સૂર્યની સૌથી નજીક જનારું અવકાશયાન પાર્કર 1,400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેવી રીતે સહન કરશે?

નાસા, સૂર્ય મિશન, અંતરિક્ષ, ટૅક્નૉલોજી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, પાર્કર સોલર પ્રૉબ રેકૉર્ડ તોડવા જઈ રહ્યું છે
    • લેેખક, રેબેકા મોરેલે અને એલિસન ફ્રાન્સિસ
    • પદ, વરિષ્ઠ વિજ્ઞાન પત્રકાર

નાસાનું એક અવકાશયાન સૂર્યની સૌથી નજીક જવાના અભિગમ સાથે ઇતિહાસ રચવાના પ્રયાસ કરી રહ્યું છે.

પાર્કર સોલર મિશન ભીષણ તાપમાન અને આત્યંતિક કિરણોત્સર્ગનો (રેડિયેશન) સામનો કરીને સૂર્યના બાહ્ય વાયુમંડળમાં પ્રવેશી રહ્યું છે.

આ ઉડ્ડયન દરમિયાન ઘણા દિવસથી તેનો સંપર્ક થઈ શક્યો નથી અને એ ટકી શકશે કે કેમ તે જોવા માટે વિજ્ઞાનીઓ સિગ્નલની રાહ જોઈ રહ્યા છે. સિગ્નલ ગ્રીનિચ મીન ટાઇમ મુજબ 28 ડિસેમ્બરે પાંચ વાગ્યે અપેક્ષિત છે.

સૂર્ય કેવી રીતે કામ કરે છે તે વધુ સારી રીતે સમજવામાં આ તપાસ મદદરૂપ થશે તેવી આશા છે.

નાસાનાં વિજ્ઞાની ડૉ. નિકોલા ફોકસે બીબીસી ન્યૂઝને કહ્યું હતું, "લોકો સદીઓથી સૂર્યનો અભ્યાસ કરતા રહ્યા છે, જ્યાં સુધી તમે જે-તે સ્થળની મુલાકાત ન લો ત્યાં સુધી તેના વાતાવરણનો અનુભવ કરી શકાતો નથી."

"તેથી આપણે તેમાંથી પસાર ન થઈએ ત્યાં સુધી આપણે તેના અસલી વાતાવરણનો અનુભવ કરી શકીએ નહીં."

પાર્કર સોલર મિશન 2018માં લૉન્ચ કરવામાં આવ્યું હતું અને તે આપણા સૌરમંડળના કેન્દ્ર તરફ આગળ વધી રહ્યું છે.

એ સૂર્યની પાસેથી 21 વખત પસાર થઈ ચૂક્યું છે. વધુને વધુ નજીક જઈ રહ્યું છે, પરંતુ નાતાલની પૂર્વ સંધ્યાની મુલાકાત વિક્રમસર્જક હશે.

સૂર્ય સુધી પહોંચવું કેટલું અઘરું છે?

નાસા, સૂર્ય મિશન, અંતરિક્ષ, ટૅક્નૉલોજી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ અવકાશયાન સૂર્યની સપાટીથી 30.8 લાખ માઇલ (62 લાખ કિલોમીટર) દૂર છે.

આ કદાચ એટલું નજીક ન લાગે, પરંતુ નાસાનાં નિકોલા ફોકસ તેને આ રીતે સમજાવે છેઃ "આપણે સૂર્યથી 90.3 લાખ માઇલ દૂર છીએ. તેથી હું સૂર્ય અને પૃથ્વીને એક મીટરના અંતરે રાખું તો પાર્કર સોલર મિશન સૂર્યથી માત્ર ચાર સેન્ટિમીટર દૂર છે. એ બહુ નજીક છે."

આ અવકાશયાને 1,400 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરવો પડશે અને આ જંગી તાપમાન અવકાશયાનમાંના ઈલેક્ટ્રોનિક્સને બરબાદ કરી શકે છે.

અવકાશયાન સાડા ચાર ઈંચ જાડા કાર્બન-કોમ્પોઝિટ કવચ દ્વારા સુરક્ષિત છે, પરંતુ અવકાશયાને ઝડપથી અંદર ઘૂસીને બહાર નીકળવાનું છે.

હકીકતમાં તે 4,30,000 પ્રતિ કલાકની ઝડપે આગળ વધતી માનવનિર્મિત કોઈ પણ વસ્તુ કરતાં પણ વધુ ઝડપે આગળ વધશે. આ ગતિએ લંડન અને ન્યૂયૉર્ક વચ્ચેનું અંતર 30 સેકન્ડથી ઓછા સમયમાં કાપી શકાય.

પાર્કરને આ ગતિ સૂર્યની તરફ આગળ વધતી વખતે તે જે પ્રચંડ ગુરુત્વાકર્ષણનું ખેંચાણ અનુભવે છે તેમાંથી મળે છે.

આવું હોય તો સવાલ એ છે કે સૂર્યને "સ્પર્શવા" માટે આટલી મહેનત કેમ કરવી પડે છે?

વિજ્ઞાનીઓને આશા છે કે આ અવકાશયાન સૂર્યના બાહ્ય વાયુમંડળ એટલે કે કોરોનામાંથી પસાર થશે ત્યારે લાંબા સમયથી વણઊકલ્યા રહેલા કોયડાને ઉકેલી નાખશે.

વેલ્સ ખાતેની ફિફ્થ સ્ટાર લૅબ્સનાં અવકાશયાત્રી ડૉ. જેનિફર મિલાર્ડ કહે છે, "કોરોના ખરેખર બહુ જ ગરમ છે અને એવું શા માટે છે તે આપણે જાણતા નથી."

'હિંમતભર્યો પ્રયાસ'

નાસા, સૂર્ય મિશન, અંતરિક્ષ, ટૅક્નૉલોજી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PA Media

"સૂર્યની સપાટીનું તાપમાન લગભગ 6,000 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ સૂર્યગ્રહણ દરમિયાન આપણે જે બાહ્ય વાયુમંડળને જોઈ શકીએ છીએ તેનું તાપમાન લાખો ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે. વળી તે સૂર્યથી બહુ જ દૂર છે. તેથી વાયુમંડળ આટલું ગરમ શા માટે થઈ રહ્યું છે?"

આ મિશનને લીધે વિજ્ઞાનીઓને કોરોનામાંથી સતત નીકળતા ચાર્જ્ડ પાર્ટિકલ્સના પ્રવાહને વધુ સારી રીતે સમજવામાં પણ મદદ મળશે.

એ ચાર્જ્ડ પાર્ટિકલ્સ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવે છે ત્યારે આકાશ ઝળહળતા ઓરોરાથી પ્રકાશિત થાય છે.

જોકે, અવકાશનું આ કહેવાતું હવામાન પણ સમસ્યાનું કારણ બની શકે છે. તે પાવર ગ્રીડ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને કૉમ્યુનિકેશન સિસ્ટમ્સને વેરવિખેર કરી શકે છે.

ડૉ. મિલાર્ડ કહે છે, "પૃથ્વી પરના આપણા રોજિંદા જીવન માટે સૂર્યને, તેની પ્રવૃત્તિને, અવકાશી હવામાનને તેમજ સૌર પવનને સમજવા બહુ જ જરૂરી છે."

અવકાશયાન પૃથ્વીના સંપર્કમાં નથી ત્યારે નાસાના વિજ્ઞાનીઓએ ક્રિસમસ દરમિયાન ચિંતાજનક પ્રતીક્ષા કરવી પડશે.

નિકોલા ફોકસના કહેવા મુજબ, અવકાશયાનના સિગ્નલ પૃથ્વી પર આવશે કે તરત જ ટીમ તેમને ગ્રીન હાર્ટ ટેક્સ્ટ કરશે, જે બધું બરાબર હોવાનો સંકેત હશે.

નિકોલા ફોકસ કબૂલે છે કે આ હિંમતભર્યા પ્રયાસ બાબતે તેઓ મૂંઝવણમાં છે, પરંતુ તેમને અવકાશયાનમાં વિશ્વાસ છે.

તેઓ કહે છે, "હું અવકાશયાનની ચિંતા જરૂર કરીશ, પરંતુ અમે આ બધી અત્યંત ઘાતકી પરિસ્થિતિનો સામનો કરી શકે એ રીતે તેને ડિઝાઇન કર્યું છે. તે એક નાનું પણ અત્યંત મજબૂત અવકાશયાન છે."

તે આ પડકારોમાંથી પાર ઊતરી જશે તો ભવિષ્યમાં સૂર્યની આસપાસ તેનું મિશન ચાલુ રાખશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.