GST 2.0 : આર્થિક જરૂરિયાત કે પછી વડા પ્રધાન મોદીની રાજકીય ચાલ?

નરેન્દ્ર મોદી, વડા પ્રધાન, ભાજપ, જીએસટી, આર્થિકનીતિ, ફાઇનાન્સ, મોંધવારી, બીબીસી ગુજરાતી GST

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો.
    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રજોગ સંદેશમાં 22 સપ્ટેમ્બરથી લાગુ થતા GSTના નવા દરોને 'આગામી પેઢીના સુધારા' ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે સુધારાઓથી સામાન્ય જનતા અને વેપારીઓને 'લાભ' થશે.

પીએમ મોદીએ કહ્યું કે નવા GST દરો લાગુ થવાથી રોજિંદી વસ્તુઓ અને ખાદ્યપદાર્થો સસ્તાં થશે અને 'ગરીબ, મધ્યમ વર્ગ, યુવા, ખેડૂત, મહિલાઓ અને વેપારીઓ' સીધા લાભાન્વિત થશે.

આ સંબોધનમાં પીએમ મોદીએ જૂના કર માળખા સાથેની તુલના કરતાં જણાવ્યું કે "અગાઉ બૅંગ્લુરુથી હૈદરાબાદ સામાન મોકલવું યુરોપ મોકલવા જેટલું મુશ્કેલ હતું. હવે GST દરોમાં ફેરફારથી વેપાર સરળ બનશે અને આવકવેરા તથા GSTમાં છૂટ મળીને દેશવાસીઓને ₹2.5 લાખ કરોડની બચતનો મોકો મળશે."

તેમણે તેના પર પણ ભાર મૂક્યો કે વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે MSME (માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો) અને દેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

જોકે, વિશેષજ્ઞો વચ્ચે GST 2.0 અંગે મતભેદ છે.

તેમનો પ્રશ્ન એ છે કે આ ફેરફારોથી સામાન્ય માણસને કેટલો લાભ થશે? શું આ સુધારા બહુ મોડા કરવામાં આવ્યા છે, અને શું તેનો સમય ભારતની આર્થિક જરૂરિયાત પ્રમાણેનો હતો કે તેની પાછળ કોઈ રાજકીય હેતુ છુપાયેલો છે? સાથે જ, એ પણ જોવામાં આવી રહ્યું છે કે આ સુધારાઓની અસર નાના અને ઘરેલું ઉદ્યોગો સુધી કેવી રીતે પહોંચશે.

GST 2.0 : સામાન્ય માણસને શું લાભ મળશે?

નરેન્દ્ર મોદી, વડા પ્રધાન, ભાજપ, જીએસટી, આર્થિકનીતિ, ફાઇનાન્સ, મોંધવારી, બીબીસી ગુજરાતી

વિશેષજ્ઞો માને છે કે નવા GSTના સ્લૅબ અને દરોથી સામાન્ય માણસને સીધો લાભ થશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આર્થિક બાબતોના જાણકાર અશ્વિની રાણાએ કહ્યું, "દૂધ અને માખણ જેવી ખાદ્ય વસ્તુઓ અને કાર પર દરો ઘટાડવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય માણસની બચત વધશે. ઉદાહરણ તરીકે, ઇન્શ્યૉરન્સ પ્રિમિયમ પર પણ 18% ટૅક્સ દૂર કરવામાં આવ્યો છે, જેના કારણે ₹50,000ની હેલ્થ પોલિસી પર દર વર્ષે લગભગ ₹9,000 બચત થશે."

"આ ઉપરાંત, ગાડીઓની કિંમતો પણ ઘટી છે. આ બચત સીધા ગ્રાહકની ખરીદશક્તિ વધારશે અને બજારમાં ટૅક્સથી બચેલો પૈસો માંગ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપશે."

જોકે, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તાએ ચેતવણી આપી કે આ બદલાવની વ્યાપક અસર થવામાં હજુ સમય લાગશે.

તેમણે કહ્યું, "શરુઆતના સંકેતો દર્શાવે છે કે ઇન્શ્યૉરન્સ કંપનીઓ આ બદલાવથી ખુશ નથી અને તેમનું કહેવું ઘણું હદ સુધી સાચું છે."

"ઇન્શ્યૉરન્સ કંપનીઓને પગાર, ઑફિસના ખર્ચમાં કોઈ GST રાહત મળી નથી, પણ તેમની આવક એટલે કે ઇન્શ્યૉરન્સ પ્રિમિયમમાં હવે GST નહીં મળે. કંપનીઓ દાવો કરી રહી છે કે તેમની આવક ઘટી ગઈ છે અને ખર્ચ યથાવત્ છે."

"આવા સંજોગોમાં તેઓ GST 2.0થી ઊભી થયેલી આવકની ખોટને કોઈક રીતે પૂરી કરશે અથવા ઇન્શ્યૉરન્સધારકોને મળતી સુવિધામાં કાપ મૂકે. આવા સંજોગોમાં સામાન્ય માણસ માટે આ નુકસાનદાયક સાબિત થઈ શકે છે."

'GST 2.0નું ફૉકસ રાજકીય હેતુઓ પર'

નરેન્દ્ર મોદી, વડા પ્રધાન, ભાજપ, જીએસટી, આર્થિકનીતિ, ફાઇનાન્સ, મોંધવારી, બીબીસી ગુજરાતી

ઘણા વિશેષજ્ઞો કહે છે કે GSTમાં ફેલાયેલી અનિયમિતતાઓમાં સુધાર ખૂબ મોડા કરવામાં આવ્યા.

તેમનું કહેવું છે કે GSTમાં થયેલો સુધારો જરૂરી હતો, પણ તેને કરવામાં ભાજપ સરકારે મોડું કર્યું.

વિશેષજ્ઞો એ પણ કહે છે કે 'આ સુધારાની જાહેરાતનો સમય આગામી ચૂંટણી (જેમ કે બિહાર, આસામ, ઉત્તર પ્રદેશ)ને ધ્યાનમાં રાખીને મધ્યમ વર્ગમાં ભાજપની નીતિઓથી થતી નારાજગીને દૂર કરવા માટે પસંદ કરાયો હોય એવું લાગે છે.'

શરદ ગુપ્તા પણ ભાજપ સરકારના હેતુઓ પર પ્રશ્ન ઉઠાવતા કહે છે, "વડા પ્રધાને આ સુધારાને એ પ્રકારે રજૂ કર્યા છે જાણે અગાઉની સરકારો આ ટૅક્સ લાવી હતી અને ભાજપ સરકારે હવે સામાન્ય માણસને તેમાંથી મુક્તિ અપાવી હોય. જ્યારે હકીકત એ છે કે વર્ષ 2017માં GSTના આ સ્લૅબ હાલની મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા હતા અને હવે તેમાં ફેરફાર થયા છે પરંતુ મોડા."

"વિપક્ષ પણ આ વાતને ઉજાગર કરવામાં નિષ્ફળ રહ્યો કે આ ટૅક્સ ભાજપ સરકારે લગાવ્યો હતો અને હવે તેમાં રાહત આપીને વાહવાહી મેળવવા માંગે છે."

રાજકીય વિશ્લેષક રશીદ કિદવાઈ કહે છે, "ભાજપ સરકારના જીએસટી મામલે લીધેલાં પગલાંને અમે સ્વીકારીએ છીએ અને સરકાર સાથે સમર્થનમાં ઊભા પણ છીએ, પણ તેના સમયને લઈને પ્રશ્ન ઊભા થાય છે."

"પાછલી ચૂંટણી અને હાલની પરિસ્થિતિ જોઈને સ્પષ્ટ થાય છે કે દેશનો મધ્યમ વર્ગ, જેમણે ઘણા વિશ્વાસ સાથે અને વિકાસના દાવાને ધ્યાને લઈને ભાજપને મત આપ્યો હતો, હવે તેમની નીતિઓ અને નેરેટિવથી થાકી ગયો છે."

"ઑપરેશન સિંદૂર દેશમાં એ વાતાવરણ ઊભું કરી શક્યું નહીં જે બાલાકોટ સ્ટ્રાઇકથી થયું હતું. સાથે જ, મત ચોરીના મુદ્દાને પણ ભાજપ સારી રીતે હૅન્ડલ કરી શક્યો નથી. તેથી જીએસટીમાં થયેલા ફેરફારો અને તેને લાગુ કરવાની ટાઇમલાઇન આર્થિક રાહત કરતાં વધુ રાજકીય હેતુઓને સિદ્ધ કરવાની કોશિશ લાગે છે."

શરદ ગુપ્તાએ પણ તેના પર ટિપ્પણી કરતાં કહ્યું, "ભાજપ સરકારને તેમના સૌથી વિશ્વાસપાત્ર મતદાતા વર્ગને જોડીને રાખવાનો નવો ફૉર્મ્યુલા મળતો નથી. જૂની રણનીતિ કામ નથી કરતી, તેથી જીએસટીમાં ફેરફારથી ભાજપને આશા છે કે દૂર જતા મધ્યમ વર્ગીય મતદાતા ફરીથી તેમની નજીક આવી જશે."

શું માત્ર ટૅક્સ છૂટથી મજબૂત બનશે નાના ઉદ્યોગ?

નરેન્દ્ર મોદી, વડા પ્રધાન, ભાજપ, જીએસટી, આર્થિકનીતિ, ફાઇનાન્સ, મોંધવારી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં 'સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન' આપવાની વાત કરી.

વડા પ્રધાને કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે 'આત્મનિર્ભર' બનવું જરૂરી છે અને આ જવાબદારીમાં MSME ક્ષેત્રની મહત્ત્વની ભૂમિકા છે.

તેમણે કહ્યું, "જે દેશના લોકોની જરૂરિયાત છે, જે દેશમાં બનાવી શકાય છે, તે આપણે દેશમાં જ બનાવવું જોઈએ."

પીએમ મોદીએ એ પણ જણાવ્યું કે દુકાનદાર ભાઈ-બહેન જીએસટીમાં થયેલા ફેરફારથી ઉત્સાહિત છે અને તેના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવામાં લાગેલા છે.

તેમણે કહ્યું કે સરકાર ઘરેલું ઉદ્યોગો અને નાના તથા મધ્યમ ઉદ્યોગોને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

આર્થિક વિશેષજ્ઞ અશ્વિની રાણાએ પણ આ પર સંમતિ વ્યક્ત કરતાં કહ્યું, "નાના ઉદ્યોગોને જીએસટીમાં મળેલી છૂટથી સીધો લાભ થશે. ટૅક્સનો બચેલો પૈસો બજારમાં અન્ય જગ્યાએ ખર્ચ થશે. જેમ જેમ માંગ વધશે, ઉત્પાદન વધશે અને નાના ઉદ્યોગો સહાયક એકમ તરીકે પણ તેમની ભૂમિકા મજબૂત કરશે. તહેવારોના સમયે આ સુધારાઓનો અસર વધુ દેખાશે. આ સમગ્ર આર્થિક ચક્રમાં માંગ અને ઉત્પાદન વધારીને નાના ઉદ્યોગોને પરોક્ષ લાભ જરૂર મળશે."

જોકે, વિશેષજ્ઞ શરદ ગુપ્તા કહે છે કે માત્ર ટૅક્સમાં આપવામાં આવેલી છૂટથી નાના ઉદ્યોગો મજબૂત નહીં બને.

ગુપ્તા કહે છે, "તમારે અમેરિકા જેવાં પગલાં લેવા પડશે. તમારા દેશમાં બનતા માલને બજારમાં મદદ કરવી પડશે. જેમ કે જો આપણા દેશમાં કોઈ માલ બને છે અને તેની કિંમત ₹100 આવે છે અને એ જ માલ વિદેશથી પણ આયાત થાય છે તો વિદેશી માલ પર ટૅક્સ વધારવો પડશે, જેથી વિદેશી કંપનીઓ એ જ માલ ₹50માં ન વેચે અને દેશના ઉદ્યોગોને બજારમાં ટકી રહેવામાં મદદ મળે."

શરદ ગુપ્તા આગળ કહે છે કે સરકાર બીજા દેશોની જેમ આયાત થતા માલ પર ટૅક્સ કેમ નથી વધારતી?

તેમનો તર્ક છે, "અમે અમેરિકા માલ મોકલીએ તો 50% ટૅક્સ આપીએ અને જો તેઓ અહીં મોકલે તો ઓછો ટૅક્સ આપે, તો આવા સંજોગોમાં આપણો સ્વદેશી ઉદ્યોગ લાંબા સમય સુધી બજારમાં ટકી નહીં શકે. સરકારે તેને સક્રિય સમર્થન આપવું પડશે. જેથી ઉત્પાદકતા વધે. ઘરેલું તથા આંતરરાષ્ટ્રીય બજારમાં તે સ્પર્ધા કરી શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન