એશિયન ગેમ્સ: ભારતે કર્યું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, આજે કોણે ગોલ્ડ મેડલ જીત્યા?

એશિયન ગેમ્સ કબડ્ડી

ઇમેજ સ્રોત, India_AllSports/X

ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સનો આજે 14મો દિવસ છે અને એશિયન ગેમ્સ તેની સમાપ્તિ તરફ આગળ વધી રહી છે.

ભારતનો મેડલ જીતવાનો સિલસિલો શરૂ છે અને એ જ કડીમાં શનિવારે ભારતને વધુ બે ગોલ્ડ મેડલ મળ્યા છે.

ભારતનાં જ્યોતિ સુરેખા વેણ્ણમે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

જ્યોતિએ દક્ષિણ કોરિયાના ચાઈવાન સૉને હરાવીને ગોલ્ડ પોતાના નામે કર્યો છે. આ સિવાય તીરંદાજ અદિતિ સ્વામીએ પણ બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.

ભારતની મહિલા કબડ્ડી ટીમે પણ ચાઇનીઝ તાઇપેઈને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

અત્યાર સુધીમાં ભારતે 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રૉન્ઝ મળીને કુલ 100 મેડલ જીત્યા છે, જે એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

ચીન 187 ગોલ્ડ, 104 સિલ્વર અને 63 બ્રૉન્ઝ સાથે કુલ 354 મેડલ જીતીને મેડલ ટેલીમાં ટોચના સ્થાને છે.

પુરુષ હોકી ટીમે જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ

ઇમેજ સ્રોત, Reuters

ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં હૉકીની ફાઇનલ મૅચમાં ભારતીય પુરુષ ટીમે જાપાનને પાંચ-એકથી હરાવી દીધું છે.

આ સાથે જ પુરુષ હૉકી ટીમ પેરિસ ઑલિમ્પિક માટે પણ ક્વૉલિફાય કરવામાં સફળ રહી છે.

નોંધનીય છે કે ભારતીય પુરુષ હૉકી ટીમે એશિયન ગેમ્સમાં આ ચોથી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે.

અગાઉ વર્ષ 1966, 1998 અને 2014માંય ભારત હૉકીમાં ગોલ્ડ જીતી ચૂક્યું છે.

છેલ્લે એશિયન ગેમ્સમાં ભારતે દક્ષિણ કોરિયામાં પાકિસ્તાન સામે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

1958માં એશિયન ગેમ્સમાં જ્યારથી હૉકીની રમત સામે કરાઈ છે, ત્યારથી ભારત 15 મેડલ જીતી ચૂક્યું છે. તેમાં ત્રણ ગોલ્ડ, નવ સિલ્વર અને ત્રણ બ્રૉન્ઝ મેડલ સામેલ છે.

નીરજ ચોપરાને ગોલ્ડ

નીરજ ચોપરા

ઇમેજ સ્રોત, Getty Images

અગાઉ એશિયન ગેમ્સ 2023ના 11મા દિવસે આજે બુધવારે જૈવલિન થ્રો (ભાલાફેંક)માં ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે કિશોર જેના બીજા નંબરે રહ્યા અને તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો.

આ સ્પર્ધામાં પાકિસ્તાનના અરશદ નદીમ ઈજાના લીધે સામેલ નહોતા થઈ શક્યા.

ગત ઑગસ્ટમાં નીરજ ચોપરાએ ઍથ્લેટિક્સમાં વિશ્વ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતીય દોડવીર અવિનાશ સાબલેએ 5000 મીટરની મેન્સ રેસમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

એક ઑક્ટોબરે એશિયન ગેમ્સમાં જ સાબલેએ 3000 મીટરની સ્ટીપલચેઝ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો.

જાણો એશિયન ગેમ્સમાં ભારતનું પ્રદર્શન

પારુલ ચૌધરી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અગાઉ ભારતનાં અન્નુ રાનીને જેવલીન થ્રો (ભાલાફેંક)ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો છે.

સાથે જ પારુલ ચૌધરીને પણ એશિયન ગેમ્સની 5000 મીટર ઍથ્લેટિક્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે.

જ્યારે જાપાનનાં રિરિકા હિરોનકા બીજા સ્થાન પર રહ્યાં હતાં.

તદુપરાંત, પારુલ ચૌધરી એશિયન ગેમ્સની 3000 મીટર સ્ટીપલચૅઝ સ્પર્ધામાં રજતપદક પણ જીતી ચૂક્યાં છે.

આ ઉપરાંત ભારતના લવલીના બોરગોહેન એશિયન ગેમ્સમાં 75 કિલોગ્રામ વજન કૅટેગરીમાં બૉક્સિંગ સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચી ગયાં છે. આમ તેમણે રજતપદક પાક્કું કરી લીધું છે. આ પરાક્રમ નોંધાવનાર તેઓ પહેલા ભારતીય મહિલા બૉક્સર છે.

સાથે જ તેમણે પેરિસ 2024 ઑલિમ્પિક માટે પણ ક્વોલિફાઇ કરી લીધું છે.

ભારતનાં બૉક્સર પ્રીતિ પવારે 54 કિલોગ્રામ વજન કૅટેગરીમાં કાંસ્યપદક જીત્યો છે.

ક્રિકેટની વાત કરીએ તો ભારત નેપાળને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ મૅચમાં ભારતના કપ્તાન ઋતુરાજ ગાયકવાડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 203 રન કર્યાં જ્યારે નેપાળ 179 રન જ કરી શક્યું અને મૅચ હારી ગયું.

આ ઉપરાંત ભારતીય મહિલા હૉકી ટીમે હૉંગકૉંગને 13-0થી હરાવી દીધું. અત્યાર સુધી ટીમે ચાર લીગ મૅચ રમી છે જેમાં ત્રણમાં તેનો વિજય થયો થયો છે જ્યારે દક્ષિણ કોરિયા સામે મુકાબલો ડ્રૉ રહ્યો હતો.

અત્યાર સુધી હાંગઝો એશિયન ગેમ્સમાં ભારતે કુલ 13 ગોલ્ડ મેડલ સાથે કુલ 61 મેડલ જીત્યા છે.

ગોળાફેંકમાં ભારતને ગોલ્ડ

તેજિંદરપાલ સિંહ તૂર

ઇમેજ સ્રોત, Getty Images

એશિયન ગેમ્સનો આઠમો દિવસ (2જી ઑક્ટોબર) ભારત માટે અતિ મહત્ત્વનો સાબિત થયો છે. 2જી ઑક્ટોબરના રોજ ભારતને એક જ દિવસમાં ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા હતાં.

અવિનાશ સાબલેએ પુરુષોની 5 હજાર મીટર સ્ટીપલચેઝ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ એશિયન ગેમ્સમાં ટ્રેક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે.

ત્યારબાદ ગોળાફેંકની રમતમાં ભારતના તેજિન્દરપાલસિંહ તૂરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલાં તેમણે 2018ની જાકાર્તા એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એ પહેલા ટ્રેપ શૂટિંગમાં ભારતીય ટીમમાં સામેલ પૃથ્વીરાજ ટોન્ડઈમન, ક્યાનન ચેનાઈ અને જોરાવરસિંહ સંધુએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ આ રમતનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. આ ખેલાડીઓએ 361નો સ્કોર હાંસલ કર્યો હતો.

પૃથ્વીરાજ ટોન્ડઈમન, ક્યાનન ચેનાઈ અને જોરાવર સિંહ સંધુ

ઇમેજ સ્રોત, AnuragThakur/X

ટ્રેપ શૂટિંગની ટીમ ઇવેન્ટમાં મહિલાઓએ સિલ્વર મેડલ જીત્યો હતો.

મહિલા ટીમનાં સભ્યો રાજેશ્વરીકુમારી, મનીષા કીર અને પ્રીતિ રજકે મળીને 337 સ્કોર નોંધાવ્યો હતો.

જેમની પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી એ ભારતીય બૉક્સર નિખત ઝરીન સેમિફાઇનલમાં જ હારી જતા અપસેટ સર્જાયો છે.

ભારતે અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 19 બ્રૉન્ઝ સાથે કુલ 51 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે.

ચીન મેડલ જીતવામાં સૌથી ઉપર છે. તેણે અત્યાર સુધીમાં 126 ગોલ્ડ, 71 સિલ્વર અને 38 બ્રૉન્ઝ સહિત કુલ 235 મેડલ જીત્યા છે.

ગોલ્ફર અદિતિ અશોકે રચ્યો ઇતિહાસ

અદિતિ અશોક

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ગોલ્ફર અદિતિ અશોકે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે.

અદિતિ ગોલ્ફમાં મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં છે.

અદિતિ ગોલ્ડ મેડલના પ્રબળ દાવેદાર મનાતાં હતાં પરંતુ તેમનો એક રાઉન્ડ ખરાબ રહ્યો હતો.

તેમને 16મા હોલમાં ડબલ બોગી મળી અને ગોલ્ડ જીતવાની તક તેમના હાથમાંથી જતી રહી. આ પહેલાં ઑલિમ્પિકમાં પણ તેમના પ્રદર્શનથી તેમણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

50 મીટર 3-પી સ્પર્ધામાં ભારતીય પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ

ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર

હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના પાંચમા દિવસે પણ ભારતીય ખેલાડીઓએ મેડલ જીતવાનો સિલસિલો આગળ ધપાવ્યો હતો.

ભારતીય નિશાનબાજ ઈશાસિંહ, પલક અને દિવ્યા થડિગોલે શુક્રવારના રોજ મહિલાની દસ મીટર ઍર પિસ્તોલ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે.

સરબજોત સિંઘ, શિવ નારવાલ અને અર્જુનસિંઘ ચીમા

ઇમેજ સ્રોત, NARENDRA MODI/X

ગુરુવારના સરબજોતસિંહ, અર્જુનસિંહ ચીમા અને શિવ નરવાલે પુરુષોની દસ મીટર ઍર પિસ્તોલ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો.

તેમજ, રોશિબિના દેવીએ પણ મહિલાના 60 કિલોગ્રામ વુશૂ ફાઇનલમાં સિલ્વર જીત્યો અને અનૂશ અગ્રવાલે ઘોડેસવારી સ્પર્ધામાં ભારત માટે બ્રૉન્ઝ જીત્યો. અનૂશે ઘોડેસવારીમાં પ્રથમ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો.

આ સિવાય 50 મીટર રાઇફલ 3-પૉઝિશન સ્પર્ધામાં પુરુષ ટીમે ગોલ્ડ જીત્યો છે.

ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર, સ્વપ્નિલ કુસાલે અને અખિલ શ્યોરાણની ત્રિપુટીએ આ સ્પર્ધા જીતીને દેશ માટે શૂટિંગમાં પાંચમો ગોલ્ડ જીતી લીધો છે.

શુક્રવારે ઈશાસિંહ, પલક અને દિવ્યા થડિગોલની ટીમે મહિલાઓની દસ મીટર ઍર પિસ્તોલ ટીમ સ્પર્ધામાં સિલ્વર જીત્યો છે.

જ્યારે મહિલાઓની વુશુ 60 કિગ્રા વજન વર્ગ સ્પર્ધામાં રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે.

ગ્રે

ભારતે ઘોડેસવારીમાં 41 વર્ષ બાદ પહેલો ગોલ્ડ મેડલ જીત્યો

ઘોડેસવારી

ઇમેજ સ્રોત, ANI

એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતે તેનો ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો અને એ ઘોડેસવારીમાં જીત્યો હતો. આ રમતમાં ભારતે 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

ઘોડેસવારીની સ્પર્ધામાં ભારતે આજ સુધી ક્યારેય ગોલ્ડ મેડલ જીત્યો ન હતો.

ભારતની ઘોડેસવાર ટીમમાં અનુષા અગરવલ્લા, હૃધ્ય વિપુલ છેડા, દિવ્યકીર્તિ સિંહ અને સુદીપ્તિ હજેલાનો સમાવેશ થાય છે. ટીમ ઇન્ડિયાએ 209.205નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

23 વર્ષીય ટીમના ખેલાડી અનુષા અગરવલ્લાએ સૌથી વધુ 71.088નો સ્કોર નોંધાવ્યો હતો.

આ ઈવેન્ટમાં ચીને સિલ્વર મેડલ અને હૉંગકૉંગે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મેડલની જીત પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

તેમણે લખ્યું કે, "ઘણા દાયકાઓ પછી આ ખૂબ જ ગર્વની વાત છે કે આપણી એક્વેસ્ટ્રિયન ડ્રૅસેજ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે. હૃધ્યા છેડા, અનુષા અગરવલ્લા, સુદીપ્તિ હજેલા અને દિવ્યકીર્તિ સિંઘે અપ્રતિમ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર આપણને ગૌરવ અપાવ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ ટીમને હાર્દિક અભિનંદન."

નૌકાયનની સેલિંગ સ્પર્ધામાં નેહા ઠાકુરે સિલ્વર મેડલ અને ઇબાદ અલીએ ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આમ, મંગળવારે ભારતને ત્રણ મેડલ મળ્યા હતા.

બીબીસી ગુજરાતી

ભારતને બીજી કઈ સ્પર્ધાઓમાં મળ્યા મેડલ?

neha thakur

ઇમેજ સ્રોત, ANI

આ ગોલ્ડ સિવાય ભારતને મંગળવારે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મળ્યો હતો. આ બંને મેડલ ભારતને નૌકાયાનની સેઇલિંગ સ્પર્ધામાં મળ્યા હતા.

ભારતીય સેઇલર નેહા ઠાકુરે ગર્લ્સ ડિંગી- આઈસીએ4 સ્પર્ધામાં 27નો સ્કોર બનાવ્યો હતો. આ સાથે જ 17 વર્ષીય નેહા ઠાકુરે બીજો ક્રમ મેળવ્યો હતો.

ત્યારબાદ એબાદ અલીએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

એબાદ અલીએ પુરુષોની વિન્ડસર્ફર આરએસ-એક્સ સ્પર્ધામાં 52નો સ્કોર કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

ગ્રે

મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ 2023

ઇમેજ સ્રોત, Getty Images

સોમવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન્સ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને આ મેડલ જીત્યો.

ભારતીય ક્રિકેટ ટીમ પહેલી વખત એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારતે શ્રીલંકાને 19 રનોથી હરાવી દીધું હતું.

ભારતીય ટીમે કુલ 117 રન કર્યા હતા પરંતુ શ્રીલંકાની ટીમ 97 રન જ કરી શકી હતી.

ભારતની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી અને 117નો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે શ્રીલંકાની ટીમની બેટિંગ શરૂઆતમાં જ નબળી પડી ગઈ હતી. બાદમાં હસિની પરેરાએ આક્રમક બેટિંગ કરી હતી. જેમિમા અને મંધાનાએ ભારત તરફથી સારી બેટિંગ કરીને ભારતને એક સારો સ્કોર અપાવ્યો હતો.

બીબીસી ગુજરાતી

શૂટિંગમાં મળેલા ગોલ્ડ મેડલથી થઈ શરૂઆત

એશિયન ગેમ્સ 2023

ઇમેજ સ્રોત, Rudrankksh/India_AllSports

એશિયન ગેમ્સ 2023માં ભારતે પહેલો ગોલ્ડ મૅડલ જીતી લીધો હતો. 10 મીટર પુરુષ રાઇફલ ટીમને 1893.7 પોઇન્ટ હાંસિલ કરીને ગોલ્ડ જીત્યો હતો.

આ સિવાય પુરુષોની ફોર-રોઈંગ સ્પર્ધામાં ભારતે બ્રૉંઝ મૅડલ જીત્યો છે. જસવિંદર, ભીમ, પુનિત અને આશીષની ટીમે 6:10.81 સમયમાં જીત પ્રાપ્ત કરી લીધી.

આ ઉપરાંત ભારતે રોવિંગમાં બે સિલ્વર અને ત્રણ બ્રૉંઝ મૅડલ જીત્યા હતા.

મહિલા 10 મીટર ઍર રાઇફલ શૂટિંગમાં ભારતની આશી ચોક્સી, મેહીલી ઘોષ અને રમીતાએ સિલ્વર મૅડલ મેળવ્યો છે. તો, રોવિંગમાં મૅન્સ લાઇટવેટ ડબલ સ્કલ્સમાં ભારતના અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે સિલ્વર હાંસિલ કર્યો.

રોવિંગમાં મ‌ૅન્સ પેરમાં બાબુલ લાલ યાદવ અને રેહ રામે બ્રૉંઝ મૅડલ જીત્યો હતો.

બીબીસી ગુજરાતી

પહેલા દિવસે કોણે જીત્યા મેડલ?

ભારતના શૂટરો મેહુલી ઘોષ, રમિતા જિંદલ અને આશી ચૌકસે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના શૂટરો મેહુલી ઘોષ, રમિતા જિંદલ અને આશી ચૌકસે

હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં પાંચ મેડલ જીત્યા છે.

મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતનાં મેહુલી ઘોષ, રમિતા જિંદલ અને આશી ચૌકસેએ મળીને 1886 અંકો સાથે સિલ્વર મેડલ જીત્યો છે.

આ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનું પોતાનું ખાતું ખોલ્યું હતું.

આ મુકાબલામાં ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના નાવિકો અર્જુન લાલ અને અરવિંદ સિંહે લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

બંને નાવિકોએ સાડા છ મિનિટથી પણ ઓછા સમયમાં તેમની રેસ પૂરી કરી હતી.

આ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ ચીનના અને બ્રોન્ઝ મેડલ ઉઝબેકિસ્તાનના ફાળે ગયો છે.

આ સિવાય ભારતીય નાવિકો લેખરામ અને બાબુ લાલ યાદવે કૉકલેસ પેઅર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે પુરુષોની જ કૉકસ 8 ઇવેન્ટમાં ભારતીય નાવિકોએ સિલ્વર મેડલ જીત્યો છે.

મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં રમિતાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

બીબીસી ગુજરાતી

એશિયન ગેમ્સમાં આ વખતે શું અગત્યનું?

ભારતના નાવિકો અર્જુન લાલ અને અરવિંદ સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના નાવિકો અર્જુન લાલ અને અરવિંદ સિંહ

23 સપ્ટેમ્બરથી ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સની શરૂઆત થઈ છે.

આ એશિયન ગેમ્સ 8 ઑક્ટોબર સુધી ચાલશે.

પહેલા આ રમતોત્સવ 2022માં યોજાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો.

આ વખતે એશિયન ગેમ્સમાં કુલ 40 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતોની 61 પેટા રમતોને મેળવીને કુલ 481 સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે.

ગઈકાલે યોજાયેલા એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં ભારતીય હોકી ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને બૉક્સર લવલીના બોરગોહાઈએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

38 રમતોમાં ભારત તરફથી કુલ 634 ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. ઍથ્લેટિક્સ સ્પર્ધાઓ માટેની ટીમ સૌથી મોટી છે જેમાં ભારત તરફથી કુલ 65 ખેલાડીઓને મોકલવામાં આવી રહ્યાં છે.

આ વખતે એશિયન ગેમ્સમાં ઇ-સ્પોર્ટ્સ અને ક્રિકેટને પણ સામેલ કરવામાં આવ્યું છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી