એસકે લાંગા : GPSCથી કલેક્ટર અને નિવૃત્તિ પછી ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ સુધીની કહાણી

ઇમેજ સ્રોત, ROXY GAGDEKAR CHHARA
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને નિવૃત્ત આઇએએસ અધિકારી એસકે લાંગાની પોલીસ ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીનગર રેન્જ આઇજીની કચેરીમાં તેમની પર થયેલી ફરિયાદ પછી તેમની ધરપકડ બાદ પ્રેસ-કૉન્ફરન્સ સમયે મીડિયાની સામે તેમને લાવવામાં આવ્યા હતા.
એસકે લાંગાની પોલીસે મંગળવારે સાંજે આબુ રોડના એક મકાનમાંથી ધરપકડ કરી હતી.
મંગળવારના રોજ આબુ રોડ પર તેઓ કૉંગ્રેસના પૂર્વ નેતા બીકે ગઢવીની માલિકીના એક ઘરમાં હતા, ત્યારે પોલીસ ટીમે લાઇટ ખાતામાંથી આવે છે, તેવું કહીને દરવાજો ખોલાવ્યો હતો. ઘરમાં લાંગા મળી આવતા તેમની ધરપકડ કરીને ગાંધીનગર લઈ આવવામાં આવ્યા હતા.
સરકારી તિજોરીને 21 કરોડની આસપાસની રકમનું નુકસાન કરવા, ખોટા પુરાવાઓ ઊભા કરવા, ખેતીની જમીનને ખોટી રીતે બિન-ખેતીની જમીન તરીકે કરી દેવી વગેરે જેવી ગેરરીતિઓ માટે તેમના પર બે મહિના અગાઉ ફરિયાદ થઈ હતી.
ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં એક એસઆઇટીની રચના કરીને આ કેસની તપાસ કરવામાં આવી હતી.
દરમિયાન અનેક કાગળો અને ગેરરીતિઓ વગેરે સામે આવતા આખરે તેમની ધરપકડ કરવામાં આવી છે.

એસકે લાંગા સામે શું છે ફરિયાદ?

ઇમેજ સ્રોત, ROXY GAGDEKAR CHHARA
ગાંધીનગર સેક્ટર-7માં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે લાંગા પર આરોપ છે કે તેમણે ફરજમાં નિષ્ઠા અને પ્રામાણિકતાનો અભાવ દર્શાવ્યો છે. તેમણે પોતાનાં અંગત હિતો માટે સરકારના નીતિનિયમો અને કાયદાની જોગવાઈને નજરઅંદાજ કર્યાં છે. પોતે પીક-ઍન્ડ-ચૂઝની નીતિ અપનાવી છે. આર્થિક સેટલમૅન્ટ ન થાય તેવા કેસમાં અરજદારોને હેરાન કર્યા છે, સરકારને પ્રીમિયમનું નુકસાન થાય તેવું કાર્ય કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદ પ્રમાણે તેમણે ક્રિમિનલ બ્રીચ ઑફ ટ્રસ્ટ કર્યું છે. નિવૃત્તિ બાદ પણ જૂની તારીખોમાં કાગળો પર સહી કરી પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.
તેમની સામે આઇપીસી અને ભ્રષ્ટાચાર અટકાવવાના વિવિધ અધિનિયમો હેઠળ ફરિયાદ મે મહિનામાં થઈ હતી. તે પહેલાં ખાતાકીય તપાસ હેઠળ નિવૃત્ત આઇએએસ અધિકારી વિનય વ્યાસે તેમના કેસની તપાસ કરી હતી. તેમની તપાસના રિપોર્ટને આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મુખ્યત્વે તેમની સામે આરોપ છે કે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલાસણા ગામની જમીન સંદર્ભે પાંજરાપોળે પોતાને કબજેદાર બતાવ્યા બાદ તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી ન હતી, જેના કારણે જે જમીન ફાજલ થયા બાદ સરકારને મળવી જોઈતી હતી, તે હવે બિન-ખેતી જમીન થઈ ગઈ હોવાથી સરકારી તિજોરીને નુકસાન થયું છે.
પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અમી પટેલના વડપણ હેઠળ એક એસઆઇટીની રચના કરવામાં આવી હતી અને લાંગાની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી થઈ હતી.

શું કહે છે પોલીસ?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
આ વિશે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ પત્રકારો સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે એસકે લાંગાએ આચરેલાં કૃત્યોને કારણે હાલમાં તો એટલું જાણવા મળે છે કે તેમણે આશરે 21 કરોડ રૂપિયાનું નુકસાન સરકારી તિજોરીને કર્યું છે.
ચુડાસમાએ વધુ વાત કરતા કહ્યું હતું કે, "તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તેમની અપ્રમાણસર મિલકત છે, જે તેમણે પોતાના પરિવારજનો અને નજીકના લોકોના નામે લીધેલી છે. આ વિશે પોલીસ તપાસ કરી રહી છે."
"તેમની પાસે એક રાઇસ મિલ છે, તેમના એક ભાગીદાર છે, અમદાવાદમાં ફ્લેટ છે, તેમજ સાણંદમાં ફાર્મ હાઉસ છે."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ કહ્યું હતું કે "હાલમાં તો તેમને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ જો બીજા ગુનાઓ વિશે જાણવા મળે તો તો તેમની સામે બીજી ફરિયાદો થવાની પણ શક્યતા છે."

કોણ છે એસકે લાંગા?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જીપીએસસી પછી સરકારી નોકરીમાં આવનારા એસકે લાંગાને IAS તરીકેનું પ્રમોશન 2006માં મળ્યું હતું. આઇએએસ તરીકેની તેમની ફરજ તેમણે ડીડીઓ તરીકે શરૂઆત કરી હતી.
તેઓ મહેસાણા ડીડીઓ રહી ચૂક્યા છે. તેઓ 2018માં ગાંધીનગર કલેક્ટર તરીકે સેવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2019 સુધી કલેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા.
તેમની નિવૃત્તિ બાદ તેમના પર ગેરરીતિના આરોપો લાગ્યા હતા.
જોકે તેમના પર લાગેલા આરોપો બાદ નામ વગરનો એક પત્ર વાઇરલ થયો હતો, જેમાં લાંગાએ કરેલાં કૃત્યો માટે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, મહેસૂલમંત્રી કૌશિક પટેલ, તેમજ નીતિન પટેલ વગેરે પર આરોપો લાગ્યા હતા. જોકે તે પત્રમાં નીચે કોઈનું નામ ન હોવાથી પોલીસે તેને રૅકર્ડ પર લીધો નથી.
પરંતુ તે પત્ર વાઇરલ થયા બાદ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે એસકે લાંગા પોતાના પરના આરોપો સંતાડવા માટે તેમને અને બીજા નેતાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રૂપાણીએ કહ્યું હતું કે તેમણે પોતે લાંગાની સામેની તપાસના ઑર્ડર પસાર કર્યા હતા.
ગાંધીનગરની ફરિયાદ અગાઉ આ પ્રકારે તેમના પર ગોધરામાં પણ ફરિયાદ થઈ હતી, તેમાં પણ તેમના પર આઇપીસીના ખોટા દસ્તાવેજો અને ભ્રષ્ટાચારના આરોપો હતા.

શું થયું કોર્ટમાં?
લાંગા તરફથી કોર્ટમાં ઍડવૉકેટ અંકિત શાહે રજૂઆતો કરી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "એસકે લાંગા પર આ જ પ્રકારના આરોપો ગોધરાની એફઆઇઆરમાં કરવામાં આવ્યા હતા, ત્યારે તેમને અગોતરા જામીન મળી ગયા હતા, જેને સરકારે ચેલેન્જ પણ કર્યા ન હતા, તો આ કેસમાં પણ તેમને જામીન મળવા જોઇએ."
"પોલીસ તરફથી 14 દિવસના રિમાન્ડ માગતી અરજીમાં રજૂઆતો થઈ હતી કે લાંગા પાસેથી હજી બીજા દસ્તાવેજો લેવાના છે અને તેમનો પરિવાર દેશ બહાર જતો રહે તેવી શક્યતા લાગી રહી છે, તેની સાથે સાથે તેમની અપ્રમાણસર મિલકત વગેરેની વધુ માહિતી મેળવવા માટે રિમાન્ડ મળવા જોઇએ."














