વધુ લાઇક અને વ્યૂ મેળવવા બાળકો સાથે પ્રૅંકના વીડિયો બનાવી તેમનો વિશ્વાસ તો નથી તોડતાને?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આદર્શ રાઠોડ
- પદ, બીબીસી ગુજરાતી માટે
થોડા સમય પહેલાં જ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ટીખળના (પ્રૅંક) વીડિયો બનાવવાનું ચલણ શરૂ થયું હતું. લોકો કારમાં અજાણ્યા બાળકોને લિફ્ટ આપતા અને પછી તેમને કહેતા કે તેમનું અપહરણ કરી લેવાયું છે. બાળકો ગભરાઈને બૂમો પાડવા લાગતાં અને રડવાં લાગતાં હતાં.
આવાવીડિયો બનાવનારા કહેતા હતા કે તેઓ બાળકોને જાગૃત કરી રહ્યા છે કે અજાણ્યા લોકોની કારમાં ન બેસવું જોઈએ. જોકે આ વાત માટે તેમની ટીકા થઈ કે તેઓ લાઇક અને વ્યૂઝ મેળવવા માટે બાળકોને હેરાન કરી રહ્યા છે.
હવે સોશિયલ મીડિયામાં અન્ય એક ટીખળનો વીડિયો વાઇરલ છે, જેમાં માતા-પિતા તેમનાં નાનાં બાળકોનાં માથાં પર ઈંડાં ફોડી રહ્યાં છે.
દુનિયાભરમાં ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ પર #eggcrackchallenge ટૅગ સાથે હજારો વીડિયો બનાવાયા છે, જેને કરોડો લોકો જોઈ ચૂક્યા છે.
આ વીડિયોમાં દેખાતા મોટાં ભાગનાં શિશુઓ હતાં અથવા તેમની ઉંમર માંડ પાંચ-છ વર્ષ હતી.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે માથા પર ઈંડું ફોડવામાં આવતાં કેટલાંક બાળકો દંગ રહી જાય છે.
કેટલાકે તેમને ઈજા થઈ હોવાનું જણાવ્યું તો કેટલાંક રડવાં લાગે છે તો કેટલાંક માતા-પિતાને ધક્કો મારે છે.
આનાથી એ છતું થાય છે કે મોટાં ભાગનાં બાળકોને આવાં પ્રૅંક ગમતાં નથી, જોકે વીડિયો બનાવનારાં તેમનાં માતા-પિતા હસતાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવું થવું સ્વાભાવિક છે કારણ કે બાળકો આવી ટીખળ કે મજાકને નથી સમજી શકતાં.

પ્રૅંક શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
લખનૌના મનોવૈજ્ઞાનિક રાજેશ પાંડે કહે છે કે પ્રૅંક એવી ટીખળ છે જેમાં કોઈને શિકાર બનાવવામાં આવે છે.
તેઓ કહે છે કે એવી ક્રિયા જે લોકોને ખુશી અને આનંદ આપે તેને મોજમસ્તી કહેવાય છે. જેમકે જોક. જેમાં કહેનારાને પણ મજા આવે છે અને સાંભળનારાને પણ.
પ્રૅંકમાં પણ મજાક મસ્તી હોય છે પણ તેમાં કોઈ વ્યક્તિ પર એક રીતે તો પ્રયોગ જ કરવામાં આવતો હોય છે. પરેશાની એ છે કે આ પ્રયોગમાં વ્યક્તિને ઈજા પણ થઈ શકે છે. તે ડરી જાય એવું પણ બની શકે અથવા તેને માઠું પણ લાગી શકે છે.
ઉદાહરણ આપતાં રાજેશ પાંડે કહે છે, "ક્લાસમાં દાખલ થઈ રહેલા બાળકને કોઈ પાંચ બાળકો અટકાવીને પાડી દે તો બધા લોકો હસવા લાગશે પણ જે બાળક પડી ગયો તેને ઈજા થઈ શકે છે. આ પણ એક પ્રૅંક છે જેને મનોરંજનની યોગ્ય રીત ના માની શકાય."

પ્રૅંક અને બુલી(રંજાડ) વચ્ચેની પાતળી ભેદરેખા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાળકો સાથે થનારા પ્રૅંકને જોઈને લોકો અસહજ થઈ જાય છે કારણ કે પ્રૅંક કરવામાં અને કોઈને હેરાન કરવામાં બહુ પાતળી ભેદરેખા છે. પ્રૅંક કરવું એ સમયે હેરાનગતિ બની જાય છે, જ્યારે વિક્ટિમ એટલે કે શિકાર બનનાર ઓછું શક્તિશાળી હોય.
કૉમેડીનો એક નિયમ છે – પંચ અપ, નોટ કિક ડાઉન. એટલે કે વ્યંગ કરવા માટે પ્રભાવશાળી લોકોને નિશાના પર લેવાય છે, નબળા લોકોને નહીં. જ્યારે બાળકો સાથે થનારી આવી ટીખળમાં હંમેશાં બાળકો નિશાના પર હોય છે.
ટીખળનો શિકાર બનવું કિશોર અને પુખ્ત વયના લોકો માટે પણ હંમેશા મનોરંજક હોય એ જરૂરી નથી.
રેચલ મેલવિલ થૉમસ બ્રિટનમાં એસોસિયેશન ઑફ સાઇકોથૅરાપિસ્ટનાં પ્રવક્તા છે.
તેઓ કહે છે કે કોઈ ટીખળને ત્યારે જ સફળ માની શકાય જ્યારે કોઈ સમજી જાય કે તેની સાથે મજાક કરવામાં આવી છે. તેને કોઈ નુકસાન ના થયું હોય અને તે પણ સાથે હસવા લાગે.
તેઓ કહે છે, "આપણે સૌની સાથે હસવા માગીએ છીએ. આવું કરવાથી સામાજિક સમૂહો નજીક આવે છે. કોઈ ટીખળ ત્યારે જ મજેદાર હોય છે જ્યારે તેનો શિકાર બનનાર વ્યક્તિ પણ તરત જ હસનારા લોકોમાં સામેલ થઈ કહે કે વાહ, શું સરસ ટીખળ હતી. પણ આવું થવું ત્યારે સરળ નથી જ્યારે તમે કોઈના માથા પર કોઈ વસ્તુ ફોડી હોય."

બાળકોનાં કોમળ મન પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
ટીખળમાં એક એવો શિકાર હોય છે જેને ખબર નથી હોતી કે તેની સાથે મજાક કરાઈ રહી છે. તે ચોંકી જાય ત્યારે તેના પર હસવું આવે છે. આ વાતને બાળકો માટે સમજવી આસાન નથી હોતી.
નાનાં બાળકો વિકાસના પ્રારંભિક તબક્કામાં હોય છે. તેમના માટે કોઈ હાસ્યને તરત સમજી શકવું મુશ્કેલ હોય છે. જોકે નાની ઉંમરથી જ બાળકો હસવાવાળી વાતો વિશે શીખવાનું શરૂ કરી દે છે.
કેટલાક શોધકર્તાઓએ નોંધ્યું છે કે પાંચથી છ વર્ષની ઉંમરમાં બાળક વ્યંગ સમજવા લાગે છે. કેટલાક બાળકો ચાર વર્ષની ઉંમરમાં જ જોક સમજવા લાગે છે. શીખવાની આ પ્રક્રિયા કિશોરાવસ્થા સુધી ચાલતી રહે છે.
માનવામાં આવે છે કે કોઈ ઘટનાને મજેદાર બનાવવા પાછળ મેળ વિનાની વાતોનો સામાન્ય સિદ્ધાંત રહેલો છે.
એટલે કે અપેક્ષા કરતાં કંઈક અલગ હોવું. એટલે કે કેટલાક લોકોને અસામાન્ય હરકતો મજેદાર લાગે છે જેમ કે કાર્ટૂન.

શું પ્રૅંકથી બાળકોનો ભરોસો તૂટે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
બાળક પણ સૌથી પહેલાં એ જ સમજવા લાગે છે કે કઈ વસ્તુઓ મેળ વગરની કે અસામાન્ય છે.
મેલવિલ થોમસ કહે છે, "જેમકે હાથીના માથે ટોપી જોવી બાળકોને મજેદાર લાગે છે. પણ ઈંડાં ફોડવા જેવાં પ્રૅંક સાથે સમસ્યા એ છે કે તમે પહેલાં તો બાળકોમાં અપેક્ષા જન્માવો છો અને પછી ઝટકો આપો છો. જેમકે તમે કહો છો કે ચાલો મમ્મી સાથે જમવાનું બનાવીએ. પછી અચાનક તેમનાં માથા પર ઈંડું ફોડીને તેમને ઈજા પહોંચાડી દો છો."
ઇંગ્લૅન્ડની યૉર્ક સેઇન્ટ જ્હોન યુનિવર્સિટીમાં ડેવલપમૅન્ટલ સાઇકોલૉજીસ્ટ પેજ ડેવિસે બાળકોમાં હ્યુમર એટલે કે હાસ્યના વિકાસની પ્રક્રિયા પર પુસ્તક લખ્યું છે.
તેઓ કહે છે, "ઈંડાં તોડવાવાળા પ્રૅંકમાં મોટી વ્યક્તિને ખબર હોય છે કે તેઓ શું કરવા જઈ રહી છે પણ બાળકોને તેની ખબર નથી હોતી. એટલે તેઓ સમજી નથી શકતાં કે કોઈ વાટકાંની જગ્યાએ તેમનાં માથા પર ઈંડું કેમ ફોડવામાં આવ્યું. કેટલાય વીડિયોમાં બાળકો નથી સમજી શકતાં કે તેમની સાથે મજાક થઈ રહી છે. એવા કિસ્સામાં તેમનો વિશ્વાસ તૂટે છે."
બાળ મનોચિકિત્સક રેચલ મેલવિલ થૉમસ પણ એવી જ ચિંતા વ્યક્ત કરે છે.
તેઓ કહે છે, "પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે માતા-પિતા ઢાલ જેવાં હોય છે. તેમને વિશ્વાસ છે કે તમે ક્યારેય એને કોઈ નુકસાન નહીં પહોંચાડો. પણ તમે એના માથા પર ઈંડું ફોડો તો તે ભરોસાને અસર થાય છે."

માતા-પિતા કેમ વિચારી નથી શકતા?
આ પ્રૅંક સાથે એક સમસ્યા એ પણ રહે છે કે આ વીડિયોને બાળકોની પરવાનગી વગર રૅકોર્ડ કરીને ઑનલાઇન પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.
સવાલ એ પણ ઊભો થાય છે કે બાળકોને શારીરિક નુકસાન પહોંચાડનારા પ્રૅંકને મનોરંજક કેવી રીતે માની શકાય છે? ખાસકરીને ત્યારે, જ્યારે આવા વીડિયોમાં કેટલાંય બાળકોના હાવભાવ પરથી ખબર પડે છે કે તેમને ઈજા થઈ છે.
બાળ મનોચિકિત્સક રેચલ મેલવિલ થોમસ એ વાત પર પણ આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આવા વીડિયોમાં બાળકોની પ્રતિક્રિયા નકારાત્મક હોય છે પણ માતા-પિતા અને આસપાસના મોટા લોકો હસી રહ્યાં હોય છે.
આ વાત અટ્યૂનમૅન્ટ એટલે કે સમાન ભાવના દર્શાવવાની વિરુદ્ધ છે જેની સલાહ કેટલાય બાળ મનોચિકિત્સક આપે છે. જેમકે બાળકને ઈજા થાય ત્યારે માતા પણ પીડા થઈ રહી હોય એવી પ્રતિક્રિયા આપે છે. આનાથી બાળકોને એ શીખવામાં મદદ મળે છે કે કઈ પરિસ્થિતિમાં કેવી ભાવના દર્શાવવાની હોય છે. પણ પ્રૅંકમાં થતું વર્તન તદ્દન ઊલટું છે.
શોધકર્તાઓનું કહેવું છે કે શિકાર બનનારાની ભાવનાત્મક પ્રતિક્રિયા કે તેમને તકલીફ પહોંચાડવા આધારિત પ્રૅંક વીડિયો સોશિયલ મીડિયાનું નકારાત્મક પાસું છે.
મેલવિલ થોમસ કહે છે, "માતા-પિતાને તો આ બધું કરીને વ્યૂઝ, લાઇક કે અન્ય કોઈ પણ રીતનો કંઈને કંઈ ફાયદો મળતો હોય છે. આવામાં તેઓ એ વિશે નથી વિચારી શકતાં કે તેમનું બાળક શું અનુભવી રહ્યું હશે. પ્રૅંક કરતી વખતે બાળકની જરૂરિયાત કરતાં પોતાની જરૂરિયાત પર વધારે ધ્યાન આપતાં હોય છે."

સાવધાની છે જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images
આવા પ્રૅંક બાળકો પર ખરાબ અસર કરે છે અને માતા-પિતા સાથે તેમનાં સંબંધ પર પણ તેની અસર થાય છે.
ચાઇલ્ડ સાઇકોથૅરાપિસ્ટ થૉમસ મેલવિલ કહે છે કે આવી સ્થિતિમાં એ જોવું મહત્ત્વપૂર્ણ છે કે કોઈ પ્રૅંકની બાળકો પર કેવી અસર થઈ રહી છે. તમારો હેતુ શું હતો એ વાતનુ કોઈ મહત્ત્વ નથી.
તેઓ કહે છે, "તમે બાળકને કહી શકો છો કે મેં કોઈ બીજાને જોઈને વિચાર્યું કે મારે પણ આવું કરવું જોઈએ. પણ હવે મને અહેસાસ થઈ ગયો છે કે આવું નહોતું કરવું જોઈતું. માફ કરજે."
આવું કરવું જરૂરી છે કારણ કે માતા-પિતા બાળકોનાં આદર્શ હોય છે. સૉરી કહેતી વખતે તમે બાળકને શીખવી રહ્યાં હોવ છો કે જ્યારે તમને કોઈ વાતનો પસ્તાવો હોય તો શું કરવું જોઈએ.
મનોવૈજ્ઞાનિક રાજેશ પાંડે કહે છે કે "હસવા અને મોજમસ્તી કરવાના અન્ય પણ કેટલાય રચનાત્મક રસ્તા છે. જ્યારે તમે પ્રૅંક કરો છો તો મોજમસ્તીની આશા રાખો છો. પણ તમે એ નથી માપી શકતા કે એ પ્રૅંકની સામેવાળા પર કેવી અને કેટલી અસર થઈ હશે."
તેઓ કહે છે કે માત્ર મજા માટે કોઈને ડરાવવા, ચોંકાવવા કે પરેશાન કરવા યોગ્ય નથી. આવું ના તો નાની વયના લોકો સાથે કરવું જોઈએ, કે ના તો મોટી ઉંમરના લોકો સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.
YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
Twitter પર બીબીસી ગુજરાતીને ફૉલો કરવા અહીં ક્લિક કરો.













