You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકોને કૂતરાં આટલાં કેમ ગમતાં હોય છે, શું છે એની પાછળનું વિજ્ઞાન?
ક્યારેક ક્યારેક આ વાત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ લાગે છે, પરંતુ વિશ્વનાં તમામ કૂતરાંનાં પૂર્વજ વરુ છે. એટલે કે કૂતરાં વરુમાંથી જ ઊતરી આવ્યાં છે.
પછી ભલે એ વિશ્વનું સૌથી નાનું મનાતું કૂતરું ચિહુઆહુઆ હોય કે કોઈ મોટું કૂતરું.
તેમનો સૌથી નિકટનો સંબંધ રાખોડી વરુ સાથે છે. એ આજેય જંગલોમાં મળી આવે છે અને અત્યંત શક્તિશાળી પ્રાણી ગણાય છે.
પરંતુ સવાલ એ છે કે વરુ આપણી આટલી નિકટ ક્યારથી રહેવા લાગ્યા? અને કૂતરાં કેમ સમગ્ર વિશ્વમાં આટલા બધા લોકોના દિલમાં ખાસ જગ્યા ધરાવે છે?
કૂતરાં અને માણસ વચ્ચે ગાઢ સંબંધ કેવી રીતે બંધાયો?
એવું મનાય છે કે પ્રાણીઓમાં કૂતરાંને માણસોએ સૌપ્રથમ પાલતું બનાવ્યાં હતાં.
2017માં એક પ્રાચીન કૂતરાંના ડીએનએનો અભ્યાસ કરાયો. આનાથી એ સંભાવના વિશે ખબર પડી કે કૂતરાં યુરોપમાં 20 હજારથી 40 હજાર વર્ષ પહેલાં વરુમાંથી ઊતરી આવ્યાં હતાં.
પહેલાં એવું મનાતું કે કૂતરાંને પાલતું બનાવવાની પ્રક્રિયા બે અલગ-અલગ સ્થળે રહેતાં વરુની આબાદીમાંથી શરૂ થઈ, જે એકબીજાથી હજારો માઇલ દૂર રહેતાં.
અત્યાર સુધી આખરે કૂતરાંની માણસોના સાથીદાર બનવાની શરૂઆત કેવી રીતે થઈ સવાલનો કોઈ નિશ્ચિત જવાબ નથી. સંશોધકો આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આ અંગે ઘણા પ્રકારની થિયરીઓ અસ્તિત્વમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદાહરણ તરીકે, એક પ્રસિદ્ધ થિયરી એવું જણાવે છે કે માણસોએ વરુનાં બચ્ચાંને પકડીને પાલતું બનાવ્યાં. ધીમે ધીમે ઓછાં આક્રમક વરુને પસંદ કરીને શિકારમાં મદદ માટે રાખ્યાં.
આ થિયરી પ્રમાણે કેટલાંક વરુ એવાં હતાં, જેમને માણસોથી ઓછો ડર લાગતો હતો. એ માનવવસતિની આસપાસ આવીને વધેલું-ઘટેલું ભોજન ખાવા લાગ્યાં.
ધીમે ધીમે માણસોને ખબર પડવા લાગી કે વરુની હાજરી ફાયદાકારક છે. આ વરુ ખતરો પણ જણાવતાં અને આસપાસનાં પ્રાણીઓને દૂર પણ રાખતાં.
થિયરી પ્રમાણે, જે વરુ વધુ નીડર હતાં, એ જ વધુ સરળતાથી જીવિત રહ્યાં અને તેમણે વધુ બચ્ચાં પેદા કર્યાં.
આવી રીતે કુદરતી પસંદગીને કારણે ઓછો ડર અને વધુ મળતાવડા હોવા જેવા ગુણો વંશાનુક્રમે આગળ વધતા ગયા અને ધીમે ધીમે વરુ કૂતરાં જેવાં પાલતું પ્રાણી બનતાં ગયાં.
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઉત્ક્રાંતિ વિષયક જનીનશાસ્ત્ર (ઇવોલ્યૂશનરી જીનોમિક્સ)ના પ્રોફેસર અને જનીન-વિજ્ઞાની ગ્રેગર લાર્સનનું માનવું છે કે માણસ અને વરુના સંબંધોની શરૂઆતના ગાળામાં બંને માટે ફાયદો હતો. આનાથી શિકારમાં બંનેને સરળતા હતી.
ગ્રેગર લાર્સન કહે છે કે, "જો આપણે એવું કહીએ કે આપણે વરુને પાલતું બનાવ્યાં, તો આવું કહેવામાં એવું લાગે છે કે આપે ઇરાદાપૂર્વક આવું કર્યું, જ્યારે આપણા જીવનમાં મોટા ભાગના સંબંધો આવા નથી હોતા."
"આવું કહેવાથી એવું લાગે છે કે આપણને ખબર હતી કે આપણે શું કરી રહ્યા છીએ, આપણી પાસે અમુક યોજના હતી અને આપણે ઘણી સમજદારીથી કામ કરી રહ્યા હતા."
તેઓ કહે છે કે, "મને લાગે છે કે આપણને આનાથી એટલા માટે લાભ થયો, કારણ કે વરુ આપણને પોતાનો સમૂહ માનતાં હતાં, તેથી તેઓ ચોકીદારની માફક સાવચેત રહેતાં, જેનાથી સુરક્ષામાં વધારો થતો હતો. તેમજ જો વરુની નજરથી જોવામાં આવે તો કદાચ તેમને વધુ નિયમિતપણે ભોજન મળી જતું હતું."
રસપ્રદ સંશોધન
હજારો વર્ષોમાં માણસોએ કૂતરાંની પસંદગી કરી કરીને પાળ્યાં, જેથી તેમાં શિકાર કરવા અને ઝુંડને સાચવવા જેવા ખાસ ગુણો પેદા થાય. સમયાંતરે તેમનાં કામ પણ ખૂબ બદલાઈ ગયાં.
પહેલાં એ ગુફાની રખેવાળી કરતાં અને આજે એ ગાઇડ ડૉગ કે ઍરપૉર્ટ પર શંકાસ્પદ સામાન સૂંઘવા જેવાં કામ કરે છે.
માણસોની આ દખલગીરીના કારણે આજે કૂતરાંની સેંકડો પ્રકારની નસલો અસ્તિત્વમાં છે. ઍન્થ્રૉઝૂલૉજિસ્ટ જૉન બ્રેડશૉ પ્રમાણે, કૂતરાં આકારમાં અન્ય કોઈ પણ સ્તનધારી કરતાં વધુ વિવિધતા રજૂ કરે છે.
ઇતિહાસમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે કૂતરાંનું કામ માત્ર આપણી મદદ કરવાનું જ નહોતું રહ્યું, બલકે તેઓ પરિવારનો એક ભાગ બની ગયાં.
2020માં બ્રિટનની ન્યૂકૅસલ યુનિવર્સિટીનાં પાલતું પ્રાણીઓનાં કબ્રસ્તાનોમાં બનેલા શિલાલેખોનો અભ્યાસ કર્યો. તેના પરથી એ વાતનો ખ્યાલ આવે છે કે 1881માં પ્રથમ પબ્લિક પેટ સેમેટ્રી કૂલ્યા બાદથી લોકોનો પાલતું પ્રાણીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે.
સંશોધન પ્રમાણે, વિક્ટોરિયન સમયગાળામાં કબરો પર પાલતું કૂતરાં માટે સાથીદાર કે મિત્ર લખવામાં આવતું, પરંતુ બાદનાં વર્ષોમાં લોકો તેમને પરિવારના સભ્ય જ માનવા લાગ્યા.
ખાસ કરીને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ કબરો પર કૂતરાં માટે 'પરિવારનો ભાગ' ગણાવતા કેસોમાં ઘણો વધારો જોવા મળ્યો.
સંશોધનમાં પણ એવું સામે આવ્યું છે કે 20મી સદીના મધ્ય ભાગ સુધી લોકો પાલતું પ્રાણીઓ માટે 'પરલોક'માં વિશ્વાસ કરવા લાગ્યા હતા. એટલે કે લોકો એવું વિચારવામાં લાગેલા હતા કે તેમનાં કૂતરાંનાં મોત બાદ પણ કોઈ દુનિયા છે.
કૂતરાં આટલાં પ્રેમાળ કેમ લાગે છે?
કાર્નેલ યુનિવર્સિટી અનુસાર, ગલૂડિયાં તેનાં મા અને ભાઈબહેનો સાથે આઠથી 12 અઠવાડિયાં રહે એ સૌથી સારું હોય છે. આ તેમની શીખવા-સમજવાની સૌથી મહત્ત્વપૂર્ણ ઉંમર છે.
આ દરમિયાન, એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીએ 2018માં એક અભ્યાસ કર્યો. આ અભ્યાસથી એ વાતની ખબર પડે છે કે બરોબર આ જ ઉંમરે ગલૂડિયાં સૌથી વધુ 'ક્યૂટ' દેખાય છે.
પ્રોફેસર લાર્સન જણાવે છે કે, "આ જ એ સમય હોય છે જ્યારે ગલૂડિયાં પોતાની મા પર વધુ નિર્ભર હોય છે અને સ્વતંત્રપણે બિલકુલ જીવિત નથી રહી શકતાં. ત્યારે એ માણસોને ખૂબ પ્રેમાળ લાગે છે, જેથી માણસ તેમને અપનાવે અને ભોજન-પાણી આપે."
2019ના એક સંશોધનમાં એવું ખબર પડી કે કૂતરાંએ પોતાની આંખની આસપાસ એવી માંસપેશીઓ વિકસિત કરી લીધી છે, જેનાથી એ માસૂમ ભાવનાઓ દેખાડી શકે છે, જે માણસોને તુરંત પ્રેમાળ લાગે છે.
આનાથી કૂતરાં અને માણસ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત થયો છે. ઍન્થ્રૉઝૂલૉજિસ્ટ બ્રેડશૉ કહે છે કે, "જ્યારે એક ગલૂડિયું એ વાત શીખી જાય છે કે માણસ તેના માટે ખતરો નથી, તો તેની પ્રવૃત્તિ તેને જણાવે છે કે જીવિત રહેવા માટેની સૌથી સારી રીત માણસો સાથે જોડાઈ જવાની છે."
મોટા ભાગના લોકો માને છે કે તેમનાં કૂતરાં તેમને પ્રેમ કરે છે અને હવે વૈજ્ઞાનિકો પાસે તેના પુરાવા પણ છે.
એમોરી યુનિવર્સિટીના ન્યૂરોસાયન્ટિસ્ટ અને સાઇકોલૉજીના પ્રોફેસર ગ્રેગોરી બર્ન્સ કૂતરાં અને માણસોના સંબંધોનો અભ્યાસ કરે છે.
તેમણે કૂતરાંને એવી રીતે તાલીમ આપી છે કે તેઓ ફંક્શનલ રેઝોનન્સ ઇમેજિંગ સ્કૅન દરમિાયન બિલકુલ શાંત બેસી શકે, જેથી તેમના મગજની પ્રવૃત્તિઓને જોઈ શકાય.
તેમના સંશોધનમાં ખબર પડી કે કૂતરાંના મગજનો એ ભાગ જે આશા અને હકારાત્મક ભાવનાઓ સાથે સંકળાયેલો હોય છે, એ સૌથી વધુ ત્યારે સક્રિય થાય છે જ્યારે એ કોઈ પરિચિત વ્યક્તિની ખુશબૂ મહેસૂસ કરે છે.
એટલે કે આપણે આપણી જાતને કૂતરાંને પ્રેમ કરતા રોકી નથી શકતા અને આ પ્રેમ બેતરફી હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન