સુરત : સાત લોકોના મોતની દુર્ઘટના બાદ એથર કંપની બંધ થશે? પીડિતોની સ્થિતિ કેવી છે?

ચેતવણી - અહેવાલની કેટલીક વિગતો આપને વિચલિત કરી શકે છે.

સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી સ્પેશિયાલિટી કેમિકલ મૅન્યૂફૅક્ચરિંગ કંપની એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ફૅક્ટરીમાં બુધવારે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ફાટી નીકળેલી આગે ઝડપથી પ્લાન્ટને લપેટમાં લીધી હતી અને કામદારો અંદર ફસાઈ ગયા હતા. આ આગમાં વહેલી સવારે બે ડઝનથી વધુ કામદારોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

અગ્નિશામકોએ કલાકો સુધી આગ પર કાબૂ મેળવવા કોશિશ કરી હતી, પરંતુ કેમિકલ સ્ટોરેજ ટાંકી પાસે રહેલા સાત પીડિતોને બચાવવામાં ઘણું મોડું થઈ ગયું હતું અને તેમાં એ સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.

પોલીસે ગુમ થયેલા લોકોના આધારે મૃતકોનાં નામોની ઓળખ કરી છે. તેમનાં નામ દિવ્યેશકુમાર પટેલ, સનતકુમાર મિશ્રા, ધર્મેન્દ્રકુમાર, ગણેશ પ્રશાદ, સુનિલ કુમાર, અને અભિષેક સિંહ છે.

જયારે બ્લાસ્ટ થયો ત્યારથી આ લોકો ગુમ થયેલ હતા.

ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ

એથર ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટની સ્ટોરેજ ટાંકીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી.

ઘટનાની માહિતી મળતા જ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની 13થી વધુ ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત 27 લોકોને સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ તમામ કામદારોને અત્યારે ખાનગી કંપનીઓમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમાંથી એકની હાલત ગંભીર છે.

જે લોકો દાઝી ગયા છે એમાંથી પણ આઠ લોકો 70 થી 90-95 ટકા દાઝી ગયેલા કામદારો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુરત શહેરની ફાયર બ્રિગેડની ટીમ, સચિન જીઆઈડીસીની ટીમ અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારની અન્ય ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ હતું અને તેથી તે બીજા દિવસે સવારે છેક 9 વાગ્યે કાબૂમાં આવી હતી.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) રાજેશ પરમારે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "બુધવારે વહેલી સવારે સુરતની સચિન જીઆઈડીસીમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 27 જેટલા કામદારો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા હતા, તે બધાને સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા."

મૃતદેહો મળવામાં વાર કેમ લાગી?

આગ ઓલવાઈ ગયા પછી પણ બીજા દિવસે સવારે ખબર પડે છે કે ફેકટરીના 7 લોકો હજુ લાપતા છે. પરંતુ કેમિકલ ફેક્ટરી હોવાના કારણે તરત જ અંદર જવું સલામત નહોતું.

એટલે એક દિવસ રાહ જોયા બાદ આખરે 30મીની વહેલી સવારે 4 વાગે, નિષ્ણાતોનાં અવલોકનો અને અભિપ્રાયો બાદ ફાયરબ્રિગેડ,પોલીસ, ફોરેન્સિક ટીમ કૅમેરા સાથે પ્લાન્ટની અંદર ગુમ થયેલા કામદારોને શોધવા પ્લાન્ટની અંદર ગઈ હતી અને સવારે 10 વાગે છેલ્લો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

ત્યાં કંપનીમાં અન્ય સાત લોકોનાં કંકાલ મળી આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે, જેમને સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતાં.

પહેલા ફક્ત બે લોકોની ઓળખ થઈ શકી હતી. મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ હોય તેમની ઓળખ કરવા ડીએનએ તપાસ કરવામાં આવી છે. હવે તમામ મૃતકોની ઓળખ થઈ ચૂકી છે.

પરિવારજનોનું શું કહેવું છે?

વહેલી સવારે, બચાવ ટુકડીઓએ વિસ્ફોટનાં સ્થળે કાટમાળ નીચેથી કામદારોના બળી ગયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

પોલીસ દ્વારા આગ લાગવાનું કોઈ સત્તાવાર કારણ જણાવવામાં આવ્યું નથી.

ગુમ થયેલા કામદારોના પરિવારજનો બુધવારે સવારથી સચિન જીઆઈડીસીમાં કંપની પરિસરમાં ઉમટી પડ્યા હતા, પરંતુ તેમને ગુમ થયેલા કામદારો વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

આ દુર્ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે. તેઓએ એથર ઇન્ડસ્ટ્રીઝ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને આગની સંપૂર્ણ તપાસની માંગ કરી છે.

મૃતકોમાં એક જેમની ઓળખ થઈ છે તે સનત મિશ્રાનાં પત્ની કહે છે કે, "હજી તો બે દિવસ પહેલાં જ તેમણે અહીંયા નોકરી લીધી હતી.”

સરકારે શું પગલાં લીધાં?

એથર ઇન્ડસ્ટ્રીમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કંપનીને હવે આગોતરી મંજૂરી મળ્યા સિવાય પ્લાન્ટનાં ઑપરેશન ચાલુ ન કરવા નિર્દેશ આપ્યો છે.

ઉપરાંત કંપનીને પર્યાવરણ નુકસાન મામલે વચગાળાનો 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સાથે સાથે જિલ્લા કલેક્ટરે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી, પોલીસ સેવા અને પોલ્યુશન નિયંત્રણ વિભાગના અધિકારીઓને સમાવતી એક સમિતિની રચના કરી છે. આ સમિતિ બનાવનો તપાસ રિપોર્ટ તૈયાર કરશે.

જેમાં ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હેલ્થ નેજા હેઠળ જીપીસીબી, ફાયર અને સચિન જીઆઈડીસી પોલીસના અધિકારીઓનો સમાવેશ થાય છે.

દરમિયાન ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હેલ્થના ડેપ્યૂટી ડાયરેક્ટર બ્રિજેશ ચૌહાણ દ્વારા પણ નોટિસ પાઠવવામાં આવી છે.

કંપની પાસે કેમકિલનો સ્ટૉક, ક્યા પ્રકારનું કેમિકલ ઉત્પાદન થતું હતું તે સહિતની વિગતો પણ માગવામાં આવી છે.

વધુમાં બીબીસી સહયોગી રૂપેશ સોનવણે અનુસાર આગની દુર્ઘટનામાં દાઝી ગયેલા પીડિતોની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, બીબીસી તેમની હાલની સ્થિતિની પુષ્ટિ નથી કરી શક્યું.

ઉપરાંત એથર કંપનીએ મૃતકનો પરિવાર માટે વળતર અને નોકરીની સહાયની જાહેરાત પણ કરી હતી.

એથર કેમિકલ શેની કંપની છે?

એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સુરત (ગુજરાત, ભારત) વિભિન્ન ઇન્ટરમિડિયેટ કેમિકલ્સ અને ટૅક્નૉલૉજી સેક્ટરમાં કાર્યરત કંપની છે. તેની પ્રોડક્ટો ફાર્માસ્યૂટિકલ, ઍગ્રોકેમિકલ, મટિરિયલ સાયન્સ, કોટિંગ, ફોટોગ્રાફી માટે વપરાતા રસાયણો, એડિટિવ અને ઑઇલ તથા ગૅસ સહિતના રસાયણ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

કંપનીની વેબસાઇટ અનુસાર વર્ષ 2013માં આ કેમિકલ કંપનીની શરૂઆત કરાઈ હતી. તે પોતાનો પ્લાન્ટ કૉન્ટ્રાક્ટ પર અને એક્સક્લુઝિવ મૅન્યૂફૅક્ચરિંગ હેતુ માટે પણ પૂરો પાડે છે.

ફેબ્રુઆરીમાં એથર ઇન્ડસ્ટ્રીએ સુરતમાં એક નવું ઔદ્યોગિક પરિસર હસ્તગત કર્યું હતું. નવી સાઇટ તાજેતરમાં હસ્તગત કરાયેલી બે કૉમર્શિયલ મૅન્યુફૅક્ચરિંગ સાઇટ્સની બાજુમાં છે. કંપની તમામ નિયમનકારી મંજૂરીઓ માટે ત્રણેય સાઇટ્સને મર્જ કરવા માગે છે. વર્ષ 2021માં તેમાં 700થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા.

કંપની નવી સાઇટ પર બે નવાં ઉત્પાદનો (વિશિષ્ટ રસાયણો અને ઇન્ટરમિડિયરીઝ)નું ઉત્પાદન કરવાનો હેતુ ધરાવતી હતી.

તેનાં કૉર મૅનેજમૅન્ટની વાત કરીએ તો અશ્વિન દેસાઈ તેના એમડી છે. તેઓ કંપનીના ફાઉન્ડિંગ પ્રમોટર અને એમડી છે.