ભારતનો એ નિર્ણય જેનાથી પાકિસ્તાનને કરોડોનો ફાયદો થયો

    • લેેખક, તનવીર મલિક
    • પદ, વરિષ્ઠ પત્રકાર, ઈસ્લામાબાદ

પાકિસ્તાનમાં વિદેશ વેપારના આંકડા જાહેર કરનારી પાકિસ્તાન બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે જાન્યુઆરી 2024માં દેશમાં ચોખાની નિકાસમાં 200 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

નિકાસ કરવામાં આવતા ચોખામાં એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બાસમતી ચોખાનો છે. પાકિસ્તાનથી બાસમતી ચોખાની નિકાસમાં જાન્યુઆરી મહિનામાં 64 ટકાથી વધુ વૃદ્ધિ નોંધવામાં આવી છે.

એક તરફ પાકિસ્તાનના બાસમતી ચોખાની નિકાસમાં વૃદ્ધિ નોંધવામાં આવી છે તો બીજી તરફ તેની સરખામણીમાં ભારતના બાસમતી ચોખાની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે.

સમાચાર એજન્સી રૉઇટર્સના તાજા અહેવાલ અનુસાર હવે પછીના મહિનાઓમાં ભારતમાંથી થનારા બાસમતી ચોખાની નિકાસમાં ઘટાડાનું અનુમાન છે. બીજી તરફ પાકિસ્તાનથી તેની નિકાસમાં વૃદ્ધિ યથાવત્ રહેશે.

નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં ચોખા મોકલવાના મામલે ભારત સૌથી મોટો દેશ છે. જ્યારે પાકિસ્તાન ચોખાની નિકાસ કરનારા દસ મોટા દેશોમાં સામેલ છે.

દુનિયાના ઘણા દેશો બાસમતી ચોખા માત્ર ભારત અને પાકિસ્તાન પાસેથી જ ખરીદે છે. કારણ કે આ ચોખાની સુગંધવાળી જાત માત્ર આ બે પાડોશી દેશોમાં જ પેદા થાય છે.

ભારત અને પાકિસ્તાન બાસમતી ચોખાની નિકાસમાં એકબીજાની સ્પર્ધાની સાથોસાથ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટૅગ માટે પણ સામસામે રહ્યા છે. આ કેસ યુરોપિયન યુનિયનમાં પણ ચાલી રહ્યો છે.

પાકિસ્તાનથી બાસમતી ચોખાની નિકાસમાં કેટલો વધારો થયો?

જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનમાંથી થતી બાસમતી ચોખાની નિકાસમાં 64 ટકાનો વધારો થયો છે.

પાકિસ્તાન બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં (જુલાઈ 2023 થી જાન્યુઆરી 2024) પાકિસ્તાનમાંથી બાસમતી ચોખાની એકંદરે થનારી નિકાસમાં 36 ટકાનો વધારો થયો છે.

ચોખાના નિકાસકારોના સંગઠન 'પાકિસ્તાન રાઇસ ઍક્સપૉર્ટ્સ ઍસોસિયેશન'ના અધ્યક્ષ ચેલારામ કેવલાનીએ બીબીસીને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લગભગ 90 લાખ ટન ચોખાનું ઉત્પાદન થાય છે.

તેમનું કહેવું છે કે આ ઉત્પાદનમાંથી અડધોઅડધ એટલે કે 45 લાખ ટન બાસમતી ચોખા છે, જ્યારે બાકીના અન્ય પ્રકારના ચોખા છે. 45 લાખ ટન બાસમતીમાંથી 30 લાખ ટન બાસમતી ચોખાનો વપરાશ માત્ર પાકિસ્તાનમાં જ થાય છે. બાકીના અંદાજે 15 લાખ ટન બાસમતી ચોખા અન્ય દેશોમાં મોકલવામાં આવે છે.

તેમના કહેવા અનુસાર પાકિસ્તાની બાસમતી ચોખા મોટા ભાગે અમેરિકા, યુરોપ અને મધ્યપૂર્વના દેશોમાં જ નિકાસ કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે પાકિસ્તાને ગત નાણાકીય વર્ષ દરમિયાન અઢી અબજ ડૉલરના ચોખાની નિકાસ કરી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના સાત મહિનામાં 2.2 અબજ ડૉલરના ચોખાની નિકાસ થઈ ચૂકી છે.

કેવલાનીનું કહેવું છે કે આ વર્ષે ચોખાની નિકાસ કરવાનું પાકિસ્તાનનું લક્ષ્ય ત્રણ અરબ ડૉલરથી વધુ છે.

ભારતથી ચોખાની નિકાસ કેમ ઘટી?

એક તરફ પાકિસ્તાનમાંથી ચોખાની નિકાસમાં વધારો થયો છે તો બીજી તરફ ભારતમાંથી ચોખાની નિકાસમાં ઘટાડો થયો છે.

સમાચાર એજન્સી રૉઇટર્સના જણાવ્યા અનુસાર ભારતીય ચોખાના નિકાસકારો બાસમતી ચોખાની નિકાસમાં ઘટાડો થવાની ધારણા રાખી રહ્યા છે.

ઇન્ટરનૅશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ફેબ્રુઆરીના રિસર્ચ રિપોર્ટ અનુસાર ભારતની ચોખાની નિકાસમાં ઘટાડો થયો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની વેબસાઇટ પર જારી કરાયેલા આંકડા અનુસાર જાન્યુઆરી 2023ની સરખામણીએ જાન્યુઆરી 2024માં ભારતમાંથી ચોખાની નિકાસમાં 3.3 ટકાનો ઘટાડો થયો છે.

ભારતમાં આ નાણાકીય વર્ષના સાત મહિના (જુલાઈ 2023થી જાન્યુઆરી 2024) દરમિયાન ચોખાની નિકાસમાં એકંદરે આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આ સાત મહિનામાં ભારતમાંથી ચોખાની નિકાસ આઠ અબજ નવસો કરોડ ડૉલરથી ઘટીને આઠ અબજ વીસ કરોડ ડૉલર થઈ ગઈ છે.

પાકિસ્તાનથી બાસમતી ચોખાની નિકાસ કેમ વધી?

વિશેષજ્ઞો પ્રમાણે પાકિસ્તાનથી બાસમતી ચોખાની નિકાસમાં વધારાનું મોટું કારણ ભારત તરફથી લેવામાં આવેલો એક નિર્ણય હતો.

ભારતે ઑગસ્ટ 2023માં બાસમતી ચોખાની નિકાસ પર ન્યૂનતમ નિકાસ મૂલ્ય લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.

ઑગસ્ટ 2023માં ભારત સરકારે બાસમતી ચોખાની લઘુતમ નિકાસ કિંમત 1200 ડૉલર પ્રતિ ટન નક્કી કરી હતી. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે આ નિર્ણયથી પાકિસ્તાની નિકાસકારોને અમુક અંશે ફાયદો થયો.

પાકિસ્તાન રાઇસ ઍક્સપૉર્ટર્સ ઍસોસિયેશનના ભૂતપૂર્વ અધિકારી તૌફિક અહેમદ ખાનના જણાવ્યા અનુસાર ભારતે બાસમતી ચોખાની લઘુતમ નિકાસ કિંમત નક્કી કરી તે પહેલાં પાકિસ્તાનની નિકાસ કિંમત ભારત કરતાં વધારે હતી. તે સમયે ભારતના બાસમતી ચોખા પાકિસ્તાન કરતા સસ્તા હતા. તેના કારણે ભારતને વધુ નિકાસ ઑર્ડર મળી રહ્યા હતા.

તેમણે કહ્યું કે ઑગસ્ટ 2023ના નિર્ણય પહેલા પાકિસ્તાનમાંથી બાસમતી ચોખાની નિકાસ પ્રતિ ટન એક હજાર ડૉલરથી વધુના ભાવે કરવામાં આવી રહી હતી, જ્યારે ભારતમાંથી 800થી 900 ડૉલર પ્રતિ ટનના દરે નિકાસ કરવામાં આવી રહી હતી.

તેમણે કહ્યું કે ભારતે ઑગસ્ટ 2023માં નિકાસ કિંમત વધારીને 1250 ડૉલર પ્રતિ ટન કરી અને પાકિસ્તાનને આ નિર્ણયનો ફાયદો થયો. આ પછી પાકિસ્તાનમાં નિકાસ માટે વધુ ઑર્ડર આવવા લાગ્યા.

તેઓ કહે છે, “પાકિસ્તાન તેને 1200 ડૉલર પ્રતિ ટનથી ઓછા ભાવે વેચી ન શકે, પરંતુ પાકિસ્તાને 1000 ડૉલર પ્રતિ ટનના ભાવે તેની નિકાસ કરવાનું શરૂ કર્યું.”

તૌફિકે કહ્યું કે જો કે ભારતે પાછળથી આ નિકાસ કિંમત ઘટાડીને 950 ડૉલર પ્રતિ ટન કરી દીધી, પરંતુ એ દરમિયાન પાકિસ્તાની નિકાસકારોએ આ પરિસ્થિતિનો લાભ લીધો.

પાકિસ્તાનના અનાજ ક્ષેત્રના નિષ્ણાત શમ્સ-ઉલ-ઇસ્લામે કહ્યું કે તે સમયે ભારત દ્વારા લેવામાં આવેલ નિર્ણય પાછળ ત્યાંના સ્થાનિક બજારમાં ચોખાની કિંમત ઓછી રાખવાનું કારણ જવાબદાર હતું. જેથી કરીને ચોખા દેશમાં જ રહે અને સામાન્ય લોકોને તે સસ્તા મળે.

તેમના મતે બીજી તરફ આ સ્થિતિને કારણે પાકિસ્તાનમાંથી બાસમતી ચોખાની નિકાસ વધી પણ સામાન્ય લોકો માટે તેની કિંમતમાં થોડો વધારો થયો.

પાકિસ્તાન બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં, પાકિસ્તાનમાં બાસમતી ચોખાની સરેરાશ કિંમત પ્રતિ કિલો 220 રૂપિયા (ભારતીય ચલણ પ્રમાણે 65 રૂપિયા) હતી, જે ફેબ્રુઆરીના અંતે વધીને રૂ. 225 પ્રતિ કિલો થઈ ગઈ હતી.

શમ્સ-ઉલ- ઇસ્લામે કહ્યું કે, “પાકિસ્તાની બાસમતી ચોખાની નિકાસમાં વધારો થયો છે, પરંતુ હવે ઈરાન અને અફઘાનિસ્તાન સાથેની સરહદો ખૂલ્યા બાદ પાકિસ્તાની ચોખા ત્યાં જઈ રહ્યા છે. ચોખાની કિંમત ત્યાંના બજારોમાં ઓછી છે.”

તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં બાસમતી ચોખા ખાવામાં આવે છે, પરંતુ ત્યાં બાસમતી સિવાયના ચોખાની નિકાસમાં વધારો થયો છે.

તૌફીક અહમદ ખાન પ્રમાણે ભારતના આ નિર્ણય સિવાય પાકિસ્તાની રૂપિયાના મૂલ્યે પણ બાસમતી ચોખાની નિકાસમાં મદદ કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાની બાસમતી ચોખાના આંતરરાષ્ટ્રીય ખરીદદારોને પાકિસ્તાનના ચલણની હાલત ખ્યાલ છે.

"જ્યારે પાકિસ્તાની નિકાસકારો આ ચોખા 1000થી 1050 ડૉલર પ્રતિ ટનના ભાવે ઑફર કરતા હતા, તે સમયે પાકિસ્તાનમાં ડૉલરની કિંમત 250 રૂપિયા હતી. જ્યારે નવા સોદા કરવામાં આવ્યા ત્યારે ડૉલરની કિંમત વધીને 285 રૂપિયા થઈ ગઈ હતી.”

"પાકિસ્તાની નિકાસકારોએ આ ચોખા 980થી 990 ડૉલરમાં વેચવાનું શરૂ કર્યું. આનો અર્થ એ થયો કે ખરીદનારને પ્રતિ ટન 10-20 ડૉલરનો નફો થયો, પરંતુ ચોખાના નિકાસકારોને કોઈ નુકસાન થયું નથી. તેનું કારણ એ હતું કે તેમને રૂપિયાના સંદર્ભમાં મળતું વળતર વધુ હતું. બીજી તરફ વધુ નિકાસને કારણે તેમને ફાયદો થયો.”

ભારત અને પાકિસ્તાનના બાસમતી ચોખાની ગુણવત્તામાં અંતર છે?

એશિયન ઉપમહાદ્વીપમાં બાસમતી ચોખાની ઊપજનો ઇતિહાસ અંદાજે બસો વર્ષ જૂનો છે. તેની ઊપજ ચોક્કસ પ્રકારનાં ક્ષેત્રોમાં થાય છે.

અહીં પેદા થનારા બાસમતી ચોખામાં અલગ પ્રકારનો સ્વાદ અને સુગંધ છે. તેની ઊપજનું ઐતિહાસિક ક્ષેત્ર ચિનાબ અને સતલુજ નદીઓની વચ્ચે આવેલું છે.

પાકિસ્તાનમાં સિયાલકોટ, નારવાલ, શેખૂપુરા, ગુજરાંવાલા, મંડી બહાઉદ્દીન અને હાફિઝાબાદના જિલ્લાઓ બાસમતી ચોખાની ઊપજ માટે જાણીતા છે.

બીજી તરફ ભારતમાં પૂર્વી પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર જેવા વિસ્તારોમાં ઐતિહાસિક રીતે તેની ખેતી થાય છે.

જોકે, હવે પરંપરાગત વિસ્તારોની બહાર પણ બાસમતી ચોખાની ખેતી કરવામાં આવી રહી છે.

ચેલારામ કેવલાનીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં બાસમતી ચોખાના પરંપરાગત વિસ્તારો સિવાય હવે સિંધના વિસ્તારોમાં પણ તેની ખેતી થાય છે.

તૌફિક અહેમદ ખાને કહ્યું કે ભારતમાં પણ પરંપરાગત વિસ્તારો ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ તેની ખેતી કરવામાં આવી રહી છે.

ચેલારામે પાકિસ્તાની બાસમતી ચોખાની સફળતાનું શ્રેય તેની ગુણવત્તા અને પૅકેજિંગને આપ્યો હતો. તેમના મતે પાકિસ્તાનના બાસમતી ચોખાની ગુણવત્તા ભારતના બાસમતી કરતાં સારી છે. તેમના મતે તેનું કારણ પાકિસ્તાનમાં જંતુનાશકોનો ઓછો છંટકાવ છે.

તેમણે કહ્યું કે યુરોપમાં પાક પર કઈ દવાઓનો છંટકાવ થાય છે, તેના પર ઘણો ભાર મૂકવામાં આવે છે.

તેમણે કહ્યું કે આ જ રીતે પાકિસ્તાનમાં બાસમતી 1121 નામે ઓળખાતી નવી વેરાયટી પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણી પસંદ કરવામાં આવી છે. તેણે પાકિસ્તાનથી બાસમતી ચોખાની નિકાસમાં મદદ કરી છે.