You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PM મોદીએ ઇલેક્ટોરલ બૉન્ડનાં કર્યાં વખાણ તો રાહુલ ગાંધીએ ગણાવી 'વસૂલી સ્કીમ'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર સંસ્થા એએનઆઈને આપેલો એક ઇન્ટરવ્યૂ 15 એપ્રિલે પ્રસારિત થયો છે. એક કલાકથી પણ વધુ સમય ચાલેલા આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાને ઇલેક્ટોરલ બૉન્ડ, વિરોધપક્ષોના વિવિધ આરોપો, રામમંદિર અને દક્ષિણ ભારતમાં ભાજપની રાજકીય સ્થિતિ વિશેના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા.
ઇલેક્ટોરલ બૉન્ડના પક્ષમાં પીએમ મોદીએ કહ્યું કે જો તેમની સરકાર ઇલેક્ટોરલ બૉન્ડ ના લાવી હોત તો મની ટ્રેલ (નાણાં ક્યાંથી ક્યાં ગયા તેની) ક્યારેય જાણ ના થઈ હોત.
દેશમાં ચૂંટણી પહેલાં ઇલેક્ટોરલ બૉન્ડને લઈને સામે આવેલી જાણકારી એક મહત્ત્વનો મુદ્દો છે.
ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવી હતી અને તેને ખરીદવા માટે અધિકૃત સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને નિર્દેશ આપ્યા હતા કે તેઓ ઇલેક્ટોરલ બૉન્ડ કોણે ખરીદ્યા અને કઈ પાર્ટીને મળ્યા તેનો ડેટા જાહેર કરે.
જે ડેટા સામે આવ્યા તે મુજબ રૂપિયા 6060.51 કરોડનું ફંડ માત્ર ભાજપને મળ્યું. બીજા નંબરે ટીએમસી હતી જેને 1609 કરોડનું ફંડ મળ્યું.
જે બાબતો આ ડેટાથી સામે આવી છે તે એ છે કે અનેક કંપનીઓએ જેણે ફંડ આપ્યું હતું તેમના પર કેટલાક સમય પહેલાં ઈડીની કાર્યવાહી કરાઈ હતી. એવી જ અનેક પૅટર્ન સામે આવી છે.
આ ઇન્ટરવ્યૂમાં જ્યારે વડા પ્રધાન મોદીને પ્રશ્ન કરવામાં આવ્યો કે વિરોધપક્ષના નેતા કહે છે કે ઇલેક્ટોરલ બૉન્ડમાં ગોટાળો થયો છે.
'જે આજે બોલી રહ્યા છે તે લોકો પસ્તાશે'
આ સવાલના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ચૂંટણીમાં કાળાનાણાંનો ઉપયોગ થાય છે. અમે આવું ન થાય તેનો રસ્તો શોધી રહ્યા હતા. ચૂંટણીમાં હજાર અને બે હજારની ચલણી નોટોની હેરફેર કરવામાં આવતી હતી. અમે તેને રોકવાની કોશિશ કરી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“ભાજપમાં અમે નક્કી કર્યું કે નાણાં ચેકથી લઈશું તો વેપારીઓ પરેશાન થઈ ગયા કે પૈસા કેવી રીતે આપીએ. કારણ કે તેમને ડર હતો કે જો સત્તાધારી પક્ષને ખબર પડી ગઈ કે એમણે અમને ફંડ આપ્યું છે તો તેમને મુશ્કેલી થશે. પરંતુ અમે નિયમ લાવ્યા અને ચેકથી નાણાં લીધાં.”
“ઇલેક્ટોરલ બૉન્ડ હતા, એટલે જ તો મની ટ્રેલની (નાણાં ક્યાંથી ક્યાં ગયા તેની) ખબર પડી ગઈ. કઈ કંપનીએ આપ્યા, કેવી રીતે આપ્યા અને ક્યાં આપ્યા. જે લોકો આજે બોલી રહ્યા છે તે બધા લોકો પસ્તાશે, જ્યારે ઈમાનદારીથી વિચારશે.”
વડા પ્રધાન મોદીએ કહ્યું, “જે 16 કંપનીઓએ સૌથી વધુ ફંડ આપ્યું છે, તેમાંથી ભાજપને માત્ર 37 ટકા મળ્યા છે અને 63 ટકા ફંડ વિરોધપક્ષ પાસે ગયું છે. વિરોધપક્ષ પાસે વધારે નાણાં ગયાં છે છતાં તેમને આરોપ મૂકવા છે.”
'આ એક વસૂલી સ્કીમ છે જેના માસ્ટરમાઇન્ડ નરેન્દ્ર મોદી છે.'
વડા પ્રધાને ઇન્ટવ્યૂમાં ઇલેક્ટોરલ બૉન્ડ વિશે જે દાવા કર્યા તેની સામે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે 'આ એક વસૂલી સ્કીમ છે જેના માસ્ટરમાઇન્ડ નરેન્દ્ર મોદી છે.'
તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "ઇલેક્ટોરલ બૉન્ડમાં સૌથી મુખ્ય વાત છે નામ અને તારીખો. જ્યારે તમે આ બન્નેને જોશો તો ખ્યાલ આવશે કે જ્યારે એમણે ઇલેક્ટોરલ બૉન્ડ આપ્યા છે તો ત્યારબાદ તરત જ કંપનીને ક્યાંક કૉન્ટ્રૅક્ટ મળ્યો છે અથવા તો તેમના પર સીબીઆઈની જે તપાસ ચાલી રહી હતી તેને હઠાવી લેવામાં આવી."
"વડા પ્રધાન પકડાઈ ગયા છે એટલે તેઓ એએનઆઈને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ દુનિયાની સૌથી મોટી પૈસા વસૂલી સ્કીમ છે અને તેના માસ્ટરમાઇન્ડ મોદીજી છે."
વડા પ્રધાન મોદીના "વિરોધ કરનારા પસ્તાશે" એવા નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું, "મોદીજી એ સમજાવી દે કે સીબીઆઈની તપાસ શરૂ થાય છે તેના પછી તરત જ બૉન્ડ ખરીદવામાં આવે છે અને તેમના એકદમ પછી તપાસ અટકી જાય છે. - વડા પ્રધાન આ સમજાવી દે."
"કંપનીને ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા પછી તરત જ હજારો કરોડના કૉન્ટ્ર્ર્રૅક્ટ મળી જાય છે એ વાત પણ પીએમ સમજાવી દે. સચ્ચાઈ એ છે કે આ વસૂલાત થઈ છે."
વડા પ્રધાન મોદી પોતાના ઇન્ટરવ્યૂમાં એ કહેતા રહ્યા છે કે ઇલેક્ટોરલ બૉન્ડની યોજનાથી જ મની ટ્રેલની ખબર પડી શકી છે.
આ વિશે કૉંગ્રેસે કહ્યું છે કે "આ બેશર્મીથી બોલાયેલું જૂઠ છે"
પક્ષે કહ્યું, "ઇલેક્ટોરલ બૉન્ડ લાગુ થયા પહેલા સુધી 20 હજાર રૂપિયા સુધીની રકમ જ રોકડમાં ફંડ તરીકે આપી શકાતી હતી. આ યોજના આવ્યા બાદ ફંડ આપનારા લોકોની ઓળખ દર્શાવવાની જરૂરિયાત બંધ કરી દેવામાં આવી. તેનાથી સ્કીમને પૂરેપૂરી ગુપ્ત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. વર્ષ 2018થી 2024 વચ્ચેનો પૂરેપૂરો ડેટા હજી સુધી સામે નથી આવ્યો."
સનાતન અને દક્ષિણ ભારતના રાજકારણ વિશે શું કહ્યું?
તમિલનાડુમાં ડીએમકે વિશે વડા પ્રધાન મોદીએ કહ્યું, “સવાલ કૉંગ્રેસને પૂછવો જોઈએ કે સનાતન વિરુદ્ધ આટલું ઝેર ઓકનારા લોકો સાથે તમે કેમ બેઠા છો. ડીએમકેનો જન્મ આ નફરતમાં થયો છે. ડીએમકે વિરુદ્ધ ગુસ્સો છે અને આ ગુસ્સો ભાજપ તરફ સકારાત્મકરૂપે ડાયવર્ટ થઈ રહ્યો છે.”
વિરોધપક્ષના એવા દાવા કે ભાજપ દક્ષિણ ભારતમાં ઘૂસી નથી શકતો, એ વિશે વડા પ્રધાન મોદીએ કહ્યું, “ભારત વિવિધતાઓથી ભરેલો છે. ભારતને ટૂકડામાં જોવો એ ભારત માટેની સમજણના અભાવનું પ્રતીક છે. ભારતને અલગ કેવી રીતે કહી શકાય.”
જ્યાં ભાજપનું શાસન નથી તેવાં ઘણાં રાજ્યોએ મૂકેલા આરોપો છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ચર્ચાતા રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પાસેથી તેમને જરૂર મુજબની મદદ નથી મળતી. ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોનો આરોપ હતો કે તેમને નાણાકીય સહાયતા એ જેટલો ટૅક્સ આપે છે તેના પ્રમાણમાં નથી મળતી.
રાજ્યોની સાથે કેન્દ્રના સંબંધો વિશેના સવાલના જવાબમાં વડા પ્રધાન મોદીએ કહ્યું, “હું લાંબા સમય સુધી ગુજરાતનો મુખ્ય મંત્રી રહ્યો છું. મને ખબર છે કે કેન્દ્ર અને રાજ્યનો સંબંધ કેમ જરૂરી છે. હું કોઈ રાજ્યને તકલીફ નહીં થવા દઉં.”
“કોરોના(કાળ)ને જુઓ. મેં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે મિટિંગ કરી. કોરોના સામેની લડાઈમાં રાજ્યોનું પણ એટલું જ યોગદાન છે જેટલું કેન્દ્રનું. જોકે, વિકાસ માટે રાજ્યો વચ્ચે સ્પર્ધા જરૂરી છે.”
પાડોશી દેશો સાથેના સંબંધો વિશેના સવાલ પર વડા પ્રધાન મોદીએ કહ્યું, “પાડોશી દેશો અમારા માટે પ્રાથમિકતા છે. પાડોશી દેશો ખુશ છે. કોઈ પાડોશી દેશ એવો નથી કે જેની કોરોનાકાળમાં અમે મદદ નથી કરી. નેપાલ ભૂકંપમાં સૌથી પહેલાં આપણે મદદ મોકલી હતી. શ્રીલંકાને સંકટમાં આપણે મદદ કરી છે. અમે આપણા પાડોશી દેશોને આગળ વધતા જોવા માગીએ છીએ.
રામમંદિર, 370 અને યુએપીએ મામલે વડા પ્રધાન શું બોલ્યા?
વડા પ્રધાન મોદીએ સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારે બે ભાગમાં કામ કરવું છે, પહેલું ભાજપનું ઘોષણાપત્ર, અને બીજું જે મારું વિઝન છે.
વડા પ્રધાને કહ્યું, “2019માં 100 દિવસનું નામ લઈને હું ચૂંટણી માટે ઊતર્યો હતો. કાશ્મીરવાળું કામ 100 દિવસમાં પૂર્ણ કર્યું. યુએપીએ પણ 100 દિવસમાં પુરું કર્યું. પશુઓના રસીકરણનું પૂરું અભિયાન ચલાવી રહ્યો છું. હું આયોજન કરીને આગળ વધું છું.”
મોદીની ગૅરંટી સાથે જોડાયેલા સવાલના જવાબમાં વડા પ્રધાને કહ્યું, “શબ્દો પ્રત્યે અહીં કોઈની કોઈ પ્રકારની જવાબદી નથી. નેતાઓ જે કહે છે તે કરતા નથી.”
“આપણે ‘પ્રાણ જાય પણ વચન ના જાય’માંથી શીખ લેવી જોઈએ. હું વાયદાની જવાબદારી લઉં છું. જ્યારે આમ કરીએ છીએ તો દેશને ભરોસો થાય છે.”
“મેં જે કહ્યું એ કર્યું. કાશ્મીરનું ભાગ્ય 370 હઠાવીને બદલ્યું. ટ્રિપલ તલાકની વિરુદ્ધ કાયદો લાવ્યો. જવું પણ પડશે તો જવાબદારી લઈને જઈશું કે જે કહ્યું એ કરીને બતાવ્યું. એટલે હું વારંવાર મોદીની ગૅરંટી કહ્યું છું.”
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિશે કરવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું, “રામમંદિરનું રાજકીયકરણ ક્યારે થયું અને કોણે કર્યું? અમારા પક્ષની સરકાર નહોતી બની ત્યારે પણ ફેંસલો થઈ શકતો હતો. રાજકીય ફાયદા માટે આ મુદ્દાને રાખી મૂકવામાં આવ્યો હતો. કૉર્ટમાં નિર્ણય ના આવે તેની પણ કોશિશ કરવામાં આવી. રામમંદિર તેમના (વિરોધપક્ષ) માટે રાજકીય હથિયાર હતું. વોટબૅન્ક બનાવવાની રીત હતી. હવે શું થયું. રામમંદિર બની ગયું અને તેમના હાથમાંથી આ મુદ્દો જતો રહ્યો.”
“રામમંદિર મારા માટે ઇવેન્ટ નહોતી. મારા માટે એ ગંભીર મુદ્દો હતો. 500 વર્ષોનો સંઘર્ષ હતો. લાખો લોકોનું બલિદાન હતું. એક લાંબી ન્યાયિક પ્રક્રિયા હતી.”
વડા પ્રધાન મોદીએ કહ્યું, “લોકોએ એક એક પૈસો આપીને મંદિર બનાવ્યું છે. એ સરકારી પૈસાથી નથી બન્યું, એ લોકોના યોગદાનથી બન્યું છે.”
વડા પ્રધાન મોદીનો ઇન્ટરવ્યૂ સમાચાર સંસ્થા એએનઆઈ પર એવા સમયે પ્રસારિત થયો છે, જ્યારે દેશમાં 19 એપ્રિલથી મતદાન શરૂ થવાનું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા – મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2024માં દેશમાં ચૂંટણીઓ થઈ રહી છે. અને જનતાની સામે કૉંગ્રેસના પાંચ-છ દાયકાનાં કામ અને ભાજપનાં 10 વર્ષનાં કામ જોવાનાં વિકલ્પ છે.
સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન મોદીએ કહ્યું, “2024 અને 2047 બન્ને અલગ છે અને બન્નેને ભેગાં ન કરવા જોઈએ. સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થઈ ગયાં છે. 100 વર્ષ પણ થશે એટલે આપણે આવનારા 25 વર્ષ વિશે પણ વિચારવાનું છે.”
“2024 આગામી પાંચ વર્ષને માટે છે. ચૂંટણી અલગ છે. ચૂંટણીને આપણે હળવાશથી ન લેવી જોઈએ અને તેને ઉત્સવરૂપે મનાવવી જોઈએ. ચૂંટણીના વાતાવરણને ઉત્સવમાં બદલી નાખીએ. લોકશાહી માત્ર બંધારણમાં નહીં, પરંતુ આપણી નસોમાં હોવી જોઈએ.”
“દેશ ચલાવવાની જ્યારે જવાબદારી આપવામાં આવે છે તો સમગ્ર ધ્યાન દેશ પર જ હોવું જોઈએ. આ (વિરોધપક્ષ) પરિવારને મજબૂત કરવા પર ધ્યાન આપે છે. મારું સમગ્ર ધ્યાન દેશને મજબૂત કરવા પર છે. દેશ મજબૂત થાય છે તો દરેકના ભાગમાં કંઈક આવે છે. તેમને લાગે છે કે દેશમાં કંઈક થઈ તો રહ્યું છે.”
વડા પ્રધાન રેલીઓમાં વારંવાર કહે છે કે ‘આ તો ટ્રેલર છે’ એનો અર્થ સમજાવતા તેમણે કહ્યું “મારા નિર્ણયો દેશના વિકાસ માટે છે. યુવાનો માટે છે. મેં બધુ નથી કર્યું. હજી ઘણું છે જે કરવાનું બાકી છે. દરેક પરિવારનું સપનું કેવી રીતે પૂરું થાય એ મારા હૃદયમાં છે. એટલે હું કહું છું કે જે થયું તે ટ્રેલર છે અને હું ખૂબ વધારે કરવા ઇચ્છું છું.”