You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વધુ એક મોટી બૅન્ક આર્થિક સંકટમાં, 167 વર્ષ જૂની ક્રૅડિટ સુઇસ બૅન્કને તેની જ હરીફ યૂબીએસ ખરીદશે
- લેેખક, કૅથરીન આર્મસ્ટ્રૉંગ અને લ્યુસી હૂકર
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકાની સિલિકૉન વૅલી બૅન્ક ડૂબ્યા બાદ દુનિયાની વધુ એક જાણીતી અને મહત્ત્વની બૅન્ક આર્થિક સંકટમાં છે.
ક્રૅડિટ સુઇસ વિશ્વની 30 એવી મોટી બૅન્કોમાં સ્થાન પામે છે, જે બૅન્કિંગ વ્યવસ્થામાં તેમના મહત્ત્વને કારણે નિષ્ફળ ન જઈ શકે તેમ માનવામાં આવે છે.
પરંતુ આર્થિક સંકટમાં ફસાયેલી આ બૅન્કને તેનીજ મોટી હરીફ બૅન્ક ખરીદે તેનો વારો આવી ગયો છે.
સ્વિટ્ઝરલૅન્ડની સૌથી મોટી બૅન્ક યૂબીએસ, ક્રૅડિટ સુઇસને સંપૂર્ણપણે અથવા તો તેનો કોઈ હિસ્સો ખરીદવાની વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે.
તાજેતરમાં ક્રેડિટ સુઇસ બૅન્કના શેરોની કિંમતોમાં ભારે ધોવાણ થયું છે અને બૅન્ક હાલમાં રોકાણકારોના ભરોસાના અભાવની ગંભીર સ્થિતિનો સામનો કરી રહી છે.
વિશ્વમાં વધુ એક મોટી બૅન્કના ડૂબવાથી બજારોમાં હલચલ મચી ગઈ છે. આ ઝંઝાવાતને પહોંચી વળવા યુબીએસ ક્રેડિટ સુઇસને 3.25 અબજ ડૉલરમાં ખરીદશે એવા સમાચાર વિશ્વમાં શૅરબજારો સોમવારે સવારે ખૂલે ત્યાર પહેલાં મીડિયામાં આવ્યા હતા.
પોતાની નાણાકીય સ્થિતિ અંગે માહિતી આપતા સુઈસ ક્રેડિટ બૅન્કે કહ્યું હતું કે, તેને પોતાના નાણાકીય હિસાબોમાં ‘ગંભીર ગોટાળા’ની જાણ થઈ છે.
ફાયનાન્સિયલ ટાઇમ્સના એક અહેવાલ અનુસાર યૂબીએસ બૅન્ક ક્રૅડિટ સુઇસ બૅન્કને ખરીદી લેવા માટે એક અબજ અમેરિકન ડૉલર્સ (લગભગ 83 અબજ રૂપિયા) સુધી ચૂકવવાની તૈયારી દર્શાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિયમનકર્તાઓ સોમવારે બજાર ખુલે તે પહેલાં જ આ બૅન્કના ખરીદ-વેચાણની સમજૂતિ પૂર્ણ કરવાની કોશિશ કરી રહ્યા છે.
સ્વિટ્ઝરલૅન્ડની બૅન્કમાં આ સંકટ ત્યારે આવ્યું છે, જ્યારે છેલ્લાં બે સપ્તાહમાં અમેરિકામાં બે બૅન્કો સિલિકૉન વૅલી બૅન્ક અને સિગ્નેચર બૅન્ક કાચી પડી છે. ત્યારબાદ દુનિયાભરની બૅન્કિંગ વ્યવસ્થાની મજબૂતી બાબતે શંકાઓ થઈ રહી છે.
167 વર્ષનો ઇતિહાસ
ક્રેડિટ સુઇસ બૅન્ક ક્યારેય ડૂબશે નહીં એવી ધારણા ખોટી સાબિત થઈ રહી છે.
જોકે, 167 વર્ષ પહેલાં વર્ષ 1856માં સ્થપાયેલી ક્રૅડિટ સુઇસ બૅન્ક તાજેતરનાં વર્ષોમાં ઘણા કૌભાંડોનો સામનો કર્યો છે, જેમાં મની લૉન્ડરિંગ (હવાલા)ના આરોપો પણ સામેલ છે.
સ્વિસ નેશનલ બૅન્કે ક્રૅડિટ સુઇસને આ સંકટમાંથી ઉગારી લેવાના ભાગરૂપે 54 અબજ ડૉલરની તત્કાળ મદદ કરી રહી, પરંતુ તેનાથી સંકટનું સમાધાન નથી થઈ શક્યું.
બુધવારે બૅન્કના શેરની કિંમતોમાં 24 ટકા જેટલો ઘટાડો થયો હતો, ત્યારબાદ એવી ચિંતાઓ વ્યક્ત થવા લાગી હતી કે ક્રૅડિસ સુઇસના શેરોની કિંમતોમાં હજી પણ ઘટાડો થઈ શકે છે.
ત્યારબાદ યુરોપના બજારોમાં આ બૅન્કનાં શેરોની વેચવાલીની શરૂઆત થઈ ગઈ હતી અને મોટા નાણાકીય સંકટને મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
શનિવાર રાત્રે સ્વિટ્ઝરલૅન્ડની સરકારે એક ઇમર્જન્સી બેઠક કરી છે, પરંતુ હજી સુધી આ સોદાને મામલે કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યું.
ફાયનાન્સિયલ ટાઇમ્સ અનુસાર આ સોદો રવિવારની સાંજ સુધીમાં થઈ જાય તેવી શક્યતા છે. ફાયનાન્સિયલ ટાઇમ્સે જ પ્રથમ વખત એવા સમાચાર આપ્યા હતા કે નિયમનકર્તાઓ અને સ્વિસ નેશનલ બૅન્ક આ યૂબીએસ અને ક્રૅડિટ સુઇસ વચ્ચેની વાટાઘાટો કરાવી રહ્યા છે.
શૅરબજાર પર અસર?
એવું મનાય છે કે, આ સોદામાં બૅન્કના શેરોનું મૂલ્ય, શુક્રવારે ક્રૅડિટ સુઇસના શેરોની જે કિંમત શેર બજારમાં હતી તેના કરતાં સાતમા ભાગનું આંકવામાં આવશે. જોકે ફાયનાન્સિયલ ટાઇમ્સે કહ્યું છે કે સોદાની શરતોમાં બદલાવ થઈ શકે છે કારણકે હજી સોદો પાક્કો નથી થયો.
યૂબીએસના શેરધારકો પાસે આટલા મોટા સોદાના મુદ્દે વિચારણા કરવા માટે છ સપ્તાહનો સમય રહેશે, પરંતુ ફાયનાન્સિયલ ટાઇમ્સ કહે છે કે આ સોદા માટે શેરધારકોના મતને ધ્યાનમાં લેવાય તે માટે સ્વિસ સત્તાધિશો દેશના કાયદામાં બદલાવ કરવાનું આયોજન કરી રહ્યા છે.
નિયમનકર્તાઓ અને બૅન્કનું મૅનેજમૅન્ટ ક્રૅડિટ સુઇસનું ભવિષ્ય શું હશે તેની ચર્ચા કરી રહ્યા છે, ત્યારે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ આ મામલે સ્વિસ નેશનલ બૅન્કના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. યુકેની ટ્રેઝરી પણ આ સ્થિતિ પર નજર રાખી રહી છે.
જર્મનની ફાયનાન્સિયલ સર્વિસ કંપની ઍલિયાંઝના ચીફ ઇકોનૉમિક ઍડ્વાઇઝર મોહમ્મદ એલ એરિએને કહ્યું કે, "આ સોદામાં સ્વિસ સત્તાધીશોનો નોંધપાત્ર હસ્તક્ષેપ રહેશે."
તેમણે બીબીસીને જણાવ્યું કે, "“આ સોદો કોઈ સ્વૈચ્છિક રીતે નથી થઈ રહ્યો, આ સ્થિતિ મજબૂરીમાં કરવા પડી રહેલાં લગ્ન જેવી છે અને આ સોદો નાણાકીય સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે થઈ રહ્યો છે."
તેમણે વધુમાં કહ્યું કે, "જો સોદો નહીં થાય તો ક્રૅડિટ સુઇસ એવી સ્થિતિમાં મૂકાઈ જશે જેમાં તેને માટે તેની બૅન્કિંગ પ્રવૃત્તિઓ કરવી ખૂબ જ મુશ્કેલ બનશે."
“તેની અસર એ થશે કે અન્ય બૅન્કો માટે પણ મોટા પ્રશ્નો ઊભા થશે, કારણ કે હાલ યુનાઈટેડ સ્ટેટ્સમાં પણ બૅન્કિંગના મામલે ચિંતાનો માહોલ છે.”
એલ એરિએને કહ્યું કે હાલની આ સંકટની સ્થિતિને જોતાં બૅન્કો ‘જોખમ લેવાનું’ વધારેને વધારે પ્રમાણમાં ટાળશે, જેને કારણે ધિરાણની ઉપલબ્ધતામાં ઘટાડો થવાની સ્થિતિ બની શકે.
તેમણે કહ્યું કે, જોકે વર્ષ 2008ના નાણાકીય સંકટની જેમ અચાનક આંચકો અનુભવાયો હતો તેવું બનવાને બદલે હાલ જો ધિરાણમાં ઘટાડાની સ્થિતિ સર્જાશે તો વૈશ્વિક અર્થતંત્રની પ્રગતિમાં અડચણો આવી શકે. તેમના મતે હાલની પરિસ્થિતિ કરતાં વર્ષ 2008ની એ સ્થિતિ ‘સાવ અલગ કક્ષાની’ હતી.
હજારો લોકોની નોકરી જવાનો ભય
સમાચાર સંસ્થા રૉયટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે યૂબીએસે સરકાર પાસે માગણી કરી છે કે જો તે ક્રૅડિટ સુઇસને ખરિદે તો સરકાર છ અબજ ડૉલરની કિંમત જાતે જ ચૂકવે.
બૅન્કને વર્ષ 2021માં નુકસાન થયું. ત્યારબાદ વર્ષ 2022માં તેને 7.9 અબજ ડૉલરનું નુકસાન થયું. વર્ષ 2008 પછી વર્ષ 2022નું વર્ષ એ બૅન્ક માટે સૌથી ખરાબ નાણાકીય વર્ષ રહ્યું હતું. બૅન્કે ચેતવણી આપી હતી કે તે કદાચ વર્ષ 2024 પહેલાં નફો નહીં નોંધાવી શકે. જ્યારે યૂબીએસ બૅન્કે વર્ષ 2022માં 7.6 અબજ ડૉલરના નફાની કમાણી કરી હતી.
જો બૅન્કના વેચાણને મામલે સમજૂતિ થઈ જાય તો તેનાથી મોટાપાયે નોકરીઓ જવાનો ખતરો પણ છે. સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર જો બન્ને બૅન્ક એક થવાની શક્યતા સર્જાશે તો દસ હજાર જેટલી નોકરીઓ જઈ શકે છે.
ક્રૅડિટ સુઇસ 95 સ્થાનિક શાખાઓ ધરાવે છે અને તે દુનિયાભરમાં ઇન્વેસ્ટમૅન્ટ બૅન્કિંગ અને ધનાઢ્ય ગ્રાહકોની અસક્યામતોના મૅનેજમૅન્ટનું કામ કરે છે.
સ્વિસ બ્રૉડકાસ્ટર એસઆરએફના અહેવાલ અનુસાર છેલ્લાં વર્ષ સુધીમાં ક્રૅડિટ સુઇસ પાસે 50,480 કર્મચારીઓનો વૈશ્વિક સ્ટાફ હતો, જેમાં 16,700 કર્મચારીઓ સ્વિટ્ઝરલૅન્ડના હતા, જોકે તેમાંથી 9 હજાર નોકરીઓ ઓછી કરવાનું આયોજન હતું.
સિગ્નેચર બૅન્કે ભારે નુકસાનની વાત કરી હતી અને કહ્યું હતું કે તેને નાણાં એકઠા કરવામાં મુશ્કેલી પડી શકે છે, જેને કારણે દુનિયાભરના સ્ટાર્ટઅપને અસર થઈ શકે છે.