રાજકોટ : સાત વર્ષની બાળકી પર કથિત બળાત્કારના આરોપી પર ગોળીબાર, પોલીસે સમગ્ર ઘટના અંગે શું કહ્યું?

- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
(આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે)
રાજકોટ જિલ્લાના એક ગામમાં દાહોદ જિલ્લામાંથી ખેતમજૂરી કરવા આવેલ એક દંપતીની સાત વર્ષની દીકરી પર એક પુરુષે કથિત રીતે દુષ્કર્મ આચરી તેના ગુપ્તાંગમાં સળિયો ભરાવી દીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
પોલીસના દાવા પ્રમાણે ઘટનાના રિકન્સ્ટ્રક્શન વખતે આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જેમાં આરોપીને બંને પગમાં ઈજા પહોંચી છે. આ ઘટનામાં પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત થયા હતા.
આરોપીને રાજકોટની સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ નજીકની KDP હૉસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
અગાઉ આટકોટ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી તારીખ 15 ડિસેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાર પછી પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યા પ્રમાણે આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલો લોખંડનો સળિયો ખેતરમાં ફેંકી દીધો હોવાનું જણાવ્યા પછી પોલીસ સરકારી પંચોને સાથે રાખીને સીમમાં મુદ્દામાલ કબજે કરવા ગઈ હતી.
રાજકોટના એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે આરોપીના રહેઠાણ નજીક પોલીસ તેને લઈ ગઈ હતી અને ત્યાં લોખંડના ધારિયાથી પોલીસ પર આરોપીએ હુમલો કર્યો હતો.
'બાળકી પર બળાત્કાર'ની આખી ઘટના શું છે?

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA/BBC
ભોગ બનનારનો પરિવાર અને તેમના મામાનો પરિવાર બાજુબાજુમાં જ આવેલી વાડીઓમાં ભાગિયા તરીકે કામ કરે છે. 4 ડિસેમ્બરે ભોગ બનનાર બાળકીનાં માતાપિતા તેના મામાના પરિવારને વાડીના કામમાં મદદ કરવા ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભોગ બનનાર પણ તેમની સાથે મામાની વાડીએ ગઈ હતી. એફઆઇઆર અનુસાર, બપોરે જ્યારે બાળકો વાડીમાં આવેલા મકાન નજીક રમતાં હતાં ત્યારે આરોપી બાજુની વાડીમાંથી આવી ચડ્યો હતો.
આરોપીએ સાત વર્ષની બાળાને ફોસલાવીને મકાન નજીક આવેલા એક પાણીના ટાંકા પાછળ લઈ ગયો અને બાળકી સાથે શરીર સંબંધ બાંધવાની કોશિશ કરી.
આ કેસની તપાસ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું, "શરીર સંબંધ બાંધવાની કોશિશ નિષ્ફળ રહેતા આરોપી ક્રોધે ભરાયો અને બાળાના ગુપ્તાંગમાં એકાદ ફૂટનો સળિયો ભોંકી દીધો."
"તેથી, આરોપી ત્યાંથી નાસી છૂટ્યો. દરમિયાન થોડી વાર પછી બાળાનાં મામી બાળકોને શોધતાં શોધતાં તે તરફ ગયાં અને જોયું કે બાળાના લોહી નીકળે છે. ભોગ બનનારે તેના પરિવારને તેના પર થયેલા હુમલાની વાત કરતા પરિવારે તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડી."
પોલીસ અધિકારીએ બીબીસીને વધુમાં જણાવ્યું, "રાજકોટની હૉસ્પિટલમાં બાળાને સારવાર માટે લાવતા હૉસ્પિટલે પોલીસને જાણ કરી. આ મેડિકો-લીગલ કેસ જાણતા અમે બાળકીના રિપોર્ટ્સ કરાવ્યા."
"રિર્પોર્ટમાં પ્રાથમિક રીતે એવું પ્રસ્થાપિત થયું કે બાળકી પર દુષ્કર્મ થયું છે. તેથી, બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે 8 તારીખે દુષ્કર્મનો ગુનો નોંધ્યો."
કથિત દુષ્કર્મનો બનાવ 4 ડિસેમ્બર, 2025ના રોજ બન્યો હતો અને લોહીલુહાણ બાળકીને તેના પરિવારે સારવાર માટે તાત્કાલિક રાજકોટની એક સરકારી હૉસ્પિટલમાં ખસેડી હતી.
બાળકીએ તેની આપવીતી તેના પરિવારના સભ્યોને વર્ણવતા બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
આરોપી અંગે પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રાજકોટ ગ્રામ્ય પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ વિજયસિંહ ગુર્જરે જણાવ્યું, "આરોપી આ ખેતરની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને તેની નિયત ખરાબ થઈ. અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલો અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો."
"દુષ્કર્મમાં નિષ્ફળ જતા તેને ગુસ્સો આવ્યો. ત્યાં એક એક ફૂટનો સળિયો હતો. તે સળિયાથી ઇન્જરી કરી તેવું કબૂલ કરે છે."
રાજકોટ ગ્રામ્ય પોલીસની મંગળવારની એક અખબારી યાદી અનુસાર, આરોપી મૂળ મધ્ય પ્રદેશનો વતની છે.
ગુર્જરે વધારે જણાવ્યું, "આરોપી પરિણીત છે. આરોપીની એક દીકરી 12 વર્ષની અને બે દીકરા છે અને (જ્યાં ઘટના બની તે ગામમાં) પરિવાર સાથે રહે છે."
પોલીસે શું કાર્યવાહી કરી છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/bbc
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે આરોપીને મંગળવારે અટકાયતમાં લઈ લેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
તેમણે એમ પણ કહ્યું કે ભોગ બનનાર બાળાને ફોટા બતાવતા તેણે આરોપીને ઓળખી બતાવ્યો હતો.
બીબીસી સાથે વાત કરતા ગુર્જરે કહ્યું, "ફૉરેન્સિક નિષ્ણતોએ ગુનો બન્યો તે સ્થળની મુલાકાત લીધી છે. અમે ઘટના સમયે આરોપી અને ભોગ બનનાર બાળાએ પહેરેલાં કપડાં પણ તપાસના કામે કબજે કર્યાં છે અને ફૉરેન્સિક વિશ્લેષણ માટે મોકલી આપ્યાં છે. ઘટના સમયે આરોપીના મોબાઇલનું લોકેશન પણ તે જગ્યાએ જણાય છે."
ગુર્જરે વધારેમાં ઉમેર્યું કે ભોગ બનનાર બાળકીની તબિયત સુધરતા તેને બુધવારે રાજકોટની હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
આરોપીને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 15મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ કેસ બાબતે આરોપી કે તેના પરિવારનો સંપર્ક થઈ શક્યો ન હતો.
ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસે સોમવારે મૂળ મધ્ય પ્રદેશના, પરંતુ હાલ ભોગ બનનારનો પરિવાર રહે છે તે જ ગામમાં રહેતા આરોપી વિરુદ્ધ બાળકી પર કથિત રીતે બળાત્કાર કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 (2) તેમજ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્ર્ન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેંસિસ (પોક્સો) ઍક્ટની કલમ 5 (આઇ), 5 (એમ) અને 6 (1) હેઠળ ગુનો નોંધ્યો છે.
ભારતીય ન્યાય સહિતની (બીએનએસ) કલમ 65 (2) અનુસાર 12 વર્ષથી નાની છોકરી પર દુષ્કર્મ કરવા બદલ ગુનેગારને ઓછામાં ઓછી 20 વર્ષની સખત કેદની સજા અથવા જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલની સજા થઈ શકે છે.
તે જ રીતે પોક્સો ઍક્ટની કલમ 5 (આઇ) અનુસાર કોઈ બાળક પર જાતીય હુમલો કરી બદલ અને કલમ 5 (એમ) અનુસાર બાર વર્ષથી નાના બાળક પર દુષ્કર્મ કરવા બદલ કલમ 6 (1) હેઠળ દોષિતને ઓછામાં ઓછી 20 વર્ષની કેદ કે જનમટીપ, એટલે કે છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












