You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિલાઈ મશીન : એક શર્ટ સીવવામાં 14 કલાક લાગતા, મહિલાઓના જીવનમાં ક્રાંતિ લાવનાર સીવણ મશીનની કહાણી
- લેેખક, ટિમ હારફોર્ડ
- પદ, બીબીસી સંવાદદાતા
શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે, નાની નાની વસ્તુઓ કઈ રીતે સમાજમાં મોટાં પરિવર્તનો લાવે છે? સિલાઈ મશીન પણ એક એવી જ વસ્તુ છે, જે મહિલાઓની દુનિયામાં ક્રાંતિકારી પરિવર્તન લઈ આવ્યું.
ગુજરાતમાં અનેક એવી મહિલાઓ અને પુરુષો છે, જે સિલાઈ મશીનના સહારે જીવન જીવી રહ્યાં છે અને કમાણી કરી રહ્યાં છે.
પણ શું તમને સિલાઈ મશીનનો ઇતિહાસ ખબર છે?
આ કહાણી થોડી જૂની છે – લગભગ 170 જૂની; પરંતુ, સિલાઈ મશીનનો જાદુ હજુ પણ યથાવત્ છે.
આજે પણ દુનિયાભરમાં મહિલાઓના ઉત્થાન માટેની તમામ યોજનાઓના કેન્દ્રમાં સિલાઈ મશીન જ છે.
સિલાઈ મશીનની શરૂઆત
ઈ.સ. 1850થી ઘણાં વરસો પહેલાંની વાત છે. અમેરિકન સામાજિક કાર્યકર એલિઝાબેથ કેડી સ્ટેન્ટન મહિલાઓના અધિકારો માટે પોતાના વિચારો રજૂ કરતાં હતાં.
સ્ટેન્ટને પોતાના ભાષણમાં મહિલાઓને મતાધિકાર આપવાની વાત કહી હતી.
તેમની વાત સાંભળીને તેમના નિકટના સહયોગીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા, કેમ કે તેમના સમર્થકો માટે પણ તે સમયે આ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી વાત હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, આ એ સમય હતો, જ્યારે સમાજ ધીમે ધીમે બદલાતો હતો.
અભિનયની દુનિયામાં નિષ્ફળ રહ્યા પછી એક વ્યક્તિ બૉસ્ટનમાં ભાડાની દુકાન લઈને કેટલાંક મશીન વેચવાનો અને નવાં મશીનોની શોધ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
નહીં ચાલેલા એ ઍક્ટર લાકડાના અક્ષર બનાવતું મશીન વેચવાની કોશિશ કરતા હતા.
આ એ સમય હતો, જ્યારે લાકડાના અક્ષર ચલણમાંથી નીકળી રહ્યા હતા.
આ બધું ચાલતું જ હતું, કે એક દિવસ દુકાનના માલિકે આ નિષ્ફળ ઍક્ટરને બોલાવીને એક મશીનનો નમૂનો બતાવ્યો.
દુકાનના માલિક આ મશીનની ડિઝાઇનને સુધારવાનો પ્રયત્ન કરતા હતા.
આની પહેલાં દાયકાઓથી લોકો આ મશીન પર કામ કરી રહ્યા હતા, પરંતુ કોઈને સફળતા નહોતી મળતી.
તે એક સિલાઈ મશીન હતું, જેને વધુ સારું બનાવવા માટે દુકાનમાલિકને પોતાના ભાડવાતના અનુભવની જરૂર હતી.
પહેલાંના જમાનામાં સિલાઈ મશીનથી કેટલાં શર્ટ સિવાતાં?
એ સમયે સિલાઈ મશીન સમાજમાં ખૂબ મોટી વસ્તુ ગણાતું હતું.
તત્કાલીન અખબાર 'ન્યૂ યૉર્ક હેરાલ્ડ'એ પોતાના એક સમાચારમાં લખ્યું હતું, "એવો કોઈ કામદાર સમાજ નથી જેને કપડાં સીવનાર કરતાં ઓછા પૈસા મળતા હોય અને જે તેમના કરતાં વધુ મહેનત કરતો હોય."
આ સમયખંડમાં એક શર્ટ બનાવવામાં 14 કલાક કરતાં વધારે સમય થતો હતો.
આવી સ્થિતિમાં એક એવું મશીન બનાવવું, તે મોટી વ્યાપારિક સફળતાનો વાયદો હતું, જે સરળ હોય અને કપડાં સીવવા માટે ઓછો સમય લેતું હોય.
સિલાઈ કરનારાંઓમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકીઓ હતાં. આ કામે મહિલાઓનું જીવન કંટાળાજનક બનાવી દીધું હતું, કેમ કે તેઓ દિવસનો મોટો ભાગ કપડાં સીવવા પાછળ જ વિતાવતાં હતાં.
સિલાઈ મશીનમાં કેટલાક સુધારા કર્યા
દુકાનના માલિકે જ્યારે પોતાના ભાડવાતને આ સિલાઈ મશીન બતાવ્યું ત્યારે તે નિષ્ફળ ઍક્ટરે કહ્યું, "તમે એ એક વસ્તુને જ ખતમ કરવા માગો છો, જે મહિલાઓને શાંત રાખે છે."
સિંગર પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક હતા, પરંતુ તેમને એક વ્યભિચારી વ્યક્તિ પણ માનવામાં આવતા હતા.
તેમણે 22 બાળકોને જન્મ આપ્યો હતો. એક મહિલાએ તો તેમના પર મારપીટનો આરોપ પણ કર્યો હતો.
સિંગર ઘણાં વરસો સુધી પોતાના ત્રણ પરિવાર ચલાવતા રહ્યા અને એક પણ પત્નીને સિંગરની બીજી પત્ની વિશે ખબર નહોતી.
એક રીતે, સિંગર મહિલાઓના અધિકારોના સમર્થક નહોતા.
જોકે, તેમના વ્યવહારે કેટલીક મહિલાઓને પોતાના અધિકારો માટે સંઘર્ષ કરવાનું કારણ જરૂર પૂરું પાડ્યું.
સિંગરના જીવનચરિત્રકાર રૂથ બેંડને ટિપ્પણી કરી છે કે, તેઓ એક એવી વ્યક્તિ હતા, જેમણે ફેમિનિસ્ટ મૂવમેન્ટને મજબૂત બનાવી હતી.
સિંગરે સિલાઈ મશીનના પ્રોટોટાઇપને જોયા પછી તેમાં કેટલાક ફેરફારો કર્યા અને પોતે કરેલા સુધારાવાળા મશીનની પેટન્ટ કરાવી લીધી.
એ મશીન એટલું બધું સરસ હતું કે, તેનાથી એક શર્ટ બનાવવામાં લાગતો 14 કલાકનો સમય ઘટીને માત્ર એક કલાક થઈ ગયો.
દુર્ભાગ્યે, એ મશીન એવી તકનીકો પર પણ આધારિત હતું જેના પર બીજી શોધોની પેટન્ટ હતી.
તેમાં આંખની આકૃતિ જેવી સોય હતી, જે દોરા દ્વારા કપડું જોડવાનું કામ કરતી હતી.
તેની સાથે જ, કપડાને આગળ વધારવા માટેની તકનીકની પેટન્ટ પણ કોઈ બીજી શોધના નામે હતી.
1850 દરમિયાન સિલાઈ મશીન અને તેની ડિઝાઇન પર અધિકારો માટેનો સંઘર્ષ જોવા મળ્યો.
સિલાઈ મશીન બનાવનારા મશીન વેચવા કરતાં વધારે તો પોતાના હરીફને કાનૂની કેસમાં ફસાવવામાં વ્યસ્ત હતા.
આખરે એક વકીલે બધા નિર્માતાઓને સલાહ અપી કે સિલાઈ મશીન બનાવવાના વેપાર સાથે સંકળાયેલા ચાર વેપારીઓ પાસે એ બધી તકનીકોની પેટન્ટ છે, જે એક વધુ સારું સિલાઈ મશીન બનાવવા માટે જરૂરી છે. અને એ સ્થિતિમાં એકબીજા પર કાનૂની કેસ કરવાના બદલે પોતાની તકનીકો એકબીજાને ઉપયોગ કરવા દો અને આ સમૂહની બહારના વેપારી પર કાનૂની કેસ કરો.
આ કાનૂનૂ ઝંઝટમાંથી મુક્ત થતાં જ સિલાઈ મશીનનું બજાર આકાશ આંબવા લાગ્યું, પરંતુ આ બજાર પર સિંગરનું આધિપત્ય થયું.
આ એક એવી વાત હતી, જે સિંગરના હરીફો માટે સ્વીકારવી મુશ્કેલ હતી. તેઓ માનતા હતા કે તેના માટે સિંગરનાં કારખાનાં જવાબદાર હતાં.
સિંગરના હરીફો અમેરિકન સિસ્ટમ હેઠળ નવા જમાનાનાં સાધનો અને તકનીકોનો ઉપયોગ કરતા હતા.
જ્યારે સિંગરનાં મશીનોમાં હજુ પણ સામાન્ય નટ-બોલ્ટવાળી પદ્ધતિ ચાલતી હતી.
એ સમયે સિલાઈ મશીન યોજના શું હતી?
અનેક મુશ્કેલીઓ હોવા છતાં સિંગર અને તેના બિઝનેસ પાર્ટનર ઍડવર્ડ ક્લાર્ક માર્કેટિંગ દ્વારા પોતાના બિઝનેસને ખૂબ ઊંચાઈએ લઈ ગયા.
તે જમાનામાં સિલાઈ મશીન ખૂબ મોંઘાં હતાં અને એક મશીન ખરીદવા માટે મહિનાઓની કમાણી ખર્ચાઈ જતી હતી.
ક્લાર્કે આ સમસ્યાના નિવારણ માટે એક નવું મૉડલ વિકસાવ્યું.
તેના હેઠળ, લોકો મશીનની પૂરી કિંમત ચૂકવ્યા વગર માસિક ભાડાથી મશીન લઈ શકતા હતા.
જ્યારે તેના ભાડાની કુલ રકમ મશીનની કિંમત જેટલી થઈ જતી હતી, ત્યારે મશીન, ઉપયોગ કરનારનું થઈ જતું હતું.
આ રીતે સિલાઈ મશીન પોતાની જૂની નિષ્ફળ અને ધીમે કામ કરનાર મશીનની છાપમાંથી મુક્ત થઈ ગયું.
સિંગરના સેલ્સ એજન્ટ લોકોના ઘરે જઈને મશીન સેટઅપ કરવા લાગ્યા. આ એજન્ટ મશીન આપ્યા પછી ફરીથી લોકો પાસે જઈને તેમનો અનુભવ અને મશીન રિપૅર કરવા જેવી સુવિધાઓ પણ આપતા હતા.
પરંતુ આ બધી માર્કેટિંગ રણનીતિઓ હોવા છતાં, સિંગરની કંપની મહિલાઓ વિરુદ્ધના સામાજિક અભિપ્રાયના કારણે નુકસાન સહન કરતી હતી.
સામાજિક કાર્યકર સ્ટેન્ટન આ વિચાર વિરુદ્ધ લડી રહ્યાં હતાં. આ સમજવવા માટે બે કાર્ટૂન પર નજર નાખી શકાય છે.
એક કાર્ટૂન એમ કહે છે કે, મહિલાઓએ સિલાઈ મશીન ખરીદવાની શી જરૂર છે, જ્યારે તેઓ તેની સાથે લગ્ન કરી શકે છે.
બીજી તરફ, એક સેલ્સમૅન કહે છે કે સિલાઈ મશીનના કારણે મહિલાઓને પોતાનાં બુદ્ધિ-વિવેકને વધારવાનો સમય મળશે.
કેટલાક લોકોના પૂર્વગ્રહોએ એ પ્રકારની શંકાને પણ જન્મ આપ્યો કે, શું મહિલાઓ આટલાં મોઘાં મશીનો ચલાવવા માટે સક્ષમ છે?
પરંતુ સિંગરનું આખું બિઝનેસ મૉડલ એ વાત પર જ આધારિત હતું કે મહિલાઓ કામ કરી શકે છે.
સિંગરે પોતાના અંગત જીવનમાં મહિલાઓને ભલે થોડું ઓછું સન્માન આપ્યું હોય, પરંતુ તેમણે ન્યૂ યૉર્કના બ્રૉડવેમાં એક દુકાન ભાડે લઈને યુવા મહિલાઓને નોકરીએ રાખી.
આ મહિલાઓ લોકોને મશીન ચલાવીને બતાવતી હતી. સિંગર પોતાની જાહેરખબરમાં કહેતા હતા, "આ મશીન, નિર્માતાઓ તરફથી સીધું પરિવારની મહિલાને વેચવામાં આવ્યું છે."
આ જાહેરખબરનો હેતુ એ પણ હતો કે, મહિલાઓએ આર્થિક સ્વતંત્રતા મેળવવી જોઈએ.
તેમાં કહેવામાં આવ્યું કે, "કોઈ પણ મહિલા આ મશીનની મદદથી દર વર્ષે 1,000 ડૉલર કમાઈ શકે છે."
વર્ષ 1860માં ન્યૂ યૉર્ક ટાઇમ્સે પોતાના એક લેખમાં કહ્યું કે, બીજી કોઈ શોધોએ માતા અને પુત્રીઓને આ મશીન કરતાં વધારે રાહત નથી આપી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન