You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં ધોધમાર પડશે?
ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ શરૂ થઈ ગયો છે અને તેની સાથે સાથે કેટલાક ભાગોમાં વરસાદ પણ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડ્યો છે જેમાં સાઉથ ગુજરાતમાં ડાંગ જિલ્લો આગળ છે.
આ ઉપરાંત સુરતમાં અને સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળે ઝાપટાં પડ્યાં છે જ્યારે કચ્છ જિલ્લો સૂકો છે અને ત્યાં ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે.
છેલ્લા ચોવીસ કલાકની અંદર ડાંગ જિલ્લાના આહવામાં લગભગ સાડા ચાર ઇંચ વરસાદ પડી ગયો છે. આ ઉપરાંત ડાંગના સુબીર અને વઘઈમાં 1.34 ઇંચથી 1.50 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડા, દાહોદના ફતેપુરા, વલસાડના ધરમપુર અને પારડીમાં 0.30 ઇંચથી એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
તેવી જ રીતે ડેડિયાપાડા, વ્યારા, નાંદોદ, સુરત શહેર, ગણદેવી, બારડોલીમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે.
બંગાળની ખાડીમાં સર્જાઈ વરસાદી સિસ્ટમ
હવામાન વિભાગના ડેટા પ્રમાણે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય લે તે માટે અનુકૂળ સ્થિતિ છે. આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાંથી પણ ચોમાસું વિદાય લેશે.
હાલમાં ઉત્તર પ્રદેશ પર સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.
બંગાળની ખાડી પર 25 સપ્ટેમ્બરની આસપાસ એક લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે. આગળ જતા તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિસ્ટમના કારણે પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને બીજા વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડ્યો છે. 26 અને 27 સપ્ટેમ્બરે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં પણ છૂટાંછવાયાં સ્થળે અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
આગામી દિવસોમાં કયા કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી?
27 સપ્ટેમ્બર, શનિવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.
28 સપ્ટેમ્બર, રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
29 સપ્ટેમ્બર, સોમવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
દરમિયાન અમદાવાદ અને પડોશના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધીનો વરસાદ
વરસાદના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં સરેરાશની તુલનામાં 110 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે.
કચ્છમાં સૌથી વધારે 136 ટકા વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં 96 ટકા વરસાદ પડ્યો છે.
એટલે કે સૌરાષ્ટ્રમાં ચાર ટકા વરસાદની ઘટ છે અને ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતમાં 120 ટકાની આસપાસ વરસાદ પડી ગયો છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 113 ટકા અને સાઉથ ગુજરાતમાં 115 ટકા વરસાદ નોંધાયો છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન