ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ અને H3N2નો ભય કેટલો વાજબી છે?

ગુજરાતમાં વાઇરલ તાવ H3N2ના કેસોના વધારાને કારણે ચિંતિત થવાની જરૂર છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં વાઇરલ તાવ H3N2ના કેસોના વધારાને કારણે ચિંતિત થવાની જરૂર છે?
    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી
  • 14 માર્ચે ગુજરાતમાં કોવિડના 58 નવા કેસ સામે 15 માર્ચે રાજ્યમાં એક દિવસમાં કોવિડના કેસમાં 50 ટકા ઉપરાંતનો વધારો થયો હતો અને કોવિડના નવા કેસની સંખ્યા વધીને 90 થઈ હતી
  • કોવિડ-19ની જેમ જ H3N2 ઈન્ફલ્યુએન્ઝાના કેસ પણ સમગ્ર દેશમાં વધી રહ્યા છે અને આ વાયરસ પણ પ્રાણઘાતક નીવડી રહ્યો છે
  • આમ તો આ વાયરસ હળવો મનાઈ રહ્યો છે પરંતુ અસાધ્ય બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે H3N2 ઈન્ફલ્યુએન્ઝા ગંભીર બીમારીનું જોખમ ઉભુ કરે છે
  • 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને આઈસીયુમાં ભરતી કરવાના કેસોમાં પણ વધારો થયો છે
બીબીસી ગુજરાતી

ગુજરાતમાં એક તરફ H3N2 વાયરસના કેસો વધવાની સાથે સાથે તેને કારણે દર્દીનું મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે, તો બીજી તરફ કોરોના વાયરસના કેસોની સંખ્યા વધવા લાગી છે. લગભગ બે વર્ષ સુધી વૈશ્વિક મહામારી સામે ઝઝૂમ્યા બાદ હાશકારો અનુભવી રહેલા લોકોના મનમાં ફરી એકવાર ચિંતા પેઠી છે.

14 માર્ચે રાજ્યમાં 58 નવા કોવિડ-19ના કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં 30 કેસ નોંધાયા હતા. જ્યારે ભાવનગર, રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકમાં પ્રત્યેકમાં 4-4 નવા કેસ નોંધાયા હતા. મહેસાણામાં 2 કેસ નોંધાયા હતા. એક દિવસમાં 1,049 નવા લોકોએ રસીકરણ કર્યું હોવાનું નોંધાયું હતું.

જોકે 15 માર્ચે રાજ્યમાં એક દિવસમાં કોવિડના કેસમાં 50 ટકા ઉપરાંતનો વધારો થયો હતો અને કોવિડના નવા કેસની સંખ્યા વધીને 90 થઈ હતી. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકામાં 49 કેસ નોંધાયા હતા. જ્યારે બીજા ક્રમે મહેસાણામાં 10 નવા કેસ નોંધાયા હતા. રાજકોટમાં 8 અને સુરતમાં 6 કેસ નોંધાયા હતા.

કોવિડ-19ની જેમ જ H3N2 ઈન્ફલ્યુએન્ઝાના કેસ પણ સમગ્ર દેશમાં વધી રહ્યા છે અને આ વાયરસ પણ પ્રાણઘાતક નીવડી રહ્યો છે. આમ તો આ વાયરસ હળવો મનાઈ રહ્યો છે પરંતુ અસાધ્ય બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે H3N2 ઈન્ફલ્યુએન્ઝા ગંભીર બીમારીનું જોખમ ઊભું કરે છે.

એ ખરૂ કે અન્ય ઈન્ફલ્યુએન્ઝા પેટા પ્રકારો કરતાં H3N2 વધુ હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ બને છે અને H3N2 વાયરસને લઈને સાવચેતી અને કોવિડ જેવા પગલાં લેવાની જરૂર છે એમ કેટલાક નિષ્ણાંતો કહે છે. નિષ્ણાંતો માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને તેના ફેલાવાને રોકવા માટે બે વ્યક્તિઓ વચ્ચે અંતરનું પાલન કરવાની સલાહ આપે છે.

બાળકોમાં આ વાયરસે કહેર ફેલાવ્યો છે અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આઈસીયુમાં ભરતી કરવાના કેસોમાં પણ વધારો થયો છે. જેમાંના ઘણાને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, તાવ અને ન્યુમોનિયા જેવાં લક્ષણો જોવા મળે છે.

નિષ્ણાતોના મતે, H3N2 ઈન્ફલ્યુએન્ઝા કિડનીને પણ ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને વૃદ્ધોમાં અને જેઓ પહેલાથી જ ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદયની સમસ્યાઓ અથવા કિડનીની બીમારી જેવી લાંબી બીમારીઓથી પીડાય છે.

બીબીસી ગુજરાતી

વડોદરામાં શંકાસ્પદ H3N2 દર્દીનું મૃત્યું

15 માર્ચે રાજ્યમાં એક દિવસમાં કોવિડના કેસમાં 50 ટકા ઉપરાંતનો વધારો થયો હતો અને કોવિડના નવા કેસની સંખ્યા વધીને 90 થઈ હતી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, 15 માર્ચે રાજ્યમાં એક દિવસમાં કોવિડના કેસમાં 50 ટકા ઉપરાંતનો વધારો થયો હતો અને કોવિડના નવા કેસની સંખ્યા વધીને 90 થઈ હતી

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, મંગળવારે સયાજીરાવ જનરલ હૉસ્પિટલ (એસએસજી)માં શંકાસ્પદ H3N2 દર્દીનું મૃત્યુ થયું હતું જેની વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન (વીએમસી)ના આરોગ્ય વિભાગની ડેથ ઑડિટ કમિટી તપાસ કરશે.

58 વર્ષીય મહિલા દર્દીને ખાનગી હૉસ્પિટલમાંથી રીફર કરાયા બાદ સયાજીરાવ જનરલ હૉસ્પિટલ (એસએસજી)માં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમનો H3N2 માટે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલાને એસએસજીમાં 11 માર્ચે તાવ સાથે શરદી અને ઉધરસની ફરિયાદ સાથે દાખલ કરાયાં હતાં અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જ્યાં તેમનું મૃત્યું થયું હતું.

એસએસજીના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ.ડી.કે. હેલૈયાએ ઈન્ડિયન એક્સપ્રેસને દર્દીનું ડેથ ઑડિટ કરાવવાની પુષ્ટિ કરી હતી.

મહિલાનો રેપિડ ટેસ્ટનો રિપોર્ટ હતો, જ્યારે માન્ય રિપોર્ટ આઈસીએમઆરનો ગણાય છે. આ કારણે ડેથ ઑડિટ કમિટી આ કેસમાં તેનો નિર્ણાયક રિપોર્ટ ફાઇલ કરશે અને ત્યાં સુધી દર્દીને શંકાસ્પદ કેસ તરીકે ગણવામાં આવશે.

બીબીસી ગુજરાતી

‘માનસિક ગભરાટ ફેલાયો છે’

ડિસેમ્બરથી માર્ચ સુધી દર વર્ષે વાયરલ બિમારીઓનો વાયરો આવતો હોય છે

ઇમેજ સ્રોત, GILNATURE

ઇમેજ કૅપ્શન, ડિસેમ્બરથી માર્ચ સુધી દર વર્ષે વાયરલ બિમારીઓનો વાયરો આવતો હોય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રા કોરોનાના વધી રહેલા કેસ અને તેની ચિંતા અંગે બીબીસી સાથે વાત કરતા કહે છે, “કોરોનાને લઈને હાલમાં માનસિક ગભરાટ ફેલાયો હોય એવું લાગી રહ્યું છે. હાલમાં ગભરાવા જેવું નથી.”

તેઓ કિડની ઈન્સ્ટિટ્યૂટના હવાલે આગળ વાત કરતા કહે છે, “ડિસેમ્બર સુધી અમારે ત્યાં કોરોનાના એકપણ કેસ નહોતા આવ્યા. આજે રોજના 1-2 કેસ આવી રહ્યા છે. જોકે અમે હોમ-ક્વોરેન્ટાઇન કરીએ છીએ અને દર્દી અઠવાડિયામાં સાજા પણ થઈ જાય છે.”

શું કોરોના રસીની અસર ઓછી થઈ છે? પ્રશ્નનો જવાબ આપતા ડૉ. મિશ્રા કહે છે, “કોરોના આરએનએ રસી છે એટલે સમય જતા તેની અસર ઓછી થાય. જોકે એ વૈજ્ઞાનિક પરિભાષા થઈ. પરંતુ રસીની બી-સેલ રોગપ્રતિકારક ક્ષમતા રહે છે અને જેવો કોરોનાનો વાયરસ શરીરમાં ઘૂસે એટલે રસી ટ્રિગર થઈ જાય છે.”

અમદાવાદના સિનિયર ડૉક્ટર અને કોરોના ઍક્સ્પર્ટ ડૉ. વસંત પટેલ કહે છે, “ડિસેમ્બરથી માર્ચ સુધી દર વર્ષે વાયરલ બીમારીઓનો વાયરો આવતો હોય છે. કોરોનાથી લોકોએ ડરવાની જરૂર નથી. કોઈપણ મહામારી બાદ લાંબા સમય સુધી રોગ રહે છે. કોરોના અત્યારે નોટિફાયેબલ ડિસીઝ છે એટલે તેની નોંધ તત્કાલ લેવાય છે. તેની સામે ઝાડા, ઉલ્ટીના કેસોની સંખ્યા ઘણી વધારે છે પણ તેની એટલી નોંધ લેવાતી નથી. બીજુ કારણ એ કે વાયરૉલૉજી લૅબ પહેલાં નહોતી અત્યારે લૅબ અને ટેસ્ટની ઉપલબ્ધતા છે એટલે તરત પકડાઈ જાય છે. પરંતુ કોરોનાની ગંભીર પરિસ્થિતિ ઊભી થાય એવી પરિસ્થિતિ જણાતી નથી.”

તેઓ ઉમેરે છે, “રસીની રોગપ્રતિકારક શક્તિ 10-12 મહિના રહે છે. એટલે કોવિડના શોટ દર વર્ષે લેવા પડે. પરંતુ તે સરકારને ક્યા સુધી પરવડી શકે તે સરકારનો નીતિ વિષયક નિર્ણયને આધિન બાબત છે. કોરોના જેમને થઈ ગયો છે એમને ઇમ્યુનિટી આવી ગઈ હશે પણ વૅરિયન્ટ બદલાય એટલે તેની થોડી અસર થાય.”

બીબીસી ગુજરાતી

ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ મદદ કરી શકે છે?

વાઇરલ તાવ H3N2થી વૃદ્ધોએ ખાસ સાવચેત રહેવાની જરૂર હોવાનું કહેવાઈ રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાઇરલ તાવ H3N2થી વૃદ્ધોએ ખાસ સાવચેત રહેવાની જરૂર હોવાનું કહેવાઈ રહ્યું છે

દિલ્હીની ઍકોર્ડ હૉસ્પિટલના યુરોલોજી, યુરો-ઓન્કોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા ડૉ. સૌરભ જોશીએ હિંદુસ્તાન ટાઈમ્સને કહ્યું છે, "સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને ભલામણ કરી છે કે સીકેડી (ક્રોનિક કિડની ડિસીઝ) ધરાવતા વ્યક્તિઓ અથવા ડાયાલિસિસ પરના અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પછીના દર્દીઓએ વાર્ષિક ધોરણે ઈન્ફલ્યુએન્ઝાની રસી મેળવવી જોઈએ. સત્તાવાળાઓને સંવેદનશીલ વસ્તીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે તેમના સુધી ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ કાર્યક્રમને સુધી વિસ્તારવા વિનંતી કરવામાં આવી છે."

વર્તમાન અહેવાલોમાં પશ્ચિમના દેશોમાં ઇન્ફ્લુએન્ઝાની વાર્ષિક ધોરણે લેવાતી રસીની ચર્ચા થઈ રહી છે. વાર્ષિક રસીકરણની પશ્ચિમની જેમ આપણે ત્યાં જરૂરત ખરી કે એ ઇમ્યુનિટી ડાઉન કરી દેશે? ઇન્ફ્લુએન્ઝાના હાઉ અને રસી અંગે ડૉ. વસંત પટેલ કહે છે, “અમેરિકામાં ઇન્ફ્લુએન્ઝાની રસી કે જેને ફ્લૂ શોટ કહે છે તે લોકો દર વર્ષે લે છે અને તેમછતાં વર્ષે અમેરિકામાં 50 હજારના મૃત્યુ ફ્લૂથી થાય છે. તેની સામે એશિયન દેશોનું ઇમ્યુનિટી સ્તર ઘણુ વધારે જોવા મળ્યું છે.”

તેઓ ઉમેરે છે, “ઇન્ફ્લુએન્ઝા દર વર્ષે આવે છે. તેનું આપણે જિનોમ સિક્વન્સીંગ કરતા થયા એટલે તેના ટાઇપની ખબર પડે છે. બાકી એનાથી ગભરાવાની જરૂર નથી. ઇન્ફ્લુવેક, ફ્લુ ડેક જેવી તેની રસીઓ છે અને તેની 700 રૂપિયા સુધીની કિંમત છે અને તેની અસર 50 ટકા જેટલી આંકવામાં આવે છે.”

બીબીસી ગુજરાતી

શું કાળજી લેવી?

H3N2ના દર્દી કઈ બાબતોનું ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, H3N2ના દર્દી કઈ બાબતોનું ધ્યાન રાખવું?

H3N2થી અને અન્ય માંદગીઓથી બચવા માટે આપણી ખાનપાનની આદતો સુધારાય એ જરૂરી છે

ખાસ કરીને બાળકો અને યુવાનોએ ઘરનું ભોજન લેવું અને કડકપણે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ટાળવું

ઉપરાંત ઘરે બનેલું જ ગરમ ભોજન લેવું જોઈએ

ખાટાં ફળો લેવામાં આવે તો ઍલર્જીથી રાહત મળી શકે છે

ઉપરાંત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ H3N2થી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી.

શું કરવું?

  • માસ્ક પહેરો
  • ભીડવાળાં સ્થળોએ જવાનું ટાળો
  • શરદી-ખાંસી સમયે મોઢું-નાક ઢાંકો
  • આંખ અને નાકને અડવાનું ટાળો
  • ભરપૂર માત્રામાં પ્રવાહી લો
  • કળતર અને તાવ માટે પૅરાસિટામોલ લો

શું ન કરવું?

  • કોઈ પણ પ્રકારનો શારીરિક સંપર્ક ટાળવો
  • જાહેર સ્થળોએ ન થૂંકશો
  • ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા ન લો, ઍન્ટિબાયૉટિક ન લેશો
  • ભોજન કરતી વખતે અન્યોની નજીક ન બેસશો
  • હૃદયરોગ, કૅન્સર અને અકાળે મૃત્યુનું જોખમ ઓછું કરવા કેટલું અને કેવી રીતે ચાલવું જોઈએ?
બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી