શોધવા માટે ડ્રેનેજના કામદાર અને ફાયર કર્મચારીઓને સેફટી સાથે ગટરમાં ઉતારી કામગીરી કરાઈ હતી"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












