ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 83.51, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ

બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત ધોરણ 12 સાયન્સ ગુજકેટ સામાન્ય પ્રવાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 (સાયન્સ તથા સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા 2025નું પરિણામ આજે આવી ગયું છે. આ સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયું છે.

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગયા વર્ષ કરતાં એક ટકા વધુ છે, જ્યારે સામાન્ય પ્રવાહનું ગયા વર્ષ કરતાં 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે.

વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે. સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે.

એક વખત પરિણામ જાહેર થઈ જાય ત્યાર પછી વિદ્યાર્થીઓ તેને જીએસઈબીની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જોઈ શકશે. પોતાના ગુણ જોવા માટે વિદ્યાર્થીએ વેબસાઇટના હોમ પેજ પર આપેલી રિઝલ્ટની લિંકમાં પોતાના સીટ નંબર દાખલ કરવાના રહેશે.

માર્ચ 2025માં આખા ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ હતી. તેની સાથે સાથે ગુજકેટ 2025 પણ યોજવામાં આવી હતી જે ગુજરાતમાં એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં ઍડમિશન લેવા માટે મહત્ત્વની પ્રવેશ પરીક્ષા છે.

વિદ્યાર્થીઓ મોબાઇલ વૉટ્સઍપ 6357300971 પર સીટ નંબર મોકલીને રિઝલ્ટ જોઈ શકે છે. આ ઉપરાંત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પરિણામ જાણી શકાય છે.

કયા કેન્દ્રનું પરિણામ સૌથી વધુ આવ્યું?

રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ધોરણ બારનાં પરિણામ બાદ ઉજવણી કરાઈ હતી

ઇમેજ સ્રોત, bipin tankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ધોરણ બારનાં પરિણામ બાદ ઉજવણી કરાઈ હતી

ધોરણ 12 સાયન્સમાં આ વખતે પુનરાવર્તિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 25.42 ટકા રહી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ધોરણ 12 સાયન્સમાં 83.79 ટકા વિદ્યાર્થી પાસ થયા છે જ્યારે 83.20 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. ગોંડલ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 96.60 ટકા આવ્યું છે જ્યારે દાહોદના 54.48 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે અને તેનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે.

આ વખતના રિઝલ્ટમાં વિજ્ઞાન પ્રવાહમાં 194 શાળાઓ એવી છે જેમાં 100 ટકા રિઝલ્ટ આવ્યું છે. ગયા વર્ષે 127 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું હતું.

10 ટકા કરતા ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા પણ વધી છે. ધોરણ 12 સાયન્સમાં આ વખતે 34 શાળાઓ એવી છે જ્યાં 10 ટકા કરતાં ઓછા વિદ્યાર્થી પાસ થયા છે, ગયા વર્ષે આવી 27 શાળાઓ હતી.

સામાન્ય પ્રવાહની વાત કરીએ તો આ વખતે 516 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી જેમાં 3.62 લાખથી વધારે ઉમેદવારે પરીક્ષા આપી હતી. નિયમિત ઉમેદવારોમાંથી 93.07 ટકા વિદ્યાર્થી પાસ થયા છે જ્યારે રિપીટરમાંથી 45.36 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા, મીઠાપુર, છાલા વગેરે કેન્દ્રનું રિઝલ્ટ 100 ટકા આવ્યું છે. જ્યારે ખાવડાનું રિઝલ્ટ સૌથી ઓછું આવ્યું છે. ખાવડા કેન્દ્રના 52 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્યા છે. બનાસકાંઠા એ સૌથી વધારે પરિણામ આપનાર જિલ્લો છે જેમાં 97.20 ટકા વિદ્યાર્થી પાસ થયા છે જ્યારે વડોદરાનો દેખાવ સૌથી નબળો છે અને 87.77 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે.

ધોરણ 12ની 2025ની પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે શું કરવું

બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત ધોરણ 12 સાયન્સ ગુજકેટ સામાન્ય પ્રવાહ

ઇમેજ સ્રોત, Getty Images

  • સૌથી પહેલાં GSEBની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાવ.
  • હોમપેજ પર HSC Result 2025 વાંચવા મળે તે લિંક પર ક્લિક કરો. તેનાથી તમને રિઝલ્ટ લોગઈનનું પેજ જોવા મળશે.
  • તેમાં જરૂરી ફિલ્ડમાં તમારા સીટ નંબર એન્ટર કરો. તમારા એડમિટ કાર્ડ પર જે રીતે સીટ નંબર લખ્યા હોય તે રીતે જ એન્ટર કરવાના રહેશે.
  • ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારા દરેક વિષયના માર્ક અને ઓવરઓલ સ્કોર જોવા મળશે. તમે તમારા રિઝલ્ટને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કઢાવી શકશો. ત્યાર બાદ તમને શાળામાંથી સત્તાવાર માર્કશીટ આપવામાં આવશે.

જીએસઈબીની હાયર સેકન્ડરીની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 12 માર્ચ 2024ના રોજ પૂરી થઈ હતી.

રિઝલ્ટ જાહેર થયા બાદ પરીક્ષા પછીનું વેરિફિકેશન કરાવવા, પેપર વેરિફિકેશન, નામમાં સુધારા, ગુણનો અસ્વીકાર, નવેસરથી પરીક્ષા આપવા અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને શાળાને મોકલવામાં આવશે.

ગયા વર્ષે ધોરણ 12 સાયન્સમાં 82 ટકાથી વધારે વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે સામાન્ય પ્રવાહના 91.93 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન