શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને બીસીસીઆઈએ સૅન્ટ્રલ કૉન્ટ્રેક્ટ કેમ ન આપ્યો?

શ્રેયસ અય્યર અને ઈશાન કિશન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શ્રેયસ અય્યર અને ઈશાન કિશન

શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને બૉર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)એ પોતાના સૅન્ટ્રલ કૉન્ટ્રેક્ટમાંથી બહાર કરી દીધા છે.

બીસીસીઆઈએ બુધાવારે સાંજે પોતાના સૅન્ટ્રલ કોન્ટ્રેક્ટ મેળવનાર ખેલાડીઓની યાદી જાહેર કરી. જોકે, પહેલાંથી જ એવી અટકળો વહેતી થઈ હતી કે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બીસીસીઆઈ પોતાના સૅન્ટ્રલ કૉન્ટ્રેક્ટની યાદીમાંથી બહાર કરી શકે છે.

બન્ને ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં ટીમનો હિસ્સો રહેશે. બન્ને પોતાની ટીમ માટે સ્ટાર બૅટ્સમૅન પણ છે.

આઈપીએલમાં ખેલાડીઓની હરાજી પહેલાં બન્ને ખેલાડીઓને તેમની ટીમ દ્વારા રીટેન કરવામાં આવ્યા હતા.

બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાંથી બહાર થવાનો શું મતલબ છે?

શ્રેયસ અય્યર અને ઈશાન કિશન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શ્રેયસ અય્યર અને ઈશાન કિશન

આઈપીએલના કૉન્ટ્રેક્ટમાં રહેવું ખેલાડીઓ માટે લાભદાયક હોય છે. જોકે, બીસીસીઆઈનો કૉન્ટ્રેક્ટ ન મળવો એ બન્ને ખેલાડીઓની કારકિર્દી માટે તેમજ આર્થિક રૂપે પણ એક મોટો ફટકો છે.

આઈપીએલ વર્ષમાં માત્ર બે-ત્રણ મહિનાઓ માટે હોય છે. આ સિવાય ડૉમેસ્ટિક ક્રિકેટમાં દર્શકોની ખાસ રૂચી નથી.

ઈશાન કિશનના નામે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી મારવાનો રૅકોર્ડ છે અને શ્રેયસ અય્યર 2023ના આઈસીસી વિશ્વકપમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅનોની યાદીમાં ત્રીજા સ્થાને હતા.

શ્રેયસ અય્યરે 14 ટેસ્ટમેચમાં કૂલ 811 રન બનાવ્યા છે. શ્રેયસે પોતાના કરિયરમાં 59 વન-ડે મૅચમાં કુલ 2383 રન બનાવ્યા છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 128 છે. તેઓ લગભગ 49ની સરેરાશથી રન બનાવે છે.

મીડિયાના અહેવાલો પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે બન્ને ખેલાડીઓએ બીસીસીઆઈની ગાઇડલાઈનની અનદેખી કરી છે. જોકે, આ વિશે અધિકારીક રીતે કોઈ પણ જાણકારી નથી આપવામાં આવી.

થોડાં અઠવાડિયાં પહેલાં બીસીસીઆઈના સચિવ જય શાહે એક પત્રમાં લખ્યું હતું કે સૅન્ટ્રલ કૉન્ટ્રેક્ટમાં સામેલ ખેલાડીઓ રેડ બૉલ ક્રિકેટને (રણજી ટ્રૉફી અને ટેસ્ટ ક્રિકેટ) બદલે આઈપીએલને પ્રાથમિકતા ન આપી શકે.

બીસીસીઆઈનાં કોન્ટ્રાકટ મળવાના શું ફાયદાઓ છે?

શ્રેયસ અય્યર અને ઈશાન કિશન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શ્રેયસ અય્યર અને ઈશાન કિશન

સૅન્ટ્રલ કૉન્ટ્રેક્ટમાં સામેલ ખેલાડીઓ જ બીસીસીઆઈની સુવિધાઓના લાભ મેળવી શકે છે, જેમાં રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીની સુવિધાઓ પણ સામેલ છે.

કોઈ પણ ખેલાડીને ઈજા થાય તેવા કિસ્સામાં રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીની સુવિધાઓ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે.

સૅન્ટ્રલ કૉન્ટ્રેક્ટમાં સામેલ ખેલાડીઓનો ઇન્શ્યોરન્સ પણ કવર થાય છે.

આવું મોહમ્મદ શમીના કિસ્સામાં પણ જોઈ શકાય છે. શમી હાલમાં ઇજાગ્રસ્ત છે. જોકે, બીબીસીઆઈનાં સૅન્ટ્રલ કૉન્ટ્રેક્ટની યાદીમાં સામેલ હોવાને કારણે તેમને બધી જ સુવિધાઓ મળી રહી છે. તેમનો મેડિકલ ખર્ચો પણ બીસીસીઆઈ જ ઉપાડી રહ્યું છે.

બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓ

  • ગ્રેડ એ પ્લસ (સાત કરોડ રૂપિયા) – રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા.
  • ગ્રેડ એ (પાંચ કરોડ રૂપિયા) – આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.
  • ગ્રેડ બી (ત્રણ કરોડ રૂપિયા) – સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જાયસવાલ
  • ગ્રેડ સી (એક કરોડ રૂપિયા) – રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જિતેશ શર્મા, વૉશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમશન, અર્શદીપ સિંહ, કેએસ ભારત, પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન અને રજત પાટીદાર.
  • ફાસ્ટ બોલર કોન્ટ્રાક્ટ - આકાશદીપ, વિજયકુમાર વૈશાખ, ઉમરાન મલિક, યશ દયાળ અને વિદ્વત કાવેરપ્પા.

ઈશાન કિશનને ઓછી તકો મળી છે

શ્રેયસ અય્યર અને ઈશાન કિશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રેયસ અય્યર અને ઈશાન કિશન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈશાન કિશન છેલ્લા કેટલાક સમયથી સતત ટીમ ઈન્ડિયા સાથે મુસાફરી કરી રહ્યા છે. જોકે, તેમને મૅચમાં રમવાનો મોકો ત્યારે જ મળે છે જ્યારે એક કે વધારે નિયમિત ખેલાડીઓ ઉપલબ્ધ ના હોય.

કહેવામાં આવી રહ્યું છે કે ઈશાન કિશન એ જ મુશ્કેલી અને અનિશ્ચિતતાને કારણે માનસિક થાકથી પીડાઈ રહ્યા છે.

તેમના માનસિક થાક વિશે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે દક્ષિણ આફ્રિકા સાથેની ટેસ્ટ સિરીઝ પહેલાં પોતાનું નામ પાછું ખેંચ્યું.

ઈશાન કિશને બીસીસીઆઈને બ્રેક માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ છેલ્લા એક વર્ષથી સતત મુસાફરી કરી રહ્યા છે એટલે તેમને આરામની જરૂર છે.

આ મામલે ટીમ મૅનેજમૅન્ટે પસંદગીકારો સાથે ચર્ચા કરી અને તેમની વિનંતીને સ્વીકારવામાં આવી હતી.

ઈશાન કિશન ત્રણ જાન્યુઆરી 2023થી ભારતીય ટીમમાં સામેલ હતા પરંતુ તેમને રમવાની ખૂબ ઓછી તકો મળી. ગયા વર્ષે રમાયેલા વિશ્વકપમાં પણ તેમને માત્ર બે મૅચમાં રમવાનો મોકો મળ્યો હતો.

જ્યારે શુભમન ગિલ ડેન્ગ્યુમાંથી સાજા થઈને પાછા ફર્યા ત્યારે ઈશાન કિશન પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થયા. વિશ્વકપમાં વિકેટકીપર તરીકે કેએલ રાહુલને મહત્ત્વ આપવામાં આવ્યું. ત્યાર પછી ઈશાન કિશને ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી-20 સિરીઝમાં ત્રણ મૅચ રમ્યા, જેમાં તેમણે બે મૅચમાં અર્ધીસદી ફટકારી હતી.

દક્ષિણ આફ્રિકામાં ઈશાન કિશને ટી-20 સિરીઝમાં ભાગ લીધો હતો પરંતુ ટીમ મૅનેજમૅન્ટે જિતેશ શર્માને પ્રાથમિકતા આપી હતી. કિશન દક્ષિણ આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમમાં સામેલ હતા પણ તેમને બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો.

ગયા વર્ષે નવ ફેબ્રુઆરીથી 22 માર્ચ સુધી ઑસ્ટ્રેલિયા ગયેલી ભારતીય ટીમના પણ સભ્ય હતા.

ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી ચારેય ટેસ્ટમાં ઈશાન કિશનને મોકો ન મળ્યો કારણ કે ટીમ મૅનેજમેન્ટે કેએસ ભારતની પસંદગી કરી. આ ઉપરાંત ત્રણ વન-ડેમાં તેમને માત્ર એક મૅચ રમવાનો મોકો મળ્યો હતો.

ઈશાન કિશનને જ્યારે તકો મળી ત્યારે તેમનું પ્રદર્શન કેવું રહ્યું?

ઈશાન કિશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈશાન કિશન

ઈશાન કિશને મુંબઈ ઈન્ડિયન્સ માટે આખી આઈપીએલની સિઝન રમી હતી.

વર્ષ 2021નાં મધ્યમાં ઈશાન કિશને ડેબ્યૂ કર્યું હતું. તેઓ ત્યારથી ટીમ ઈન્ડિયાના નિયમીત ખેલાડી રૂપે ટીમ સાથે જોડાયેલ હતા. જોકે, તેમને માત્ર 27 વન-ડે અને 32 ટી-20 મૅચ રમવાનો જ મોકો મળ્યો હતો.

તેમની ભૂમિકા પણ ટીમ મૅનેજમૅન્ટ બદલતું રહ્યું છે. ક્યારેક તેમને બૅકઅપ ઓપનર તો ક્યારેક સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર રૂપે ટીમમાં લેવામાં આવ્યા હતા.

ઈશાન કિશન કોઈ પણ ફોર્મેટમાં વિકેટકીપર કે ઓપનર તરીકે પહેલી પસંદ ન હતા. કદાચ આ જ કારણે ઈશાન કિશને માનસિક થાકનો હવાલો આપીને બ્રેક માટે વિનંતી કરી છે.

જોકે, ઈશાન કિશનને જ્યારે પણ મોકો મળ્યો, તેમણે નિરાશ નથી કર્યાં.

જ્યારે ટીમ ઈન્ડિયાએ ઓપનર તરીકે શિખર ધવનને પડતા મૂક્યા ત્યારે ઈશાન કિશને બાંગ્લાદેશ વિરૂદ્ધ બેવડી સદી ફટકારી હતી.

ઈશાન કિશનને તેમ છતાં પણ શિખર ધવનની જગ્યા ન મળી અને ઓપનર તરીકે શુભમન ગિલ પસંદ કરવામાં આવ્યા.

મીડિયાના અહેવાલો પ્રમાણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક લીધા પછી ઈશાન કિશન દુબઈમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતાં, જેને અનુશાસનહિનતા તરીકે જોવામાં આવ્યું છે.

જોકે, રાહુલ દ્રવિડ પોતે અનુશાસનહિનતાની વાત નકારી ચૂક્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઈશાન કિશને મુસાફરીથી થાકની વાત કહી હતી અને તેઓ પરિવાર સાથે સમય પસાર કરવા માગતા હતા. જોકે, તેઓ દુબઈમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા. એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેઓ દુબઈ પોતાના ભાઈનો જન્મદિવસ ઉજવવા માટે ગયા હતા.